Island - 20 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 20

Featured Books
Categories
Share

આઇલેન્ડ - 20

પ્રકરણ-૨૦.

પ્રવીણ પીઠડીયા.

જીમી બેફામ હસતો રહ્યો. હસવાથી તેના ચહેરા ઉપર બાંધેલો પાટો ખેંચાતો હતો અને તાજા જ લીધેલા ટાંકા પહોળા થતાં હતા. પરંતુ… એની કોઈ પરવા હવે નહોતી. તેને તો ડેની અને વિક્રાંતને માર પડયો હતો અને એ પણ તેના દોસ્ત રોનીએ તેમને માર્યાં હતા એ વાતની ઉજાણી કરવાનું મન થતું હતું. જો તેનું ચાલ્યું હોત તો અત્યારે જ તેણે બિયરની બોટલ મંગાવી હોત અને આઈસીયુનાં આ કમરામાં જ પાર્ટી શરૂ કરી દીધી હોત. તેના જીગરમાં અસિમ સકૂન છવાયું હતું. તે એ બન્ને પાસે જવા માંગતો હતો, તેણે એનાં ચહેરા જોવા હતાં. તેને જોવું હતું કે બાપની તાકતનાં જોરે બેફામ કુદતાં વાછરડાઓ જ્યારે ખિલે બંધાય ત્યારે કેવી રીતે તરફડતા હોય છે…! ખાસ તો એ બન્નેને ચિડવવા જ તેની પાસે જવા માંગતો હતો. પરંતુ ખબર હતી કે તેની એ માંગણી પૂરી કરવામાં નહી આવે. નર્સ ઓલરેડી બહાર ભાગી ગઈ હતી અને હવે ખબર નહી ડોકટર પણ ક્યારે પાછા આવે. તે ક્યાંય સુધી એકલો એકલો હસતો રહ્યો હતો.

----------------

માનસા અજીબ કશ્મકશ અનુભવતી આઈસીયુ વિભાગમાંથી બહાર નિકળી. હમણાં જ પપ્પાનો ફોન આવ્યો હતો અને તેને તાત્કાલિક ઘરે પહોંચવાનું જણાવ્યું હતું જે તેને સહેજે પસંદ આવ્યું નહોતું. માનસાને હજું ડેની અને વિક્રાંતને અહી એડમિટ કરવામાં આવ્યાં છે એની જાણ થઈ નહોતી. તે એમ સમજી હતી કે જીમી વાળી ઘટનાંની પપ્પાને જાણ થઈ હશે એટલે તેમણે કોલ કર્યો હશે. તે હજું અહી રોકાવા માંગતી હતી કારણ કે જીમીની તબિયત સ્ટેબલ થાય ત્યાં સુધી તેની પાસે રહેવું જરૂરી હતું. વિક્રાંતનાં હાથે ચડેલો કોઈ બંદો એટલી જલ્દી સાજો થાય એ વાતમાં માલ નહી. તે વિક્રાંતની શક્તિઓથી ભલીભાંતી પરિચિત હતી. ડોકટર ભારદ્વાજે ભલેને કહ્યું હોય કે જીમી આઉટ ઓફ ડેન્જર છે પરંતુ જ્યાં સુધી તેને ખૂદને એ બાબતની ખાતરી ન થાય ત્યાં સુધી તે અહીથી જવા માંગતી નહોતી. તે અસમંજસની હાલતમાં જ લિફ્ટમાં ઘૂસી હતી અને ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવ્યું હતું.

--------

લિફ્ટ નીચે આવી અને દરવાજો ખૂલ્યો એ સાથે જ મારું હદય એક ધબકારો ચૂકી ગયું. લિફ્ટની અંદરથી માનસા હતી. મારી સાથે આ પહેલા પણ આવું થયું હતું. ખબર નહી કેમ પરંતુ માનસાને જોતા જ મારાં જીગરમાં અજીબ ખળભળાટ મચતો… એક અકથ્ય લાગણી ઉદભવતી. અમારી ઓળખાણ હજું તાજી જ હતી છતાં… તેને જોઈને મારાં પેટમાં પતંગિયા ઉડવા લાગતાં. હું ઘડીક એમ જ, તેની કાજળઘેરી આંખોમાં તાકતો ઉભો રહ્યો. સમય જાણે સ્થિર થઈ ગયો હતો.

“ઓય મિસ્ટર, આમ બાઘાની જેમ ઉભો જ રહીશ કે અંદર પણ આવીશ..?” અચાનક તેણે મને ’તું’કારે બોલાવ્યો અને હું જાણે તંન્દ્રામાંથી બહાર આવ્યો હોઉં એમ ચમકી ગયો. અજીબ છોકરી હતી એ. ખરેખર તો ઉપરથી નીચે તે આવી હતી એટલે તેણે બહાર નિકળવું જોઈએ એના બદલે મને અંદર બોલાવી રહી હતી. તેના શબ્દોએ જાણે ધક્કો માર્યો હોય એમ અસમંજસમાં જ હું લિફ્ટમાં ઘૂસ્યો.

“તારે ઉતરવું નથી…?” હિંમ્મત કરીને મેં પૂછી લીધું. એ સમગ્ર સમય દરમ્યાન તે એકધારું મને તાકી રહી હતી. મારાં પ્રશ્નથી તેના હોઠ પહોળા થયા અને આછું હાસ્ય વેરાયું.

“હવે ઈરાદો બદલી નાંખ્યો છે, યુ હેવ એની પ્રોબ્લેમ…?” તે બોલી. તેનો થોડો ભારે ’બાસ’ ધરાવતો અવાજ સાંભળવો ગમે એવો હતો. હું તેની આંખોમાં તાકી રહ્યો. એ આંખોમાં ગહેરું ઉડાંણ સર્જાતું હતું જે મને તેની તરફ ખેંચી રહ્યું હતું.   એકાએક તેની આંખો ઝિણી થઈ અને તે મારી ઓર નજીક સરકી આવી. એ દરમ્યાન લિફ્ટનો દરવાજો બંધ થયો હતો અને તેણે ’સ્ટોપ’નું બટન દબાવ્યું હતું. લિફ્ટમાં અમે બે એકલા જ હતા. અમારી વચ્ચે માત્ર કહેવા પૂરતું જ અંતર વધ્યું હતું. તેનો ચહેરો મારા ચહેરાની એકદમ નજીક આવ્યો. તેના ગરમ શ્વાસોશ્વાસ મારી દાઢી સાથે અથડાતા હતા. “આ તારાં ચહેરાને શું થયું…? ક્યાંક પડીને આવ્યો છે..?”  વિક્રાંતે મને બૂરી રીતે ધોયો હતો જેની નિશાનીઓ મારાં ચહેરા ઉપર હતી એ માનસાનાં ધ્યાને ચડી હતી. હવે મને સમજાયું કે શા માટે તે આટલી નજીક આવી હતી.

પરંતુ તેના સવાલથી મને તાજ્જૂબી ઉદભવી. મતલબ કે તેને હજું ખબર નથી કે તેના ભાઈ અને બોયફ્રેન્ડ સાથે એલીટ ક્લબમાં અમારે મોટો  પંગો થયો હતો અને એ વાત પોલીસ ફરીયાદ સુધી પહોંચી ચૂકી હતી.

“થોડીવાર થોભ, તને ખબર પડી જશે.” મેં કહ્યું.

“ઓહો… “ તેણે આંખો નચાવી. “બહુ મોટા ઉપાડે ભાઈસાબ હોસ્પિટલમાંથી નિકળ્યાં હતા. એ ખૂમારી ડેની અને વિક્રાંતે ભેગા મળીને ઉતારી નાંખી લાગે છે.” તેના કંઈક અંશે ભરાવદાર કહી શકાય એવા હોઠ ઉપહાસ ઉડાવતા હોય એમ વંકાયા અને ભ્રમરો ઉંચી થઈ. જીમીની હાલત જોઈને હું એ બન્નેને મજા ચખાડવા હોસ્પિટલેથી ભારે જોશમાં નિકળ્યો હતો એ માનસાને ખ્યાલ હતો એટલે મારો તુટેલો ચહેરો જોઈને તેણે અનુમાન લગાવ્યું કે હું એ બન્નેનાં હાથે માર ખાઈને પાછો આવ્યો છું.

અચાનક મને મજા આવવા લાગી. મેં બન્ને હાથની અદબ વાળી અને લિફ્ટની દિવાલનો ટેકો લીધો. “અચ્છા..! તારું કહેવું છે કે એ બન્નેનો સામનો કોઈ કરી ન શકે..?”

“એટલિસ્ટ વેટલેન્ડમાં તો નહી જ..” તેણે પણ અદબવાળી અને થોડી દૂર ખસી. “ખાસ તો વિક્રાંતનાં હાથે પડવાનું કોઈને પસંદ ન આવે.”

“ઓહો… એટલું બધું અભિમાન..? તારો બોયફ્રેન્ડ છે એટલે તું એમ જ કહે ને.” મેં કહ્યુંને કે મને ખરેખર મજા આવી રહી હતી. વેટલેન્ડની એક સૌથી અમીર છોકરી સાથે લિફ્ટની અંદર બંધ હાલતમાં એકલા હોવું અને એ પણ તેની સાવ નજીક, એ મારા માટે તો કોઈ સ્વપ્ન સમાન હતું. હું આ ક્ષણનો ભરપૂર આનંદ લઈ રહ્યો હતો. સામે એ પણ આજે કંઈક અલગ જ મૂડમાં જણાતી હતી.

જો કે મને ખ્યાલ નહોતો કે તેના પપ્પાનો ફોન આવ્યાં પછીથી તેનો મૂડ ઓફ થઈ ગયો હતો અને તેમાં હું ભટકાઈ ગયો હતો. જ્યાં સુધી જીમીની હાલત સ્ટેબલ ન થાય ત્યાં સુધી તે અહી રહેવા માંગતી હતી કારણ કે જીમી એક સમયે તેમને ત્યાં કામ કરતો હતો. ઉપરાંત તેને કંઈ થયું તો ડેની અને વિક્રાંત બન્ને મુશ્કેલીમાં મૂકાયા વગર રહે નહી. હવે આ વાત પપ્પાને કોણ સમજાવે..! તેમણે તો હુકમ ફરમાવી દીધો હતો પરંતુ એમ એટલી જલદી તે ઘરે જવા માંગતી નહોતી.

અજીબ કશ્મકશ અનુભવતી તે લિફ્ટમાં નીચે આવી જ હતી કે તેને રોનીનો ભેટો થઈ ગયો. રોનીએ તેના દોસ્તની હાલત જોઈને જે રીતે રિએક્ટ કર્યું હતું એ તેને પસંદ આવ્યું હતું. પહેલેથી જ તેને એવા માણસો ગમતાં જેનામાં ’ગટ્સ્’ ફિલિંગ સ્ટ્રોંગ હોય. રોની ગમે તે કરી લે પણ વિક્રાંતને પહોંચી વળવાનો નહોતો એ જાણતો હોવા છતાં તેને ચેલેન્જ કરીને ગયો હતો તેની એ ખૂમારી તેને ગમી હતી. અને… અત્યારે તેનો તૂટેલો ચહેરો ચહેરો જોઈને તેને એમ જ લાગ્યું હતું કે વિક્રાંતે તેને બરાબરનો ધોયો હશે. એટલે જ માનસાને એકાએક શરારત સૂજી હતી.

“એ તો તારાં દોસ્તને પૂછી જો કે વિક્રાંત શું ચીજ છે.” તે બોલી. એ વધારે પડતું હતું. એકાએક મારાં મો માં કડવાહટ ભળી.

“તારી એ ચીજ અત્યારે ભાંગેલી હાલતમાં એલીટ ક્લબની ફર્શ પર આળોટતી હશે. ખરેખર તારે એની પાસે હોવું જોઈએ. કદાચ તારા ખોળાની એને જરૂર પડે.” ન ચાહવા છતાં એ કડવાહટ બહાર નિકળી આવી. ઘડીકવારમાં બધું બદલાઈ ગયું હતું. તે મારી નજદિક આવી ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું કે એ માત્ર એક છળ છે. માનસા જેવી છોકરીઓ ફક્ત અમીર ઘરનાં ઉછાંછળા છોકરાઓ માટે જ બની હોય છે.

“યું મિન…! ઓહ માયગોડ… તેં વિક્રાંતને… ઓહ બોય, નો વે… અને ડેની…?” તેની આંખોમાં હજ્જારો પ્રશ્નો રમતાં હતા. મારી વાત ઉપર તેને વિશ્વાસ આવતો નહોતો. તેણે તેના કપાળે જમણા હાથની હથેળી મૂકી અને બીજો હાથ કમર પર ટેકવી લિફ્ટનાં નાનકડા સ્પેસમાં આંટા મારવા લાગી. હું ખરેખર મુંઝાયો હતો. સાચું કહું તો માનસા પ્રત્યે પહેલી નજરમાં જ હું આકર્ષાયો હતો. તે રૂપાળી હતી કે પછી પૈસાદાર બાપની દિકરી હતી એટલે નહી પરંતુ મુશ્કેલીનાં સમયે તેણે જીમીનો ખ્યાલ રાખ્યો હતો અને તેને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો હતો એ વાત મને સ્પર્શી ગઈ હતી. તે ધારત તો તેના ભાઈનો સાથ પૂરાવવા જીમીને રોડ ઉપર એમ જ તરફડતો છોડીને ચાલી ગઈ હોત, પરંતુ તેણે એવું કર્યું નહોતું. બસ… એટલે જ તે મને ગમી હતી.

“ડેની..? એ નશેડીને તો પોતાનું પણ ભાન હોતું નથી. એ તારો ભાઈ છે એ જ મોટી વાત છે. સંભાળીને રાખજે નહિતર ક્યાંક ખર્ચાઈ જશે તો ખ્યાલ પણ નહી આવે.” હું બોલ્યો. અજીબ દૂવિધા હતી. એક બાજુ માનસા તરફનું ખેચાંણ હતું અને બીજી બાજું તેનો એટિટ્યૂડ મને નડતો હતો. આખરે કરું તો શું કરું..? મને તેનું વર્તન બિલકુલ સમજાતું નહોતું. તે સામે ચાલીને મારી નજદિક આવી હતી. અરે… તેણે લિફ્ટનું સ્ટોપ બટન દબાવ્યું એ પણ મને ખબર હતી. એ તો ગનીમત હતું કે હજું સુધી કોઈ આવ્યું નહોતું નહિતર અમને લિફ્ટમાં પૂરાયેલા જોઈને કોણ જાણે લોકો શું વિચારે..!

માનસાએ મારી વાત સાંભળી કે નહી તેનો કોઈ અંદાજ નહોતો આવ્યો મને પરંતુ એકાએક તેણે લિફ્ટ ’ફ્રી’ કરી હતી અને કોઈકને ફોન ઘુમાવ્યો હતો. લિફ્ટનો  દરવાજો ખૂલ્યો એટલે તે બહાર નિકળી ગઈ. સાવ અસમંજસ દશામાં હું ઘડીભર એમ જ ઉભો રહ્યો, એ દરમ્યાન તે ઉતાવળે ચાલતી હોસ્પિટલની કોરીડોરમાં પહોંચી હતી. હવે મારી પાસે થોભવાનું કોઈ કારણ નહોતું એટલે એક નિષ્વાસ નાંખી મે સેકન્ડ ફ્લોરનું બટન દબાવ્યું.

---------------

ઈન્સ્પેકટર દેવ એલીટ ક્લબે આવી પહોંચ્યો હતો. વરસાદ હજું પણ અવિરત ચાલું હતો. તે હજું જીપની બહાર પગ રાખે એ પહેલા જ તેનો ફોન રણકી ઉઠયો. ફોનની સ્કિન પર ઝળકતું નામ જોઈને તેને સમજાઈ ગયું કે અહી તે નકામો આવ્યો છે. નીચે ઉતરવાનું મુલતવી રાખીને ફરી પાછો તે જીપમાં ગોઠવાયો. જીપનાં ડ્રાઈવરે આશ્વર્યથી તેની સામું જોયું અને પછી જાણે સમજી ગયો હોય એમ હસ્યો.

“યસ સર.” બારૈયાએ ફોન કાન પર મૂક્યો. સામેની તરફ તેનો ઉપરી સાહેબ હતો.

“એલીટ ક્લબથી કોઈ ફરીયાદ આવી હતી..?” ફોનમાં પૂછાયું.

“જી સાહેબ, ત્યાં જ આવ્યો છું. મેનેજરે ગન ફાયરની ફરીયાદ કરી છે.”

“એ બધું પતી ગયું છે બારૈયા. તું નિકળ ત્યાંથી.”

“પણ સાહેબ...”

“કોઈ સવાલ નહી બારૈયા. તું હજું નવો છે એટલે આ બધું સમજતા વાર લાગશે. જરા બહાર નજર કર, મોસમ કેટલી ખુશનૂમા છે. તારી જગ્યાએ જો હું હોઉં ને, તો ઘરે જાઉં… ગરમા ગરમ ચા બનાવડાવું અને એશ કરું. અરે… હાં, તારા મેરેજ તો હજું બાકી છે. અચ્છા, ચલ એક કામ કરીએ, તું પોલીસ ચોકીએ પહોંચ. તને મોજ પડે એવો બંદોબસ્ત ગોઠવું છું.” ઉપરી સાહેબે કહ્યું. બારૈયા ભલે નવો હોય પરંતુ એ શબ્દોનો અર્થ ન સમજે એટલો નાદાન નહોતો. વળી મોટા સાહેબ સમક્ષ દલિલો કરવી પણ નકામી હતી. તેનો મૂડ ઓલરેડી બગડી ચૂક્યો હતો.

“જી સાહેબ.” તેણે ફોન કટ કર્યો. “જીપ પાછી વાળી લે.” તેણે ડ્રાઈવરને ઈશારો કર્યો.

ડ્રાઈવરનાં ચહેરા ઉપર ફરીથી હળવી મુસ્કુરાહટ ફેલાય. તેને આવી બાબતોનો મહાવરો હતો એટલે વધું સવાલ પૂછ્યાં વગર તેણે સ્ટિયરિંગ ચોકી તરફ ઘુમાવ્યું. પરંતુ… દેવ બારૈયાએ એ સમયે જ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે તે આ મામલામાં કોઈને નહી છોડે. પછી ભલેને તેણે ઉપરી સાહેબની નારાજગી વહોરવી પડે.

(ક્રમશઃ)