પ્રકરણ-૪૩.
પ્રવીણ પીઠડીયા.
વસંત માડુ ધમલાની નાસમજી પર હસ્યો હતો પરંતુ તેના મનમાં બરાબર ગડ બેઠી હતી. કોઈ માણસ આટલાં ભયંકર તોફાનમાં ક્યારે રિસ્ક લેતો હોય એની સમજ હતી તેનામાં. અને એટલે જ તે ડાયરેક્ટ એકશન લેવાનાં મૂડમાં આવ્યો હતો.
“ધમલા, જેણે પણ આ ખટારાઓ ભરીને માલ મોકલાવ્યો છે એને આ તોફાનનો અંદાજો હશે જ. છતાં તેણે જોખમ ખેડીને રિસ્ક લીધું. શું કામ…!” તે અટક્યો. તેની આસપાસ જમાં થયેલા તેના માણસો બરાબર કાન માડીને તેને સાંભળી રહ્યાં હતા. ખાસ કરીને ધમલો. એ જાડી બુધ્ધીનો લઠ્ઠ આદમી હતો છતાં વસંત માડુ સાથે રહીને થોડો ઘણો હોંશીયાર બની ગયો હતો.
“શું કામ…?” ધમલો એકાએક ઉત્તેજીત બની ગયો અને માડુ જાણે કોઈ રહસ્યમય પહેલી ઉકેલવાનો હોય એમ તેની તરફ તાકી રહ્યો.
“એનો મતલબ એક જ હોય શકે, અને તે એ કે જે સામાન આવ્યો છે એને કોઈપણ ભોગે, કોઈની પણ નજરોમાં લાવ્યાં વગર, આજેને આજે જ સગેવગે કરવાનો હોય. તો જ આવી ભયંકર પરિસ્થિતીની આડ લેવામાં આવી હોય નહીતર કોઈ ગાંડા માણસને પણ ખબર પડે કે કોઈ કપ્તાન પોતાના જહાજને આવાં તોફાનમાં સમૃદ્રમાં નાંખે નહી. સમજાય છે મારી વાત…?”
“હોવ, તમે કહેવા માંગો છો કે એ પેટીઓમાં સોનું ભર્યું છે. એમ જ ને…” ધાંમલાને આ જગતમાં સોનું જ સૌથી કિંમતી વસ્તું લાગતી એટલે તેણે માડુની વાતનો સીધો સરવાળો માંડયો. જોકે માડુનો ઈશારો પણ એ તરફ જ હતો. તેને ખ્યાલ હતો કે અંગ્રેજો હિન્દુસ્તાનમાંથી બેહિસાબ સંપત્તીની લૂંટ ચલાવીને ઈંગ્લેન્ડ ભેગી કરી રહ્યાં છે. એટલે જ એક સમયનો સમૃધ્ધ દેશ અત્યારે કંગાળ બની રહ્યો છે અને કંગાળ બ્રિટન ધીરે-ધીરે સમૃધ્ધ થતું જાય છે.
“સોનું પણ હોઈ શકે અથવા એથી કિંમતી કોઈ સામાન પણ હોય. પરંતુ… જે હશે એ આપણી કલ્પના બહારનું હશે એમાં કોઈ શંકા નથી.”
“તો… કરવાનું છે શું…?” ધમલાએ સાફ શબ્દોમાં પૂંછયું. માડુની આંખો ઝીણી થઈ. તેના ખૂરાફાતી દિમાગમાં એક પ્લાન ઉદભવ્યો હતો. ધમલાનાં કહેવા પ્રમાણે જહાજની અંદર કૂલ મળીને દસ માણસો હોય તો તેનું કામ આસાન બની જવાનું હતું.
“તું પાક્કી તપાસ કર. જહાજમાં કેટલા માણસો છે અને કઈ જગ્યાએ છે. ત્યાં સુધીમાં હું અહી વ્યવસ્થા ગોઠવું છું.” માડુની આંખોમાં એકાએક હિંસક વરું જેવી ચમક ઉદભવી. તે એક આંધળો દાવ ખેલવા જઈ રહ્યો હતો. માત્ર એક કાચા અનુમાનનાં આધારે તેણે લોહીયાળ ખેલ ખેલવાનું નક્કી કરી લીધું હતું. જો તેની ગણતરી સાચી પડી તો રાતોરાત તે લખપતી બની જવાનો હતો અને… જો એ ગણતરી ઉંધી પડી તો…!! તેનાં દાંત ભિંસાયા. નહી, એવું નહી થાય. તેનો માંહ્યલો કહેતો હતો કે ચોક્કસ તે સફળ બનશે. જે રીતે ખટારાઓ આવ્યાં હતા અને નવી નક્કોર પેટીઓ તેમાથી ઉતરી હતી જોઈને કોઈપણ સમજદાર માણસ થાપ ખાય નહી.
ધમલો કેબિનમાંથી બહાર નિકળીને જહાજ તરફ ઉપડયો. બહાર એટલો જોરથી પવન ફૂંકાતો હતો કે તેના જેવા કદાવર માણસનાં પગ પણ જમીન પરથી ઉખડી રહ્યાં હતા. માથે જોરથી ખાબકતા પાણીનાં છાંટા કોઈ અણીદાર ભાલાની જેમ તેના ચહેરા અને માથા ઉપર ભોંકાતા હતા. તે મહા મુસીબતે આગળ વધ્યો. થોડે દૂર… ડક્કા ઉપર લંગરનાં સહારે લાંગરેલા ભારેખમ જહાજો જાણે સાવ હળવા કાગળનાં બનેલા હોય એમ સૂસવાટાભેર વહેતા પવનમાં ભયંકર રીતે આમથી તેમ ડોલી રહ્યાં હતા. સમૃદ્રનું ઉછાળા મારતું પાણી ભારે વેગે કાંઠા તરફ ધસી આવીને બારાની પથ્થરની દિવાલ સાથે અથડાતું હતું. એ હિલોળામાં જહાજો પાણીનાં મોજા સાથે ઉછળીને નીચે પટકાઈ ફરી પાછા સમૃદ્રમાં ગોથા ખાઈ રહ્યાં હતા. ધમલાને એ દ્રશ્ય જોઈને ધ્રૂજારી ઉપડી. શું તેનો સરદાર વસંત માડુ ગાંડો થઈ ગયો છે…? જે આટલી ભયંકર પરિસ્થિતીમાં જહાજ લૂંટવાની વાત વિચારી રહ્યો છે. એ પણ માત્ર પાંચ માણસો મળીને…! ઘડીક તો થયું કે તે અહીથી જ પાછો વળી જાય અને સરદારને મના કરી દે. પરંતુ ઘણા વર્ષો તેણે વસંત માડુનાં હાથ નીચે કામ કર્યું હતું એટલે તેની ફીતરત સારી રીતે જાણતો હતો. એક વખત કોઈ કામ કરવાનું નક્કી કરી લે પછી તે એના બાપનું પણ સાંભળતો નહી. અને વાત એટલી જ નહોતી. તેને પણ માડુ ઉપર અખૂટ ભરોસો હતો. માડુનાં મનમાં શંકા છે કે એ પેટીઓમાં અપાર સોનું ભરેલું છે તો ચોક્કસ તેમા હશે જ. એટલે વધુ વિચારવા રોકાયા વગર તે જહાજ તરફ આગળ વધી ગયો.
-----------
એ પછી જે થયું એ ઈતીહાસનાં કોઈ પાને દર્જ નથી. એ દિવસ અને એ સમય પછી બધુ બદલાઈ ગયું હતું. વેટલેન્ડ નામનાં એ જહાજનું અને તેની ઉપર હાજર લોકોનું શું થયું એની કોઈને જાણકારી નહોતી. રાતોરાત એ જહાજ તેના બારામાંથી ગાયબ થઈ ગયું હતું. એક જંગી જહાજ, જેની હજ્જારો લોકવાયકાઓ સમાજમાં ફરતી હોય, જેને જોવા લોકોનાં ટોળા ઉમડતાં હોય, જેની બનાવટ ઉપર ખૂદ બ્રિટિશ સરકારને ગર્વ હોય, એવું એક અનુપમ જહાજ તે દિવસે ગાયબ થઈ ગયું હતું. આશ્વર્યજનક બાબત તો એ હતી કે એ પછી તેની કોઈ તપાસ કરવામાં આવી નહોતી. અને જો કરવામાં આવી હોય તો એની કોઈને કાનોકાન જાણ થઈ નહોતી.
જહાજ વિશે એવી અફવાઓ ફેલાઈ હતી કે તે દિવસે જે તોફાન સર્જાયું હતું એ તોફાનમાં જહાજ સમૃદ્રમાં ડૂબી ગયું હતું. લોકોનાં મોઢે તો કમસેકમ એવી જ વાતો થતી હતી. તેનાં કોઈ સબૂત આપી શકવા સક્ષમ નહોતું પરંતુ હકીકત એ હતી કે ’વેટલેન્ડ’ ગાયબ થયું હતું અને… એ રહસ્ય આજે પણ રહસ્ય જ બની રહ્યું હતું. વળી તેની સાથે સંકળાયેલા લોકો પણ ગાયબ હતા એ ભયંકર આશ્વર્યજનક બાબત હતી.
------
માનસા જાગી ત્યારે બપોર થઈ ચૂકી હતી. તેના અંગત બેડરૂમનાં મુલાયમ બેડ પર સૂતા-સૂતા જ તેણે આંખો ખોલી અને સામેની દિવાલે લગાવેલા વિશાળ પારદર્શક કાચની પેલે પાર દેખાતા ગાર્ડનની લીલીછમ હરીયાળીને આંખોમાં ભરી, દિલકશ અંગડાઈ લેતા તે બેઠી થઈ. એકાએક તેની આંખો સમક્ષ રોનીનો રુક્ષ ચહેરો તરવર્યો અને તેના ગાલ ઉપર લાલી છવાઈ. આજ સુધી તેના જીવનમાં ઘણા યુવાનો આવ્યાં હતા અને ઘણા સાથે તેના અંગત સંબંધો પણ રહ્યાં હતા પરંતુ એ બધા સુંવાળા યુવાનો હતો. ધનવાન કુટુંબોનાં રાજાશાહી ઠાઠમાં ઉછરેલા છેલબટાઉ અને ઉછાંછળા યુવાનો. જેને નાની-નાની વાતોમાં ઉગ્ર થતાં તેણે જોયા હતા. ગઈરાતે પહેલી વખત એક અલગ અનુભવ તેને થયો હતો. રોની અન્ય યુવાનો જેટલો દેખાવડો નહોતો કે નહોતી તેનામાં કોઈ રીતભાત, છતાં… કંઈક એવું હતું જે આજ પહેલા તેણે ક્યારેય કોઈનામાં જોયું નહોતું. એ સાવ રફ અને કંઈક અંશે તોછડો હતો. તેને જોઈને એક અનોખી જ લાગણી તેના મનમાં ઉઠી હતી. એ શું હતું એ હજુ સુધી તે સમજી શકી નહોતી. તેણે એક આખી રાત એક અજનબી યુવાન સાથે વિતાવી હતી. તે બેતહાશા પલળી હતી. ભિના દેહે તે રોનીની બાઈક પર તેને ચિપકીને બેઠી હતી. અરે… ઘનઘોર જંગલમાં ભયાનક રીતે થયેલા એક કત્લની છાનબિન કરી આવી હતી અને ડેડીની સ્પષ્ટ મના હોવા છતાં છેક સવારે ઘરે આવી હતી એ તેને માટે કોઈ સપનાથી કમ નહોતું. અત્યારે પણ તે એ મદહોશીમાં જ વિચરી રહી હતી.
“રોની…” એકાએક તેનાં ગળામાંથી શબ્દો સર્યા અને પછી એકલી જ હસી પડી. અને પછી શરીર પર ઓઢેલો મુલાયમ બ્લેન્કેટ હટવીને તૈયાર થવા તે બાથરૂમમાં ધૂસી ગઈ.
---------
રોની ઉભડક જીવે ગેરેજમાં આંટા મારતો હતો. આવ્યો ત્યારથી તેનું મન પેલા ઘાવનું સરનામું શોધી રહ્યું હતું. સમજ નહોતી પડતી કે શરૂઆત ક્યાંથી કરવી. દસેક વર્ષ પહેલા મૃત્યું પામેલા પિતા અને હાલમાં જ જેનું ખૂન થયું છે એ જીવણા વચ્ચેનો સંબંધ સમજાતો નહોતો. છતાં એટલું નક્કી હતું કે તેના પિતાનાં મોતનું રહસ્ય જીવણા સાથે સંકળાયેલું છે. અને તેની માં ને શોધવાનો રસ્તો પણ ત્યાંથી જ મળશે એવું તેને લાગવાં માંડયું હતું. એકાએક તેને પેલું પૂસ્તક યાદ આવ્યું. જો એ પૂસ્તકમાં લખેલા શબ્દો અને ચિત્રો સમજાય તો ચોક્કસ આગળની રાહ મળશે એવું તેને લાગ્યું. હજું તો ઘરેથી ગેરેજે આવ્યો જ હતો છતાં ઉડીને ફરી પાછું ઘરે પહોંચી જવાનું તેને મન થયું
(ક્રમશઃ)