પ્રકરણ-૪૯.
પ્રવીણ પીઠડીયા.
“કેવી બાજી…?” ધડકતા હદયે માનસાએ પૂછયું.
“જેમ્સ કાર્ટર, એટલે કે તારા વડ દાદાનો જમાઈ, એટલે કે મારા દાદાનાં પિતાનો ફૂવો… તેણે વિજયગઢનાં દુશ્મનો સાથે હાથ મેળવીને વિજયગઢને પાડયું હતું. પછી તેણે એ લોકો સાથે પણ ગદ્દારી કરી હતી અને તેમને રણભૂમીમાં જ મરાવી નાંખ્યાં હતા. એ સાથે જ સમગ્ર વિજયગઢ તેના કબજામાં આવી પડયું હતું પરંતુ… બન્યું એવું કે વિજયગઢ પર આક્રમણનાં સમાચાર સાંભળીને વિજયગઢની મહારાણી દમયંતી દેવી રાજ્યનો ખજાનો લઈને ભાગ્યાં હતા. કાર્ટરને એની જાણ થતા તે તેની પાછળ ગયો હતો અને યેનકેન પ્રકારે એ ખજાનો હાસલ કર્યો હતો. એ ખજાનો ખરેખર તો બ્રિટિશ રાજ્યકોષમાં જમાં કરાવો જોઈએ પરંતુ કાર્ટરનાં મનમાં પહેલેથી જ લાલચ હતી એટલે તેણે એ ખજાનો ઈગ્લેન્ડની ટ્રેઝરીમાં જમાં કરાવાનાં બદલે પોતાની રીતે સગેવગે કરવાની યોજના બનાવી રાખી હતી. થયું પણ એ પ્રમાણે જ. તેણે ખજાનાને ટ્રકમાં ભરીને ઈંગ્લેન્ડનાં ખ્યાતનામ જહાજ ’વેટલેન્ડ’ મારફતે ઈંગ્લેન્ડ મોકલવાની તૈયારીઓ આરંભી હતી અને યોજના પ્રમાણે ખજાનાને પોતાના વિશ્વાસું માણસો સાથે બંદરગાહ તરફ રવાના કર્યો હતો. ખરો ખેલ તો એ પછી શરૂ થયો હતો.” શ્રેયાંશ શ્વાસ લેવા રોકાયો. એટલો સમય પણ માનસાને ખટકયો હોય એટલી અધીરતા તેના મનમાં ઉદભવી. તે એક ખતરનાક કહાની સાંભળી રહી હતી. એક એવી કહાની જે રક્તરંજીત હતી, રહસ્યમય હતી, દિલધડક હતી. જો રોની તેના જીવનમાં આવ્યો ન હોત તો ક્યારેય તેને પોતાનાં કુટુંબનો ભુતકાળ જાણવાનો મોકો મળ્યો ન હોત. એકાએક તે ટટ્ટાર થઈ. આ કોઇ નાનીસૂની ગાથા નહોતી. ભલે અત્યારે તે ફક્ત એક કહાની તરીકે કહેવાઈ રહી હોય પરંતુ એ કહાનીનાં એક-એક શબ્દમાં રક્ત ટપકતું હતું. ખબર નહી એ સમયે કેટલાય માસૂમોનું લોહી વહ્યું હશે…!
“પછી…?” તેના સ્વરમાં ભારે ઉત્તેજના સમાયેલી હતી.
“એ દિવસે ભયંકર તોફાન આવ્યું હતું. મૂશળાધાર વરસાદ અને તોફાની વાવાઝોડાએ સમગ્ર ઈલાકાને ધમરોળી નાંખ્યો હતો. સમૃદ્રમાં ભયંકર ઉફાણ ઉઠતું હતું જેના કારણે બંદર લગભગ સુમસાન બની ગયું હતું. કાર્ટરે મોકલેલી પેટીઓમાં બંદ ખજાનાને વેટલેન્ડમાં ચડાવવા ગણતરીનાં ફક્ત થોડા માણસો જ બંદર ઉપર વધ્યાં હતા. અને…” શ્રેયાંશ ફરી રોકાયો. જાણે એ વાક્યાત કહેતા તેની જીભ ઉપડતી ન હોય એમ તેના ગળે ડૂમો ભરાયો. એ સમયનું દ્રશ્ય જાણે તેની નજરો સમક્ષ ભજવાતું હોય એમ તે એક ધ્યાન બનીને સામેની દિવાલ તરફ તાકી રહ્યો. “વેટલેન્ડ ડૂબ્યું હતું. એ તોફાન વેટલેન્ડ જહાજને ગળી ગયું હતું. એ કેમ કરતાં બન્યું હતું એનો કોઈ સાક્ષી નહોતો છતાં તોફાન ઓસર્યાં પછી બધાનાં મોઢે વેટલેન્ડ જહાજની જળસમાધીની ગાથા રમતી હતી. કોઈ નહોતું જાણતું કે ખજાનો ભરેલાં જહાજે અચાનક કેમ કરતાં જળસમાધી લીધી હતી..? સમૃદ્રમાં ઉઠતાં તોફાનોમાં ઘણા જહાજો ડૂબતાં હોય છે પરંતુ આ વેટલેન્ડ જહાજ હતું. તેના વિશે કહેવાતું કે એનો ડેક ક્યારેય ભીનો થયો નહોતો. તો એ ડૂબે કેવી રીતે…? અને એટલું ઓછું હોય એમ એ દિવસે જે લોકો બંદર ઉપર હાજર હતા એ પણ ક્યાંક ગાયબ થઈ ગયા હતા.”
“ઓહ ગોડ, કેટલું ભયાનક..!” માનસાનાં મુખમાંથી શબ્દો સર્યાં.
“હાં એ સત્ય હતું. કમસેકમ બીજા બધા માટે એ જ સત્ય હકીકત હતી પરંતુ ઓલીવર માટે નહી.” શ્રેયાંશ અનંતમાં તાકતાં બોલ્યો. આજે તેના હદયમાં સંઘરાયેલી તમામ હકીકતો તે માનસાને કહી દેવાનાં મૂડમાં જણાતો હતો.
“વોટ…?” ઉછળી પડી માનસા.
“ઓલીવર ખેલાડી માણસ નિકળ્યો. તેને તેના જમાઈની કરતૂતોનો બહું મોડેથી ખ્યાલ આવ્યો હતો. તેની સગી દિકરી કાર્ટરની પત્નિ હોવા છતાં તેને એ કઠયું હતું અને તેણે એક સાઝિશ રચી હતી. સાચું કહું તો વેટલેન્ડ નામનું જહાજ ક્યારેય ડૂબ્યું જ નહોતું. તેના સ્થાને બીજું એક જહાજ ડૂબ્યું હતું.”
“એક મિનિટ ડેડી, વેટલેન્ડ ડૂબ્યું નહોતું એનો શું મતલબ..?” ભારે હેરાનીથી માનસાએ પૂંછયું. ખરેખર તો તેને આ બધું અટપટું અને રહસ્યમય લાગતું હતું. કોઈ નવલકથા કે સસ્પેન્સ થ્રિલર ફિલ્મોમાં આવે એટલું રહસ્યમય.
“એજ તો કહું છું. ઓલિવરનાં કાને જ્યારે વાત પડી કે તેનો જમાઈ જેમ્સ કાર્ટર વિજયગઢનાં ખજાનાને ઈંગ્લેન્ડ મોકલવાની ફિરાકમાં છે ત્યારે પહેલા તો એ કંઈ બોલ્યો નહી. ઘણાં અંગ્રેજ અફસરો ખાનગીમાં હિન્દુસ્તાનથી પોતાની રીતે ઘણી દોલત ઘરભેગી કરતા હોય છે, એટલે કે ઈંગ્લેન્ડ મોકલતા હોય છે એમાં નવું કંઈ નહોતું. પરંતુ આ મામલો અઢળક દોલતનો હતો. વિજયગઢનો અડધો ખજાનો કાર્ટરનાં હાથમાં આવ્યો હતો એ કોઈ નાનીસૂની બાબત નહોતી. કાર્ટર ભલે તેનો જમાઈ રહ્યો પરંતુ દોલત સામે દરેક સંબંધ ટૂંકો પડતો હોય છે. વળી તેને એ પણ ખોટું લાગ્યું હતું કે કાર્ટરને આગળ વધવામાં તેણે ઘણી મદદ કરી હતી છતાં કાર્ટરે તેનો બદલો આ રીતે વાળ્યો હતો. એ બાબત તેને ખટકી ગઈ હતી. તેણે એ સમયે જ એ ખજાનો પોતાનાં હસ્તગત કરવાનો પ્લાન બનાવી લીધો હતો અને અમલમાં પણ મૂકી દીધો હતો. સૌથી પહેલા તેણે એ જાણ્યું કે કાર્ટરની મોડસ એપરેન્ડિસ શું છે. કાર્ટરનો પ્લાન સાવ સિમ્પલ હતો. ખજાનાને વેટલેન્ડમાં ચડાવીને ઈંગ્લેન્ડ ભેગો કરવો. ઓલીવરે એ સાંભળીને અટ્ટહાસ્ય કર્યું હતું કારણ કે વેટલેન્ડ જહાજનો કેરટેકર રઘું તેનો ખાસ માણસ હતો. એક વખત જહાજમાં માલ ચડે પછી તેનું કામ ઘણું આસાન થઈ જવાનું હતું. પરંતુ…”
“વળી પાછું પરંતુ…?” ન ચાહવા છતાં માનસાથી બોલાઈ ગયું. તેના ખાનદાનનો ઈતીહાસ આટલો ભયંકર છે એ જાણીને તેને આઘાત લાગ્યો હતો અને હજું તો તેણે ઘણું જાણવાનું બાકી હતું.
“યસ માય પ્રિંસેસ, તને કહ્યુંને કે મારાં પછી આ બધું તારે જ સંભાળવાનું છે એટલે આ કહેવું જરૂરી છે. ખરેખર તો મને આનંદ એ વાતનો છે કે વગર કહ્યે પણ તું ઘણું જાણી ગઈ છે એટલે હવે બાકીનું જણાવી દઉં એટલે તારા મનમાં કોઈ ઉચાટ ન રહે. હવે વાત પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચે બોલીશ નહી. એનાથી મારી લિંક તૂટે છે.”
“ઓકે ડેડી. પછી એ જહાજનું શું થયું..?”
“રઘુનાં હાથમાં બાજી પહોંચે એ પહેલા જહાજનાં વહીવટદાર વસંત માડુએ બાજી બગાડી નાંખી હતી. એ સઘળી હકીકતો પછી જાણવા મળી હતી. બન્યું એવું કે ખટારાઓમાં ભરેલો ખજાનો બંદર સુધી પહોંચ્યો ત્યારે તેને જહાજમાં ચડાવવાનું કામ વસંત માડુને સોંપવામાં આવ્યું હતું. કોણ જાણે કેમ પણ વસંત માડુને પેટીઓ જોઈને શંકા ઉદભવી હતી અને તેણે એ પેટીઓ જોવાની જીદ આરંભી હતી. તેણે પેટીઓ જહાજમાં ચડાવી તો દીધી પરંતુ એકાએક તેના માણસોએ રઘુ અને તેના આદમીઓ ઉપર હલ્લો કરી દીધો હતો. કદાચ વસંત માડુને સમજાયું હોવું જોઈએ કે જે પેટીઓ આવી છે તેમાં અઢળક દોલત ભરેલી છે. એ દોલત મેળવવાની લાલચમાં જ તેણે અને તેના સાથીદારોએ જહાજ ઉપર હુમલો કર્યો હતો. એ હુમલામાં રઘુનાં બે માણસો મરાયા હતા પરંતુ સામે પક્ષે રઘુ પણ ગાંજ્યો જાય એવો નહોતો. તે ખૂંખાર માણસ હતો અને લડવા માટે હંમેશા તૈયાર રહેતો. એટલું ઓછું હોય એમ આ વખતે તો ઉપરથી ઓર્ડર પણ આવ્યો હતો કે કોઈપણ ભોગે એ પેટીઓ તેણે કબજામાં લેવી. એવું કરવામાં જો કોઈ અટકાવે તો ચાહે એ પગલા ભરવા તેને છૂટ્ટો દોર આપવામાં આવ્યો હતો એટલે કોઈ ભયાનક રોડ-રોલરની જેમ તે વસંત માડુ અને તેના સાથીદારો ઉપર ફરી વળ્યો હતો. માત્ર ગણતરીનાં થોડા કલાકોમાં તેણે વસંત માડુ અને ધમલા સહીત બાકીનાં તમામ લોકોનો સફાયો બોલાવી દીધો હતો અને એ સમાચાર તેણે ઉપર મોકલી આપ્યાં હતા. હવે તેને આગળ શું કરવું એ આદેશની પ્રતિક્ષા હતી.”
----------
કર્નલ ઓલીવરને સંદેશો મળ્યો કે તુરંત તે એકશનમાં આવી ગયો હતો. તેને આવું કંઈક થશે એની આશંકા તો પહેલેથી જ હતી કારણ કે તે જાણતો હતો કે કોઈપણ ખજાનો સાવ આસાનીથી ક્યારેય હાસલ થતો હોતો નથી. ખજાનો મેળવવા રક્તની નદીઓ પાર કરવી પડતી હોય છે એ હકીકતથી તે ભલીભાંતી પરીચીત હતો. એટલે અગાઉથી જ તેણે ડેમેજ કંન્ટ્રોલની તમામ તૈયારીઓ વિચારી રાખી હતી અને રઘુને એ મુજબની સુચનાઓ પણ આપી રાખી હતી. એ સુચના મૂજબ રઘુએ વસંત માડુ અને તેના સાથીદારોનો ભારે બેરહમીથી કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો અને એ તમામનાં શબને ડક્કા ઉપર એક લાઈનમાં એકઠા કર્યા હતા. એ પછી એ શબોને વેટલેન્ડની બાજુમાં જ હિલોળાતા એક અન્ય જહાજમાં ચડાવવામાં આવ્યાં હતા અને એ જહાજને સમૃદ્રમાં હાંકી મૂકવામાં આવ્યું હતું. એ નાનકડા જહાજમાં ઠાસોઠાસ સામાન પહેલેથી જ ભરેલો હતો. રઘુને ખ્યાલ હતો કે એ જહાજ એના જ ભારથી આપોઆપ ડૂબી જશે. બન્યું પણ એવું જ, જહાજ માંડ પંદરેક નોટીકલ માઈલ જેટલું આગળ ગયું હશે કે ભારે ચક્રવાતમાં ફસાઈને તે સમૃદ્રની ગહેરાઈઓમાં સમાઈ ગયું હતું. રઘુએ એ તમામ સમાચાર ઓલીવર સુધી પહોંચાડયા હતા અને ઓલીવરે એક કહાની ઘડી કાઢી હતી કે વેટલેન્ડ જહાજ ભયંકર તોફાનમાં ફસાઈને સમૃદ્રમાં ડૂબી ગયું છે. એ સમાચાર તેણે તેના જમાઈ કર્નલ જેમ્સ કાર્ટરનાં કાને પહોંચે એવી ખાસ વ્યવસ્થા ગોઠવી હતી એટલે કાર્ટરે જ્યારે એ સમાચાર સાંભળ્યાં ત્યારે પોતાનું માથું પિટયું હતુ અને પોતાની કિસ્મતને કોષી હતી. એ પછી કાર્ટરે વેટલેન્ડને શોધવાની હજ્જારો વખત કોશીષ કરી હતી પરંતુ વેટલેન્ડ તેને તો શું બીજા કોઈને પણ ક્યારેય મળ્યું જ નહોતું.
તો આખરે વેટલેન્ડ જહાજનું શું થયું હતું…?
એ જહાજને રઘુ હંકારી ગયો હતો અને સમૃદ્રનાં બીજા કાંઠે… જેના વિશે લગભગ કોઈને ખબર નહોતી એવી જગ્યાએ તેને લાંગર્યું હતું.
“હે ભગવાન…! મતલબ કે વેટલેન્ડ ક્યારેય ડૂબ્યું જ નહોતું..?” ભારે આઘાતથી માનસાએ પ્રશ્ન પુંછયો.
“નહી,” શ્રેયાંશ જાગીરદાર હસ્યો. એ હાસ્ય માનસાને હચમચાવી ગયું. એક ઝટકે તેને જાગીરદાર ખાનદાનની રઈસીનું રહસ્ય સમજાઈ ગયું. પરંતુ હજું ઘણા પ્રશ્નો તેના મનમાં રમતાં હતા.
(ક્રમશઃ)