Island - 51 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 51

Featured Books
Categories
Share

આઇલેન્ડ - 51

પ્રકરણ-૫૧.

પ્રવીણ પીઠડીયા.

“કોણ શંકર..?” માનસાનો એ પ્રશ્ન શ્રેયાંશને ખળભળાવી ગયો. હવે એ કેમ સમજાવે કે શંકર કઈ હસ્તીનું નામ હતું અને તેણે શું કર્યું હતું...? તેના જેવો વફાદાર માણસ આ દુનિયામાં શોધવો દોહ્યલો હતો. રુદ્રદેવનાં મંદિરમાં છૂપાવેલો ખજાનો શંકર સિવાય જો અન્ય કોઈ વ્યક્તિનાં હાથમાં આવ્યો હોત તો ચોક્કસ અત્યાર સુધીમાં એ ખજાનો નામશેષ બની ચૂક્યો હોત. પરંતુ શંકર જૂદી જ માટીનો બનેલો વ્યક્તિ હતો. એ સમયે ખજાના સાથે તે અંતર્ધાન થયો ત્યારબાદ ક્યારેય કોઈને દેખાયો નહોતો. ખાજાનો તેણે ક્યાં છૂપાવ્યો હતો અને તે ખૂદ ક્યાં સંતાયો હતો એ રહસ્ય આજે પણ રહસ્ય જ હતું.

“શંકર… એ કોણ હતો અને તેણે શું કર્યું એ સમજાવવું મુશ્કેલ છે. તુ બસ એટલું સમજી લે કે તેણે એ ખજાનો છૂપાવ્યો હતો એની ભાળ હજુ સુધી કોઈને મળી નથી. પીટર એન્ડરસન અને વજાખાન બન્નેએ ખજાનો શોધવા બહું મથામણ કરી હતી પરંતુ એ તેમના હાથે લાગ્યો નહોતો. હાં, તેમણે જે કોશીશો કરી હતી તેનો એક નકશો તેમણે બનાવ્યો હતો જે તિજોરીમાં હતો અને હવે એ તારી પાસે છે.”

“ઓહ, તો એ નકશો તેનો છે.! અને પેલો લાકડાનો ટૂકડો..?”

“એ ટૂકડો એ ખજાનાની ચાવી છે.”

“વોટ..?”

“યસ ડીયર. ખજાનાની શોધખોળ દરમ્યાન કોણ જાણે ક્યાથી અને કેવી રીતે એ ટૂકડો પીટરનાં હાથે ચડયો હતો. એ બે ટૂકડા હતા જેમાથી એક પીટરને મળ્યો હતો અને બીજા ટૂકડાને ખોજવામાં તેની જીંદગી ખર્ચાઈ ગઈ પરંતુ ક્યારેય એ ટૂકડો તેના હાથે લાગ્યો નહોતો. જો એ બન્ને ટૂકડા કોઈની પાસે હોય અને એ વ્યક્તિ નકશામાં દોરેલા રસ્તાને ઉકેલી શકે તો ચોક્કસ ખજાના સુધી પહોંચી શકે એવું મારું અનુમાન છે.”

“ઓહ ભગવાન, એ ટૂકડો તો રોનીનાં ઘરે પડયો છે.” માનસા એકાએક બોલી ઉઠી. ખળભળી ગયો શ્રેયાંશ. તેનું હદય ઉછળીને ગળામાં સલવાયું પરંતુ તુરંત તે સ્વસ્થ થયો. માનસા સમક્ષ અસહજતા દર્શાવવી તેને પાલવે એમ નહોતી. જબરજસ્તીથી તેણે થૂંક ગળે ઉતાર્યું અને…

“તે શું નામ કહ્યું એ છોકરાનું…?” એકાએક જ, અત્યંત સાવધાનીથી તેણે ટ્રેક બદલ્યો. માનસાને એ પ્રશ્ન સમજાયો નહી. તેના કપાળે સળ પડયા. “અરે પેલો ગેરેજવાળો છોકરો. જેની સાથે તું ફરે છે. જેને તું અહી મારા કમરામાં લઈ આવી હતી.”

“ઓહ એ, રોની.”

“રોની…” શ્રેયાંશે ભાર દઈને એ નામ ઉચ્ચાર્યું અને ખુરસીમાંથી ઉભા થઈને વિચારમગ્ન અવસ્થામાં કમરામાં આટા મારવા લાગ્યો. “તું એ છોકરાને અહી લઈ આવ. મારે તેની સાથે વાત કરવી છે.”

“શું વાત કરવી છે ડેડી!” માનસાનું હદય એક ધબકારો ચૂકી ગયું.

“એ અહી સુધી પહોંચ્યો એનો મતલબ કે હજું આગળ પણ જઈ શકે છે. મારે તેને એક કામ સોપવું છે. ખજાનાની ગૂથ્થી ઉકેલવાનું. તું ચાહે તો એનો સાથ આપી શકે છે. એ બાબતે હું તને ટોકીશ નહી કારણ કે મને લાગે છે કે હવે એ સમય આવી ગયો છે. મારા મનમાં એ બાબતે આશા જન્મી છે કે તમે ખજાનાનું રહસ્ય ઉકેલી શકશો.”

માનસા તેના ડેડીને તાકી રહી. તેમણે હમણાં જે કહ્યું એ શબ્દોની સમજ તેને પડી નહી. જે કામ વર્ષોથી કોઈ નહોતું કરી શક્યું એ કામ તે અને રોની ભેગા મળીને કરી શકશે એવો વિશ્વાસ તેના ડેડીને કેમ છે…? તે કંઈક પૂછવા જતી હતી પરંતુ પછી ખામોશ રહી. આમ પણ તેને ખજાના બાબતે અપાર જીજ્ઞાષા ઉદભવી જ હતી એટલે સામે ચાલીને જો એવી તક મળતી હોય તો ભલા એ નાં શું કામ પાડે.

“ઓકે. હું રોનીને કહું છું.” તે બોલી અને પછી ડેડીનાં બેડરૂમમાંથી બહાર નિકળી આવી.

શ્રેયાંશ બહાર જતી તેની દિકરીની પીઠને તાકી રહ્યો. એ સમયે તેના ચહેરા ઉપર એક ન સમજાય એવી મુસ્કાન ઉભરી આવી હતી. જેવી માનસા બહાર નિકળી કે તેણે ફોન ઘુમાવ્યો. એ ફોન તેના અંગત માણસોને… વજીર અને ડાગાને કર્યો હતો. એજ વજીર અને ડાગા જેણે જીવણાને માર્યો હતો. તેણે લાકડાનાં એ ટૂકડાને શોધવા આકાશ પાતાળ એક કર્યું હતું અને વર્ષોની તપષ્યા પછી એક નાનો સરખો અણસાર મળ્યો હતો કે એ ટૂકડો જંગલમાં રહેતા જીવણા પાસે છે. તેણે તુરંત પોતાના આદમીઓને ત્યાં મોકલ્યા હતા પરંતુ એ બન્ને બેવકૂફોનાં હાથે કંઈજ લાગ્યું નહોતું. એટલું ઓછું હોય એમ તેમણે જીવણાનું ઢિમ ઢાળી દીધું હતું એટલે હવે એ ટૂકડો કોની પાસે છે એ જાણવું અઘરું હતું પરંતુ માનસાએ ધડાકો કર્યો હતો. જો તેની વાત સાચી હોય તો હવે રાહ જોવાનો કોઈ મતલબ નહોતો. તેણે એટલે જ રોનીને આગળ કર્યો હતો. એ છોકરો ઘણું જાણી આવ્યો હતો. એ તેના ઘરમાં ઘૂસીને તેની તિજોરી ખોલી શકતો હોય તો ખજાનો પણ જરૂર શોધી લાવશે એની ખાતરી થઈ હતી. તેણે હવે ફક્ત એ છોકરાની પાછળ પડવાનું હતું અને એ કામ તેણે વજીર અને ડાગાને સોપ્યું હતું. વળી માનસાને પણ તેણે રોની સાથે મોકલી હતી જેથી તેઓ શું કરે છે એની ખબર તેને મળતી રહે. તેણે એક કાંકરે ઘણા બધા પક્ષીઓ મારવાની સોગઠી ગોઠવી હતી. આખરે જે કામ તેના વડવાઓ નહોતા કરી શક્યા એ કામ તે પાર પાડવા ઈચ્છતો હતો.

-----------

વિક્રાંતે કોઈપણ ભોગે આજે પોતાના અપમાનનો બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. તે રોનીને એમ જ છોડી દેવાનાં મૂડમાં બિલકુલ નહોતો. તેણે ડેનીને એ બાબતે ઉકસાવ્યો હતો અને તેઓ બન્ને એ સમયે જ રોની પાછળ નિકળી પડયા હતા.

--------

ઈન્સ્પેકટર દેવ બારૈયાનો ફોન રણક્યો અને તેમા જે કહેવાયું એનાથી તેના ચહેરા ઉપર ઉત્તેજના ફેલાઈ. સમૃદ્રનાં પેટાળમાંથી એક જૂનું જરી-પૂરાણું જહાજ કાંઠે તરીને આવ્યું હતું એ મતલબનો એ ફોન હતો. તે તરત ઉઠયો અને સમૃદ્ર કાંઠા તરફ ભાગ્યો.

-------

ટેબલ ઉપર નકશો પાથરીને હું તેની ઉપર ઝળુંબી રહ્યો હતો. મને એક બાબત સ્પષ્ટ સમજાતી હતી કે જે કંઈ પણ જાણવા મળશે તે આ નકશામાંથી જ મળશે કારણ કે લગભગ દરેક કિસ્સામાં એવું જ બનતું હોય છે અને એટલે જ આ નકશો મારા માટે અગત્યનો હતો. આંખો ખેંચીને હું નકશાની બારીકીઓ સમજવામાં પોરવાયો હતો કે અચાનક માનસા આવી ચડી. તેણે તેના ડેડીએ જે કહાની સંભળાવી હતી એ મને કહી અને સાથોસાથ એ પણ જણાવ્યું કે તેના ડેડી તેને મળવા માંગે છે. કોણ જાણે કેમ પણ મારું માથું ઠનક્યું. કંઈક કશુંક ઠીક નહોતું. હું કંઈ બોલ્યો નહી અને ફરીથી નકશામાં ધ્યાન પરોવ્યું.

-------

“ઓહ યસ્સ… ઓહ યસ્સ…” એકાએક મારી આંખો ચમકી ઉઠી અને છાતીનાં પોલાણમાં ધડબડાટી વ્યાપી ગઈ. એ… એ… માયગોડ… મને મારી આંખો ઉપર જ વિશ્વાસ નહોતો આવતો. એ તો જીવણાનું ઘર હતું. બસ્તી પાછળ આવેલા અઘોર જંગલની અંદર એકલું અટૂલું ઉભેલું જીવણાનું ઘર. નકશામાં એ સાવ નાનકડા ટપકા જેવું દેખાતું હતું પરંતુ હું એ ઓળખી ગયો હતો. એકદમ ધ્યાનથી જોતા ખ્યાલ આવતો હતો કે તેની ફરતે આછું પાતળું ગોળ કુંડાળું કરેલું હતું. પહેલી નજરે કોઈને ખ્યાલ ન આવે કે તેની ફરતે કુંડાળું કરેલું છે કારણ કે સમયની થપાટોએ નકશાનાં કાગળને જર્જરિત બનાવી નાખ્યો હતો એટલે કુંડાળું ઓર આછું, લગભગ ભૂસાવાની અણીએ હતું. પરંતુ મને એ ખ્યાલ આવ્યો હતો અને હું ઉછળી પડયો હતો. મેં ફટાફટ નકશો સંકેલ્યો.

“આપણે જવું પડશે.” હું બોલ્યો. માનસા આશ્વર્યથી મને તાકી રહી.

“ક્યાં…?”

“જીવણાનાં ઘરે…”

“વોટ…? બટ વ્હાય..?”

“એ તને રસ્તામાં સમજાવીશ.”

અને અમે બન્ને નિકળી પડયા.

------------

એ બોટ ગળી ચૂકી હતી. તેની હાલત એકદમ ખસ્તા હતી. તેની લાકડાની ફ્રેમ સમૃદ્રનાં ખારા પાણીમાં રહીને ફૂલી ગઈ હતી અને તેના ઉપર ક્ષારનાં જાડા થર જામી ગયા હતા. કોણ જાણે કેટલાય વર્ષોથી તે સમૃદ્રનાં પેટાળમાં ધરબાયેલી રહી હશે. એ એકાએક બહાર નિકળી આવી હતી એ કોઈ કુદરતી સંકેત હતો કે પછી અગોચર ઘટનાક્રમ..? દેવ બારૈયાએ તાત્કાલીક તેનું પગેરું શોધવું શરૂ કર્યું. પાછલા દશકમાં, વર્ષોમાં જેટલી પણ બોટો આ તરફનાં સમૃદ્રમાં ગૂમ થઈ હતી એની સમગ્ર હિસ્ટ્રી તેણે ગુગલમાં સર્ચમાં નાંખી અને જે હિસ્ટ્રી ઉજાગર થઇ એને ખંગોળવાની શરૂઆત ત્યાં ઉભા-ઉભા જ તેણે આદરી.

લગભગ અડધી કલાકની મહેનત બાદ અચાનક તેની આંખોમાં ચમકારો થયો. તેની મોબાઈલ સ્કિન ઉપર એક નામ ઉભર્યુ હતું… “વેટલેન્ડ.” પરંતુ એ જહાજ વેટલેન્ડ ટાપુથી ઘણે દૂર ગાયબ થયું હતું. વેટલેન્ડ ટાપુ આસપાસ કોઈ જ જહાજ ગૂમ થયું નહોતું કે ડૂબ્યું નહોતું. એનો મતલબ કે હવે તેણે વેટલેન્ડ જહાજને જ ધ્યાનમાં લઈને આગળ વધવાનું હતું.

(ક્રમશઃ)