પ્રકરણ-૩૯.
પ્રવીણ પીઠડીયા.
એ સવાર ગજબ ઉગી હતી. લગભગ આખી રાત તંન્દ્રામાં જ વીતી હતી અને માનસાને મૂકીને આવ્યાં પછી અધૂરી ઉંઘમાં અજબ-ગજબ સપનાઓએ મને રીતસરનો ધમરોળ્યો હતો એમ કહી શકાય. ઘડીક મને જીવણાનું રક્તરંજિત ઘર દેખાતું હતું તો ઘડીક એ ઘરમાં ખીલખીલાટ હસતી માનસા દેખાતી હતી. એ સમયે થતાં વિજળીનાં ચમકારે ધોધમાર વરસતો વરસાદ જાણે ભયંકર પૂર તાણી લાવશે એવો ભાસ થતો હતો અને એ પૂરમાં જીવણાનાં ઘર સમેત અમે બન્ને તણાતાં દેખાતાં હતા. અર્ધ-બિડાયેલી મારી પાપણો પાછળ કોઈ ભયંકર ડરામણું ચલચિત્ર ચાલતું રહ્યું હતું અને એ બિહામણા સ્વપ્નાઓ મને છળાવી રહ્યાં હતા. એકાએક મને જીવણાનો ચૂંથાયેલો દેહ દેખાયો. તેના શરીરે ઉંડા... વિચિત્ર પ્રકારનાં અસંખ્ય ઘા નાં નિશાનો હતા. કેટલું બિભત્સ.. કેટલું દર્દનાક મોત..! અને અચાનક હું ચોંકી ઉઠયો. મને યાદ છે ત્યાં સુધી એવા જ નિશાનો મેં ક્યાંક જોયા હતા. પણ ક્યાં..? ઉંઘમાં જ મારી ધડકનો તેજ ગતીએ ચાલવા લાગી. “માયગોડ… માયગોડ…” એક ધૂંધળો દેહ પાપણોની હેઠળ ઉભર્યો. એ દેહ જમીન ઉપર પથરાયેલો હતો. તેની આસપાસ ઘણાબધા લોકોનાં આછા ઓછાયા લહેરાતા હતા. કદાચ તેઓ એ દેહને વિંટળાઈને ઉભા હતા. કોઈક રડતું હોય એવું લાગતું હતું. હું પણ ત્યાં હતો અને હું હાથમાં રેશમ જેવું કપડું થોભીને ઉભો હતો. એ…એ… કપડું, એમાથી ઉઠતી સુવાસ ઘણી જાણીતી હતી. ઉંઘમાં જ ભાસ થયો જાણે એ સુવાસ, એ રેશમી કપડું, એ કપડું પહેરીને ઉભેલી સ્ત્રી, ત્યાં એકઠો થઈને રડી રહેલા લોકો, એ બધાથી હું સારી રીતે પરીચીત છું. છતાં કંઈ જ સ્પષ્ટ થતું નહોતું કે આખરે હું કઈ જગ્યાએ છું..? હું મુંઝાઈ ગયો. એટલું ઓછું હોય એમ એ લોકોનાં રડવાનો અવાજ ધીમે-ધીમે ઉંચો થતો ગયો હતો. એક સમય એવો આવ્યો જ્યારે આખો કમરો ભયંકર રુદનનાં અવાજોથી ભરાઈ ગયો. કાનનાં કીડા ખરી જાય, પડદો ફાડી જાય એવા અવાજોથી એકાએક મને ભયાનક મુંઝારો ઉપડયો. એવું લાગ્યું જાણે એ અવાજો મારા કાનમાં ઘૂસીને મગજમાં વિસ્ફોટ કરી નાંખશે. મારા કપાળે પરસેવો ફૂટી નિકળ્યો. અને… સટાક કરતો પથારીમાં હું બેઠો થઈ ગયો. મારા શ્વાસોશ્વાસ અનિયંત્રિત દશામાં ભાગતાં હતા. કેટલું ભયંકર અને વિચિત્ર સ્વપ્ન.! મારી ધડકનોમાં ધડબડાટી વ્યાપી હતી અને આંખોમાં ન સમજાય એવો ખૌફ તરવરતો હતો. કોણ હતી એ વ્યક્તિ જેની ચારેકોર રોકકળ મચી હતી..?
સવારનો સૂરજ ક્યારનો ઉગી ચૂક્યો હતો અને પથારીમાં પડયો પડયો હું મને આવેલા સપનાઓ વિશેનાં વિચારમાં ખોવાયો હતો.
--------------------
સાવ અનાયાસે… એમ સમજોને કે સ્વિચ દબાવતાં જગતી કોઈ ટ્યૂબલાઈટની જેમ એકાએક મને બધું યાદ આવ્યું અને જો હું જૂવાન વ્યક્તિ ન હોત કે મારું હદય કમજોર હોત તો એ સમયે જ હાર્ટએટેકથી હું મરી ગયો હોત. એ ભયંકર હતું. મારી યાદદાસ્ત ખરા સમયે વહારે આવી હતી. આશ્વર્યથી મારી આંખો પહોળી થઈ. મારા પોતાના બાળપણનું એક દ્રશ્ય મારી નજરો સમક્ષ ઉભર્યું અને મારી ખૂલ્લી આખોમાં દુનિયાભરનું વિસ્મય આવીને સમાયું. મારા પિતાનાં અકળ મોત વખતે હું માંનાં પાલવનો છેડો પકડીને સ્તબ્ધ ઉભો હતો. મારી નજરો સમક્ષ, ઘરની બરાબર વચ્ચે, મારા પિતાનો નશ્વર દેહ પડયો હતો જેને સફેદ ચાદર વડે ઢાંકવામાં આવ્યો હતો. છત ઉપર ફરતાં પંખાની એક લહેરખીએ એ ચાદર ઉડી હતી અને પિતાજીનું શરીર કમર સુધી ઉઘાડું થયું હતું. એ સાથે જ કમરામાં હાજર હતા એ તમામનાં મોઢામાંથી એક હાયકારો નિકળી ગયો હતો કારણ કે… કારણ કે પિતાજીનાં શરીરે અસંખ્ય ઘા પડેલા હતા. ઉંડા, જાણે કોઈએ માછલી પકડવાનાં અણીદાર કાંટા વડે તેમને ઉતરડી નાંખ્યાં ન હોય. એ સમયે મને કશી જ સમજ નહોતી પરંતુ એ દ્રશ્ય મારા માનસ પટલ ઉપર છપાઈ ગયું હતું. કદાચ એટલે જ ગઈકાલે જીવણાનાં શરીર ઉપરનાં ઘાવને જોઈને હું ચોંક્યો હતો. મને એ ઘાવનાં નિશાનોએ મારા ભૂતકાળમાં પહોંચાડી દીધો હતો પરંતુ ઘણો લાંબો સમય વીતી ગયો હતો એટલે તરત યાદ આવ્યું નહોતું.
એનો મતલબ થતો હતો કે… “માયગોડ.” ભયાનક આશ્વર્યથી મારું મોં પહોળું થયુ અને માથું ધણધણવાં લાગ્યું. મતલબ કે મારા પિતાજીને અને જીવણાને મારનાર એક જ વ્યક્તિ છે…! એ કેવી રીતે શક્ય બને…? પિતાજીનું મૃત્યું આજથી લગભગ દસ-બાર વર્ષ અગાઉ થયું હતું જ્યારે જીવણો એક દિવસ પહેલા મરાયો હતો. એમ કેમ…? મારી ઉંઘ તો ઓલરેડી ઉડી ચૂકી હતી તેમા આ વિચારે હજ્જારો સવાલો ઉમટી પડયા જેણે મારા મનમાં રીતસરનું ધમાસાણ મચાવી મૂક્યું હતું. સમજમાં નહોતું આવતું કે મારે શું કરવું જોઈએ…? છતાં એક વાત પાક્કી હતી કે મારી આસપાસ જે પણ બની રહ્યું હતું એનો કાળો ઓછાયો મારા બાળપણ સાથે, મારા પિતાજીનાં મૃત્યું સાથે જોડાતો હતો. કેમ…? એ ગૂથ્થી મારે ઉકેલવાની હતી. હું ઉઠયો અને ફટાફટ તૈયાર થઈને ગેરેજે પહોંચ્યો. પરંતુ એક વાત ભૂલી ગયો હતો. રાત્રે સૂતી વખતે પેલું પૂસ્તક જોવાની નેમ સાથે હું ઉંધી ગયો હતો. જો એ પૂસ્તકને બરાબર ’સ્ટડી’ કર્યું હોત તો મારી ઘણી સમસ્યાઓનું સમાધાન મળી ગયું હોત. એ થયું હતું પરંતુ થોડા સમય બાદ.
-------
શંકરનાં કાને વેંકટાનાં પરાજયનાં સમાચાર પહોંચી ગયા. એ સમાચાર સાંભળીને તેને ગહેરો આઘાત લાગ્યો. ખજાનો હાથમાંથી ગયો એ કરતાં પણ વેંકટો હણાયો હતો એનો માતમ વધું હતો. વેંકટાને તે પોતાનો શિષ્ય નહી પરંતુ પૂત્ર જ ગણતો હતો અને તેણે તેને હંમેશા જીતતો જ જોયો હતો. એ પનોતો પૂત્ર આજે આતાતાયીઓનાં હાથે કમેતો મર્યો હતો એનો રંજ ક્યાંય સુઘી તેના જીગરને વલોવતો રહ્યો હતો. પહેલા વિરસેન અને હવે વેંકટા રેડ્ડીનાં મૃત્યુંથી એકાએક તે પોતે નોધારો બની ગયો હોય એવું અનુભવતો હતો. પરંતુ જ્યાં સમગ્ર વિજયગઢ જ તેમના હાથમાંથી સરકી ગયું હોય ત્યારે એક કે બે વ્યક્તિઓનાં મોતનો શું માતમ મનાવવો..? અને હજું તેનું મૂખ્ય કામ તો બાકી હતું, એ હતું રુદ્ર દેવનાં ખજાનાને સલામત સ્થળે પહોંચાડવાનું. ભારે હદયે ચૂનિંદા સાથીઓ સાથે તેણે પોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કર્યું.
-------
માનસા લગભગ બપોર સુધી ઘોરતી રહી હતી. વ્યવસ્થિત થયેલી ઉંઘને કારણે રાતનો થાક ઉતર્યો હતો અને તરોતાજા ખિલેલા ફૂલની જેમ તેનો ચહેરો ખિલ્યો હતો. આજે ઘણા લાંબા સમય બાદ તેનું મન પ્રસન્ન હતું. અત્યાર સુધીમાં આવો અનુભવ ક્યારેય તેને થયો નહોતો. તે બેફામપણે જીવવા ટેવાયેલી હતી. કેટલાય બોયફ્રેન્ડ તેના જીવનમાં આવ્યાં હતા અને ચાલ્યાં ગયા હતા પરંતુ જે અહેસાસ રોનીનાં સાનિધ્યમાં તેને થયો હતો એ અવર્ણનિય હતો. રોની યાદ આવતાં જ તેના ગાલે લાલાશ ઉભરી આવી. કંઈક હતું એ છોકરામાં જે તેને તેની તરફ ખેંચી રહ્યું હતું. શું…? એ તે નહોતી જાણતી. પ્રેમ, પ્યાર, મહોબ્બત જેવા ખોખલા શબ્દો કે એવી બે-ફજૂલ લાગણીઓમાં ક્યારેય તેને વિશ્વાસ નહોતો. તે માનતી કે એ નકામા અને નવરા લોકોનું કામ છે એટલે જ વિક્રાંત જેવો મારફાડ બોયફ્રેન્ડ હોવા છતાં તે રોની તરફ ખેંચાઈ હતી. તે જાણતી હતી કે વિક્રાંત ક્યારેય આ બાબત સાંખી નહી લે પરંતુ એ તો સમય આવ્યે જોયું જશે એવા બેફિકરા અંદાજથી તે પથારી માથી ઉઠી હતી અને તૈયાર થવા બાથરૂમમાં ઘૂસી ગઈ.
---------
સાર્જન્ટ પીટર એન્ડરસન ભારે બેચેન હતો. સાવ આસાનીથી વિજયગઢ તેના ખોળામાં આવીને પડયું હતું છતાં એ બાબતની ખૂશી તેના ચહેરા પર વર્તાતી નહોતી. કંઈક હતું જે તેને ખટકી રહ્યું હતું. સાવ ખાલીખમ વિજયગઢને મેળવીને તે ખૂશ કેવી રીતે રહી શકે…! તેણે એ સમયે જ ખણખોદ આદરી હતી અને બહુ જલ્દી તેને રુદ્રદેવનાં ખજાના વિશે માહિતી મળી હતી.
(ક્રમશઃ)