Udta Parinda - 7 in Gujarati Thriller by bina joshi books and stories PDF | ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 7

Featured Books
Categories
Share

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 7

અભિમન્યુએ રૂમમાં ચોતરફ નજર કરી અને દરેક દિવાલ પર અધિક અને આંશીના યાદગાર ફોટા વડે દિવાલને શણગારવામાં આવી હતી. આ ફોટા જોતાં કોઈ પણ મજબુત મનનાં વ્યક્તિની આંખમાં પણ આંસુ લાવી શકે. આ ફોટા જોઈ અને અભિમન્યુને એટલું દુઃખ થઈ રહ્યું હતું તો, આંશી પર આવી પડેલાં દુઃખની કલ્પના માત્રથી અભિમન્યુને ભીંતરથી દુઃખની લાગણી સાથે ગુસ્સો પણ આવી રહ્યો હતો. " અધિક પર હુમલો થવાનો હતો, એનાં પર મેં કેમ ધ્યાન ન આપ્યું ? હું શું કામ એની સાથે હોટલમાં ન ગયો ? હું જો હોટલમાં ગયો હોત તો, કદાચ આજે અધિક આપણી વચ્ચે હોત. " અભિમન્યુએ દિવાલ પર જોરથી હાથ પછાડીને જમીન પર બેસી ગયો. અંદરથી એ વાતનો અભિમન્યુને પશ્ચાતાપ ધીમે ધીમે અંદરથી બાળી રહ્યો હતો.

" જ્યારે મારી મમ્મી મને છોડીને સ્વર્ગ સિધાવી ગયાં ત્યારે હું એકલો પડી ગયો હતો. ત્યારે મને સંભાળનાર અને મારું ધ્યાન રાખનાર ફક્ત આંશી હતી. મારી સામે એ હરહંમેશ જીદ કરે, બકબક કરે એક નાના બાળક માફક વર્તન કરે, એની અંદર જાણે એક નાનકડું બાળક રહેલું છે. છતાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે એ પરિસ્થિતિ અનુસાર એમાં ઢળી જાય છે. ક્યારેક તો મને અંદરથી ડર લાગે છે કે, એનાં પર કોઈ મુશ્કેલી આવશે ત્યારે હું એની સાથે નહીં હોય! " પલંગ પર બેસીને થોડાં દિવસો પહેલાં આ વાત અધિક અભિમન્યુને જણાવી રહ્યો હતો.

" અધિક તું પણ પાગલ છે. હરહંમેશ માટે આવો નકારાત્મક વિચાર શું કામ કરે છે ? તને કાંઈ નહીં થાય. આપણે એંસી વર્ષની ઉંમરમાં પણ ક્લબમાં જવું છે અને બિયર પીવી છે. " અધિકની વાત સાંભળીને અભિમન્યુએ એકદમ બિન્દાસ બનીને પલંગ પર લંબાવીને જવાબ આપ્યો. " હા ભગવાન પાસે પ્રાર્થના કરજે કે, તારી આ વાત સાચી પડે. " અધિકે હાથમાં રહેલી ડાયરી પર થોડું લખી એને બધં કરતાં અભિમન્યુની વાતનો જવાબ આપ્યો.

" તું દરરોજ આ ડાયરીમાં શું લખ્યા કરે છે ? " અભિમન્યુએ અધિકના હાથમાં રહેલી ડાયરી તરફ નજર કરીને સવાલ કર્યો. " આવનાર ભવિષ્યમાં આ લખાણ કોઈને જરૂરથી કામ આવશે એ, આશયથી લખી રહ્યો છું. " અધિકે ડાયરીને કબાટની દિવાલ પાછળ રહેલી એક નાની તિજોરીમાં ખોલીને કહ્યું. " હું કાંઈ સમજ્યો નહીં ! પ્લીઝ હવે મારા ભાઈ એમ નહીં કહેતો કે, આ ડાયરી મને કાંઈ થઈ જાય પછી આંશીને આપજે. તું વાંચજે આમતેમ એવુ કાંઈ કહેતો નહીં. આ જીવનની ઈમોશનલ ફીલોસોફી મારી સામે ઝાડતો નહીં. હું કંટાળી ગયો છું એકને એક વાત સાંભળીને. " પલંગ પરથી બેઠાં થતાં અભિમન્યુએ પલંગ પર પડેલાં ઓસિકાને અધિક તરફ ફેંકીને કહ્યું.

" હા ભાઈ હવે તો તને મારી વાતો ઈમોશનલ ફીલોસોફી જેવી લાગે છે. એક વખત તું મનથી વિચાર કરીને કહેજે, આપણી નોકરીમાં સલામતી કેટલી ? દરરોજ સવારે ઉગતાં સુરજને નમન કરું છું કે, મારા જીવનમાં આજે નવો દિવસ આવ્યો. કાલે શું થશે એ કોઈને ખબર નથી. આપણાં આ મિશનમાં મને થોડી વધારે મુશ્કેલી લાગી રહીં છે. આંશીનુ પણ એનાં મમ્મી સિવાય આ દુનિયામાં કોઈ નથી. મેં વિચાર્યું છે કે, આ ઘર હું આંશીના નામે કરી દઉં. કાલ સવારે મને કાંઈ થાય તો, એની પાસે કાંઈક તો આધાર રહે.‌ રહી વાત આ ડાયરીની તો મને કાંઈપણ થયું તો આ ડાયરી તું આંશીને આપજે એ સમજી જશે મારી લખેલી વાતો અને મારો પ્રેમ. " કબાટની પાછળ રહેલી દિવાલ પર નાનકડી તિજોરીની અંદર અધિકે ડાયરીને સુરક્ષિત સાચવીને રાખતાં અભિમન્યુને કહીં રહ્યો હતો.

" હા ભાઈ તારી વાત તો એકદમ સાચી છે. લોકો અન્ય નોકરીમાં ઘરેથી ટીફીન સાથે લઈ અને નીકળે અને સાંજે પરત ફરે છે. આપણી નોકરીમાં આપણે ઘરેથી દરરોજ મોતને સાથે લઈને નીકળીએ છીએ. પાછા ફર્યા તો સમજો કે, જીવનમાં કોઈ સારા પુણ્ય કર્યા હશે. છતાં પણ તું હમણાં એક મહિનાથી આવી નકારાત્મક વાતો બહું કરી રહ્યો છે. કાંઈ થયું છે ? તો મને જણાવ. " પલંગ પરથી બેઠાં થતાં અભિમન્યુએ ઉંડો વિચાર કર્યો અને અધિક તરફ આગળ વધ્યો.

" ના કાંઈ થયું તો નથી. પહેલાં મને કોઈ જાતનું ડર રહેતું નહીં. હું ખુલ્લેઆમ ક્રિમીનલને ઝડપી પાડતો. બહાર જતો અને બિન્દાસ જિંદગી જીવતો. ત્યારે મને મનમાં ડર નહોંતો,કેમ કે આગળ પાછળ પરિવારમાં કોઈ નહોતું. જ્યારે ઘરેથી નીકળતો ત્યારે મારી રાહ જોનારૂ કોઈ નહોતું. મને વારંવાર ફોન કરીને જમી લીધું ? ઉંઘ આવી ? ઉઠી ગયાં ? આવી સંભાળ રાખનાર કોઈ નહોતું. જ્યારથી આંશી મારી જિંદગીમાં આવી ત્યારથી હું બહું એટલે બહું ખુશ રહેતાં શીખી ગયો છું. મારી બેરંગ જીંદગીમાં એ રંગ પુરનારી છે. મારા આ મકાનને ઘર બનાવનારી હવે આવી ગઈ છે. ઘરેથી જ્યારે કોઈ ગુનેગારની શોધ પર નીકળ પડું ત્યારે પાછળ ફરીને કદી ઘર તરફ નહોતું જોયું, પણ આજે મારૂ મન આપમેળે પાછળ ફરીને વારંવાર જોયાં કરે છે કે, કોઈ તારી રાહ જોઈ રહ્યું છે. તું કાંઈપણ નિર્ણય લેતાં પહેલાં વિચાર કરજે તારી માટે જીવન સમર્પણ કરનારી કોઈ છે. જ્યારથી મેં અને આંશીએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારથી મનોમન મને આ સવાલ અંદરથી ચિંતા વધારી રહ્યાં હતાં. આપણે કોઈને અરેસ્ટ કરીએ કે, એનાં પર કાર્યવાહી કરવામાં આવે ત્યારે લોકો આપણા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપતા હોય છે. આવી ધમકીઓથી હું પહેલાં કદી ડરતો નહીં આજે એ ગુનેગારની એ ધમકી મને રાતે ઉંઘ આવતાં પહેલાં એની વાત પર વિચાર આવ્યાં કરે છે. " પોતાની ચિંતા વ્યક્ત કરતાં અધિક પલંગ પર બેઠો અને અભિમન્યુને જણાવી રહ્યો હતો.

" હા ભાઈ તારી વાત સાચી છે. આ જીવનચક્ર સતત ફર્યા કરશે. એક વાત યાદ રાખજે, આપણે કોઈ અન્ય વ્યક્તિ માટે નહીં આપણા દેશ માટે, આપણી ભારત માતા માટે લડી રહ્યા છે.‌આપણે વર્દી વિનાની આર્મી બનીને લડી રહ્યા છે. આપણે એટલાં પણ નબળા નથી કે, કોઈપણ વ્યક્તિ આવીને આપણાં પર હુમલો કરે. તું એ બધી ચિંતા છોડ. આજથી બિયર મારા તરફથી ' એક ધૂટ જિંદગી કે નામ'. હવે બધી ચિંતા છોડ અને ચાલ મારી સાથે." અભિમન્યુ પલંગ પરથી ઉભો થયો અને અધિકને રૂમમાંથી બહાર લઈ ગયો. થોડાં દિવસ પહેલાં વિતાવેલો અધિક સાથેનો સમય એ આજે આંખોમાં પાણી લાવી રહ્યો હતો.‌

એ ભીંતરખાને જાણી રહ્યો હતો કે, ભવિષ્યમાં કાંઈક એવું થશે. મેં શું કામ એની વાત પર તે દિવસે વધારે ચર્ચા ન કરી. એની તકલીફમાં મેં ભાગ શું કામ ન લીધો ? શું એની સાથે હોવા છતાં કેમ દુર રહી ગયો ? " પલંગ પર જમીન પર બેસીને અભિમન્યુ મનોમન આ સવાલ પોતાની જાતને પુછીને ધિક્કારી રહ્યો હતો. " ભાઈ તું હરહંમેશ મારો સાથ આપજે. ચાલ મારો નહીં આપે તો પણ ચાલશે. કાલે સવારે મારે બહાર જવું પડે, કોઈ મિશન માટે ત્યાં કાંઈ થશે તો તું આંશીનુ ધ્યાન રાખજે. " અભિમન્યુના કાન પર વારંવાર અધિકના આ શબ્દો ગુંજી રહ્યાં હતાં. " ઠીક છે મારા ભાઈ પણ, આંશી મારી વાતો પર વિશ્વાસ કરશે ? તે ક્યારેય મને એની સાથે ઓળખાણ નથી કરાવી. બસ હરહંમેશ તમને બેયને દુરથી કોફી પીતા જોયા છે, અને આ દિવાલ પર દિવસે દિવસે વધી રહેલાં ફોટા પર આંશી જોવાં મળે છે. " અભિમન્યુ દિવાલ તરફ નજર કરતાં એનાં કાનમાં આ શબ્દો ગુંજી રહ્યાં હતાં.


અધિકે ડાયરીમાં શું લખ્યું હશે ? આંશીની મુલાકાત અભિમન્યુ સાથે કેમ કરવામાં ન આવી ? આંશીની તબિયતમાં સુધારો થશે કે નહીં ? જોઈએ આગળનાં ભાગમાં.

સમય પહેલાં એનાં મોતને પરખી ગયો,
સંજોગોની સામે વિવષતાથી ઝુકી ગયો.


ક્રમશ....