પ્રકરણ-૧૨.
પ્રવીણ પીઠડીયા.
મારું માથું ધમધમતું હતું. બાઈક પાર્ક કરીને સીધો જ હોસ્પિટલમાં દાખલ થયો અને રિસેપ્શનમાં જીમી વિશે પૂછતાછ કરી. મારાં આશ્વર્ય વચ્ચે ત્યાં જીમી નામનો કોઈ પેશન્ટ દાખલ થયો જ નહોતો. મને ઝટકો લાગ્યો. એવું કેમ બને, ક્યાંક એ છોકરીએ મારી સાથે મજાક તો નહોતી કરીને..! મેં તુરંત જીમીનાં મોબાઈલ ઉપર કોલ બેક કર્યો અને… ફરી પાછો એ ખનકતા અવાજ વાળી છોકરીએ જ ફોન ઉઠાવ્યો. કોઈ છોકરી પાસે જીમીનો ફોન હોય એ પણ અજબ બાબત હતી.
“આ શું મજાક માંડી છે, જીમી ક્યાં છે..?” મારો અવાજ સહેજ ઉંચો થયો.
“તું લિફ્ટમાં ઘૂસ અને ત્રીજા માળે આઈસીયુ વિભાગમાં આવી જા.” એ બોલી. તે મને જાણતી નહોતી છતાં ફરી મને ’તું’કારે બોલાવ્યો હતો. હવે મને જીમી કરતા પણ આ યુવતી વધું રહસ્યમય લાગવા માંડી હતી. જે રીતે તે બોલતી હતી અને હુકમો આપતી હતી એવા ’ટોન’માં કોઈ સામાન્ય છોકરી અજાણ્યાં વ્યક્તિ સાથે વર્તે નહી. હું લગભગ દોડતો જ લિફ્ટમાં દાખલ થયો હતો અને ધડકતા હદયે ત્રીજા ફ્લોરનું બટન દબાવ્યું હતું. લિફ્ટ ઉપડી અને ત્રીજા ફ્લોર પર ઉભી રહી ત્યાં સુધીમાં મને તેનાં વિશે કેટલાય ખ્યાલો ઉદભવ્યાં હતા. આખરે કોણ હતી એ અજાણી યુવતી, અને જીમી સાથે તેનો શું સંબંધ હતો..? આ જીમી પણ ખરો હતો, મને તેના ઉપર પણ ખીજ ચઢતી હતી. જો ખરેખર તે મારી સાથે મજાક કરી રહ્યો હશે ને તો આજે એની ખેર નહોતી. હું કોરીડોરમાં પ્રવેશ્યો. આ આખો ફ્લોર સેન્ટ્રલ એ.સી. હતો. કોરીડોરમાં એ.સી.ની જબરજસ્ત ઠંડક પ્રસરેલી હતી. મારા ડાબા હાથ તરફ આઈસીયુ વિભાગ હતો જ્યારે જમણી તરફ સાત-આઠ કમરા હતા જેના દરવાજે ડિલક્ષ અને સુપર ડિલક્ષ લખેલા પાટિયા જડયા હતા. કોરીડોરમાં થોડુક ચાલીને હું આઈસીયુ વિભાગનાં દરવાજે પહોંચ્યો હતો અને દરવાજો ધકેલી અંદર પ્રવેશ્યો. અને… એ મને દેખાઈ. તે એક કાચનાં પાર્ટિશન બહાર ઉભી હતી. તેની પીઠ મારી તરફ હતી. તેની બરાબર ઉપર, સિલિંગમાં એલઈડી બલ્બ ઝગતાં હતા. એ લાઈટનાં પ્રકાશમાં તેના ખભાથી થોડે નીચે સુધી ઝુલતાં સિલ્કી વાળને ઘડીભર હું તાકી રહ્યો. તેણે તપખીરીયા રંગનું જીન્સ અને ઉપર આછા લાલ શેડનું ચમકતું ટિશર્ટ પહેર્યું હતું. અચાનક મારા મનમાં એક ખટકો ઉદભવ્યો. તે ખરેખર અહી હતી એનો મતલબ કે…. ઓહ ભગવાન, મારું હદય એક ધબકારો ચૂકી ગયું. મતલબ કે આ કોઈ મજાક નહોતી. જીમી ખરેખર મુશ્કેલીમાં હતો. હું ઝડપથી તેની તરફ ચાલ્યો અને તેની નજીક પહોંચીને ઉભો રહ્યો. મને જીમીની ફીકર ઉદભવી. પાછળ કોઈ આહટ સંભળાતા તે મારી તરફ ફરી.
“જીમી ક્યાં છે…?” મેં સીધું જ પૂછયું.
“અંદર…” તેણે આંખોથી જ ઈશારો કર્યો અને પછી એક લાંબો શ્વાસ છોડયો. “ડોકટરો ટ્રિટમેન્ટ કરી રહ્યાં છે. ડોન્ટવરી, એ ઠીક થઈ જશે.” તે બોલી અને પોતાના બન્ને હાથ તેની જીન્સ પેન્ટનાં ખિસ્સામાં ખોસ્યાં. તે ઉંચી હતી. લગભગ મારી જેટલી જ હાઈટ હશે. તેનાં લંબગોળ ચહેરા ઉપર ચિંતા છવાયેલી સાફ નજરે પડતી હતી.
મેં કાચનાં પાટિશનની અંદર… જ્યાં જીમીની ટ્રિટમેન્ટ થતી હતી, જોવાની કોશીશ કરી પરંતુ અર્ધ-પારદર્શક કાચમાં અંદર ખરેખર શું ચાલતું હતું એ દેખાયું નહી.
“જીમીને શું થયું છે…?” મારો અવાજ થોડોક ઉંચો થયો. મને કશુંક અણગમતું બન્યું હોવાનો ભાસ થતો હતો નહિતર જીમીને આઈસીયુમાં દાખલ કરાયો ન હોત. “એન્ડ હુ આર યુ..?”
“મારું નામ માનસા છે. એ પહેલા અમારે ત્યાં જ કામ કરતો હતો. એન્ડ રિલેક્ષ… એ ઠિક થઈ જશે. થોડુક વાગ્યું છે પરંતુ ચિંતા કરવા જેવું કશું નથી. તે વેટલેન્ડનાં બેસ્ટ ડોકટરોનાં હાથમાં છે.” તે બોલી અને ખીસ્સામાંથી હાથ બહાર કાઢીને અદબ વાળીને ઉભી રહી. એવું કરવામાં તેના હાથ તેના વક્ષસ્થળ ઉપર દબાયા હતા. જો બીજો કોઈ સમય હોત તો ચોક્કસ મારું ધ્યાન ભટક્યું હોત પરંતુ અત્યારે હું તેની તપખીરી ભૂખરી આંખોમાં તાકી રહ્યો. જાણે નજરોથી જ તેની ભિતરનો તાગ મેળવી લેવા માંગતો હોઉં એમ એકટશે હું તેને જોઈ રહ્યો હતો. એકાએક તેના વર્તનમાં આવેલો ફેર મેં નોટ કર્યો. ફોન ઉપર જે ટોનમાં તે વાત કરતી હતી એ અલગ હતો અને અત્યારે કંઈક અલગ. તેનો અવાજ કૂણો પડયો હતો.
“ચિંતા કરવા જેવું નથી…! ખરેખર…? તો તેને આઈસીયુમાં કેમ રખાયો છે..? ક્યાં વાગ્યું છે તેને, શું એ બાઈક ઉપરથી પટકાયો હતો…?” મને ખબર હતી કે જીમીનું ડ્રાઈવિંગ એકદમ ’રફ’ હતું એટલે એ શક્યતા નકારી શકાય નહી. વળી તેણે કહ્યું કે જીમી પહેલા તેને ત્યાં નોકરી કરતો હતો એનો વધુ એક ઝટકો મને લાગ્યો હતો. એ ખરેખર ગંભીર બાબત હતી. એકાએક હું સચેત થયો. મતલબ કે આ એ જ લોકો હતા જેના કારણે જીમીએ વેટલેન્ડમાં ક્યારેય પગ ન મુકવાનું પ્રણ લીધું હતું.
“એ… એ… “ તે થોથવાઈ. થોડીવાર માટે અટકી, તેણે પોતાના બન્ને હોઠ ભેગા કર્યા અને મોંની અંદરવાળી દાંત હેઠળ દબાવ્યાં. એક ઉચ્છવાસ બહાર ફેંકયો. “અચ્છા, ઓકે… તું ચાલ મારી સાથે.” તે બોલી અને મારી આગળથી પસાર થઈને આઈસીયુ કોરીડોરનાં છેડે પહોંચીને ઉભી રહી. હું તેની પાછળ ચાલ્યો. “જીમી અને ડેની વચ્ચે કોઈક કારણોસર ફાઈટ થઈ હતી. એમાં તે ઘાયલ થયો છે. પણ… મેં તને કહ્યુંને કે એ સલામત છે. કોઈ ફિકર કરવાની જરૂર નથી.”
“વોટ…?” ભયંકર આઘાતથી હું ઉછળી પડયો કારણ કે ડેનીને હું ઓળખતો હતો. એ એક નંબરનો બકવાસ યુવક હતો. આખા ઈલાકામાં એક પણ એવી વ્યક્તિ નહી હોય જેની સાથે તે ઝઘડયો નહી હોય. ઈનફેક્ટ એક વખત તો તેણે બાબી સાથે પણ પંગો લીધો હતો. જો કે એ સમયે શું થયું હતું એનો મને ચોક્કસ ખ્યાલ નહોતો પરંતુ જીમીનો જો ડેની સાથે ઝઘડો થયો હશે તો ચોક્કસ તેમાં ડેનીની જ કોઈ કારસ્તાની હશે એમા કોઈ શક નહોતો. અને એકાએક મને સમજાયું હતું કે માનસા કેમ ઢીલી પડી હતી.
“શું થયું હતુ…?” મેં તેની કાળી તપખીરી આંખોમાં તાક્યું. તેણે નજરો ચોરી લીધી. મારાં જડબા સખત થયા. તેના જવાબની રાહ જોયા વગર હું જીમીની સારવાર ચાલતી હતી એ કમરા તરફ ચાલ્યો અને કમરાનો દરવાજો ધકેલીને અંદર દાખલ થયો. અંદર બે ડોકટરો અને એક નર્સ એક બેડને વિંટળાઈને કંઈક ગડમથલમાં પરોવાયા હતા. દરવાજો ખુલવાની આહટથી એકાએક તેમને ખલેલ પડી હતી અને બધાની નજરો મારી તરફ ફરી હતી. પરંતુ મને એની કંઈ પડી નહોતી. મારા માટે જીમી અગત્યનો હતો. હું રીતસરનો તેની તરફ ધસી ગયો. એ બેડ પર સૂતો હતો. તેનો આખો ચહેરો સૂઝીને દડાની જેમ ફૂલી ગયો હતો, તેના હોઠની ધારે લોહી જામેલું દેખાતું હતું, તેના માથે પાટો બાંધ્યો હતો, તેની આંખોનાં પોપચામાં પણ સોઝો આવ્યો હતો. તે હજું ભાનમાં જ હતો પરંતુ મને ખ્યાલ આવતો હતો કે તેને ભયંકર પિડા થઈ રહી છે. તેની હાલત જોઈને મારા અંતરમાં ધ્રાસ્કો પડયો હતો.
“જીમી…” હું બોલ્યો અને તેની ઓર નજીક ગયો.
“ઓ ભાઈ, કોણ છો તમે..?” એક ડોકટરે મને બેડ નજીક પહોંચતા રોક્યો.
“એ મારો દોસ્ત છે… જીમી. તેની હાલત કેમ છે..?”
“હી ઈઝ ઓલરાઈટ, થોડી ઈન્ટર્નલ ઈન્જરી છે બટ કોઈ ખાસ ચિંતા કરવા જેવું નથી. બે-ચાર દિવસ લાગશે પણ એ ઠીક થઈ જશે.” ડોકટરે એકદમ શાંતીથી મને કહ્યું. “પ્લિઝ, યુ સ્ટે આઉટ. અમને કામ કરવા દો.” અને તેણે મારો ખભો થાબડી બહાર જવા જણાવ્યું. પરંતુ એ દરમ્યાન જીમી કણસ્યો હતો. કદાચ તેણે મારો અવાજ સાંભળી લીધો હતો.
“રોની… તું છે..?” તેનો માંદલો અવાજ મારા કાને અથડાયો. હું તેની ઉપર ઝૂકયો. તેની આંખોનાં પોપચા ફરક્યાં. મને જોઈને તેનો હાથ ઉંચકાયો. મે તેનો હાથ મારા હાથમાં લીધો.
“યસ જીમી… હું જ છું.” અનાયાસે જ હું ભાવુક બની ગયો. એ ભલે અમારે ત્યાં કામ કરતો હોય પરંતુ તે મારા માટે એક મિત્રથી પણ વિશેષ હતો. અરે, તેનાં કારણે જ તો અમારાં શુષ્ક જીવનમાં થોડી હળવાશ આવી હતી.
“રોની, એણે… એણે…. મને માર્યો. ડેની.. અને વિક્રાંત… તું છોડતો નહી એમને.” જીમીનો હાથ ખેચાઈને તંગ બન્યો. મને જોઈને તેનામાં ઉશ્કેરાટ જનમ્યો હતો. તે ઉભો થવા માંગતો હોય એમ તેણે બળ કર્યું અને મારો હાથ ખેંચ્યો. “વગર કારણે… મને માર્યો. ડેની… હરામખોર… અને માનસાની સાથે હતો એ… વિક્રાંત… એ બન્નેને… હું છોડીશ નહી. આહ…” અચાનક તેના ગળામાંથી એક જોરદાર ઉંહકારો નીકળ્યો અને મારો હાથ છોડીને તેણે પોતાનાં પેટ ઉપર દાબ્યો. ભયંકર પીડાથી તેનો ચહેરો તરડાયો. તેનું શરીર ઝટકા મારવા લાગ્યું.
“આઘા ખસો તમે, એન્ડ પ્લિઝ… લીવ ધ રુમ.” એકાએક પેલો ડોકટર મારી નજીક ધસી આવ્યો હતો અને મને જીમીથી દૂર કર્યો. “નર્સ, હાથ પકડો તેના.” તેણે ઉંચા સાદે નર્સને કહ્યું અને નજીક પડેલા ટેબલ પરથી સિરિન્જ ઉઠાવી તેમાં પ્રવાહી ભરી જીમીનાં હાથની નસમાં ઈન્જેક્શન માર્યું. એટલું કરવામાં પણ તેના કપાળે પરસેવો ઉભરી આવ્યો હતો અને હાંફ ચડી ગયો હતો. ઈન્જેક્શન મારીને તે સીધો થયો “એના પેટમાં સોજો આવ્યો છે જેના લીધે દુઃખાવો થાય છે. મેં પેઈન કિલર ઈન્જેક્શન આપ્યું છે એટલે થોડીવારમાં તેનો દુઃખાવો શાંત થઈ જશે. બાકી મેં કહ્યું તેમ, બીજી કોઈ સિરિયસ ઈન્જરી નથી એટલે ઉપાધી કરવાની જરૂર નથી.” વગર પૂછયે તેણે માહિતી આપી. “હવે તમે બહાર વેઈટ કરશો પ્લિઝ.”
પરંતુ એ શબ્દો જાણે મારા કાને અથડાયા જ ન હોય એમ હું સન્નાટામાં ચાલ્યો ગયો હતો. જીમીની હાલત જોઈને હું ખળભળી ઉઠયો હતો. તેને બેરહમીથી પીટવામાં આવ્યો હતો એ સ્પષ્ટ દેખાતું હતું. ગનીમત એ હતું કે તેના દાંત અને જડબું સલામત બચ્યું હતું. ડોકટરોનાં કહેવા મુજબ તે બચી જશે એમાં મને પણ કોઈ શંકા નહોતી પરંતુ તેને જે પીડા થતી હતી એનું શું…? એનો હિસાબ કરવો જરૂરી હતો. વગર વાંકે કોઈ તેને મારી જાય અને એ સહન કરું એટલો હું નપુંસક નહોતો. મારી અંદર ઝાળ પ્રગટી. જીમી ફક્ત બોલવામાં ભડભડિયો હતો પરંતુ એ સિવાય તે તદ્દન નિરૂપદ્રવી હતો. એવા વ્યક્તિને ડેની અને વિક્રાંત જેવા જલ્લાદોએ માર્યો હતો એ વિચારે જ મારા રોમરોમમાં ક્રોધની જ્વાળાઓ પ્રગટી હતી. ગુસ્સાથી ધમધમતો હું કમરાની બહાર નીકળ્યો. માનસા દરવાજા પાસે જ ઉભી હતી.
“ડેની ક્યાં છે…?” જો એ ઓરત ન હોત તો કદાચ મેં તેનો કાંઠલો પકડી લીધો હોત.
“મને શુ ખબર..?” મારા દેદાર જોઈને તે ચોંકી હતી.
“ઓહ, અચ્છા…! તને શું લાગે છે, હું તેને શોધી નહી શકું…?” મેં ફોન બહાર કાઢયો. મને ખબર હતી કે આવા સમયે કોને યાદ કરવો જોઈએ. કોલ લોગમાં એક નંબર સર્ચ કરી ફોન લગાવ્યો. સામે છેડે ઘંટડી વાગી અને ફોન ઉંચકાયો. “બોબી, ક્યાં છે તું…? તારું કામ પડયું છે.”
(ક્રમશઃ)