The Scorpion - 107 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-107

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-107

રાજા ધ્રુમન પાસે તીર આવીને પડ્યું. એમની નજર પડી એમણે તીર ઉઠાવ્યું અને જોર જોરથી હસવા માંડ્યા.. ત્યાં બીજું તીર એકદમ એમની પાસેથી પસાર થઇ ગયું. હવે એમની આંખો પહોળી થઇ ગઇ.. એમણે બાજુનાં ખડક પરથી એક પથ્થર ઊંચક્યો અને તીર જે દિશામાંથી આવ્યું ત્યાં જબરજસ્ત ઘા કર્યો.

સામેથી ઊહ કરતો અવાજ આવ્યો.. ધ્રુમનરાજા હવે સામેથી હુમલો થવાની રાહ જોવા માંડી. ક્યાંય સુધી ના કોઇ બીજો અવાજ કે તીર ના આવ્યું......

રાજા ધ્રુમને જે જડીબુટ્ટીઓ અને વનસ્પતિ એકઠી કરી હતી એની બાજુમાં જઇને બેઠાં... ત્યાં સામેથી એક વ્યક્તિ આવી રહી હતી માથે વનસ્પતિ બાંધી હતી. જેમ જેમ એ વ્યક્તિ નજીક આવી ધ્રુમન હાથ હલાવી ફરીથી હસ્યાં.

સામેની આવનાર વ્યક્તિ એમનાં પગ પાસે નમ્યો અને આશીર્વાદ લેવા હાથથી સ્પર્શ કરવા ગયો અને રાજા ધ્રુમને જોરથી લાત મારી.. “સા...લા.. મારાં ઉપર તીર ચલાવે છે ?” પેલાએ હવે મોઢેથી બાંધેલું કાળુ કપડું કાઢીને કહ્યું “રાજા હું તમને ચેતવણી આપી રહેલો તમારાં ઉપર ભય છે એ સમજાવવા માંગતો હતો હું મારવા થોડો તીર મારતો હતો ? મારું નિશાન અચૂક છે.... તમને ખબરજ છે.”

રાજા ધ્રુમનને આશ્ચર્ય થયું બોલ્યાં "મારાં ઉપર કોણ હુમલો કરે ? હું જંગલનો રાજા છું મોટો જડી બુટ્ટીનો જાણકાર કબીલાનો રાજા..... તું તો મારાં પગની ધૂળ છે...” રાજા ધ્રુમન.. એને તિરસ્કારી રહેલો. પેલાએ કહ્યું “રાજા કેમ આજે તમે મને આમ ધુતકારી રહ્યાં છો. વર્ષોથી હું તમારી પાસેથી દવાઓ લઇ જઊં છું રાજા રુદ્રરસેલ પણ તમારી દવાઓ મારી પાસેથી લે છે. હમણાં મારી કુંડળી કામ નથી કરી રહી બધી બાજુથી હું....”

રાજા ધ્રુમને હસીને કહ્યું “તારી જાતને હું જાણું છું. હમણાં આટલી દવાઓ લઇજા.. બધી હમણાંજ ઉતારી છે પણ પહેલાં મને પૂરા પૈસા ચૂકવી દે.. હું કબીલાનું જ હવે ધ્યાન રાખવાનો. શેષનારાયણાય હવે જંગલમાં કામ કરવાની મને મનાઇ કરી રહ્યાં છે. આમને આમ જડીબુટ્ટીઓ ઓછી થતી જાય છે. આમ પણ હવે મારો દિકરો રાવલો બધુ ધ્યાન રાખવાનો હું છેલ્લીવાર જ અહીં આવ્યો છું”

આવનાર રાજા ધ્રુમન સામે એવી રીતે જોઇ રહેલો કે.. ત્યાં ઘોડાનાં આવવાનાં અવાજ સંભળાયા રાજા ધ્રુમને કહ્યું “હવે તું પૈસા ચૂકવીને જઇ શકે છે વધુ વાત કરવા અને તારાં અહીં રોકાવવા અંગે જોખમ છે. “

પેલાએ એની બંડીમાંથી નોટોનું બંડલ કાઢ્યું અને રાજા ધ્રુમનને આપીને કહ્યું “આટલા રૃપિયા છે જો ઘટતાં છે તો આ પ્રવાહી.”. એમ કહી એક શીશી કાઢી ધ્રુમનને આપતાં કહ્યું “આ ખૂબ કિંમતી છે.. આસવને ચાર ચારસણી ચઢે એવો એક છે તમારી જડીબુટ્ટી કે અફીણથી પણ વધુ નશો છે.”

રાજા ધ્રુમને શીશી હાથમાં લેતાં કહ્યું “સમજી ગયો આ વીંછીનું ઝેર છે ને ?” એમ કહી શીશીને પોતાની બંડીનાં ખીસામાં પૈસા સાથે મૂકી દીધી.

ત્યાં ઘોડેસવારો વધુ નજીક હોય એવું લાગ્યું રાજા ધ્રુમન પેલાને ત્યાં એકલો મૂકી ગીચ ઝાડીની પાછળ સરકી ગયાં. પેલો ગુસ્સાથી લાલ થઇ ગયો. એણે રાડ પાડી કહ્યું “રાજા આમ પીઠ બતાવી ક્યાં સંતાવ છો ?” એમ કહી ધારીયું કાઢી એની પાછળ દોડ્યો.

રાજા ધ્રુમન ઝાડીમાં ક્યાં ઓગળી ગયાં એને ખબરજ ના પડી. એણે કહ્યું “એટલી વારમાં ક્યાં ગયો ?” એણે બુમ પાડી કહ્યું “ધ્રુમન મને બધી બાતમી મળી છે મારી માહીજા તારાં કબીલામાં આવી છે હું તને કે એને કોઇને નહીં છોડું.”

ત્યાં ઘોડે સવારો ત્યાં ઝાડી નજીક આવી ગયાં. રાવલાને આગેવાન સિપાહી નવલો ત્યાં આવી પહોંચ્યો એણે ઘોડાની રાશ એક હાથે પકડી બીજા હાથે લાંબી ડાંગ પેલા તરફ ઉગામી.

એટલીવારમાં રાવલો અને સૈનિકો આવી પહોંચ્યાં. પેલો ચારે બાજુથી ઘેરાયો. રાવલાએ ઘોડો એની સામે લાવી ઉભો રહ્યો. બોલ્યો એલ્યા “ગણપત આટલી સવારે અહીં ઝાડીમાં શું કરે છે ? અને આ જડીબુટ્ટીનો ઢગલો અહીં પડ્યો છે કોને પૂછીને ઉતારી બધી ?”

ગણપત હવે ખૂલ્લો થઇ ગયો એણે ધારીયા ને ઉગામીને કહ્યું “રાવલા મારાં રસ્તેથી હટી જા અહીં જંગલમાં તારાં એકલાનું રાજ નથી આ કુદરતી જડીબુટ્ટી પર મારો પણ હક્ક છે.”

રાવલો એની સાથે વાત કરે ત્યાં બીજા ઘોડે સવાર આવી ગયાં. મેજર અમને કહ્યું “રાજા પેલો અહીં હાજર છે ને ? અમને પાકી બાતમી મળી છે આ લોબો પણ આની પાસેથી માલ લેવા આવેલો છે”. રાવલાએ કહ્યું “મેજર તમારો શિકાર મારી સામેજ છે આજ છે નરાધમ જેણે જંગલ ઉજાડ્યું છે અને આ જડીબુટ્ટીઓ, અફીણ, વીંછી બધાનો ધંધો કરે છે.”

ત્યાં સુધીમાં ગણપતે રાવલા તરફ ધારીયું ઉગામી દીધું. રાવલો હટી ગયો થોડામાં બચી ગયો. ગણપતે ધારીયું ફેંકી એનાં ખીસામાં રાખેલી રીવોલ્વર કાઢી એ ટ્રીંગર દબાવે પહેલાં મેઝર અમને ટ્રીગર દબાવી દીધી... પેલાનો હાથ લોહીલુહાણ થઇ ગયો રીવોલ્વર હાથમાંથી છૂટી દૂર ફેંકાઈ ગઇ

મેજર અમન ઘોડાપરથી ઉતર્યા... રાવલો પણ ઉતર્યો ત્યાં ગણપત જંગલ તરફ ઘવાયેલો દોડવા લાગ્યો.. એ એનાં ઘોડા સુધી પહોંચે પહેલાં બીજી ગોળી છૂટી એનો પગ ધવાયો. એ ત્યાંજ બેસી પડ્યો.

મેજરે એનાં સિપાહીને ઇશારો કર્યો એ લોકો દોડીને ગણપતને ઘસડીને મેજર પાસે લઇ આવ્યાં. પેલાની આંખમાં અંગાર બળી રહેલાં એણે કહ્યું “મારો ગુનો શું છે ? શા માટે મને ગોળી મારી ? આ જડીબુટ્ટીતો રાજા ધ્રુમને મને આપી છે.”

મેજરે કહ્યું “જડીબુટ્ટી લીધી એ ગુનો નથી.... અત્યાર સુધીનાં તારાં ગોરખધંધા બધાં અમને ખબર છે અમે સ્કોર્પીયનને પકડવા આવ્યા છે અને તું આજે હાથમાં આવી ગયો.”

તારો સપ્લાયર શોનીક બસુ સ્કોર્પીયનનો શંકાશીલ ગુનેગાર હતો પણ એ સ્કોર્પીયન નહોતો બધુ સાબિત થઇ ચૂક્યું છે.”

મેજર અમને લોબોને પૂછ્યું “આજ છે ને ? સ્કોર્પીયન ?” લોબો ગણપત સામે જોઇ રહેલો કંઇ બોલ્યો નહીં. રાવલાએ મેજર અમન સામે જોયું બંન્ને જણાં અવઢવમાં પડ્યાં, પછી રાવલાએ લોબોને જોરથી થપાટ મારી બોલ્યો “બોલ મોઢામાં મગ ભર્યા છે ?” અને લોબો બોલ્યો......



વધુ આવતા અંકે ---- પ્રકરણ-108