મુકુલ અને વિશાલ જમવાના બહાને મમ્મી પપ્પા ને ચોર નજરે જોઈ રહ્યા છે. એ લોકો એવો દેખાવ કરી રહ્યા છે જાણે કે એમનું ધ્યાન સ્મિતાબેન અને કૃષ્ણકાંત ની વાત માં નથી પરંતુ જમવામાં છે, પણ હકીકતમાં બંને ના કાન તો મમ્મી પપ્પા ની વાતો તરફ જ છે.
સ્મિતાબેન જેમ જેમ તમારી ઉંમર થાય છે તેમ તેમ તમેતો યુવાન થતાં જાવ છો, તમારો સ્વભાવ હવે રમુજી થતો જાય છે હો. કૃષ્ણકાંત હસતાં હસતાં બોલ્યાં. તમે મારા વખાણ કરો છો કે ટોણો મારો છો? સ્મિતા બેને સહેજ આંખો ત્રાંસી કરીને કૃષ્ણકાંત ને પૂછ્યું. લે વખાણ જ હોય ને આ ઉંમરે તમને ટોણા મારી ને અમારે ક્યાં જાઉં. કૃષ્ણકાંત ખડખડાટ હસતાં હસતાં બોલ્યાં.
ભલે ભલે ચાલો હવે શાંતિ થી જમીલો. સ્મિતા બેને વાત ટુંકાવવા ની કોશિશ કરી. હા, પણ પપ્પા જે કહેવા જઈ રહ્યા હતા એ વાત તો પૂરી કરવાદો મમ્મી વિશાલ ફરી વચ્ચે બોલ્યો. કોઈએ કંઈ વાત નથી કરવાની શાંતિથી જમીલો પહેલા પછી બધું. ઠીક છે મમ્મી મને થોડો કંસાર આપો ને વિશાલે કહ્યું. સ્મિતા બેને વિશાલ ની થાળીમાં કંસાર પીરસ્યો અને એ મુકુલ તરફ ફર્યા, મુકુલ બેટા તું પણ થોડો કંસાર લેને. નઈ મમ્મી મેં તમે પહેલાં પીરસ્યો હતો એજ માંડ માંડ પૂરો કર્યો છે, તમને ખબર છે ને મમ્મી મને બહું ગળ્યું નથી ભાવતું.
નથી શું ભાવતું થોડો લઈ લે ને આતો શુકન છે. કૃષ્ણકાંતે મુકુલ ને મનવર કરી. ભલે મમ્મી પણ થોડો જ આપજો. સ્મિતા બેને થોડો કંસાર મુકુલ ની થાળીમાં પીરસ્યો, થોડી ખાંડ અને ઘી આપવા જતા હતા ત્યાં વળી પાછા મુકુલે ટોક્યા,મમ્મી બસ કેટલું ઘી પિરસસો? આ જોવો ને ખવડાવી ખવડાવી ને કેટલો ગોલું મોલું કરી દીધો છે મમ્મી તમે.
કોણે કીધું તું ગોલુ મોલું છે? આ તારા ગાલ જો કેવા બેસી ગયા છે. તું નાનો હતો ને ત્યારે તારું મોઢું ગોળ લાડવા જેવું હતું અને અત્યારે જો. ને એમ પણ ત્યાં ટ્રેનિંગ માં ક્યાં હું જમાડવા આવવાની છું. આજે માં ના હાથનું જમીલે પછી ખબર નહિ કેટલા મહિનાઓ પછી ઘરનું જમવાનું મળશે તને. વાત કરતા કરતા સ્મિતા બેનની આંખ માંથી આંસુ ટપકવા લાગ્યા. હવે તે આંશુ ને આંખમાં રોકી ના શક્યાં.
અરે મમ્મી તમે પણ શું. આમ કેમ રડવા લાગ્યા હું ટ્રેનિંગ પૂરી કરીને સીધો જ તમારી પાસે દોડી આવીશ ચિંતા ના કરો. મુકુલ સ્મિતાબેન નાં આંશુ લૂછતાં બોલ્યો. હા પણ ટ્રેનિંગ પૂરા દસ મહિના ની છે બેટા, અને દસ મહિના ઓછા થોડી છે તારા વગર એક એક દિવસ મને અહીં વરસ જેવો લાગશે કેમ વીતશે આ દસ મહિના. મને જમવાનું ઝેર જેવું લાગશે.
વાતાવરણ બહું જ ગંભીર અને ગમગીની ભર્યું થઈ ગયું. કૃષ્ણકાંત નું પણ ગળું ભરાઈ આવ્યું.વિશાલ ને તો શું કરવું કંઈ સૂઝી નથી રહ્યું. કૃષ્ણકાંતે ધીરેથી ખોંખારો ખાધો અને ગળામાં ભરાયેલા ડુમાં ને વિંખેરી નાખ્યો. કોણે કહ્યું કે દસ મહિના સુધી આપણો દીકરો તમારા હાથનું જમ્યા વગર રહેશે અને તમે દસ મહિના સુધી તમારા દીકરાને તમારા હાથે જમાડી નહીં શકો?
કૃષ્ણકાંત ના સવાલો સાંભળી બધાને અચરજ થયું. આખરે કૃષ્ણકાંત કહેવા શું માંગે છે એજ વિચાર એક સાથે મુકુલ, સ્મિતાબેન અને વિશાલના મનમાં ચાલવા લાગ્યો. પપ્પા તમે કહેવા શું માંગો છો? મુકુલ ના મન ને એકજ ક્ષણમાં શંકા ઘેરી વળી કે પપ્પાએ એમનો નિર્ણય બદલી તો નથી નાખ્યો ને? બધાના ચહેરા ઉપર કુતૂહલ છે.
હું એજ કહેવા માંગુ છું કે સ્મિતાબેન નો દીકરો દસ મહિના સુધી ઘરથી દુર હોય એતો સમજ્યા પણ એ દસ મહિના એ તેની મમ્મી ના હાથનું જમ્યા વગરનો રહે એ વાત શક્ય જ નથી. ફરી એક વાર કૃષ્ણકાંત બોલ્યાં.
પપ્પા પ્લીઝ ગોળ ગોળ વાત ના કરો તમે શું કહી રહ્યા છો એ અમને ત્રણ જણ માંથી કોઈને સમજાઈ નથી રહ્યું માટે કંઇક સમજાય તેમ બોલોને. મુકુલે કૃષ્ણકાંત ને રિકવેસ્ટ કરી. સ્મિતાબેન પણ આશાભરી નજરે કૃષ્ણકાંત સામે જોઈ રહ્યા છે.
મુકુલ મેં હમણાં જ મારા એક બહું નજીકના મિત્રના ભાઈ જે કોસ્ટ ગાર્ડ માં ઊંચા પદ ઉપર છે એમની સાથે મારા મિત્રની મદદથી વાત કરી તો એમણે મને વાત વાતમાં જણાવ્યું કે તું દસ મહિના સુધી ટ્રેનિંગ કેમ્પ છોડીને બહાર ના જઈ શકે પણ મહિનાના છેલ્લા રવિવારે એકવાર તને મળવા ફેમિલી મેમ્બર્સ ત્યાં કેમ્પમાં જરૂર આવી શકે.
શું આ વાત સાચી છે પપ્પા? મુકુલ ના આશ્ચર્ય નો પાર ના રહ્યો. સ્મિતાબેન ના મનમાં પણ જાણે ધખધખતા રણમાં વરસાદી વાદળાં દેખાય એવી આશા બંધાઈ.
હા મુકુલ, તારી ફેમિલી તને મળવા મહિનામાં એક વાર ત્યાં ટ્રેનિંગ કેમ્પમાં આવી શકે. સ્મિતાબેન ચિંતા ના કરો તમને દર મહિના ના છેલ્લા રવિવારે તમારા દીકરાને મળવા હું જાતે જ ટ્રેનિંગ કેમ્પમાં લઈ જઈશ. કેરળ ક્યાં દૂર છે, અઢી કલાકની ફ્લાઇટ થી તમે કોચ્ચી તમારા દીકરા પાસે પહોંચી જાવ. પછી એક મહિનાનું ભેગુ તમારા હાથે બનાવેલું, તમારા જ હાથે તમારા દીકરાને જમાડી દેજો.
તમે સાચું કહી રહ્યા છો કે ખાલી અત્યારે મારું મન રાખવા માટે કહો છો.સ્મિતાબેન નો જીવ દીકરા માટે એટલો અધુરિયો થઈ ગયો છે કે એમને કંઈ સમજણ જ નથી પડી રહી.
મેં ક્યારેય તમને કશું મજાકમાં પણ ખોટું કીધું છે સ્મિતાબેન આટલા વરસમાં? ના એવું ક્યારેય નથી કર્યું તમે મજાકમાં પણ. તો બસ આજે કેમ તમારી મમતા ને છેતરું. હું સો ટકા સત્ય બોલી રહ્યો છું. ચાલો હવે આ આંખના આંશુ લૂછો અને શાંતિથી જમીલો. કૃષ્ણકાંત ના અવાજમાં હવે થોડી કડકાઈ હતી.
બસ મમ્મી હવે તો કોઈ જ તકલીફ નથી ને? હવે તો તમે મને મહિનામાં એક વાર મળી પણ શકશો. હા બેટા. સ્મિતાબેન રાજીના રેડ થઈ ગયા. એમણે મન મનાવ્યું કે હાશ મહિનામાં એક વાર તો દીકરાને એ મળી શકશે. ચાલો હવે બધા જમવામાં ધ્યાન આપો. ફરીથી કૃષ્ણકાંતે ટકોર કરી.
પપ્પા હું પણ આવીશ તમારી સાથે ભાઈને મળવા, વિશાલે હરખપદુડા થઈને કહ્યું. હા..હા.. તમારે તો આવવાનું જ હોયને યુવરાજ, વર વગરની જાન હોય ક્યારેય? આપણે તો આખી જાન જોડીને જઈશું ચિંતા ના કર હો અત્યારે જમીલે. કૃષ્ણકાંત હસતાં હસતાં બોલ્યાં. મુકુલ અને સ્મિતાબેન પણ હસી પડ્યાં.
જુઓ મમ્મી આ પપ્પા કેવું કે છે. વિશાલે મોં બગાડી નાના બાળકની જેમ સ્મિતાબેન ને ફરિયાદ કરી. ખબરદાર હો કોઈએ મારા દીકરાને હેરાન નઈ કરવાનો એતો ઘરમાં સૌથી નાનો અને લાડકો છે ભલે ને કોલેજમાં આવ્યો તો શું થયું પણ છે તો મારો બકુડિયો જ હો. સ્મિતાબેન અને બધા જ ખડખડાટ હસી પડ્યા.
આખરે થોડી વાર પહેલા જે વાતાવરણ ગમગીની ભર્યું હતું એ હવે થોડું હળવું થયું અને સ્મિતાબેન ના હૃદય પરનો ભાર પણ હળવો થયો.
ક્રમશઃ...........