Island - 44 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 44

Featured Books
Categories
Share

આઇલેન્ડ - 44

પ્રકરણ-૪૪.

પ્રવીણ પીઠડીયા.

માનસાનું દિલ અને દિલ બન્ને તેના કાબુમાં નહોતા. તેનું મન ઉડીને રોની પાસે પહોંચી ગયું હતું. એક અજબ સંમોહન ભર્યાં નશામાં તે વિહરતી હતી. તેને સમજાતું નહોતું કે એવું કેમ થાય છે કારણ કે આજ પહેલા કોઈનાં માટે તે આટલી વિહવળ બની નહોતી. છોકરાઓને પોતાના ઈશારે નચાવતી એક અલ્હડ યુવતી ખૂદ આજે કોઇનાં સાનિધ્ય માટે તરસી રહી હતી. ફટાફટ ન્હાયને, તૈયાર થઈને ઘરે કોઈને કહ્યાં વગર જ બસ્તી તરફ તે નિકળી પડી હતી.

----------

સાર્જન્ટ પીટર એન્ડરસન ચકરાવામાં પડયો. રુદ્ર દેવનાં મંદિરમાં કોઈ ખજાનો છૂપાયેલો હતો એની ભનક તેને મળી ચૂકી હતી પરંતુ અત્યારે ત્યાં કંઈ જ નહોતું એ સત્ય પચાવવું તેના માટે ઘણું અઘરું હતું. કર્નલ જેમ્સ કાર્ટરે જે મનસૂબા સાથે વિજયગઢ ઉપર ચઢાઈ કરી હતી એમાનું કંઈ જ તેમનાં હાથે લાગ્યું નહોતું એનો ઉંડો આઘાત પીટરને લાગ્યો હતો. મતલબ સાફ હતો કે વિજયગઢમાંથી તેઓ ખાલી હાથે પાછા જવાનાં હતા. એક તરફ વિજયગઢ તબાહ થયું હતું અને બીજી તરફ જે સમૃધ્ધીની આશા તેમને હતી એ ફળી નહોતી. પરંતુ… તે હાર માનવા તૈયાર નહોતો. તેણે એ ખજાનાં પાછળ પડવાનું મન બનાવી લીધું હતું અને પોતાની સાથે આવેલા વજા ખાનને એનું બિડું સોપ્યં હતું.

ઘણા વર્ષો એમ જ વિત્યાં હતા પરંતુ ખજાના વિશે તેના કાને કોઈ ભનક સંભળાઈ નહોતી. તે લગભગ નાસીપાસ થઈને ફરીથી ઈંગ્લેન્ડ ચાલ્યો જવા માંગતો હતો અને તેણે એ બાબતની તૈયારીઓ પણ આરંભી દીધી હતી.

એવી જ હાલત કર્નલ જેમ્સ કાર્ટરની થઈ હતી. તેના હાથમાં આવેલો ખજાનો એકાએક સમૃદ્રની ગહેરાઈઓમાં સમાઈ ગયો છે એ સમાચારે તેને ભાંગી નાંખ્યો હતો. વેંકટા પાસેથી છીનવેલી અપાર દોલત એક ઝટકે નામશેષ બની ગઈ હતી. તેની હાલત તો ચોરની માં કોઠીમાં મોં ધાલીને રોવે એવી થઈ હતી કારણ કે એ ખજાના વિશે તે કોઈને કહી પણ શકે એમ નહોતો. વર્ષોથી એક સપનું પાળીને તે જીવતો હતો કે ક્યારેક તો અપાર સંપત્તીનો તે માલીક બનશે. અને એ માટે તેણે અઢળક મહેનત કરી હતી. કેટલાય કાવાદાવા અને દાવપેચ ખેલ્યાં હતા. આખરે એક સોનેરી તક અચાનક જ તેના હાથે લાગે હતી અને અઢળક દોલત સાવ રમતા રમતા જ તેના ખોળામાં આવી પડી હતી, પરંતુ હાય રે કિસ્મત… તે હજું પોતાની કિસ્મત ઉપર પોરસાય એ પહેલા તો એ દોલત તેના હાથમાંથી છીનવાઈ ગઈ હતી. એ સત્ય પચાવવું, તેનો આઘાત સહન કરવો અઘરું હતું. તેણે ખાનગી રાહે કોઈ ગાંડાની જેમ એ જહાજ ’વેટલેન્ડ’ની શોધ આદરી હતી. લગભગ ચાર મહીના એ ખોજ ચાલી હતી પરંતુ વેટલેન્ડ વિશે કોઈ જ નક્કર માહીતી તેને મળી નહોતી. ડક્કા ઉપર કામ કરતાં ખારવાઓ અને વહીવટદારો એક જ રટણ કરતાં હતા કે તેઓ તે દિવસે ભારે વરસાદ અને તોફાન હોવાથી ઘરે ચાલ્યાં ગયા હતા. ડક્કા ઉપર અને જહાજમાં ગણતરીનાં ફક્ત થોડા જ માણસો હાજર હતા અને એ લોકો પણ તે દિવસ પછી ક્યાંક અંતર્ધ્યાન થઈ ગયા હતા. તેમનાં વિશે પણ કોઈને કશો જ ખ્યાલ નહોતો. એક રીતે ગણો તો એ દિવસ ઈતીહાસનાં પાનેથી સાવ ભૂંસાઈ ચૂક્યો હતો. કાર્ટરે માથું પિટ્યું હતું. છતાં તેણે હાર માની નહોતી અને વેટલેન્ડની ખોજ શરૂ રાખી હતી. તે એટલી આસાનીથી ખજાનાને ભૂલી શકે તેમ નહોતો.

----------------

વિક્રાંત અને ડેની બન્નેનાં જીગરમાં દાવાનળ સળગતો હતો. રોની જેવું એક તૃચ્છ મચ્છર તેમને હરાવી ગયું એનો ક્રોધ કેમેય કરીને શાંત થતો નહોતો. એટલું ઓછું હોય એમ માનસાએ તેમનો ઉપહાસ ઉડાડયો હતો એ નાલોશી તેમના કાળજે કોઈ અંગારની દઝાડતી ગઈ હતી. તેમાં પણ રોનીનો દોસ્ત, ગામનાં ઉતાર જેવો પેલો બાબી… વિક્રાંતની ગન છીનવીને તેને જ ઠમઠોરી ગયો હતો એ લટકામાં ઉમેરાયું હતું. હોસ્પિટલથી ઘરે આવ્યાંને ઘણો સમય થયો હતો છતાં તેઓ ઘરની બહાર નિકળ્યાં નહોતા એટલો આઘાત તે બન્નેને લાગ્યો હતો અને એ વાતનો બદલો લેવા તેઓ આતૂર બન્યાં હતા. વિક્રાંતે ફોન કરીને ડેનીને પોતાના પ્રાઈવેટ ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો.

“એ બાસ્ટર્ડને હું છોડીશ નહી.” ડેની બોલ્યો. તે અહી પણ સખત નશો કરીને આવ્યો હતો. વિક્રાંતે નશામાં ધૂત ડેની તરફ જોયું અને ઉપહાસ ભર્યું હાસ્ય વેર્યું. તે જાણતો હતો કે ડેની શ્રેયાંશ જાગીરદારનાં ખાનદાનમાં જનમ્યો ન હોત તો ચોક્કસ કોઈને ત્યાં મજૂર બનીને કામ કરતો હોત. ડેનીનો પ્લસ પોઈન્ટ ફક્ત એટલો જ હતો બાકી તેની લાયકાત નશો કરીને લવારી કરવાથી વિશેષ કશી નહોતી. છતાં… એ તેનો દોસ્ત હતો. એથી પણ વધું તે એની બહેનનો આશિક હતો એ ન્યાયે તેને સાચવવો જરૂરી હતો. વળી તે બન્નેનો દુશ્મન પણ એક જ હતો…રોની.

“તેને અને પેલા હરામખોર બાબીને રસ્તામાં આંતરવા પડશે. પછી એ છે અને હું છું.” વિક્રાંત દાંત ભિસતા બોલ્યો. એક વખત ડેની કદાચ પાછી પાની કરે પરંતુ તે એ લોકોને બક્ષવાનાં મૂડમાં નહોતો. એ લોકોનાં કારણે માનસાએ આજે પહેલી વખત તેની મજાક ઉડાવી હતી અને પહેલી વખત તે માનસા સાથે આંખો મેળવી શક્યો નહોતો.

“હું તો કહું છું અત્યારે જ ચાલ. એ તેના ગેરેજ પર હશે. ત્યાંજ દબોચી લઈએ.”

“નહી, એનો સમય આવશે ત્યારે જોઈ લેશું.” વિક્રાંત બોલ્યો. તે જાણતો હતો કે અત્યારે રોની પર હાથ નાંખવો યોગ્ય નથી. એલીટ ક્લબમાં થયેલા હંગામાં પડઘા હજું શમ્યાં નહોતા તેમા વળી નવો બખેડો ઉત્પન્ન કરવો બરાબર નહોતું. જો ડેનીનાં બાપની ઓળખાણ ઉપર સુધી ન હોત તો પેલો ઈન્સ્પેકટર ચોક્કસ તેમને કાચોને કાચો ખાઈ ગયો હોત એમા કોઈ શંકા નહોતી. એ તો શ્રેયાંશ જાગીરદારની વગને કારણે એ મામલો શાંત પડી ગયો હતો નહીતર એનું પરીણામ બધાને ભોગવવું પડત.

“તો સાલ્લા આપણે અહી શું જખ્ખ મારીશું અને પેલો ગેરેજવાળો બાસ્ટર્ડ ખૂલ્લો ફરશે..?” ડેની એકધારી ગાળો બોલવા લાગ્યો.

“તું દારૂ પી. બાકીનું મારી પર છોડી દે.” વિક્રાંત તેની નજીક જઈને તેનો ગ્લાસ ભરતાં બોલ્યો અને પછી ઉંડા વિચારોમાં ખોવાઈ ગયો.

--------------

“ઓય, રોની ક્યાં છે…?” માનસા તેની કાર ડ્રાઈવ કરીને રોનીનાં ગેરેજે આવી હતી. ગેરેજ બહાર કાર પાર્ક કરીને તે નીચે ઉતરી હતી અને અંદર આવી હતી. તેણે ત્યાં કામ કરી રહેલા એક યુવકને રોનીનો પત્તો પૂછયો હતો. તેને એમ જ હતું કે રોની અંદર ગેરેજમાં ક્યાંક હશે.

“એ તો હમણાં બહાર ગયા. કંઈ કામ હોય તો બોલો.” એ યુવકને લાગ્યું કે આ સોહામણી યુવતી તેની કાર રિપેર કરાવવા આવી છે.

“બહાર…! ક્યાં…?”

“એ તો શું ખબર. તમે ફોન કરો ને. નંબર છે તમારી પાસે..? કારમાં કંઈ પ્રોબ્લેમ હોય તો હું જોઈ લઉં.” યુવક હાથ લૂછતો માનસાની નજીક આવ્યો. રોનીનાં ગેરેજમાં મોટેભાગે બાઈકો જ રિપેર થતી છતાં ઘણી વખત કાર લઈને કોઈ આવ્યું હોય તો એનું પણ કામ કરી આપવામાં આવતું. વળી આવી સુંદર યુવતીને નાં પાડવાનું એ યુવક પાસે કોઈ કારણ પણ નહોતું.

“નહી, હું ફોન કરું છું.” માનસાએ એ યુવકને નિરાશ કરતાં કહ્યું અને રોનીને ફોન લગાવ્યો. યુવકે ખભા ઉલાળ્યાં અને ફરી પાછો અંદર ચાલ્યો ગયો. માનસાએ રોનીનો નંબર લગાવ્યો.

(ક્રમશઃ)