Island - 45 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 45

Featured Books
Categories
Share

આઇલેન્ડ - 45

પ્રકરણ-૪૫.

પ્રવીણ પીઠડીયા.

રોનીનું મગજ ધમધમતું હતું. એક સાથે હજ્જારો વિચારોનો શંભુમેળો તેના મનમાં જામ્યો હતો. તેને લાગતું હતું જાણે તે કોઈ ઉંડી ગહેરી ખાઈમાં સરકી રહ્યો છે જેમાથી બહાર નિકળવાનો કોઈ રસ્તો નથી. જીવણાનાં મોત સાથે તેના પિતાજીનાં મોતનું સામ્ય, માં નું ગાયબ થવું, એક જર્જરિત પૂસ્તકમાં છપાયેલા આછા… લગભગ ભૂસાવાની અણીએ આવેલા શબ્દો, તેમાં દોરેલા વિચિત્ર ચિત્રો, પેલો લાકડાનો ગોળ ટૂકડો, માનસા અને તેનો ભાઈ ડેની, બધું જ તેના મનમાં કોઈ વાવાઝોડાની જેમ ઘૂમરાતું હતું. ગેરેજેથી ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો તેણે કેટલુંય વિચારી નાંખ્યું હતું. તેણે ઘરનાં આંગણમાં બાઈક પાર્ક કરી જ હતી કે એકાએક તેનો ફોન રણક્યો. સખત ધુંધવાયેલા મિજાજે તેણે જોયા વગર જ ફોન ઉંચક્યો.

“હલ્લો… કોણ છે..?” જરૂર કરતાં ઉંચા અવાજે તેણે પૂંછયું, ખરેખર તો તેનાથી પૂંછાઈ ગયું.

“અરે… આવી રીતે કોણ વાત કરે..?” સામેથી છણકાભર્યો અવાજ સંભળાયો.

“ઓહ સોરી, તું છે.” રોની એકાએક શાંત પડયો. માનસા સમક્ષ પોતાની વ્યગ્રતા પ્રગટ થાય એવું તે ઈચ્છતો નહોતો.

“ક્યાં છે તું..?” માનસા જાણતી હતી છતાં પૂંછયું. તેને ગેરેજમાં કામ કરતાં પેલા છોકરાએ કહ્યું જ હતું.

“હમણાં જ ઘરે પહોંચ્યો. તું ક્યાં છો..?”

“એ મહત્વનું નથી, હું આવું છું, તું ઘરે જ રહેજે.” માનસાએ ઉતાવળા સ્વરે કહ્યું અને રોની વધું કંઈ પૂંછે એ પહેલા ફોન કટ કરી ફટાફટ કારમાં બેસીને તેના ઘર તરફ ઉપડી. તેને રોનીનું સાનિધ્ય ગમવાં લાગ્યું હતું. કેમ..? એ તે નહોતી જાણતી છતાં એ તેના તરફ ખેંચાઈ જરૂર હતી.

રોની આભો બનીને ફોનને તાકી રહ્યો. તેને આ છોકરી સમજમાં આવતી નહોતી છતાં એક વાત સત્ય હતી કે માનસાનાં ફોનથી તેને અજબ રાહત ઉદભવી હતી. તેના ચહેરા ઉપર હાસ્ય તરવર્યું અને પેલું પુસ્તક હાથમાં લઈને ધ્યાનથી તેના પાના ઉથલાવા લાગ્યો.

---------

પુસ્તકમાં દક્ષિણ ભારતનાં કોઈ વિજયગઢ રાજ્યની કહાની વર્ણવેલી માલૂમ પડતી હતી. એ તો ગઈરાત્રે પુસ્તકની એક ઝલક જોઈ ત્યારે જ સમજાઈ ગયું હતું પરંતુ મને આશ્વર્ય એ વાતનું થયું હતું કે એક ફટીચર હાલતમાં જીવતાં શખ્સ પાસે આ કિતાબ આવી ક્યાંથી…? પુસ્તકની ભાષા મને સમજાતી નહોતી છતાં ચોક્કસ તેમા વિજયગઢ નામનાં રાજ્યની ગાથા ગુંથાયેલી હશે એ તેમા દોરેલા ચિત્રો ઉપર સ્પષ્ટ થતું હતું. મેં ધ્યાનથી એ બધું જોવાની શરૂઆત કરી અને જેમ જેમ પુસ્તકનાં પાના ઊથલાવતો ગયો એમ એક રાજ્યની ચડતીથી લઈને તેની પડતી સુધીનાં ચિત્રો મારી નજરો આગળથી પસાર થયા હતા. પહેલી નજરે તો મને આ એક સચિત્ર નવલકથા જેવું લાગ્યું. જીવણો કદાચ તેની એકલતા દૂર કરવા માટે આવી નવલકથાઓ વાંચતો હોવો જોઈએ. મેં તેના પલંગ પાસેનાં રેકમાં આવી ઘણી ચોપડીઓ જોઈ હતી એટલે મારા અનુમાનને ઈજન મળતું હતું. પરંતુ પુસ્તકમાં દોરેલા ઘણા ચિત્રો એવા હતા જે અદભૂત અને રહસ્યમય જણાતાં હતા. ખાસ કરીને એક ચિત્ર જેમાં એક ભવ્ય મંદિરની ઝાંખી દોરેલી હતી. મારું મન વારેવારે એ ચિત્ર ઉપર આવીને અટકતું હતું. ચારેકોરથી ઉંચી દિવાલોથી રક્ષિત એ મંદિરનું વિશાળ પટાંગણ અને પટાંગણની બરાબર મધ્યમાં સોહાતું સોહામણું મંદિર. તેનાં ઉત્તુંગ શિખર ઉપર ફરફરતી બાવન ગજની ધજા એ સમયે તેના આધ્યાત્મ મહત્વની ચાડી ખાતું હતું. ચોક્કસ આ મંદિર વિજયગઢ રાજ્યનું મૂખ્ય મંદિર હોવું જોઈએ તેમા કોઈ શંકા નહોતી. પરંતુ મારું ધ્યાન બીજે ક્યાંક અટવાયું હતું. એ મંદિર ફરતે વાળેલા કોટની જમણી દિવાલમાં કેટલાક માણસો દેખાતા હતા જેમના હાથમાં હથીયારો હતા અને તેઓએ દિવાલમાં ભગદળ પાડયું હતું. મતલબ કે તેમના ઈરાદાઓ બિલકુલ સારા ન હતા. ચોક્કસ તેઓ એ મંદિરને લૂંટવા આવ્યાં હોવા જોઈએ. પરંતુ… એક મંદિરમાં લૂંટ કરવા જેવું શું હોઈ શકે…? ભગવાનનાં સોના ચાંદીનાં પહેરાવાથી વિશેષ મંદિરમાં લૂંટવા જેવું કશું હોતું નથી. જો એ લોકો કોઈ સામાન્ય ચોર હોય તો વાત ઠીક હતી પરંતુ મને તો એ સૈનિકો જણાતાં હતા. મતલબ કે ચોક્કસ તેઓએ મંદિર ઉપર આક્રમણ કર્યું હશે. એ બાબત થોડી વિચિત્ર હતી. મનોમન એની નોંધ કરીને મેં ફરીથી પાના ઉથલાવ્યાં. એક વખત, બે વખત, ત્રણ વખત… ખબર નહી કેટલી વખત એ પુસ્તકને મેં જોઈ નાખ્યું હશે. હાં, જોઈ નાખ્યું એમ જ કહી શકાય કારણ કે તેમાં લખેલી ભાષા મને સમજાતી નહોતી. પુસ્તકમાંથી અલગ નોંધ તારવવા જેવું લાગ્યું એ એક અલગ પાનામાં મેં લખી લીધું જેનાથી એ સમજવામાં સરળતા રહે. ખરું કહું તો જે કશ્મકશમાં ગેરેજેથી હું ઘરે આવ્યો હતો એમાનું કંઈજ પુસ્તકમાં મળ્યું નહી. મારા પિતાજી અને જીવણાને જોડતી એક પણ કડી પુસ્તકમાં નહોતી. જો માનસાનો ફોન આવ્યો ન હોત તો ચોક્કસ હું નાસીપાસ થયો હોત. પુસ્તક ટેબલ પર મૂકી ટેબલનું નીચેનું ખાનું ખોલ્યું અને તેમાથી પેલો લાકડાનો ટૂકડો બહાર કાઢી બરાબર ધ્યાનથી તેને નિરખવા લાગ્યો. બરાબર એ સમયે જ બહાર કોઈની કાર આવીને ઉભી રહી હોય એવો અવાજ સંભળાયો. ચોક્કસ એ માનસા જ હશે એની મને ખાત્રી હતી એટલે પેલો ટૂકડો ત્યાંજ રહેવા દઈને હું બહાર નિકળ્યો.

એ માનસા જ હતી. તેને કારમાંથી ઉતરતા હું જોઈ રહ્યો. એ ખૂબસુરત લાગતી હતી. એમાં પણ તેણે પહેરેલા ગોગલ્સમાં તે ઓર દિલકશ અદા વિખેરી રહી હતી. તેની કાર આવીને ઉભી રહી એટલે બસ્તીમાં જાણે કૌતૂક સર્જાયું હોય એમ નાના છોકરાઓ ટોળે વળ્યાં હતા અને ઘરનાં ઓટલે બેઠેલી સ્ત્રીઓને વાતો કરવાનો મુદ્દો મળી ગયો હતો. મેં ઝડપથી માનસાને અંદર કમરામાં લીધી અને કમરાનો આગળીયો વાસ્યો.

“અરે પણ, શું કરે છે તું…?” મારી હડબડાહટ જોઈને માનસા બોલી ઉઠી.

“તું આ બસ્તીની ઓરતોને જાણતી નથી..! એક અલ્હડ ખૂબસૂરત યુવતીને અહી મારાં ઘરે એકલી આવેલી જોઈને કેવી-કેવી અફવાઓ ફેલાવશે એ તો ભગવાન જાણે.”

“અચ્છા…!” માનસાએ એકાએક આંખો નચાવી અને મારી નજીક સરકી. તેનો ચહેરો મારી નજીક આવ્યો. હું બે ડગલા પાછો હટયો.

“સુંદરતાનાં વખાણ કરવા એ કંઈ ખોટું નથી.” મેં ચોખવટ કરી. તેણે જે ટોનમાં ’અચ્છા’ કહ્યું હતું એનો મતલબ હું સમજ્યો હતો. તેને બસ્તીની ઓરતો શું વાતો કરશે એની ફિકર નહોતી પરંતુ મે તેને અલ્હડ કહી એ નોંધ્યું હતું.

“તને હું સુંદર લાગું છું…?” તેણે અંગ્રજીમાં પૂછયું અને ઓર નજીક સરકી. તે અચાનક અલગ જ મૂડમાં આવી હતી.

“કેમ, તું નથી…? આ શહેરનાં દરેક બાશિન્દાને તું ખૂબસૂરત લાગે એમા કોઈ શક નથી.” આજ સુધી મારી આટલી નજીક કોઈ યુવતી આવી નહોતી એટલે મને થોડી અસહજતાં મહેસૂસ થતી હતી પરંતુ એ ગમતું પણ હતું. તેના જીસ્મમાંથી ઉઠતી તરોતાજા ખુશ્બું મને બહેકાવી રહી હતી.

“મને બીજા સાથે કોઈ મતલબ નથી.” તે એકદમ ધીમા, મદભર્યા અવાજે બોલી. તેનો ચહેરો મારા ચહેરાની લગોલગ આવ્યો હતો. તેનાં ગરમા ગરમ ઉચ્છશ્વાસ મારા ચહેરા સાથે અથડાતા હતા. તેનું તંગ થયેલું શરીર મારા જીસ્મને સ્પર્શતું હતું. અને હું…!! કોઈ બાઘા આદમીની જેમ સાવ સ્થિર બનીને ઉભો હતો. આ અનુભવ મારા માટે નવો હતો એટલે શું કરવું જોઈએ એ સમજાતું નહોતું. ખબર નહી કેટલી સેકન્ડો એજ સ્થિતીમાં વીતી હશે અને એકાએક…

“અરે… આ તારી પાસે ક્યાંથી આવ્યું…?” માનસા સાવ અન-અપેક્ષિત રીતે મારાથી અળગી થઈ હતી અને અંદર કમરા તરફ ચાલી હતી.

“શેની વાત કરે છે તું…?” ખરેખર મને કંઈ જ ગતાગમ પડતી નહોતી કે આ છોકરીને મારે કેવી રીતે ’હેન્ડલ’ કરવી. વરસાદી વાવાઝોડાની જેમ વારેવારે તેનું વર્તન રંગ બદલતું હતું.

“અરે આ…!” તે ટેબલ પાસે જઈને ઉભી રહી અને હમણાં જ મેં લાકડાનો જે ટૂકડો ટેબલ પર મૂક્યો હતો એ ઉઠાવીને મને બતાવ્યો.

“વોટ…?” ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો મને. “તને ખબર છે એ શું છે…?”

“હાં..” તે બોલી. પછી અટકી. “એક્ચ્યુલી નહી. મતલબ કે ખબર છે પણ ખરી અને નથી પણ.” તેણે ગોટાળો વાળવો શરૂ કર્યો. હું અધ્ધર સ્વાસે ઝડપથી તેની નજીક પહોંચ્યો.

(ક્રમશઃ)