સાકર અને નાનજીનો સંસાર
●●○○○●●●●○○○○●●●●○○○●●●●○○○○
ગૌધુલીવેળા થઈ નાનજી ફળીયામાં બેઠો બેઠો હુક્કો
ગડગડવતો હતો ,એ એની ધૂનમાં સાકરને વિસરી જ
ગયો.બીજી બાજું સાકર અંદરનાં ઓરડામાં કોઠાબાજું
ખુલતાં કમાડનાં ઉંબરે બેઠી હતી.બંને વચ્ચે એકપણ
શબ્દની આપ -લે હજી થઈ નહોતી.
બાજુમાં એકલા રહેતાં બઘીઆઈએ ઘરમાં ડોકિયું
કર્યું અને નાનજી ને ઉધડો લીધો."આમ શું બેસી ગ્યો?
તારા આ અવાવરૂ ઘરમાં વવ (વહું) શું કરે?હાલો મારે ઘેર
રોટલાં ઘડી નાખી.કાલ અમે ફળીયાંની બાયું (બહેનો-
સ્ત્રીવર્ગ) સંધુય (બધું જ) સરખું કરી નાખશું"આઈએ
સાકરનાં માથા પર હેતાળ હાથ ફેરવ્યો. અને પોતાનાં ઘરે
લઈ આવ્યાં. સાકરનાં મોઢાં પરની મુંઝવણ પારખી
આઈએ એને પોતાની પાસે રાત રોકી લીધી.
બીજા દિવસે નાનજી વહેલી સવારે વાડીએ ગયો કે
તરત ફળીયાંની સ્ત્રીઓ આવી પહોંચી .દેવકી ,ગંગા,
રાજલ જેવી નવવધુઓ સાથે સંતોષ,જીવી જેવી
આધેડ સ્ત્રીઓ ને વડીલ બઘીઆઈ. નવું લીંપણ થઈ
ગયું,ફળિયું સરખું થયું,તુલસી ક્યારામાં માંજર
નખાયાં ,કોઈ નદીએ જઈ મરીનાં(ગોદડાં રાખવાનું એક
જાતનું કવર) બધા ગોદડાં ધોઈ આવ્યું.તો કોઈએ
પટારામાંથી તાંબા પિતળનાં વાસણ કાઢી લીંબું અને
છાશ ઘસી ઉજળા કરી નાખ્યાં લીલી સફેદ છારીવાળો
ગોળો ય બદલાઈ ગયો. સહુનાં ઘરેથી થોડું થોડું સીધુ
સામાન આવ્યું .ઉંબર પુજાયા પાણીયારું પુજાયું અને
સાંજ સુધીમાં તો મગ લાપસી બની ગયાં અને ગોખલામાં
બનેલ મંદિરમાં ધૂપ-દીવા પણ થઈ ગયાં.
કોઈનાં ઉપર હેત આવે કે તરત જ બહેનપણાં થાય
એવો સાકરનો સ્વભાવ હતો નહીં.એણે સંવેદનાઓને
ક્યાંક અંદર ધરબી દીધેલી,છતાં છાનાખૂણે સંવેદનાઓ
ક્યારેક ડોકિયું કરી લેતી.સાકરને આ કાળજી આ
લાગણી સ્પર્શ્યા વિના ન રહી ,જોકે એનો પડઘો ન પડ્યો
એનાં વર્તનમાં.બધી સ્ત્રીઓએ એક જ દિવસમાં સાકરનાં
સંસારરથને પૈડાં આપી દીધાં.
સાંજે નાનજી પાછો ફર્યો ત્યારે,દીવા અને લાપસીની
સાથે સાથે તાજા સાફ થયેલાં ઘરની સુગંધ એનાં નાકમાં
પ્રવેશી, એ નિર્લેપ આદમીનેય ઘડીભર માટે ખુશી થઈ
આવી.
આ રીતે ધીમે ધીમે જીવન ગોઠવાવાં લાગ્યું. નાનજી
રોજ પહેલાં પ્રહરમાં ઉઠે,નદીએ નાહી પ્રભાતિયાં ગાતો
પાછો આવે ત્યાં શિરામણ તૈયાર હોય,શીરાવીને ખેતર
જાય.સાકર ઘરનું બધું કામ આટોપી ભાત (જમણ) લઈ
વાળીએ જાય.ખેતરમાં ઘાસ વાઢવાં પાક લણવાં
જેવાં નાના મોટાં કામ કરે.બપોરાં કરી રોંઢે પાછી ફરે
સાથે નાનજી ક્યારેક શાક પાંદડું તો ક્યારેક બદામ ,ગોરસ
આંબલી મોકલે.રાતે વાળું કરીને નાનજી ફળીયામાં જ
ઢોલીયો ઢાળી દે.ગાડાનાં બે પૈંડાની જેમ બંને સંમાતરે
તાલ મિલાવી ચાલતાં થયાં હતાં પરંતું એ પૈંડાની
નિર્જીવતા બેઉંમાં રોપાયેલી હતી.
બંને વચ્ચે બહું ઓછી અને ટુંકી વાતચીત
થતી .એકાદ -બે શબ્દોની આપ -લેમાં કામ ચાલી
જતું.એક દિવસ સાકરે કહ્યું"એક ગાવડી બાંધી લય
તો". અને એ બંનેમાં જીવનમાં એક જીવનો વધારો
થયો.'ગોદાવરી' નામની ગાયનો.માંજરમાંથી તુલસી
ફુટ્યાં એ ખડકીમાં ધીમાં પગલે પ્રાણ પુરાવાં
લાગ્યાં .બે અજાણ્યાં વચ્ચે ધીમેધીમે પરિચિતતાં
કેળવાવાં લાગી.
જેઠ મહિનો હતો ,અસહ્ય ઉકળાટ અને બફારા પછી
સમીસાંજથી વરસાદ ચાલું થયો ,નાનજી નો ઢોલીયો
પહેલીવાર ફળીયાંને બદલે ઘરમાં ઢળાયો. એ વરસે
ચોમાસું ખૂબ સારું રહ્યું, અષાઢી હેલીએ વાડીએ જતી
ગાડાં કેડીમાં પણ પાણી ભરી દીધાં તે સાત - આઠ
દિવસ વાડીએ પણ ન જવાયું. એ ચોમાસામાં નાનજી
અને સાકર પણ બે અજાણ્યાં રાહદારીમાંથી પતિ પત્ની
બની ગયાં.નવાં નવાં લગ્નજીવન છલકાતો એ પ્રેમ તો ન
જ પાંગર્યો ,એ બેઉનાં અંતર ઉલેચાઈને ખાલીખમ જ
પડ્યાં હતાં.સાકર બીજાની સામે નાનજી નો ઉલ્લેખ
"ખેડું"તરીકે કરતી.
નવરાત્રીમાં ફળીયાંની બધી સ્ત્રીઓ માતાની આરતી
કરે રાસડાં લે ,સાકરનાં પગ ન ઉપડે એ તો ઓટલે બેસી
જોયા કરે અને છોકરાઓને સાચવે. આ નાનાં
વહાલુંડાઓ એ એનાં મનમાં એક સપનું જગાડ્યું. એને
ફળીયામાં કાયમી કીલકારીઓ ઉઠે એવી ઈચ્છા થઈ,
મનમાં નવો તરવરાટ જાગ્યો.
સાકરની આતુરતા પર સમયની ધૂળ બાઝવાં
લાગી.રાહ લંબાતી ગઈ. જોતજોતામાં પાંચ વર્ષ નીકળી
ગયાં.એ તરવરાટ તો ક્યારનોય સમી ગયો.એની
આસપાસ થોડો ગણગણાટ થવાં લાગ્યો.સાકર માટે
બધાને માયા એટલે એની સામે કોઈ વાતનો ઉલ્લેખ ન
થાય એનું સહું ધ્યાન રાખતાં.નાનજી જ્યારે વાડીએ
રાતે રખોપું કરવાં જતો ત્યારે ફળીયાંની સ્ત્રીઓ કોઈ ને
કોઈ બહાનું કરી પોતાનું બાળક સાકરને સોંપી
જતી .સાકર સરસ હાલરડાં ગાતી ,વાર્તાઓ કહેતી
સમયનો એ ટુકડો સંતોષથી ભરપૂર રહેતો.
બીજા પંદર વરસ વહી ગયા.સાકરની આંખોમાં પાછી
એ જ ઉદાસી લિંપાઈ ગઈ. સાકરને માનો અભિશાપ
યાદ આવ્યા કરતો.એક દિવસ ખેડૂ વાડીએથી પાછો
આવ્યો ત્યારે એને થોડું અસુખ થયું ,એનાથી બોલાઈ
ગયું"હવે જાજા વરહ ખેતી નઈ થાય મારાથી".સાકરે
અચાનક નાનજીનાં સફેદ વાળ અને મોઢાં પર પડેલાં
ચાસની નોંધ લીધી.એ આખી રાત એ પડખાં ઘસતી રહી
એને કોઈપણ ભોગે માનાં વેણ સાચા નહોતા થવાં
દેવાં..સવાર સુધીમાં નિર્ણય લેવાઈ ગયો.
દરેક વખતે અજંપાભરી રાતો સાકરનાં જીવનપ્રવાહની
દીશા બદલતી રહી,આ વખતે જીવન કઈ દિશામાં ફંટાઈ
જવાનું હતું?
વાચકમિત્રો મારી સાથે જોડાતાં રહો ખૂબ ખૂબ આભાર.
આપનાં મંતવ્યો આપતાં રહો.
ડો.ચાંદની અગ્રાવત .