Kalmsh - 18 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | કલ્મષ - 18

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

કલ્મષ - 18



પોતે આટલી સરળતાથી અતીતની કબૂલાત કરી શકશે એવું તો વિવાને ધાર્યું ન હતું. પોતાને જ ક્યારેક લઘુતાગ્રંથિથી ઘેરી મૂકતા કામની વાત ઈરાને કહેવી કઈ રીતે એ પ્રશ્ન તો ઘણીવાર પજવી જતો. એ માટે જવાબ પણ હાથવગો હતો. ઇરા સાથે કદાચ જિંદગીમાં ફરી મુલાકાત જ ન થાય તો પછી આ બધી વાતનો ક્યાં ઉલ્લેખ જ થવાનો ? પોતાનો જ એ જવાબ શાંતિ તો આપતો પણ ક્ષણભર માટે. એ ઉત્તર સાથે જ મનમાં એક કસક ઉદભવત .
ઇરા હવે જિંદગીમાં ક્યારેય નહીં મળે ?

અને ઈરાનું આમ અચાનક આવી ચઢવું. આ સમય આવશે અને એ પણ આટલો જલ્દી એવી કોઈ ધારણા મનમાં નહોતી. છ વર્ષ તો લાંબો સમયગાળો ન કહેવાય. પણ, સમયમાં ઇરાના સ્વભાવમાં , એના વિચારોમાં ધરખમ પરિવર્તન આવ્યું હતું. અન્યથા ઇરા સામે આ નિખાલસ કબૂલાત કરવા વિષે જો લાંબો સમય વિચારવું પડ્યું હોતે તો શક્ય છે વિવાનની હિંમત જ ન થઇ હોત. ઈરાના સ્વભાવમાં આવેલા અસાધારણ બદલાવને કારણે જ કદાચ આ વાત કહી દેવાનું અઘરું ન લાગ્યું વિવાનને.

વિવાનના નિશ્વાસ સાથે અધૂરી મુકાયેલી કહાનીએ ઈરાના મનમાં ચક્રવાત સર્જી દીધો હતો. પણ, વિવાનની વાત અહીંથી ખતમ ન થતી હોય તેમ તેના હાવભાવ કહેતા હતા. થોડીવાર ચૂપ રહ્યા પછી પણ ઇરા તરફથી કોઈ પ્રતિભાવ ન આવ્યો એટલે મૌન તોડવાની શરૂઆત પણ વિવાને જ કરવી પડી.

'ઇરા, હવે પાછળ ફરીને જોતાં લાગે છે કે મારી આર્થિક માનસિક અને ભાવાત્મક અસલામતીએ મને એવો તો તોડી નાખ્યો હતો કે તે સમયે આ સસ્તું ગલીચ સાહિત્ય લખવાનો વિકલ્પ એકમાત્ર સહી જણાયો હતો.
જવાબમાં ઇરા કશું ન બોલી બલ્કે હળવેથી માથું હલાવ્યું. એનો અર્થ વિવાને તારવી લીધો : ઇરા પોતાની મજબૂરીને સમજી શકી ખરી.

ફરી એકવાર મૌનનું સામ્રાજ્ય છવાઈ રહ્યું.
આ વખતે ઇરાએ શરૂઆત કરી. : પછી?
'પછી શું ? એમ જાણવા માંગે છે ? વિવાને ગળું ખંખેર્યું.
'હમ્મ ' ઇરાએ આંખની જ જવાબ આપ્યો.

ઈરાના આટલા પ્રતિભાવે વિવાનની આંખમાં આશાનો એક ચમકારો રોપી દીધો.

'પછી શું ? હા, એ મારે કબૂલવું રહ્યું કે પહેલીવાર આ પ્રકારના કામની શરૂઆત કરી રહ્યો હતો. રાત્રે ગૂગલ પર આ પ્રકારની પોર્ન સાઇટ્સ શોધી , થોડી લવસ્ટોરીઓ તો મારે મારી કલ્પનાશક્તિથી નિપજાવવાની હતી. સાચું કહું તો આ કામ મેં જેટલું ધાર્યું હતું એટલું સરળ પણ નહોતું.પરંતુ , વર્ક ઇઝ વર્શિપ ધોરણે એ કામ કરવા માંડ્યું .પહેલું પુસ્તક લખતા મને લગભગ ચાર મહિના થયા હતા. એક લવસ્ટોરી જેમાં વાત હતી કુંવારી લાગણીઓને સમયની હવા લાગતાં તેમાં આવતાં પરિવર્તનોની , માનવીની સુષુપ્ત ઈચ્છાઓની , વર્ષો સુધી ધરબાયેલી કુંવારી વાસનાઓને કેન્દ્રમાં રાખીને વાર્તા લખતાં ખાસ્સી કલ્પનાશક્તિ કામે લગાડવી પડી હતી. લોકો જેને ગલીચ કે સસ્તું સાહિત્ય કહે છે એમાં પણ તર્ક લગાડવાની મહેનત તો કરવી પડે ને... એની સરખામણીમાં મહાપુરુષોના જીવન પર આધારિત વાર્તાઓ, ચિત્રકથાઓ લખવી સહેલી હતી એમ તો ન કહેવાય પણ સરળ તો જરૂર હતી. કારણ કે એમાં પ્લોટ તૈયાર હતો. જેમ કે તૈયાર કેકની ઉપર આઈસીંગ કરવાનું હોય એમ...

આ સમય દરમિયાન ન તો અનંગનો ફોન આવ્યો કે ન કોઈ ઉઘરાણી કરતાં ઓફિસના આર્ટિસ્ટનો ફોન. કોઈએ યાદ પણ નહોતો કર્યો છતાં લગભગ ચાર મહિના પછી મેં ત્રિપાઠીની ઓફિસમાં પગ મૂક્યો.

દિનકર ત્રિપાઠીની મોટી હવા ઉજાસવાળી કેબિનની શકલ ફરી ગઈ હતી. કેબિનની બહાર તકતી ઝૂલતી હતી અનંગ ત્રિપાઠી, પ્રેસિડન્ટ, મેનેજીંગ ડિરેક્ટર. દિનકર ત્રિપાઠીના સમયમાં કોઈ વાતની ફોર્માલિટીઝ નહોતી. દિનકરજી સાથે ગમે એટલા માણસો હોય ,ગમે એ કક્ષાના હોય તેમની પાસે વિના કોઇ અપૉઇન્ટમેન્ટ જઈ બેઝિઝ્ક પોતાની વાત રજુ કરી શકતા. હવે તો મોડર્ન ફર્નિચરથી લઈને નવયુવાન સ્ટાફથી ઉભરાતી ઓફિસમાં એર કંડીશનરની હવા પણ કૃત્રિમ સુગંધથી તરબતર હતી. હું તો દર વખતે જતો હતો એમ પહોંચી ગયો હતો, વિના કોઈ અપોઈન્ટમેન્ટ , મારે અડધો કલાક રાહ જોવી પડી.

કેબિનમાં પ્રવેશ્યો ત્યારે જોયું કે ત્રિપાઠી એન્ડ સન્સ હવે દિનકરજીની સંસ્થા રહી નથી. હવે જૂની આંખે નવા તમાશા જોવાનું દુઃખ અનુભવવા કરતા વહી રહેલા પ્રવાહ સાથે વહી જવું એ જ બહેતર વિકલ્પ હતો.

'આવો આવો વિવાન ' કહેતા હેન્ડ શેક કરવા અનંગ ચેરમાંથી ઉભો થઇ ગયો . અનંગમાં એક વાત હતી. એ કરતો મનનું ધાર્યું પણ આચાર વિચારમાં દિનકરજીની સજ્જનતા એનામાં નખશીખ ઉતરી આવી હતી. થોડી આમતેમની વાત કર્યા પછી સીધો જ બિઝનેસની વાત પર આવી ગયો.

'તો શું લાવ્યા છો ? ' વિવાનની નજર મારી સ્ક્રિપ્ટ પર હતી. મેં મારા ખલતામાંથી સ્ક્રિપ્ટ બહાર કાઢી ને ટેબલ પર મૂકી.

'અરે આ શું ? તમે મહાભારત લખી લાવ્યા કે રામાયણ ? આટલી મોટી સ્ક્રિપ્ટ ? અનંગ મશ્કરી કરતો હોય તેમ દાઢમાંથી બોલી હસ્યો.

' મહાભારત કે રામાયણ તો નહીં પણ એક નવલકથા , શૃંગારરસ પર આધારિત છે. માત્ર યુવાનોને જ નહીં પણ આથમતી જવાનીના કિનારે ઉભેલા લોકોને પણ ગમશે .

એક આશાનું કિરણ હતું કે પોર્નો તો નહિ પણ જે વિશ્વમાં સોફ્ટ પોર્ન તરીકે લેખાય છે તેવી કાલ્પનિક નવલ યુવાનથી આધેડ દર શ્રેણીના લોકોને આકર્ષશે.

'ઓકે , ચાલો તમારી વાત માની પણ લઈએ ને આ બુક છાપીશું તો એનો ખર્ચ પ્રતિ કોપી કેટલો આવે ખબર છે?'

'લગભગ ચાલીસેક રૂપિયા જેટલો ? ' મેં અડસટ્ટે અનુમાન કર્યું .

'રાઈટ , વિવાન , એકદમ સાચી કિંમત અંદાજી પણ હવે એને વેચવાની કઈ કિંમતે? અનંગના મનમાં શું ગણતરી ચાલી રહી હતી તેનાથી હું સભાન નહોતો.

'તમે તો ફરી ફરીને પછી સંસ્કારવાંચનની ફોર્મ્યુલા જ લઇ આવ્યા.. ' અનંગના ચહેરા પર રહેલું સ્મિત અદ્રશ્ય થઇ ચૂક્યું હતું. એના કપાળે ખેંચાયેલી રેખાઓ સાફ કહેતી હતી કે એ આખી વાતથી ખુશ નથી. '

'તો તમને જોઈએ છે શું ? ' વિવાને ધીરજ ગુમાવી અધીરાઈથી પૂછી લીધું.

'મને શું જોઈએ છે ? ' અનંગ માર્મિક હસ્યો: મને જોઈએ છે પુસ્તકની વેચાણ કિંમત રૂપિયા 20થી વધુ ન હોવી જોઈએ.

'એટલે ? એ કઈ રીતે શક્ય છે ? '

'બિલકુલ શક્ય છે વિવાનજી, અનંગનો સ્વર નીચો અને ઘૂંટાયેલો હતો. : જુઓ , મને જોઈએ છે પ્યોર પોર્નોગ્રાફી , જેમાં સ્ટોરીલાઇનનું કોઈ મહત્વ જ ન હોય , જેને પુસ્તક કહેવા કરતા ચોપડી કહેવું વધુ યોગ્ય રહે. પાનાં પચીસ ત્રીસ. છાપવાની કિંમત રૂપિયા પાંચ થી પણ ઓછી , કારણકે આપણે ટનબંધ પ્રિન્ટ કરીશું , વેચાણ કિંમત રૂપિયા 15 કે પછી વધુમાં વધુ 20. '

અનંગ પોતાની રોકિંગ ચેર ઘૂમાવતો બોલતો રહેતો . જે સ્પીડમાં એની રોકિંગ ચેર ફરતી રહેતી એ જ ગતિ એના મગજમાં દોડતાં ઘોડાની હતી. એને પહેલા જ વર્ષમાં કંપનીને ચારગણો નફો કરતી કરી નાખવી હતી.
વિવાન સ્તબ્ધ બનીને અનંગની વાત સાંભળતો રહ્યો.એની પાસે બીજો રસ્તો પણ શું હતો ?

છતાં એક છેલ્લો પ્રયત્ન કરી જોયો : માન્યું કે તમને આ સ્ક્રિપ્ટ પસંદ ન આવી પણ તમે હજી વિચારી જુઓ. આ પ્રકારના પુસ્તકો હવે લખાતા પણ નથી. વિવાને હથિયાર હેઠાં નાખી દેતા કહ્યું.

'ઓકે. તમારી વાત ન માનવાનું પણ કોઈ કારણ નથી પણ તમે જલ્દીમાં જલ્દી આ ચોપડીઓનું કામ આગળ ધપાવો. અને જરૂર પડશે તો આટલાં મોટા વોલ્યુમના તો નહીં પણ થોડા વધુ સંક્ષિપ્ત પુસ્તકો પણ મૂકી શકીશું. અનંગના સ્વરમાં ઉતાવળ સ્પષ્ટ થતી હતી.

પછી ન રાત જોઈ ન દિવસ , ક્યારેક ક્યારેક આયનામાં રહેલો વિવાન પોતાને ઉદાસ આંખોએ ઝાંકતો એવી પ્રતીતિ થતી પણ આ પરિસ્થિતિમાં કોઈ છૂટકારો નહોતો.

બુકની રોયલ્ટી જેવી તો કોઈ સમજૂતી હતી જ નહીં. અનંગે એના કરતાં વધુ સરળ વ્યવસ્થા ગોઠવી હતી. માસિક મહેનતાણું વિવાનની બેંકમાં જમા થઇ જતું હતું. એ રકમ ખાસ હરખાવા જેવી નહોતી પણ દિનકર ત્રિપાઠીના સમયમાં મળતી રકમ કરતા ઘણી વધુ હતી.

'ક્યાં સુધી ચાલી આ વ્યવસ્થા ?' ઇરાએ વિવાનની વાતને અધવચ્ચે આંતરી.

'લગભગ ચાર છ મહિના , મારી જિંદગીનો સૌથી સંઘર્ષમય પિરિયડ।. દરરોજની એક ચોપડી. ' વિવાન ઢીલા સ્વરે બોલ્યો.

'ના વિવાન , એ કરતાં ઘણો કપરો સમય તે બાળપણમાં વિતાવ્યો હતો ને . મામાજી પાસે તારી વાતો મેં જાણી છે. ' ઈરાના અવાજમાં સહાનુભૂતિનો સૂર હતો.

'હા, એ ખરું પણ તે વખતની અસહાયતા અલગ હતી. એક બાળક તરીકે, એક કિશોર તરીકે. જે સંજોગોનો સામનો કરવો પડ્યો એ તમામ કાર્મિક બંધનો હતા. જયારે આ પુસ્તકો ને ચોપાનિયાંનું સર્જન કરવામાં હું નિમિત્ત બન્યો ત્યારે એક પરિપક્વ માણસ હતો. એવો યુવાન જેના દિલમાં ખરેખર દેશ માટે કશુંક કરી છૂટવાની તમન્ના હતી. પોતાની રીતે. પોતાના કર્તવ્યથી. દેશને માટે આદર્શ ગુણવાન નાગરિકવાળો સમાજ ઉભા કરવાની નેમને હું મારી જવાબદારી જ માનતો હતો. જોવાની ખૂબી એ છે કે મારા આ વિચારોને પ્રોફેસર સાહેબ અને દિનકર ત્રિપાઠી સમજી શક્યા પણ અનંગ નહીં.અનંગ એ વાત સમજવા જ નહોતો માંગતો કે આવી ગલગલિયાં કરીને ઉત્તેજના આપે તે ચોપડીઓ વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકે એક હતી. એમના કુમળા માનસની ગલીચ કરી શકે છે. દૂધ સાથે હળવી માત્રામાં ઝેર મિલાવવાનો પ્રયાસ હતો આ.

વિવાન બોલતા બોલતા હાંફી ગયો હોય એમ અટકી ગયો.

'એક જબરદસ્ત અપરાધભાવ મનને કોરી નાખતો રહ્યો આ સમય દરમિયાન. મનને કોઈ ચેન નહોતું. આર્થિક સમસ્યા તો ઉકેલાઈ ગઈ હતી પણ મનમાં હર ઘડી કોઈક કચવાટ ઘર કરી ગયો હતો. એ વખતે બધું છોડીછાંડીને ચાલી જવાની ઈચ્છા થતી. એક દિવસ કોઈને કહ્યા વિના નીકળી પડ્યો હતો અલ્હાબાદ માટે.પૂર્ણ કુંભમેળાનું આયોજન થયું હતું ને વિના કોઈ ઉદ્દેશે એ ત્યાં પહોંચી ગયો હતો. કુંભમેળા માટે પ્રાઇવેટ બસ ઓપરેટરોએ પૂનાથી અલ્હાબાદ જતી બસસેવા શરુ કરી હતી. પૂરાં અઠ્યાવીસ કલાકની થકવી દેતી મુસાફરી પછી અલ્હાબાદ પહોંચ્યો હતો ત્યારે આખું શહેર જાણે યુદ્ધમેદાનમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ હતી. જ્યાં જુઓ ત્યાં ભારતભરમાંથી ઉમટી આવેલા સાધુસંતોનો જમાવડો અને ઠેકઠેકાણે ઉભી કરાયેલી રાવટીઓ. તેની પર ફરકતી ધજા એ રાવટી, મઠ અને સંપ્રદાયની ઓળખ આપવા પૂરતી હતી. સાધુ, મહંત અને સંસારીઓની ભીડ જામી હતી. તેના કારણે ઊડતી રજ આખા વાતાવરણમાં હતી.

એ સમયે કોઈ હોટેલ કે વીશીમાં જગ્યા હોય તે શક્ય જ નહોતું એટલે એ એક રાવટી પાસે પરબ મંડાઈ હતી ત્યાં આવીને બેસી ગયો. થાકથી શરીર ચૂર થઇ ગયું હતું. ભૂખ પણ માથે ચઢી હતી. બસમાં ઊંઘ તો થઇ નહોતી. ઉજાગરાને કારણે આંખોના ખૂણાએ રતાશ પકડી લીધી હતી. તેમાં થોડી વધી ગયેલી દાઢી. એક સાથે ત્રણ ચાર પ્યાલા પાણી પી ગયો. સાથે બેઠેલા ભભૂતિગ્રસ્ત સાધુએ ચિલમ ધરી ત્યારે ખ્યાલ આવ્યો કે પોતાને કોઈ સાધુઓ સાથે ફરતા શ્વેતામ્બરી સજ્જન સમજી લે એવો દેખાય છે.

એ સાધુને સમજાવ્યું કે પોતે તો સંસારી છે. રહેવા માટે જગ્યા શોધે છે.

'અરે, ઢૂંઢના ક્યા હૈ ? ભીતર ચાલે જાવ. સબ ભૂમિ ગોપાલ કી. કહીને બાવાએ ચિલમનો ઊંડો કશું ખેંચ્યો. જાણે આ સંદેશ આપવા આવ્યો હોય તેમ આ સાધુ ભીડમાં અલોપ થઇ ગયો.

અંદર ગયા વિના કોઈ વિકલ્પ પણ નહોતો. એ અંદર ગયો. મોટી રાવટીનીઅંદર ચારેબાજુ નાના નાના ખંડ હતા.વચ્ચે એક વિશાળ ખંડ હતો જ્યાં બેઠા હતા સ્વામી નિર્ભયાનંદજી. જે પોતાના ભક્તો , મુલાકાતીઓની સાથે વાતચીતમાં મશગૂલ હતા.વિવાનને જોયો એવો જ એમણે જમણો હાથ ઊંચો કર્યો. આવકાર આપતા હોય તેમ. જાણે કોઈ ઓળખાણ જાગતી હોય. વિવાને દૂરથી ઉભા ઉભા જ નમસ્કાર કર્યા.

થોડીવારમાં સ્વામીજીના ભક્તો વિખેરાયા પછી નિર્ભયાનંદજીએ વિવાનને પોતાની પાસે બોલાવી બેસાડ્યો. સ્વામીજીની નજર એકટશ વિવાનને જોતી હતી. વિવાનને લાગ્યું કે કોઈક શક્તિમય જ્યોતિ એના મસ્તકથી લઇ પગના અંગૂઠા સુધી ઉતરી રહી છે. વિવાને પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે , શું કરે છે એ તમામ વિગતો સ્વામીજીના વિના પૂછે આપી દીધી.પોતે માત્ર કુતુહલતા સંતોષવા કુંભમેળામાં આવ્યો છે એ સાંભળીને જવાબમાં સ્વામીજી મંદ મંદ સ્મિત વેરતા રહ્યા.

'વિવાન, તારું અહીં આવવું એમ જ નથી નક્કી થયું. તને લાગે છે તું બસ તફરી કરવા આવી ચઢ્યો છે પણ , ના કોઈક કારણ તને અહીં ખેંચી લાવ્યું છે. '
વિવાન અને સ્વામીજીની વાત લાંબી તો ન ચાલી. હજી ઘણા લોકો મળવા માટે રાહ જોઈ રહ્યા હતા. વળી સ્વામીજીનો સંધ્યાપૂજાનો સમય થતો હતો.
સ્વામીજીએ પોતાના અનુયાયીને બોલાવીને વિવાનના ઉતારાની વ્યવસ્થા કરાવી દીધી હતી. બીજે દિવસે મળવાનો સમય નક્કી કરીને વિવાને વિદાય લીધી.

સવારમાં અનુયાયીના ટોળેટોળાં ઉમટવા શરુ થઇ ગયા હતા. સ્વામીજી એ બધામાં વ્યસ્ત હતા પણ અગલે દિવસે ઉતારાની વ્યવસ્થા કરનાર સેવક સુબોધ વિવાન સામે હાજર હતો. સ્વામીજીએ વિવાનને ક્યાં ક્યાં લઇ જઈ શું કરવું બધી વિગતો એને આપી દીધી હતી.
અલ્હાબાદમાં થતા ત્રિવેણી સંગમ પર જઈ સ્નાન અને પૂજા પતાવી વિવાન કુંભમેળાની પરિક્રમા કરવા લઇ ગયો. એક અજબ વિશ્વ હતું . સંસારીના વિશ્વથી સાવ અનોખું એવું સાધુઓનું વિશ્વમિલન.
ચાર પાંચ કલાક ક્યાં નીકળી ગયા ,મોડી બપોરે વિવાન પાછો ફર્યો ત્યારે સ્વામી નિર્ભયાનંદજી તેની રાહ જોતા હતા.

'વિવાન , તું ભોજન આદિથી પરવારી જાય એટલે અહીં આવ મારે કામ છે.' સ્વામીજી તો બોલીને ફરી સામે બેઠેલી વ્યક્તિ સાથે વાતમાં લીન થઇ ગયા.
થોડીવાર પછી વિવાન સ્વામીજી પાસે આવ્યો. હજી પણ પેલી વ્યક્તિ તો ત્યાં જ બેઠા હતા.
'વિવાન , આમને મળ , આ છે શેઠ ભગીરથ ગોસ્વામી. મુંબઈના અગ્રગણ્ય પ્રકાશન સંસ્થાના માલિક. એમની પાસે એક ભીષ્મ પ્રકલ્પ છે હિન્દૂ સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર કરવાનું બીડું એમને ઉઠાવ્યું છે.
વિવાનનું હૃદય એક પળ માટે ધબકારો ચૂકી ગયું.

આ આખી વાત એક ચમત્કાર નહીં તો શું હતી ?

ક્રમશઃ

--
Pinki Dalal

Author , Novelist, Traveller, Blogger

Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004

Mobile: 91 9167019000
pinkidalal.wordpress.com
pinkidalal.blogspot.com

---------- Forwarded message ---------
From: Pinki Dalal
Date: Wed, 29 Jul 2020, 23:35
Subject: પ્રકરણ 18
To: Pinki Dalal , pinki dalal


Show quoted text