Kasak - 27 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 27

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

કસક - 27

તેઓ બનારસ લગભગ દોઢ દિવસે પહોંચ્યા. લગભગ બપોરના ચારેક વાગ્યાની આસપાસ. આમતો વહેલા પહોંચી જવું જોઈએ હતું પણ રસ્તામાં એક જગ્યાએ એક્સિડન્ટ થયો હોવાથી થોડું ટ્રાફિક નડ્યું અને અધુરામાં પૂરું ટ્રકમાં પંચર પડ્યું. ત્યાં સુધીમાં તો આરોહી દિલ્હી પહોંચી ગઈ હતી.તે તેટલો થાકેલો હતો કે તે એક હોટલની રૂમ લઈને તેમાં સુઈ ગયો અને ઉઠ્યો રાતના નવએક વાગ્યે. તે પણ તેને ભૂખ લાગી હતી એટલે. તેણે ખાધું ના ખાધું અને હજી તેની ઊંઘ બાકી રહી ગઈ હોય તેવી લાગણી થઈ. તે પાછો સુઈ ગયો અને ઉઠ્યો સીધા સવારના સાડાત્રણ વાગ્યાની આસપાસ. બનારસમાં સાડા ત્રણ વાગ્યે વાગ્યે ઉઠવું સામાન્ય વાત છે.ત્યાં સાડા ત્રણ વાગ્યે સવાર પડી જાય છે.તે નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને હવે તેની પાસે એક માત્ર કપડાં પડ્યા હતા જે સારા હતા બાકીના બે જોડી કપડાં તો મેલા થઈ ગયા હતા.

બનારસ જેનું જૂનું નામ કાશી અને વારાણસી છે. બનારસ આવી ને બનારસ ના જોવું તે કેવી વાત થઈ. તેણે આ જગ્યા વિશે થોડું ઘણું સાંભળ્યું હતું.થોડું ઘણું જોયું હતું. તેણે જે પણ સાંભળ્યું અને જોયું હતું તે સારું હતું.તેણે સાંભળ્યું હતું કે અહીંયા આવીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.આ ભારતની પવિત્ર જગ્યાઓ માંથી એક છે.અહીંયાંથી ગંગા નદી પસાર થાય છે આટલું તો દરેક ભારત વાસી બનારસ વિશે જાણે છે.જો ના જાણતા હોય તો જાણવું જોઈએ. જો અહિયાં આવીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી હોય તો કવન માટે આ ઉત્તમ જગ્યા હતી.તેણે અહીંયા કંઈજ જોયું નહોતું પણ કઈંક ધૂંધળું યાદ હતું કે અહિયાંથી ગંગા નદી પસાર થાય છે.

કોઈપણ સારી જગ્યાએ આત્મજ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે મનથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સક્ષમ બનો છો.

સવારે સાડા ચાર વાગ્યે તે હોટેલની બહાર આવીને તે એક કડક મીઠી ચા શોધવા મંડ્યો, જો કે અહીંયા સાડા ચાર વાગ્યે પણ માણસો ઘણા બધા દેખાતા હતા. કેટલાક પંડિતો નાહી ધોઈને તૈયાર થઈને પૂજા કરવા માટે જતા હતા. જ્યારે આપના ઘરમાં કથા હોય છે ત્યારે વાતાવરણ કેવું એકદમ ધાર્મિક લાગે છે.તેવું જ બનારસ માં આવીને કવનને લાગતું હતું.તેણે એક ચા ની દુકાન માંથી કડક મીઠી અને માટીની બનેલી કુલલ્ડ માં ચા પીધી.ચા પીને શરીરમાં ગરમાવો આવી ગયો.અહીં ઠંડી થોડી વધુ હતી કદાચ આ શહેર નદી કિનારે વસેલું છે માટે તેવું હશે. તેને ખબર નહોતી કે બનારસમાં શું આવેલું છે.ના તો તેની પાસે મોબાઈલ છે કે ગૂગલ કરીને જોઈ શકે.અમુક ફિલ્મોમાં તેણે ગંગા કિનારા નો સીન જોયેલો હતો.તેને થયું સવારે નદી કિનારે મજા આવશે અને ગંગા કિનારે વાતાવરણ પણ ખૂબ સુંદર હશે. તેણે એક પેડલ રીક્ષા ને ઉભી રાખી ને પૂછ્યું.

"મુજે ગંગા કિનારે લે જાઓગે?" તેણે હિન્દીમાં જ પૂછ્યું.

તેણે પણ તેની બનારસી ભાષામાં કહ્યું.

"કોન્ સે ઘાટ જાઓગે બહુઆ ?"

આ પ્રશ્ન તેના સમજની બહાર હતો.પણ જ્યાં સુધી તે હિન્દી જાણતો હતો તે પ્રમાણે ઘાટ એટલે નદીની પાસેની જગ્યા થતી હતી.તેણે હિન્દીમાં ઉત્તર આપ્યો.

"કોન સે ભી ઘાટ લે જાઓ મેરે લીયે તો યહાં સબ નયા હે"

"ઠીક હે તો મે આપકો અસ્સી ઘાટ લે જાતા હું વો યહાં કા ફેમસ ઘાટ હે"

તે પેડલ રીક્ષા વાળો ધીમે ધીમે ચલાવતો હતો રસ્તામાં ઘણી ચા ની દુકાનો હતી.કેટલીક પૂજા પાઠ ની સામગ્રીની દુકાનો હતી બીજી ઘણી દુકાનો હતી જે હજી ખુલ્લી નહોતી.કેટલાક વિદેશથી આવેલા લોકો પણ અહિયાં દેખાતા હતા.જે અહીંયા ફરવા માટે આવેલા હતા.

થોડી વારમાં તે પેડલ રિક્ષા ચાલકે કવનને અસ્સી ઘાટ ના રસ્તે ઉતારી દીધો જ્યાં થી એક માર્ગ હતો ત્યાંથી અંદર જવાનું હતું.તે ચાલતો ગયો હવે તેને થોડે દૂરથીજ ગંગા નદી દર્શન દઈ રહી હતી. અસ્સી ઘાટ પર પહેલેથી જ ઘણા લોકો હતા.કારણકે અહિયાંની સુબહ એ બનારસ જગ વિખ્યાત છે.કવન અંદાજો લગાવી રહ્યો હતો કે છ વાગ્યા હશે, તે થોડોક સાચો હતો પણ હજી છ વાગ્યે ને ૧૫મિનિટની વાર હતી.

અહીંયા આવ્યા બાદ તેના વાતાવરણ થી કવન મંત્રમુગ્ધ બની ગયો.કેટલાક લોકો યોગા કરી રહ્યા હતા અથવા ધ્યાન ધરી રહ્યા હતા.કેટલાક પંડિતો પૂજાની તૈયારી કરી રહ્યા હોવ તેવું લાગતું હતું તો કેટલાક ભગવાન નું અને સાક્ષાત ગંગા માતા નું સ્મરણ કરી રહ્યા હતા.કેટલાક લોકો આટલા ઠંડા પાણીમાં ગંગા નદીમાં સ્નાન પણ કરી રહ્યા હતા.આ વાતાવરણ અદભુત હતું.થોડીક વાર રહીને સૂરજ ઉગવાનો હતો.સૂરજ ને ઉગતો જોવો એક શ્રેષ્ઠ વાત છે અને તે પણ બનારસ માં જોવો તેની તો વાત જ અલગ છે.કવન આ વાતાવરણ માણતો હતો ત્યારે તેના જેટલીજ ઉંમર ના બે છોકરા તેની પાસેથી જાય છે.જેમાંથી એક છોકરો જીવન અંગેની ફિલોસોફી બીજા છોકરાને કહેતો હતો.તે બંને કદાચ મિત્ર હશે.

તેને જોઈને કવનને વિશ્વાસની યાદ આવી ગઈ.તે થોડીક વાર બસ તે ઘાટ પર બેસવા માંગતો હતો અને વિચારવા માંગતો હતો.તે જ્યારે પણ શાંત થઈને બેસતો હતો ત્યારે તરત જ તેને આરોહીની યાદ આવતી.

તેને યાદ આવ્યું કે તે ગયા શિયાળાના દિવસોમાં જ્યારે તેઓ મનાલીમાં હતા ત્યારે આરોહી પણ તેની સાથે હતી.ત્યારે કદાચ તેને પોતાના નસીબ પર ભરોસો નહોતો થતો.ભરોસો તો તેને પોતાના નસીબ પર આજે પણ નથી થતો.

તે વિચારતો હતો કે કદાચ આરોહી તેને મળી જ ના હોત તો સારું રહેત, સારું રહેત કે તે મનાલી ગયો જ ના હોત. તે કવનની એટલી નજીક જ ના આવી શકી હોત. કવન તેને દર મહિને પહેલાંની જેમ જોઈ રહ્યો હોત અને પછી એક મહિનો એવો આવત કે તે દેખાતી બંધ થઈ જાત તો તેને એક જૂની વાર્તા સમજી ને ભૂલી જાત.પણ તેવું ત્યારે જ બન્યું હોત જ્યારે કવન અને આરોહી તે વખતે પાસે જ ના આવ્યા હોત. ભગવાને હંમેશા જે છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.જે નથી તેની ઉપર નહીં.તે ભૂલી રહ્યો છે ધીમે ધીમે આરોહીને, તેને થોડીક આશા છે કે જો તે વધુ કોશિશ કરશે તો કદાચ તે ભૂલી જ જશે પણ છતાંય તેનું મન નથી માનતું તેને ભૂલવાનુ.

પણ જ્યારે કઈંક ભૂલવાની કોશિષ કરો છે તો તે યાદ બહુ આવે છે તેથી કોઈ વસ્તુ ને ભૂલવા માટે તેને સામાન્ય બનાવી દેવું જોઈએ જેથી તેની યાદ તમને ઓછી આવે. આ વાક્ય બોલવામાં, લખવામાં,વાંચવામાં અને સાંભળવામાં સારું લાગે છે પણ તેનું આચરણ આમાંથી કોઈ નથી કરી શકતું.


સૂર્યોદય ને મન ભરીને નિહાળ્યા બાદ તે દશાશ્વમેધ ઘાટ પહોંચી ગયો. જ્યાં કેટલાક સંસ્કૃત શ્લોકો નું જોરોથી ઉચ્ચારણ થતું હતું તેના અવાજ તેના કાનોમાં કોઈ મધુર વાંસળીના અવાજ ની જેમ આવી રહ્યા હતા.કેટલાક પંડિતો છત્રી નીચે બેસીને પૂજા કરી રહ્યા હતા બંને ઘાટ નું વાતાવરણ સરખું હતું. કવને ગંગા સ્નાન કર્યું.તેણે ગંગાના ઠંડા પાણીમાં નીચે બેસીને ત્રણ ચાર ડૂબકી લગાવી. હજી તો તેની પોતાના પાપ કરવાની ઉંમરની શરૂઆત થઈ હતી, તે ઉંમર માં તેણે પોતાના જુના પાપ નો હિસાબ ચૂકતે કર્યો હોય તેવો તેણે મનથી ખાલી અંદાજો લગાવ્યો. તે કદાચ હવે તેના જીવનના અંતે બાકી ના પાપનો હિસાબ ચૂકતે કરવા આવશે તેવું તે વિચારી રહ્યો હતો.જો કે તે તેના મન માં પાપ પુણ્ય ની વ્યાખ્યા જૂદી હતી.તે માનતો કે પાપ પુણ્ય ની વ્યાખ્યા દરેક માણસે ફરી જાય છે.

પાપ તો તે છે જે સારા સમયમાં આપણે પુણ્ય નું કામ કરી શકતા હતા અથવા તે કરવા સક્ષમ હતા પણ ના કરી શક્યા.


ગંગા માં નહાવાથી કદાચ તે પાપ ધોવાય છે જે પાપ અજાણતા થયા હોય, જાણતા જ થયા હોય તે પાપો તો આપણે પોતાની જાતે જ પશ્ચતાપની નદીમાં ધોવા પડે છે

ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ હવે કવન એક નૌકામાં બેસી ને બીજા ઘાટ જોવા જઈ રહ્યો હતો જેનાથી તે સવારે અજાણ હતો.એક નાનકડી નૌકા માં બેસીને તે દશાશ્વરમેઘ ઘાટ થી ધીરે ધીરે દૂર જઈ રહ્યો હતો. દૂરથી તે ઘાટ તેટલોજ સુંદર લાગતો હતો જેટલો નજીકથી હતો. જો તેની પાસે મોબાઈલ હોત તો તે સુંદર દ્રશ્યને કેમેરા માં કેદ કરી લેત.બીજી બાજુ સૂરજ દાદા તેમની સૌમ્યતા ના દર્શન દેતા હતા.નદી કે સમુદ્રની ઉપર સૂરજ અથવા ચંદ્ર જોવાની મજા જ કઈંક અલગ છે.કેટલાય ચિત્રકારે આવા આબેહૂબ દ્રશ્યનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. ઠંડો ઠંડો પવન શરીરને થીજવી દે તેવો હતો. નૌકા દશાશ્વરમેઘ ઘાટ થી ખૂબ દૂર આવી ગઈ હતી.નૌકા જેમ જેમ આગળ જતી હતી તેમ તેમ તે નદીના પાણીની સુંદર આકૃતિ પાછળ છોડી જતી હતી. બાજુ માંથી કેટલીક નૌકાઓ જઈ રહી હતી. કેટલીક નૌકા આખી ભરેલી હતી તો કેટલીક નૌકામાં એકાદ બે માણસ બેઠા હતા જેમ કવન બેઠો હતો તેમ. કેટલીક નૌકા માં લોકો ભગવાન શંકર અને માતા પાર્વતી ની જયજયકાર કરી રહ્યા હતા.

કવન ને ત્યારે ખબર પડી કે શા માટે આ જગ્યા પર લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે.ખુદ ભગવાન શંકરને પણ આ જગ્યાનો મોહ નહોતો છૂટ્યો તેમને પણ આ કાશી ખૂબ પસંદ હતું.

નૌકા ધીમે ધીમે આગળ વધતી જતી હતી. નૌકા અસ્સી ઘાટ પહોંચી જ્યાં તે સવારે બેઠો હતો.આ ઘાટ ને અસ્સી ઘાટ એટલે કહે છે કારણકે ત્યાં અસ્સી નદી ગંગા નદી સાથે મળી હતી.અસ્સી ઘાટસાથે બીજી પણ કેટલીક કથાઓ સંકળાયેલી છે.નૌકા અસ્સી ઘાટથી હરિશચન્દ્ર ઘાટ પહોંચી જ્યાં આગળ મૃત્યુ બાદ દેહ સંસ્કાર થાય છે.કવન તે નૌકામાં આગળ વધ્યો અને ત્યાં કેદારનાથઘાટ આવ્યો જ્યાં કેદારનાથમંદિર છે.

નાવિકે કવનને કહ્યું કે અહીંયા ગંગા સ્નાન કરવું શ્રેષ્ઠ મનાય છે.કવન નાવિક સામે કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર ચૂપ હતો.તે આજુબાજુની સુંદરતા જોવામાં વ્યસ્ત હતો.ત્યારબાદ નૌકા મણિકર્ણીકા ઘાટ પહોંચી જ્યાં મૃત્યુ બાદ દેહસંસ્કાર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી લોકોની માન્યતા છે.અહિયાં કાશીમાં બધાજ ઘાટમાંથી માત્ર બે જ ઘાટ પર મૃત્યુબાદ દેહ સંસ્કાર થાય છે એક છે હરિશચંદ્ર ઘાટ અને બીજો મણિકર્ણિકા ઘાટ.

કવને એક વાર ફરી નૌકા ને દશાશ્વરમેઘ ઘાટ તરફ વાળી લેવા કહ્યું.બનારસમાં બીજા ઘણા ઘાટ છે પણ હવે કવનને આગળ જવાની ઈચ્છા નહોતી તેણે વિચાર્યું તે કાલે ફરી આવશે.

ત્યારે નૌકા ચાલકે તેને હિન્દીભાષામાં કહ્યું

" સાહબ આપ દેવોકી દિપાવલી પે આઓનગે તો સભી ઘાટ પે શામ કો દિયે દેખને મિલેંગે,વો દેખને તો લોગ દૂર દૂર સે આતે હે"

કવને તેની પ્રતિક્રિયા હસી ને આપી તેને કેમ જાણ્યે આ શહેર સારું લાગ્યું આજ સુધી તેણે બનારસ વિશે થોડું ઘણું સાંભળ્યું હતું પણ અહીંયા આવ્યા બાદ તેણે બનારસ વિશે જાણ્યું અને ખૂબ સારું લાગ્યું.તે વિચારતો હતો કે કદાચ તે આરોહી સાથે અહીં આવી શક્યો હોત.

ક્રમશ

આ વાર્તા ને પ્રેમ આપવા બદલ ખુબ ખુબ આભાર.આપને વાર્તા પસંદ આવી હોય તો આપ માતૃભારતી,ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,વૉટ્સએપ વગેરે માં સ્ટોરી કે અન્ય રૂપે જરૂર થી શેર કરશો તથા આપના પ્રતિભાવો જરૂર થી મોકલાવશો.