Island - 11 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇલેન્ડ - 11

પ્રકરણ-૧૧.

પ્રવીણ પીઠડીયા.

જીવણો સુથાર છેક અંત સુધી લડયો હતો. તેણે વજીર અને ડાગા જેવા ખતરનાક માણસોને હંફાવ્યા હતા એ કોઈ નાનીસૂની વાત નહોતી પરંતુ આખરે તે પડયો હતો. કુદરત દરેકને તેના ભાગ્ય સાથે જ મોકલે છે અને જીવણાનાં ભાગ્યમાં કદાચ આવું જ મોત લખાયેલું હશે. તેના શરીરે પડેલા ઘા જીવલેણ સાબિત થયા હતા. તેના શરીરનું લગભગ તમામ લોહી નિચોવાઈ ગયું હતું જેના કારણે તેનું પ્રચંડ મનોબળ પણ આખરે હાર્યું હતું અને તે પોતાની મંઝિલે પહોંચે એ પહેલા માર્યો ગયો હતો. જે અમાનતને તેણે આટલાં વર્ષો સુધી પોતાનાં જીવની જેમ સાચવી એ ચીજ મરતી વખતે તેના કોટનાં ખિસ્સામાં જ મોજૂદ હતી પરંતુ હવે એનો કોઈ મતલબ સરવાનો નહોતો. આ ધરતી ઉપર એ ચીજનું મૂલ્ય ફક્ત ત્રણ વ્યક્તિઓ જ જાણતી હતી જેમાથી બે વ્યક્તિઓ અત્યાર સુધીમાં ક-મોતે મરી ચૂકી હતી જેમાં એક જીવણો હતો.

------------------

વેટલેન્ડનું એક લાંબુ ચક્કર કાપીને હું ગેરેજે પહોંચ્યો હતો કારણ કે આજે ઘણાં લાંબા અંતરાળ બાદ મેં વેટલેન્ડમાં પગ મૂક્યાં હતા. વેટલેન્ડની સડકો અને રહેણાંકમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નહોતો. બધું પહેલા જેવું જ હતું. ખબર નહી કેમ પણ વેટલેન્ડની બહાર નિકળતી વખતે હું થોડો ઉદાસ બની ગયો હતો. એ જીવણાનાં મોતને કારણે હતું કે બીજી કોઈ બાબત, એ સમજાયું નહોતું. બસ્તીમાં દાખલ થયો ત્યારે સાંજ ઢળવા આવી હતી. દૂર આકાશમાં દેખાતો સૂરજ ધરતી ઉપર લાલચોળ આભા ફેલાવી અસ્ત થવાની તૈયારી કરતો હતો. આછું અંધારું બસ્તીની સડકો ઉપર ઉતરી આવ્યું હતું અને રોડની બન્ને તરફ ખોડેલાં સ્ટ્રિટલાઈટોનાં થાંભલા ઝગમગવા લાગ્યાં હતા. ગેરેજે પહોંચી બાઈક પાર્ક કરીને હું અંદર પ્રવેશ્યો ત્યારે મામા હજું પણ ગેરેજમાં જ હતા અને રીપેરીંગમાં આવેલી કોઈ બાઈક સાથે ગડમથલમાં પરોવાયા હતા. મને નવાઈ ઉપજી કારણ કે મોટેભાગે સાંજ થતા જ તેઓ ઘરે જતા રહેતા. ઉંમરનાં કારણે હવે તેમને આંખે ઓછું દેખાવું શરૂ થયું હતું એટલે હું જ તેમને ઘરે મોકલી આપતો હતો. પરંતુ આજે અંધારું થવા છતા તેઓ ગેરેજમાં મોજૂદ હતા એ થોડી અજુગતી બાબત હતી. મેં આસપાસ નજર ઘુમાવી. જીમી ક્યાંય દેખાતો નહોતો. મારું વિસ્મય બેવડાયું. હું મામાની નજીક પહોંચ્યો.

“મામા, જીમી ક્યાં છે?” સહસા જ મેં પૂછયું એટલે મામા ચોંકયા અને પછી મને આવેલો જોઈને મેલા ગમછાથી હાથ લુંછતા તેઓ ઉભા થઇને મારી નજીક આવ્યાં.

“અરે ભાઈ, એની વાત ન પુંછ! એ બપોરે આવ્યો અને કંઈપણ કહ્યાં વગર બાઈક લઈને ચાલતો થયો. મને એમ કે એ તારી સાથે હશે. ખબર નથી પડતી કે તમે છોકરાઓ આખરે કરો છો શું..? અચ્છા, તને યાદ છે આપણે ત્યાં આવતો પેલો માણસ, જે તેની લ્યુના રીપેર કરવવા આવતો હતો..?” તેમણે ગમછો એકબાજું મુક્યો હતો અને અલગ જ વાત શરૂ કરી. હું તેમના સવાલથી ચોંકી ઉઠયો. મતલબ કે જીવણાનાં સમાચાર મામા સુધી પહોંચી ચૂક્યા હતા.

“લ્યુનાવાળો એટલે પેલો જીવણ સુથાર જ ને…!” અજાણ્યાં રહીને જ મેં પૂછયું. મને ખબર નહોતી કે મામા જીવણા વિશે શું જાણીને આવ્યાં છે.

“હાં એ જ, બસ્તીમાં આજે કોઈએ તેનું ખૂન કરી નાંખ્યું. પોલીસ પણ આવી હતી. ભગવાન જાણે એણે કોઈનું શું બગાડયું હશે..! બડો અચ્છો આદમી હતો. સાવ ભગત માણસ. અચ્છા, હવે હું ઘરે જાવ છું. તું અને જીમી સમયસર ઘરે પહોંચી જજો” મામા બોલ્યાં અને માથું ધૂણાવતા મારી આગળથી પસાર થઇને ગેરેજનાં દરવાજે પહોંચ્યાં.

મને હાશ થઈ, મામા આ બધા લફડામાં ન પડે એજ તેમની તબીયત માટે સારું હતું. હવે તેમના આરામ કરવાનાં દિવસો હતા. મેં તેમને બાઈક બહાર કાઢી આપી એટલે તેઓ ગયા. હું પાછો ફર્યો અને ગેરેજનાં એક ખૂણે લાકડાની પ્લાયથી બનાવેલા કેબિનમાં ઘૂસ્યો. એ અમારી નાનકડી ઓફિસ કમ સ્પેરપાર્ટ મુકવાની જગ્યા હતી. મને જીમીની નવાઈ લાગતી હતી. બાઈક લઈને એ ક્યાં ગયો હશે…? ત્યાં મુકાયેલી ખુરશીમાં ગોઠવાતા ખિસામાંથી ફોન બહાર કાઢીને મેં તેનો નંબર ડાયલ કર્યો. સામા છેંડે રિંગ વાગી. અધીરાઈભેર તેનો ફોન ઉપાડે એની રાહ જોઈને બેસી રહ્યો પરંતુ આખી રિંગ પૂરી થવા છતા તેણે ફોન ઉઠાવ્યો નહી. મારું વિસ્મય બેવડાયું. હું તેને મૂકીને એકલો વેટલેન્ડમાં ગયો એનું ખોટું તો નહી લાગ્યું હોય ને..! પણ એમાં મારો શું વાંક હતો? એણે પોતે જ વેટલેન્ડમાં પગ નહી મુકવાની કસમ ખાધી હોય એમા બીજા શું કરે..? મેં ફરીથી ટ્રાય કરી, આ વખતે પણ તેનો ફોન ન ઉપડયો. મને ચિંતા ઉપજી. કદાચ તે બાઈક ચલાવતો હશે. આમપણ સવારની રજળપટ્ટીનાં કારણે હું થાક્યો હતો એટલે ફોન ટેબલ ઉપર મુક્યો અને ખુરશીને અઢેલીને લંબી તાણી. મેં હજું આખ બંધ જ કરી હશે કે બરાબર એજ સમયે મારો મોબાઈલ રણકી ઉઠયો. હાથ લંબાવીને મેં ફોન ઉઠાવ્યો.

“ઓહ, આખરે ભાઈને ટાઈમ મળ્યો ખરો.” ફોનની ડિસપ્લે પર જીમીનું નામ ઝબકતું જોઈને હું સ્વગત જ બબડયો અને ફોન કાને ધર્યો. “કેમ ભાઈ, ફોન ઉઠાવતા બળ પડે છે… છે ક્યાં તું…?” એ કંઈ બોલે એ પહેલા જ થોડા ખીજભર્યા અવાજમાં મેં તેને ખખડાવ્યો.

“ઓય, હેલ્લો… આ રોનીનો નંબર છે…?” સામે છેડેથી એક ખનકતો રણકાટભર્યો અવાજ સંભળાયો. હું ચોંક્યો અને ખુરશીમાં ટટ્ટાર થયો. એ જીમી નહોતો, કોઈ યુવતી બોલી રહી હતી અને મારા નામની પૃચ્છા કરતી હતી. મતલબ કે જીમીનાં ફોનથી રોની માટે, મતલબ કે રોનક કામદાર માટે…એટલે કે મારા માટે જ ફોન આવ્યો હતો.

“હાં, હું રોની જ બોલું છું. તમે કોણ..? જીમી ક્યાં છે, એનો ફોન તમારી પાસે કેમ..?” મારી નવાઈનો પાર નહોતો. જીમીની સાથે કોઈ યુવતી હોય એ તો સપને પણ હું વિચારી ન શકું. એનું એક કારણ હતું કે જીમી છોકરીઓ સાથે વાત કરતા ગભરાતો. કોઈ યુવતી તેની સામે આવે તો પણ એ થોથવાઈ જતો.

“એ બધી વાતોનો મારી પાસે સમય નથી. તું જલદીથી સીટી હોસ્પિટલ પહોંચ, તારો દોસ્ત ઘાયલ થયો છે અને તારા નામની માળા જપે છે.” અને હું કંઈ બોલું એ પહેલા તેણે ફોન કટ કરી નાંખ્યો. અપાર આશ્વર્યથી હું મારા મોબાઈલને તાકી રહ્યો. એક તો વગર ઓળખાણે તેણે મને ’તું’કારે બોલાવ્યો હતો અને એટલું ઓછું હોય એમ પુરી જાણકારી આપ્યા વગર ફોન કાપી નાંખ્યો હતો. મને એ યુવતી મગજમેટ લાગી. અધૂરી વાત કરીને તેણે મારી જીજ્ઞાષવૃત્તીને ઈજન આપ્યું હતું. પરંતુ એ અગત્યનું નહોતું, જીમી ઘાયલ હતો અને સીટી હોસ્પિટલમાં દાખલ હતો એ ભયંકર વિસ્મયની વાત હતી. હું ભાગ્યો... ફટાફટ ગેરેજની લાઈટો બંધ કરીને લોક માર્યું અને સીધો જ સીટી હોસ્પિટલનાં રસ્તે પડયો. ખરેખર તો એ સમયે મને જીમીની ચિંતા થવી જોઇતી હતી પરંતુ આખા રસ્તે એ યુવતીનાં જ વિચારો આવતા રહ્યાં. કોણ હતી એ બદ-દિમાગ છોકરી..?

--------------

માનસાએ સીટી હોસ્પિટલ પહોંચતા સુધીમાં રસ્તામાં જ સીટી હોસ્પિટલનાં મેનેજિંગ હેડ ડો.દિગંત વોરાને કોલ જોડયો હતો અને તેમને તમામ પરિસ્થિતીથી વાકેફ કર્યા હતા. ડો. દિગંત વોરાએ તરત જ ઈમર્જન્સી વ્યવસ્થા તૈયાર કરાવી નાખી હતી. ડો.દિગંત વોરા તેના ડેડીનાં ખાસ મિત્ર હતા. ઈનફેક્ટ સીટી હોસ્પિટલનાં હેડ તરીકેની તેમની નિમણૂકમાં પણ માનસાનાં ડેડીનો મોટો ફાળો હતો એટલે તેનો ફોન આવ્યો કે તુરંત તેઓ કામે વળગ્યાં હતા. તેમના માટે આ કામ કંઈ પહેલી વખતનું નહોતું એટલે તેમને ખબર હતી કે તેમણે શું કરવાનું છે.

-------------------

જીમીને હોસ્પિટલનાં પાછલા ભાગેથી અંદર લાવવામાં આવ્યો જેથી એ કોઈની નજરે ન ચડે. તેને સીધો જ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત બહું જ નાજુક હતી. તેના પેટમાં વારેવારે વમળ ઉમડતું હતું જેના કારણે તેના મોંમાં લોહી ઉભરાઇ આવતું હતુ. એ લોહીનાં ઘળકા બહાર નિકળીને તેના જ શરીર ઉપર ફેલાતા હતા. તે વારેવારે ટૂટિયું વાળી જતો હતો. ડોકટરો મહામુસીબતે તેને કંન્ટ્રોલમાં રાખવાની અને નિકળતું લોહી રોકવાની કોશીશમાં પડયા હતા.

“જો એને કંઈ થયુંને… તો ડેડી તને જીવતો નહી છોડે.” આઈસીયુ વિભાગની બહાર દરવાજા પાસે આમ થી તેમ આંટા મારતી માનસા સખત રીતે ધૂંધવાયેલી હતી. તેના ચહેરાની લિસ્સી ચામડી ઉપર પરસેવાની બૂંદો ચમકતી હતી. જીમીની હાલત જોઈને તેને ગભરામણ થતી હતી કારણ કે તે જાણતી હતી કે જો એ મરી ગયો તો આફત સર્જાયા વગર રહેવાની નથી. અને એટલે જ હોસ્પિટલ સુધી પહોંચતાં રસ્તામાં જ તેણે ડેનીનો અને વિક્રાંતનો રીતસરનો ઉધડો લઈ નાંખ્યો હતો. તે બન્ને ખરેખર જલ્લાદ હતા. દારૂ અને ડ્રગ્સનાં નશામાં તેમને ભાન રહેતું નહી કે તેઓ શું કરી રહ્યાં છે. આ પહેલા પણ એ બન્નેનાં કારણે ઘણી મુસીબતો સર્જાઈ હતી પરંતુ આ વખતે વાત કંઈક અલગ હતી. જીમી નાજૂક છોકરો સાબિત થયો હતો અને તે બન્નેએ કોઈ જડની તેને ઠમઠોર્યો હતો. ખાસ તો તેના પેટમાં જે મુક્કો પડયો હતો એમા તેની હાલત ઓર નાજૂક બની હતી.

તેઓ હજું હમણાં જ હોસ્પિટલે પહોંચ્યાં હતા અને જીમીની હાલત જોતા ડોકટરોએ તેને સીધો જ આઈસીયુ વોર્ડમાં પ્રિફર કર્યો હતો. એ પહેલા જીમીએ તેનો ફોન માનસા તરફ લંબાવ્યો હતો. તે ઈચ્છતો હતો કે તેના દોસ્ત રોનીને ફોન કરીને અહી બોલાવી લેવામાં આવે. તેની સ્થિતિ જોતા માનસાને પણ લાગ્યું કે જીમીનું કોઈક સગું આવા સમયે હાજર હોવું જ જોઈએ. તે હજું ફોન કરવાનું વિચારતી જ હતી કે જીમીનો મોબાઈલ રણક્યો હતો. માનસાએ ફોનની ડિસ્પ્લે ઉપર રોની નામ ઝબુકતું જોયું. તેણે એક ઉંડો શ્વાસ ભર્યો અને હોસ્પિટલ કોરીડોરનાં એક ખૂણા તરફ ચાલી. તે મુંઝવણમાં મુકાઈ હતી કે ફોન ઉપાડીને શું જવાબ આપવો! બે રિંગ એમ જ વાગી હતી અને ફોન ખામોશ થયો હતો એ દરમ્યાન તેણે વિચારી લીધું હતું અને સામો કોલ જોડયો હતો. તેણે રોનીને હોસ્પિટલ આવી જવા જણાવ્યું અને ફરી પાછી તે ડેની અને વિક્રાંત ઉભા હતા ત્યાં આવી.

“આઈ થિંક યુ બોથ ગેટલોસ્ટ ફ્રોમ હિયર.” માનસા વિક્રાંત અને ડેનીને ઉદ્દેશીને બોલી. તેનો ગુસ્સો કેમેય કરીને શાંત થતો નહોતો. તેણે ઓલરેડી તે બન્નેને ખખડાવી નાંખ્યાં હતા છતાં તેને તેમની ફિકર પણ થતી હતી કારણ કે અત્યારથી જ તેને કશુંક અજુગતું થવાનાં ભણકારા સંભળાવા લાગ્યાં હતા. તે જાણતી હતી કે જો આ બન્ને અહી જ ઉભા રહેશે તો પરિસ્થિતી ઓર બગડશે. એક વખત તો થયું કે ડેડીને ફોન કરીને તમામ હકીકત જણાવી દે. પરંતુ પછી વિચાર્યું કે થોડી રાહ જોવી જરૂરી છે. જીમી જો હેમખેમ બચી જતો હોય તો આ મામલામાં ડેડીને સંડોવવા યોગ્ય નહોતા. એનાથી નાહકની વાત વધી જવાની ભિતી હતી.

“હવે મારી સામું જોઈને ઉભા છો શું..? જસ્ટ ગેટલોસ્ટ.” વિક્રાંત અને ડેની ત્યાંથી હલ્યા નહી એટલે માનસાનો અવાજ ઉંચો થયો. “એકવખતમાં સમજ નથી પડતી.?”

“હવે બહુ ડાહી થવાનું રહેવા દે. મને ખબર છે કે આ બધું તું શું કામ કરી રહી છે. તારે ડેડીની વાહવાહી જોઈએ છે એ હું ક્યાં નથી જાણતો.” ડેની બોલી ઉઠયો અને તે માનસા સમક્ષ આવીને ઉભો રહ્યો. એના તેવર હજું એવાને એવા જ હતા.

“અચ્છા..! અને તારે શું જોઈએ છે..? જેલનાં સળિયા ગણવા છે..? મને કોઈ વાંધો નથી. અહી જ ઉભો રહેજે અને આપજે જવાબ બધાને. ચાલ આજે હુંય જોઉં કે તું શું કરી શકે છે..?” લગભગ ઉપહાસ ભરેલા શબ્દોમાં માનસા તાડૂકી ઉઠી. તેને ખબર હતી કે ડેની ડ્રગ્સનો નશો કરીને ખાલી બફાટ કરી શકે છે અને બીજાને દબડાવી શકે છે. એ સિવાય તેનાથી શેકયો પાપડ પણ ભાંગી શકવાનો નહોતો. અને પછી વિક્રાંત તરફ ફરી. જાણે આ બધી બાબતોથી તેને કોઈ સરોકાર જ ન હોય એમ તે ક્યારનો શાંત ઉભો હતો. “તું આને ઉઠાવ અને ફૂટ અહીથી.” એ તેનો બોયફ્રેન્ડ હતો છતાં આજે તેનો મિજાજ હટયો હતો. વિક્રાંતને પણ માનસાની વાત યોગ્ય લાગી હતી. કંઈ જ બોલ્યા વગર તેણે ડેનીનો હાથ પકડ્યો અને જબરજસ્તીથી ખેંચતો બહાર લઈ ગયો. ડેનીની એસ-૬ બહાર કંમ્પાઉન્ડમાં જ ખડી હતી. તેણે ડેનીને ઉંચકીને રીતસરનો કારની અંદર ઠૂસયો હતો અને ડ્રાઇવિંગ સીટ ઉપર ગોઠવાઈને કાર કંમ્પાઉન્ડ બહાર હંકારી મૂકી હતી. એ દરમ્યાન ડેની ખુદ તેના બાપને… તેની બહેનને… તેના દોસ્ત વિક્રાંતને ભયંકર ગાળો બકતો રહ્યો હતો.

અને… તેની કાર બહાર નિકળી એ સમયે જ રોનીની બાઈક કંમ્પાઉન્ડમાં દાખલ થઈ હતી.

(ક્રમશઃ)