પ્રકરણ-૧૫.
પ્રવીણ પીઠડીયા.
આજનો દિવસ વેટલેન્ડ માટે ખરેખર અજીબ ઉગ્યો હતો. એક પછી એક એવી ઘટનાઓ બનવી શરૂ થઈ હતી જેના પડઘા આવનારા સમયમાં વેટલેન્ડનું ભવિષ્ય નક્કી કરવાનાં હતા. તેમા એક ઓર ઘટના ઉમેરાઈ હતી.
વેટલેન્ડનાં સમૃદ્રમાં તોફાન ઉઠયું હતું. સમૃદ્રનાં ખારા પાણી પરથી સુસવાટાભેર વહેતા પવનો વેટલેન્ડને ધમરોળવા લાગ્યાં હતા અને એ સાથે વરસાદ પણ શરૂ થયો હતો. કોઈ નહોતું જાણતું કે વાતાવરણમાં એકાએક પલટો કેવી રીતે આવ્યો…! બપોર સુધી જે આકાશમાં સૂર્ય ઝળહળી રહ્યો હતો એ આકાશ અત્યારે કાળા ડિબાંગ વાદળોની આગોશમાં સમાઈ ગયું હતું. સમૃદ્રમાં ઉઠતાં વિશાળકાય મોજાનાં પાણી વેટલેન્ડનાં કિનારાઓ વળોટીને શેરીઓ સુધી પહોંચી ગયા હતા. એવું લોગતું હતું જાણે ચારેકોર સમૃદ્રથી ઘેરાયેલો આઈલેન્ડ થોડી જ વારમાં પાણીમાં ગરક થઈ જશે અને તેનું નામો-નિશાન મટી જશે. એટલું ઓછું હોય એમ સમૃદ્રનું તળ ખળભળ્યું હતું અને વર્ષોથી તેમાં દફન થયેલું એક જહાજ બહાર ઉભરી આવ્યું હતું. કોઈ નહોતું જાણતું પરંતુ એ જહાજ આવનારા સમયમાં કેટલાય કોયડા સર્જવાનું હતું અને તેના કારણે સમસ્ત વેટલેન્ડની તકદિર બદલાઈ જવાની હતી.
બીજી તરફ સમદ્ર જેવું જ તોફાન આઈલેન્ડનાં એલીટ ક્લબ રિસોર્ટમાં પણ જામ્યું હતું. ક્લબની અંદર જોરદાર ફાઈટ શરૂ થઈ હતી અને ચારેકોર દેકારો મચી ગયો હતો.
મારા એકલાથી વિક્રાંત અને ડેનીને પરાસ્ત કરવાં કપરું સાબિત થવાનું હતું પરંતુ કોણ જાણે ક્યાંથી બાબી અચાનક કોઈ ભૂતની જેમ ટપકી પડયો હતો અને તેણે આખી બાજી પલટી નાંખી હતી. તેના હાથમાં ડેનીની ગન આવી ચડી હતી જેના જોરે તેણે આખી ક્લબને રીતસરની બાનમાં લીધી હતી. વિક્રાંત અને ડેની ભૂંડી રીતે ઘાયલ થઈને પડયા હતા. ક્બલનાં બાઉન્સરોએ તે બન્નેને સંભાળ્યાં હતા એ દરમ્યાન અમે બહાર ધસી ગયા હતા. બાબી ગન હવામાં લહેરાવી રહ્યો હતો એટલે કોઈએ અમારી આડે પડવાનું સાહસ કર્યું નહી અને અમે આસાનીથી બહાર નિકળી ગયા. બાબી તેની બાઈક લઈને આવ્યો હતો. તેણે ગનને પેન્ટમાં પાછળ ખોસી… બાઈક પર સવાર થયો અને બસ્તી તરફ ફૂલ સ્પિડમાં ભગાવી મૂકી. તેની પાછળ મેં પણ બાઈક મારી મૂકી હતી. હું હોસ્પિટલે જીમી પાસે જવા માંગતો હતો પરંતુ ક્લબમાં જે બખેડો થયો હતો એ મને ડારતો હતો. હું જાણતો હતો કે હવે આ મામલો એટલી આસાનીથી ખતમ થશે નહી. અમારી બસ્તીમાં જરૂર પસ્તાળ પડશે. એ માટે આ સમયને કેવી રીતે ’ટેકલ’ કરવો એ વિચારવું જરૂરી હતું. વળી બીજી મુસીબત બાબીએ સાથે લીધી હતી. એ હતી ડેનીની ગન. ભવિષ્યમાં એ ગન અમારા માટે ઘણી મોટી મુસીબતો ઉભી કરવાની હતી.
એલીટ ક્લબનો મેનેજર ગભરાઈ ગયો હતો. ક્લબમાં ફાયર થવો એ કોઈ નાનીસૂની વારદાત નહોતી. તેને ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવતો હતો. તેણે સમય ગુમાવ્યા વગર પોલીસ ચોકીએ ફોન જોડયો હતો એટલે તાબડતોબ પોલીસ સ્ટેશનેથી એક જીપ એલીટ ક્બલ તરફ જવા ઉપડી હતી.
જીપમાં બે કોન્સ્ટેબલો ઉપરાંત બસ્તીમાં હાલમાં જ નવો નિમાયેલો સબ ઈન્સ. દેવ બારૈયા સવાર હતો. સબ ઈન્સ. દેવ બારૈયા માટે આજનો આખો દિવસ ભયંકર દોડાદોડી વાળો રહ્યો હતો. સવારે બસ્તીનાં નાળામાં એક લાશ મળી હતી જેની તપાસ હજું ચાલું હતી. એ લાશનો પોસ્ટમાર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તે કોઈ નિર્ણય પર પહોંચવા માંગતો ન હતો. એ માથાકૂટ પતાવીને તે હજું હમણાં જ સીટી હોસ્પિટલેથી ચોકીએ પહોંચ્યો હતો. તે નિરાંતનો શ્વાસ લે એ પહેલા એક કોલ આવ્યો અને ફરીથી તે વેટલેન્ડ જવા નિકળી પડયો હતો. આખા દિવસની દોડધામને કારણે તે કંટાળ્યો હતો અને થાક્યો પણ હતો. પોલીસ ચોકીએ પહોંચીને તે થોડોક આરામ કરવા માંગતો હતો પરંતુ એવું લાગતું હતું કે આજે તેના નસીબમાં આરામ લખાયો જ નહોતો. એટલું ઓછું હોય એમ એકાએક શરૂ થયેલા વરસાદે તેનો મૂડ ઓર ખરાબ કરી નાખ્યો હતો. તેની જીપ બસ્તીને વેટલેન્ડ સાથે જોડતાં બ્રિજ સુધી પહોંચી એટલીવારમાં તો તે જીપમાં પ્રવેશતી વાછટથી અડધો પલળી ગયો હતો.
“સાલો આ વરસાદ પણ અત્યારે જ આવવો જરૂરી હતો…!” તે બબડયો. તેને ખીજ ચડતી હતી. તેણે ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ કાઢી એક સિગારેટ સળગાવી જીપનાં કાચ પર આડેધડ ઝિંકાતાં પાણીને જોઈ રહ્યો. સિગારેટનાં એક-એક કશ સાથે તેનું દિમાગ પણ એટલું જ તેજીથી ચાલતું હતું.
----------------
વેટલેન્ડનું પોતાનું અલાયદું એક ફાર્મ હાઉસ હતું. જેનો ઉપયોગ બર્થડે પાર્ટી, મેરેજ ફંકશન, પ્રાઈવેટ પાર્ટી કે પછી બીજા નાના-મોટા ફંકશનો માટે થતો. એ ફાર્મમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી જેના કારણે આઈલેન્ડવાસીઓ કોઈપણ પ્રસંગ હોય, મોટેભાગે એ ફાર્મમાં જ ઉજવવાનું પસંદ કરતાં. આજે પણ એક ભવ્ય પાર્ટીનું આયોજન થયું હતું. શહેરનાં સૌથી નામાંકિત બિલ્ડર રોશન રાહેજાનાં નાના સનનાં બર્થડે સેલેબ્રેશનની એ પાર્ટી હતી જેમાં આઇલેન્ડનાં તેમજ આઈલેન્ડ બહારનાં લાગતાં વળગતાં તમામ વગદાર વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે આઈલેન્ડનાં એમએલએ શ્રેયાંસ જાગીરદારનાં પરીવારને પણ આમંત્રણ હોવાનું જ. તે બન્ને પતિ-પત્નિ હજું હમણાં જ પહોંચ્યાં હતા. બહાર વરસાદ ચાલું હોવાથી ફંકશન ફાર્મમાં જ બનેલા વિશાળ ક્બલ હાઉસનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગોઠવાયું હતું. પાર્ટી હજું શરૂ જ થઈ હતી કે અચાનક મહેમાનોમાં ધીમો ગણગણાટ ઉઠયો હતો. કોઈ ચોક્કસ વાત સ્પષ્ટતાથી ઉભરતી નહોતી છતાં લોકોમાં એવી અફવા ઉડી હતી કે આઈલેન્ડનાં સૌથી જૂના અને સૌથી પ્રખ્યાત એલીટ ક્લબમાં ફાયરિંગ થયું છે. જેને આ વાતની જાણકારી મળી એ લોકો પોતાનાં સોર્સ દ્વારા એ ઘટનાની ખરાઈ કરવામાં લાગ્યાં હતા. એ ગણગણાટ શ્રેયાંશ જાગીરદારનાં કાન સુધી પણ પહોંચ્યો હતો અને તેણે પોતાનો ફોન ઘુમડ્યો હતો. શહેરનાં સૌથી જિમ્મેદાર વ્યક્તિ હોવાનાં નાતે તેમને એ ઘટનાની જાણ હોવી જરૂરી હતી. તેણે સીધો જ એલીટ ક્લબનાં મેનેજરને ફોન લગાવ્યો હતો.
“દિવાકર, શું ખબર છે…?” તેણે સીધું જ પૂંછયું.
“સર… એ… એ… ડેની બાબા અને….” દિવાકર થોથવાયો.
“વોટ…? ડેની ત્યાં છે…? ફાયરિંગ થયું એ સાચું છે…? કોણ ઈન્વોલ્વ છે એમાં…?” ડેની ક્લબમાં હોય એ કોઈ નવી વાત નહોતી પરંતુ કોઈ બખેડો થયો હોય એવા સમયે તે ત્યાં હાજર હોય એ બહું મોટી વાત હતી.
“સર… હું તમને જ ફોન કરવાનો હતો. ફાયરિંગ ડેની બાબાની ગનથી જ થયું છે પણ ડેની બાબાએ નથી કર્યું. એ પેલો છોકરો ખરો ને, બાબી… પેલા ગેરેજ વાળાનો છોકરો, તેણે કર્યું હતું. એની સાથે તેનો ભાઈ રોની પણ હતો. રોનીએ જ ક્લબમાં ધૂસીને વિક્રાંત સાથે માથાકૂટ શરૂ કરી હતી અને પછી પેલો બાબી આવ્યો હતો. તેણે ડેની બાબાની ગન છીનવીને હવામાં ચલાવી અને પછી તે બન્ને ભાગી ગયા હતા. પણ મેં પોલીસ બોલાવી લીધી છે.” દિવાકરે એક શ્વાસમાં ક્લબમાં જે બન્યું હતું એનો ચિતાર આપી દીધો. તે ડરી ગયો હતો અને તેને પોતાનાં ક્લબની પણ ફિકર થતી હતી. જો આ વાત વધું લંબાઈ તો તેના ક્લબની રેપ્યૂટેશન ડાઉન થયા વગર રહેવાની નહોતી. તે જાણતો હતો કે આ જમેલાથી તેને એક જ વ્યક્તિ બચાવી શકે એમ હતો અને એ વ્યક્તિ હતો ખૂદ શ્રેયાંશ જાગીરદાર. તે ચાહે એ મામલાને ધરતીનાં પેટાળમાં ધરબી દેવાની તાકત ધરાવતો હતો એટલે તેમને સત્ય કહેવું જરૂરી હતું.
“તું એક નંબરનો મૂરખ છે દિવાકર. ડેની છે ત્યાં…? ફોન આપ તેને.” શ્રેયાંશ જાગીરદાર એકદમ ઠંડા શ્વરે બોલ્યો. એકાએક તે સતર્ક થયો હતો અને તેનું દિમાગ તેજ ગતીએ ઘટનાનું પૃથ્થકરણ કરવામાં પરોવાયું હતું. જો ડેનીની ગનથી ગોળી ચાલી હશે તો એના છાંટા તેની ઉપર પણ ઉડયા વગર રહેવાનાં નહોતા.
“એમને હોસ્પિટલ લઈ ગયા છે. બાબાને તો ઠીક છે પરંતુ વિક્રાંતને સારવારની જરૂર હતી એટલે ક્લબનો સ્ટાફ તેમને સીટી હોસ્પિટલે લઈ ગયો છે.”
“ડેમ ઈટ. તું મને કોલ કરી શકતો હતો દિવાકર.” શ્રેયાંશનાં દાંત ભિંસાયા. દિવાકરે સૌથી પહેલા જો તેને ફોન કર્યો હોત તો ચોક્કસ કોઈક રસ્તો કાઢત પરંતુ એ ડોબાએ પોલીસને જાણ કરવાનું ઉચિત માન્યું હતું. લોકો હવે એ ઘટનાને ખબર નહી કેવા રંગ-રૂપ સહીત પેશ કરશે.
“સોરી સર, હું ગભરાઈ ગયો હતો.” દિવાકરનો અવાજ એકાએક ઢિલો પડી ગયો. તેણે ભૂલ કરી હતી, છતાં... એક વાત સ્પષ્ટ હતી કે જો એવું ન કર્યું હોત તો પણ એલીટ ક્લબમાં પોલીસ આવવાની જ હતી કારણ કે આઈલેન્ડમાં ફાયરિંગ થવું એ કોઈ નાની-સૂની વારદાત નહોતી જ. એના પડઘા તો પડવાનાં જ હતા જેની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી હતી.
“હવે એક કામ કર તું, તારું મોઢું અત્યારથી જ બંધ કરી દે. મારી સલાહ વગર એકપણ શબ્દ તારે બોલવાનો નથી..! બાકીનું હું સંભાળી લઈશ. જે કોઈ તપાસમાં આવે એને મારી સાથે વાત કરાવી દેજે. સમજ્યો..?”
“ઓકે સર, થેંક્યું સર… એમ જ કરીશ.” અને તેણે ફોન મૂકી દીધો. શ્રેયાંશને થોડીક ધરપત થઈ. તે જાણતો હતો કે બસ્તીમાં હાલમાં જ નવો પોલીસ અફસર નિમણૂક થયો છે. નવો છે એટલે એને સંભાળવો થોડો સહેલો પડશે એટલે એ બાબત વધું તૂત પકડે એ પહેલા સમેટાઈ જશે. હવે હોસ્પિટલ વાળો મામલો સેટલ કરવાનો હતો. તેણે વળી પાછો ફોન ઘુમડયો.
“હાય દિગંત, ડેની અને વિક્રાંતને હમણાં જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તું મેનેજ કરી લઈશ કે મારે આવવું પડશે..?” શ્રેયાંશની આ ખાસીયત હતી. તે ઓછા શબ્દોમાં સામેવાળાને ઘણું કહી દેતો. દિગંત વોરા સીટી હોસ્પિટલનો હેડ હતો અને શ્રેયાંસનો ખાસ મિત્ર પણ હતો.
“ડોન્ટવરી શ્રેયાંશ, આઈ વિલ મેનેજ.” દિગંત પણ ખેલાડી માણસ હતો. તે જાણતો હતો કે અગત્યનું ન હોય તો શ્રેયાંશ ફોન કરે જ નહી. “અચ્છા, માનસાને ઘરે મોકલી દઉં કે પછી…?” તેણે જાણી-જોઈને વાત અધ્યાહાર રાખી. કહ્યુંને કે એ કાબો માણસ હતો. બપોરે માનસાએ તેને ફોન કર્યો અને બસ્તીનાં એક યુવકને આઈસીયુમાં દાખલ કરાવ્યો ત્યારનો તે ઉંચો-નિચો થતો હતો. તેને ખ્યાલ હતો કે માનસાએ તેના ડેડીને એ ઘટના વિશે નહી જ કહ્યું હોય. આજકાલનાં બાળકો તેના માં-બાપથી છૂપાવીને ઘણાં ન કરવાનાં કામ કરતા હોય છે. પછી જ્યારે સલવાય ત્યારે કોઈને જવાબ દેવાની હાલતમાં રહે નહી. તેમાં વળી વાત મોટા પરીવારની હોય ત્યારે તો ખાસ ધ્યાન રાખવું પડે. દિગંત વોરાએ એટલે જ સાવ અજાણ્યાં બનીને શ્રેયાંશને પૂછી લીધું હતું જેથી ભવિષ્યમાં એ બાબતે દોષનો ટોપલો તેની ઉપર ન ઢોળાય. પરંતુ… એ સાંભળીને શ્રેયાંશ સન્નાટામાં આવી ગયો હતો.
“માનસા ત્યાં છે…? બટ શું કામ…?” માનસા કોઈ કારણ વગર હોસ્પિટલમાં હોય જ નહી એની તેને ખાતરી હતી કારણ કે માનસાની રગ-રગને તે પહેચાનતો હતો. તેના ઘરમાં જો સૌથી વધું સમજદાર કોઈ વ્યક્તિ હોય તો એ માનસા હતી. માનસા તેને જીવથી પણ વધું વહાલી હતી. જો કે તેમની વચ્ચે વિક્રાંતને લઈને ઘણાં મતભેદ હતા છતાં માનસા તેનું અભિમાન હતી.
દિગંત વોરાએ સમગ્ર ઘટનાક્રમ કહી સંભળાવ્યો. એ સાંભળીને શ્રેયાંશ ખરેખર હલી ગયો. હવે તેને ખ્યાલ આવ્યો કે એલીટ ક્લબમાં થયેલા બખેડાનું મૂળ ક્યાં હતું. તેને ડેની ઉપર કાળઝાળ ક્રોધ ઉદભવ્યો અને સાથોસાથ વિક્રાંત પ્રત્યે તેની નફરત ઓર વધી હતી.
(ક્રમશઃ)