Island - 35 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 35

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇલેન્ડ - 35

પ્રકરણ-૩૫.

પ્રવીણ પીઠડીયા.

દમયંતી દેવીની આંખોમાં ખૌફ ઉભરાતો હતો. વેંકટાનાં દેદાર જોઈને જ તેમનાં મોતિયા મરી ગયા હતા અને પોતાનું મોત નજરો સામે નાચતું દેખાયું. પરંતુ… તેમના ઘોર આશ્વર્ય વચ્ચે વેંકટો થોભ્યો હતો અને તેણે તેની તલવાર હેઠી કરી હતી.

“હું ઓરતો ઉપર હાથ ઉઠાવતો નથી એટલે તમને જીવિત જવા દઉં છું, બાકી આપે જે કર્યું છે એની સજા મોત સિવાય બીજી હોઈ જ ન શકે. આ સામે…” તેણે હાથ ઉંચો કરી તલવારની અણીએ જંગલની બહાર જતી કેડી ચિંધી. ”અવંતીપૂરમનો મારગ દેખાય છે. આપ સકુશળ જઈ શકો છો.” વેંકટાનાં અવાજમાં એક ન સમજાય એવી ધાર હતી જે દમયંતી દેવીને છેક અંદર સુધી દઝાડી ગઈ હતી. તેમણે નિસહાય નજરોએ પોતાના રથની આગળ ઉભેલા ખજાનો ભરેલા ગાડાઓ તરફ જોયું. જે ધન-દોલત મેળવવા તેઓ સાવ છેલ્લી, અધમ કહી શકાય એ કક્ષાએ ઉતરી ગયા હતા, અરે ખૂદ પોતાના જ પતિનું ઠંડા કલેજે કાળસ કાઢી નાંખ્યું હતું, જેના ઉપર વિજયગઢનાં રહેવાસીઓનો પહેલો હક હતો, એ દોલત આજે તેમના હાથમાંથી સરકી રહી હતી અને તેઓ કંઈપણ  કરી શકવા અસમર્થ બન્યા હતા. તેનું કારણ હતો તેમની સામે ઉભેલો એક માણસ. કોણ જાણે ક્યાંથી તે રાક્ષસ જેવો દેખાતો પહાડી આદમી અચાનક આવી ચડયો હતો અને તેણે એકલે હાથે હુકમસિંહની આખી ટૂકડીનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો હતો. તેમને હુકમસિંહનાં મોતનો અફસોસ વ્યક્ત કરવાનો સમય પણ મળ્યો નહી અને તેઓ ઘોર નિરાશાભર્યા વદને અવંતીપૂરૂમ તરફ ચાલી નિકળ્યાં. વેંકટાએ તેમનો રથ સુધ્ધા આંચકી લીધો હતો એટલે તેઓ પગપાળા જ… એકલા પોતાના પિયર તરફ જંગલ વિંધતા આગળ વધ્યાં.

એ સમયે આકાશમાં આછો પ્રકાશ ફેલાઈ ચૂક્યો હતો. એક નવો દિવસ ઘણી નવી ઘટનાઓનો સાક્ષી બનવાની તૈયારીઓ સાથે પ્રગટી રહ્યો હતો.

વેંકટાએ ખજાનો ભરેલા બળદ ગાડાઓને પાછા વાળ્યાં હતા અને શંકરનાં આદેશ મૂજબ ફરી વિજયગઢનાં રસ્તે હંકારી મૂક્યા હતા. પરંતુ… તે નહોતો જાણતો કે એ તેની ભયંકર ભૂલ સાબીત થવાની હતી કારણ કે કોઈક હતું જેને આ સમગ્ર ઘટનાની જાણ થવાની હતી. અને એ હતો કર્નલ જેમ્સ કાર્ટર. તેનાં એક ખબરીએ ફાટી આંખોએ વેંકટાનો નર-સંહાર નિહાળ્યો હતો અને વેંકટો જતાં જ તે વિજયગઢનાં રસ્તે પડયો હતો.

----------

જેમ્સ કાર્ટર પોતાના તંબુમાં આરામ ફરમાવી રહ્યો હતો. તે યુધ્ધ ભૂમીમાં હતો છતાં અત્યારે તેને જોઈને કોઈ કહી શકે એમ નહોતું કે તેના કારણે વિજયગઢ તબાહ થયું છે. એટલી પરમ શાંતીથી તે મુલાયમ બિસ્તર ઉપર લાંબો થઈને પડયો હતો. ચાની તલબ ઉદભવતાં તેણે ચા બનાવવાનો ઓર્ડર કર્યો હતો. હિન્દુસ્તાનની ધરતી ઉપર આવીને તેને ચાની લત લાગી હતી એ વિચારે તેના ચહેરા ઉપર ધીમું હાસ્ય આવ્યું. ગરમ ધરતી ઉપર ગરમ પીણું તેને રાસ આવી ગયું હતું. તેનો ઓર્ડરલી ચા લઈને આવ્યો કે તુરંત ઉભા થઈને તેણે  ચાની ચૂસ્કીઓ લીધી હતી અને વિજયગઢની અંદર મોકલેલા તેના ગુપ્તચરો ત્યાંથી શું સંદેશો લઈને આવે તેની રાહ જોવા લાગ્યો. હજું સુધી તેના કાને જાલમસંગનાં મોતનાં સમાચાર પહોંચ્યાં નહોતા એ ભારે અચરજની વાત હતી. તેને તો એમ જ હતું કે જાલમસંગ જીતની ઉજાણીમાં મસ્ત બનીને શરાબની મહેફિલ જમાવીને બેઠો હશે.

એ દરમ્યાન તેનો બીજો એક ગુપ્તચર કંઈક અલગ જ સમાચાર લઈને તેની સમક્ષ હાજર થયો હતો અને એ સમાચારે તેના જીવનની આખી રાહ જ પલટાવી નાખી હતી. એ ગુપ્તચર દેહાતી માણસ હતો અને અંગ્રેજ સેના વતી પોતાનાં આંખ, કાન, નાક ચલાવતો હતો. અહી આવ્યો ત્યારે તેની આંખોમાં ભારોભાર ખૌફ પથરાયેલો સ્પષ્ટ નજરે ચડતો હતો. કાર્ટરે તેની સામું જોયું ત્યારે એ રીતસરનો ધ્રૂજી રહ્યો હતો.

“સાહેબ, અવંતીપૂરમ તરફનાં જંગલમાં કંઈક ધમાસાણ મચ્યું છે. મને થયું આપને એ સમાચાર પહોંચાડું.” તે બોલ્યો. તેનો અવાજ ફાટતો હતો. ખરેખર તો એ કોઈ ’મિશન’ પર નહોતો કે નહોતો તેને અંગ્રજ કંપની તરફથી જાસૂસી કરવાનો કોઈ આદેશ મળ્યો. એ તો અવંતીપૂરમથી આ તરફ આવી રહ્યો હતો ત્યારે જંગલમાં તેણે જે દ્રશ્ય જોયું એનાથી તેનું હદય ફાટી પડયું હતું. માંડ-માંડ પોતાની જાતને સંભાળતો તે ત્યાંથી ભાગ્યો હતો અને સીધો જ કાર્ટર પાસે પહોંચ્યો હતો.

“શું થયું છે જંગલમાં…?” કાર્ટરે ફરી ચાની ચૂસ્કી ભરી અને કપ ટેબલ પર મૂક્યો.

“ધમાસાણ યુધ્ધ. પણ…!” દેહાતી આદમી બોલતાં ગભરાતો હોય એમ તેનું ગળું સુકાતું હતું.

“પણ શું…?” કાર્ટરે કંટાળાભર્યાં સ્વરે પૂછયું. આ દેહાતી લોકો અંગ્રેજ સાહેબોને ઈમ્ર્પેસ કરવા નાની અમથી ઘટનાને પણ વધારીને કહેતા હોય છે એનો ખ્યાલ હતો તેને એટલે જ તેણે વધું ધ્યાન આપ્યું નહી.

“એ રાક્ષસ… તેણે એકલા હાથે આખી સેનાનો સફાયો બોલાવી દીધો. કમસેકમ વીસ પચ્ચીસ સૈનિકો હશે. અને એક બાઈ પણ હતી. અંધારામાં કળાયું નહી કે એ કોણ છે પરંતુ એ રાક્ષસે તેને જીવતી છોડી મૂકી હતી.” એટલું બોલતાં પણ જાણે તેને બીક લાગતી હોય એમ તેની આંખોનાં ડોળા ચારેબાજું ફરી રહ્યાં હતા.

“અચ્છા…!” કાર્ટરને એકાએક રસ જાગ્યો. “કોણ હતો એ રાક્ષસ..?”

“હું નથી જાણતો. લાંબો, ઉંચો… લગભગ બસ્સો કીલો જેટલું વજન હશે તેનું. અને તેનો ચહેરો…” આદમી ફરીથી ધ્રૂજયો. “વિકરાળ વરું જેવો હતો.”

“પણ તેણે એ સૈનિકોને માર્યાં શું કામ…?” કાર્ટરનાં મનમાં હજું કંઈ ગડ બેઠી નહોતી.

“એ તો મને શું ખબર. હાં… એ લોકોને ખતમ કરીને તે એ કાફલા સાથે જે ગાડાઓ ભર્યા હતા એને કોઈ અજાણી દિશામાં હંકારી ગયો હતો. મેં ફક્ત એટલું જ જોયું. બીકનાં માર્યાં હું થીજી ગયો હતો. એ ગયો ત્યાં સુધી હું સંતાઈને એક જ જગ્યાએ પડયો રહ્યો હતો. એ પછી હું ત્યાંથી ભાગ્યો હતો. મને ખબર હતી કે આપનો કાફલો વિજયગઢની સીમમાં રોકાયો છે એટલે સીધો જ અહી આવ્યો.” તે એક શ્વાસે વિસ્તારથી બધું બોલી ગયો.

“હમમમમ્….” કાર્ટનાં કપાળે સળ પડયાં. તે કંઈક વિચારમાં ખોવાયો. આ બાબત કેટલી અગત્યની છે એનો તાગ મળે તો જ સમજાય કે અવંતીપૂરમનાં જંગલમાં આખરે થયું શું હતું. અને એ જાણવા માટે કોઈ જાણભેદું વ્યક્તિની મદદ જરૂરી હતી. તેણે પેલા ખબરીને બક્ષિસ આપીને રવાનાં કર્યો અને બીજા એક વ્યકતિને તલબ કર્યો હતો.

એ દરમ્યાન વિજયગઢમાંથી તેને પસંદ આવે એવા સમાચાર આવ્યાં હતા. જે ગુપ્તચરો વિજયગઢની અંદરની પરિસ્થિતીનો તાગ મેળવવા માટે ગયા હતા તેમાથી બે માણસો પાછા આવ્યાં હતા અને તેમણે જાલમસંગનાં મૃત્યુનાં સમાચાર આપ્યાં હતા. એ સમાચાર સાંભળીને કાર્ટર સન્નાટામાં આવી ગયો હતો. જાલમસંગ જેવા બાહુબળિયાને મારવો એ કોઈ ખાવાનો ખેલ નહોતો. અને એ પણ એવા સમયે જ્યારે તેણે સમગ્ર વિજયગઢને ધમરોળીને તેના પર ફતેહ હાસલ કરી હોય. અણીનાં સમયે જ તે મરાયો હતો એ તાજ્જૂબી કરતાં પણ ભયંકર આશ્વર્યની વાત હતી. જોકે કાર્ટર માટે તો કંઈ કર્યાં વગર જ મોમાં પતાસું આવી પડયું હતું. તેના રસ્તાનો કાંટો જાલમસંગ એની મેળે જ હટી ગયો હતો. અને તે જાણતો હતો કે જે સેનાનો મૂખ્યાં મરાય એ સેના એ સમયે જ અડધી હારી જતી હોય છે.  મનોમન તેણે જાલમસંગને મારનાર વ્યકતિનો આભાર માન્યો અને આગળની રણનિતી તૈયાર કરવામાં મશગૂલ બન્યો. છતાં એક પ્રશ્ન તેના જહેનમાં ઘુમરાઈ રહ્યો હતો કે આખરે જાલમસંગને કોણે માર્યો હશે..?

એ દરમ્યાન તેના તંબુની બહાર કોઈકનાં આવવાની આહટ સંભળાઈ અને થોડીવાર રહીને એક હટ્ટો-કટ્ટો માણસ અંદર દાખલ થયો. એ વજા ખાન હતો. તેનું સાચું નામ તો વજીર ખાન હતું પરંતુ સમય જતાં નામ અપભ્રંશ થઈને વજા ખાન થઈ ગયું હતું. કાર્ટરનો એ ખાસ ચહેતો આદમી હતો જેના પર તે આંખો બંધ કરીને ભરોસો કરી શકતો. એ અંદર આવીને ખામોશ ઉભો રહ્યો. કાર્ટરે તેની સામું જોયું.

“સાંભળ્યું છે કે અવંતીપૂરમ નજીકનાં જંગલમાં કંઈક ગડમથલ મચી છે. જરા તપાસ તો કર કે  મામલો છે શું..?.” કાર્ટરે ફક્ત એટલું જ કહ્યું. વજા ખાને માથું નમાવ્યું અને બહાર નિકળી ગયો. તેના માટે એટલા જ શબ્દો પર્યાપ્ત હતા. બહાર આવી તેણે પોતાનો ઘોડો સાબદો કર્યો અને અવંતીપૂરમનાં ગહેરા જંગલ તરફ મારી મૂક્યો.

--------

વજા ખાન ઉડતાં પંખીને પણ પાડી શકે એવો શખ્સ હતો. તે એક વખત કોઈ કામ હાથમાં લે પછી એને કોઈપણ ભોગે પાર પાડીને જ રહેતો. એ તેની ફિતરત હતી. તે સીધો જ જે જગ્યાએ ધમાસાણ થયું હતું ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્યાંની ભુગોળ જોઈને તે આશ્વર્યચકીત બની ગયો હતો. કેટલીય લાશો ત્યાં રઝળી રહી હતી. મતલબ કે કાર્ટરને જે સમાચાર મળ્યાં હતા એ સંપૂર્ણપણે સાચા હતા. ચોક્કસ અહી કંઈક તો એવું બન્યું હતું જેનો પડછાયો વિજયગઢ કે અવંતીપૂરમ સુધી લંબાયો હતો. બાજ નજરે તેણે ત્યાની ધરતીની ઈંચે-ઈંચ જગ્યાનો જાયજા લીધો અને એવા તારણ ઉપર આવ્યો કે કોઈક હતું જે અવંતીપૂરમ તરફ ગયું છે. મતલબ કે અહી જે બન્યું હતું તેને નજરે જોનાર એક સાક્ષી જીવત હતો. જો તે એ વ્યક્તિ સુધી પહોંચી જાય તો પછી અહી ખરેખર શું થયું હતું એની તમામ માહીતી મળી શકે.

સમય ગુમાવ્યાં વગર તે અવંતીપૂરમનાં રસ્તે પડયો અને જલદી જ તેણે દમયંતી દેવીનું પગેરું મેળવ્યું હતું. એ બહું આસાન કામ નિવડયું હતું કારણ કે દમયંતી દેવી એક માત્ર એવી વ્યક્તિ હતા જે હમણાં જ અવંતીપૂરમ આવ્યાં હતા. વજાખાન અત્યંત કાબો અને કાબેલ હતો. તડજોડ કરીને તે સીધો જ દમયંતીદેવી સુધી પહોંચી ગયો હતો અને…

----------

દમયંતી દેવીનાં મનમાં આગ સળગતી હતી. તેમની વર્ષોની મહેનત એળે ગઈ હતી. એ ઉપરાંત હુકમસિંહ મરાયો હતો એ અલગથી. વળી આ બાબતે તેઓ પોતાનાં પિયરમાં પણ કોઈને કંઈ કહી શકવાની સ્થિતીમાં નહોતાં એટલે અંદરો-અંદર તેઓ સખત ધૂંધવાતા હતા. તેમાં વજાખાનનાં આગમને તેમની એ ધૂંધવાશ બહાર નિકળી આવી હતી અને તેમણે વિજયગઢનાં ખજાનાની સમગ્ર હકીકત વજાખાનને કહી દીધી હતી. એ ખજાનો હવે તેમનાં હાથમાં આવવાનો નહોતો એ સત્ય હકીકતને તેઓ જૂઠલાવી શકે એમ નહોતા એટલે જે વસ્તું તેમને મળવાની જ નથી એ વસ્તું બીજા કોઈને પણ શું કામ મળે… એ દાઝમાં જ તેમણે વજાખાન સમક્ષ બધું બકી નાખ્યું હતું. એ સાંભળીને વજાખાનનાં ચહેરાની એક રેખા સુધ્ધા ફરકી નહોતી અને તે ત્યાંથી રવાનાં થયો હતો. એ સમયે દમયંતી દેવી હાથ મસળતાં વજાખાનની પીઠને તાકી રહ્યાં.

------

વજાખાન મારતે ઘોડે ફરી પાછો કેમ્પમાં પહોંચ્યો. તેણે સમગ્ર ઘટનાક્રમ કાર્ટરને કહી સંભળાવ્યો. એ સાંભળીને કાર્ટરનું મોં ખૂલ્લું જ રહી ગયું હતું. તેણે એ સમયે જ એક યોજના ઘડી કાઢી હતી જે આવનારા ભવિષ્યમાં કેટલાય ભયાનક વમળો સર્જવાની હતી. જેનો એક છેડો વેટલેન્ડ જહાજ સાથે અને એક છેડો વેટલેન્ડ આઈલેન્ડ સાથે જોડાવાનો હતો.

(ક્રમશઃ)