પ્રકરણ-૯.
પ્રવીણ પીઠડીયા.
“બેવકૂફ, જીવણની બોડી પોલીસનાં હાથમાં કેવી રીતે આવી? તેને જંગલમાં જ દાટી દેવાનું કહ્યું હતું છતાં એ બસ્તીમાં કેમ કરતા પહોંચ્યો?” એક ઘેરો અવાજ ફોનમાં ગુંજયો અને ડાગા થથરી ગયો. “વજીર ક્યાં છે, એનો ફોન તારી પાસે કેમ છે? એ હરામખોરને ફોન આપ, મારે વાત કરવી છે કે તમે શું ઊકાળી આવ્યા છો?.”
“બોસ, એ.. એ.. ટોયલેટમાં ગયો છે.” થોથવાતા અવાજે, માંડ-માંડ થૂંક ગળે ઉતારતા ડાગા બોલ્યો. જ્યારે હકીકત એ હતી કે વજીર તેની સામે જ ઉભો હતો પરંતુ ઈશારાથી જ તેણે ડાગાને ખોટું બોલવાનું કહ્યું હતું. જો આ સમયે બોસનો ફોન લીધો તો તેનું આવી બનવાનું હતું કારણ કે તેમનાથી એક મિસ્ટેક થઈ હતી જેનો ખામીયાજો બધાએ ભરવો પડે એમ હતો. એ તો સારું થયું કે જીવણો બસ્તીમાં પહોંચીને મરી ગયો નહીતર… તે આગળ વિચારી શક્યો નહી. જો એવું થયું હોત તો બોસ જીવતેજીવ તેમની ચામડી ઉતારી લેત.
“તેને કહેજે કે જીંદગીભર હવે ટોયલેટમાં જ બેસી રહે. બહાર નિકળ્યો તો એની ખેર નથી. સાલા હરામખોરોથી એક કામ પણ બરાબર થતું નથી. તેના ઘરમાંથી કંઈ મળ્યું કે નહીં..?” એકદમ ઠંડો, સરસરાહટભર્યો અવાજ આવ્યો હતો અને ડાગાનાં ચહેરા ઉપર પરસેવો ઉભરાયો.
“ન… નહી…” જમીન મારગ આપે તો ડાગા અત્યારે જ ધરતીમાં સમાઈ જવા તૈયાર હતો કારણ કે બોસને ’નાં’ કહીને ઓલમોસ્ટ તેમણે ભયંકર મોતને આમંત્રણ આપી જ દીધું હતું.
“હમમ્….” અને ફોન કટ થઈ ગયો. સન્નાટામાં આવી ગયો ડાગા. તેણે ફોન મૂક્યો અને નજીક ઉભેલા વજીર સામું જોયું. ડાગાની નશો કરી-કરીને પીળી પડી ગયેલી આંખોમાં ખૌફ તરતો હતો. વજીરને એ ખૌફનો તાપ અનુભવાયો. બોસ તેમને બક્ષશે નહી એ સમજાઈ ગયું હતું. તે ડાગાની નજીક સરક્યો અને તેની પીઠ થપથપાવી. એ હરકત ડાગા કરતાં વધુ ખૂદને સહાનુભૂતી આપવા માટે હતી. પછી તેણે ખભા ઉલાળ્યાં.
“એ આપણી ભૂલ નહોતી. ખ્યાલ હોત કે એ સૂકલકડી મરેલ આદમી સામો થશે તો પૂરતી તૈયારી સાથે જાત.” વજીર બોલ્યો. એ ખોખલા શબ્દો હતા. તે જાણતો હતો કે હવે એનાથી કોઈ ફરક પડવાનો નથી. જીવણો તેમને ભારે પડયો હતો એ વાત સ્વિકાર્યા સિવાય તેમનો છૂટકો નહોતો અને એટલે જ બોસની સાથે વાત કરતા તે ગભરાતો હતો. “કમબખ્ત જીવણો.” તેણે મૂઠ્ઠીઓ ભિંસી અને ચહલ કદમી કરતો રૂમનાં એક ખૂણા તરફ ચાલ્યો. રૂમનાં ખૂણે નાનકડું ’બાર’ સેકશન હતું. તેમા દુનિયાભરની જાતભાતની શરાબની બોટલા ગોઠવાયેલી હતી. એમાથી તેણે રમની એક બોટલ ઉઠાવી અને સીધી જ મોઢે માંડી દીધી. નીટ રમનો એક ધૂંટ ગળા નીચે ઉતરતા જ તેની છાતીમાં ગરમાવો પ્રસર્યો. તેણે માથું ધૂણાવ્યું અને બોટલ લઈને રૂમ વચ્ચે ગોઠવાયેલા સોફામાં બેસી પડયો. ડાગા એ બધું જોતો ખામોશીથી ઉભો હતો. સો ટકા તેઓ ગફલતમાં રહ્યાં હતા એમા કોઈ શક નહોતો. ગઈકાલે બોસનો ફોન આવ્યો અને તેમણે બસ્તીની પાછળ આવેલા ઘેરા જંગલમાં ઝુંપડું બાંધીને એકલા રહેતા કોઈ ડોસાને મારવાનું ફરમાન કર્યું ત્યારે તે બન્નેને આશ્ચર્ય ઉદભવ્યું હતું. આજે ઘણા વર્ષો બાદ કોઈને ઉડાવી દેવાનું કામ બોસે તેમને સોંપ્યું હતું એટલે આશ્ચર્ય થવું સ્વાભાવિક હતું. એક ડોસાને ઠેકાણે પાડવાનો હતો અને તેના ઘરની ઝિણવટથી ઝડતી લેવાની હતી. તેના ઘરમાંથી કંઈક શોધવાનું હતું. પણ શું…? બોસે એની ચોખવટ કરી નહી પરંતુ ડોસાનાં ઘરમાં જે કંઈપણ અસ્વાભાવિક લાગે, એ બધી વસ્તુઓ ઉઠાવી લાવવાનું જણાવ્યું હતું. ડાગાને બોસનું ફરમાન વિચિત્ર જરૂર લાગ્યું હતું પરંતુ સામો સવાલ પૂછી શકે એટલી તેમની હેસીયત નહોતી.
બોસે ડોસાનું જે વર્ણન કર્યું એ સાંભળીને તેમને એ કામ સાવ આસાન લાગ્યું. વળી આજ સુધી તેઓ કોઈ કામમાં અસફળ રહ્યાં નહોતા એટલે આ કામ પણ ચપટી વગાડતા કરી નાંખશે એવો આત્મવિશ્વાસ તેમને હતો. સાવ એકલા અટૂલા રહેતા એક વૃધ્ધ માણસને ખતમ કરવો એ તેમના ડાબા હાથનો ખેલ હતો. વજીરે તેનું ફેવરિટ હથીયાર…. લાકડાનાં મજબૂત હાથા વાળો લોખંડનો લાંબો હૂક સાથે લીધો. સમૃદ્રમાં માછલી પકડવા જતા મોટાભાગનાં મછૂઆરાઓ એ હૂકનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કોઈ મોટી માછલી જાળમાં ફસાય ત્યારે તેને પાણીમાંથી બહાર ખેંચીને બોટમાં ચઢાવવા તેનાં શરીરમાં એ હૂક ખૂપાવવામાં આવે છે જેથી ગેમે તેટલી વજનદાર માછલી પણ આસાનીથી ઉંચકાયને બોટમાં આવી જાય. વજીરને પહેલેથી એ હૂક ગમતો અને હંમેશા તે એને સાથે જ રાખતો. તેણે અને ડાગાએ એ અણીયાળા હૂકથી આજ સુધીમાં ઘણાનાં ઢિમ ઢાળી દીધા હતા. મૂળે તો આખરે તે બન્ને મછૂઆરા જ હતાને… તેમના માટે માછલી કે માનવી, બન્નેમાં કોઈ જાજો ફર્ક હતો નહી.
પરંતુ… જ્યારથી તેમનો ભેટો બોસ થયો હતો ત્યારથી તેમની જીંદગી બદલાઈ ગઈ હતી. ચિંથરેહાલ રખડતા તે બન્ને એકાએક જ કોઈ અમીર આદમીને પણ શરમાવે એવી સ્થિતીમાં આવી ગયા હતા. બોસે તેમને દરિયાકાંઠે નાનકડું પણ આલીશાન કોટેજ રહેવા માટે આપ્યું હતું અને બાપ જન્મારે પણ ક્યારેય જોયા ન હોય એટલા પૈસા તેમના કામનાં બદલામાં આપતો હતો.
તેઓ તેમના કોટેજેથી નિકળ્યાં ત્યારે રાતનાં બે વાગવા આવ્યાં હતા. એ સમયે વેટલેન્ડ સંપૂર્ણપણે જંપી ગયું હતું. જોકે દિવસે પણ ખાલીખમ રહેતા વેટલેન્ડનાં રસ્તાઓ રાતનાં સમયે તો સાવ ભેકાર બની જતા. ક્યારેક ક્યારેક ગસ્ત મારવા નિકળતી પોલીસવાન સિવાય ભાગ્યે જ કોઈ બહાર દેખાતું હશે. અહી વૈભવી ’વિલા’ઓની હારમાળા હતી પરંતુ છૂટા-છવાયા બનેલા વિલાઓમાં દૂનિયાનાં સૌથી ખડ્ડૂસ અને અકડું માણસો રહેતા હતા. એનું કારણ હતું તેમની પાસેની અઢળક દોલત. પૈસા.. રૂપિયા.. દોલત.. ઐશ્વર્ય… એ એવી ચીજ છે જે માનવીમાં અજીબ પ્રકારનો ઘમંડ ભરી દેતી હોય છે. એ ઘમંડ જ પછીથી તેમનો કાયમી સ્વભાવ બની જતો હોય છે. એવું જ વેટલેન્ડમાં પણ હતું. અહીનાં રહેવાસીઓ પાસે અપાર ઐશ્વર્ય હોવા છતા તેઓ એકલા હતા. ઘમંડી અને એકલા…!
વજીર અને ડાગાએ તેમની બ્લેક રંગની ’થાર’ને વેટલેન્ડની સૂંવાળી સડકો પર રમતી મૂકી હતી. આકાશમાં ખીલેલી ચાંદનીનો આછો પ્રકાશ સડક કિનારે ઉગેલા ઘટાદાર વૃક્ષોનાં પર્ણોમાં ચળાઈને રોડ ઉપર પથરાતો હતો. એ પ્રકાશમાં સડક ઉપર ચિત્ર-વિચિત્ર આકારો સર્જાતા હતા જે થારની પાવરફૂલ હેડલાઈટનાં અજવાળામાં કોઈ ભૂતનાં માથાની જેમ દેખાઈને ગાયબ થઈ જતા હતા. પાણીનાં રેલાની જેમ સરકતી થાર વેટલેન્ડનો પૂલ વટાવીને બસ્તીમાં દાખલ થવાને બદલે જંગલ તરફ જતાં બાયપાસ રસ્તે વળી ગઈ અને થોડીજ વારમાં તેઓ ઘટાટોપ, ઘનઘોર જંગલમાં પ્રવેશ્યાં હતા. જીપ ડાગા ચલાવતો હતો. તેને ખ્યાલ હતો કે તેણે કઈ દિશામાં જવાનું છે એટલે આગળ આવતા વળાંક ઉપર તેણે જીપને ડાબી દિશામાં વાળી. પછી સીધો રસ્તો અને એક નાનકડી સપાટ ટેકરી જેવા ભાગની સમિપે પહોંચીને ડાગાએ જીપને બ્રેક મારી. થારની હેડલાઈટનાં પ્રકાશમાં સામે એક ખખડધજ મકાન નજરે ચડતું હતું. એને મકાન કેમ કહેવાય… દિવાલોનાં નામે ટૂટેલા-ફૂટેલા લાકડાનાં ખપાટિયા હતા અને છતમાં દેશી નળિયા. એ મકાનની જાણે વર્ષોથી કોઈ દેખભાળ લેવાજઈ ન હોય એમ સાવ અવાવરું અને મનહૂસ જણાતું હતું. ડાગા અને વજીરે જીપની લઈટમાં એ મકાનને બરાબર નિરખ્યું. જીપનો અવાજ સાંભળીને જંગલમાં કોઈ હલચલ થઈ નહોતી કે નહોતો મકાનની અંદર કોઈ સળવળાટ થયો. તેમને સંદેહ ગયો કે અહી કોઈ હશે કે નહી..? બોસથી કોઈ ભૂલ તો નહી થઈ હોય ને, પરંતુ એ શક્યતા ઓછી હતી. પાકી ઈન્ફર્મેશન વગર બોસ આગળ વધતો નહી એની તેમને ખાતરી હતી.
સન્નાટો પ્રસરેલાં જંગલમાં થારનાં એન્જીનની ઘરઘરાટી ક્યાંય સુધી ગુંજતી રહી અને પછી એન્જીન બંધ કરીને તે બન્ને નીચે ઉતર્યાં. વજીરનાં હાથમાં લોખંડનો હૂક હતો જ્યારે ડાગાને એવી કોઈ જરૂર લાગતી નહોતી કારણ કે એકલા રહેતા ડોસાને મારવા ફક્ત વજીર જ કાફી હતો. એ રાક્ષસ હતો, તેનાં પલ્લે જે કોઈ પડયું એને જીવતે-જીવ દોજખની અનુભૂતી થતી. એટલી ઠંડકથી તે સામેવાળાનું કામ તમામ કરતો કે એક વખત તો યમરાજને પણ કંપારી વછૂટી જાય. તે બન્નેને જાણે કોઇજ ઉતાવળ ન હોય એમ ટહેલતા ખખડધજ મકાનનાં બારણે પહોંચ્યા.
મકાનનો દરવાજો ખાલી અટકાડેલો જ હોય એમ તેની ફાટ થોડીક ખૂલ્લી હતી. ડાગાએ હળવો ધક્કો મારીને દરવાજો પૂરેપૂરો ખોલી નાંખ્યો અને તેઓ અંદર પેઠા. એ એક કમરાનું મકાન હતું. સામેની દિવાલ પાસે લાકડાનાં પલંગમાં જીવણો સૂતો હતો. તેઓ એ તરફ ચાલ્યાં અને પલંગ નજીક આવીને ઉભા રહ્યાં. પલંગમાં સાવ મુડદલ અને સૂકલકડી જીવણ સૂતો હતો. જન્મ-જન્માંતરથી જાણે તેણે કંઈ ખાધું જ ન હોય એમ તેનું શરીર સાવ સૂકાઈને કૃશ બની ગયું હતું. તેના ચહેરાની બરછટ સૂકી ચામડી ગાલમાં ઉપસેલાં હાડકા સાથે ચીપકી ગઈ હતી. આંખો ઉંડા ગોખલામાં ઉતરી ગઈ હતી. જીવણ કોઈ નરકંકાલ સમો ભાસતો હતો. તેના અધખૂલ્લા મોઢામાં દાંતની જગ્યાએ ખાલી બખોલ હતી. કોઈ તેના ઘરમાં ધૂસી આવ્યું હોવા છતા કદાચ તેને એટલું હોશ નહોતું કે તે જાગીને જૂએ કે કોણ આવ્યું! તે એક લાશની જેમ ગંધારા, મેલા ગોદડાની અંદર પડયો હતો. ડાગા અને વજીર જેવા જલ્લાદોને પણ તેની હાલત જોઈને દયા ઉપજી. બોસને આ વ્યક્તિથી શું ખતરો હોઈ શકે એ તેમને સમજાયું નહી. છતાં, હુકમ થયો હતો એટલે કામ પાર પાડયા વગર છૂટકો નહોતો. વજીરનો હાથ ઉંચો થયો અને…
પહેલો ઘા જીવણાની છાતીમાં થયો. વજીરે હૂકની લાકડાની મૂઠ મજબૂતીથી પકડી અને સીધો જ તેની છાતીમાં હૂક ખૂંપાવી દીધો. “ખચાક…” અવાજ આવ્યો અને જીવણો રીતસરનો ઉછળ્યો. તેના મોમાંથી અવાજ નિકળે એ પહેલા તો વજીર રીતસરનો તેની ઉપર તૂટી પડયો હતો. ઘચાઘચ ઉપરા-છાપરી સાત, આઠ, દસ ઘા જીવણાનાં શરીર ઉપર થયાં. તેણે પહેરેલા ફાટેલા કોટનાં ચિંથરા ઉડયા, તેમાંથી લોહીનાં રગેડા રેળાયા અને ગોદડા ભિના થયા. એક ક્ષણ પૂરતી જીવણાની આંખો ખૂલી અને ભયાનક આધાતથી ફરી પાછી બંધ થઈ. તેનું શરીર ભયંકર રીતે ઝટકા ખાવા લાગ્યું અને એ તડફડાહટ ચંદ મિનિટોમાં શાંત થયો હતો. તે મરી ચૂક્યો હતો. અચાનક તેની સાથે શું બન્યું એ સમજે એ પહેલા તેનું શરીર ખામોશ બની ગયું હતું. એ જોઈને વજીર રોકાયો. તેના શ્વાસોશ્વાસમાં પણ તેજી ભળી હતી અને કપાળે પરસેવાની બૂંદો ચમકવા લાગી હતી.
“ડાગા, જલદીથી કમરાની તલાશી લે.” તે બોલ્યો અને જીવણાનાં જ પલંગ ઉપર બેસી ગયો. તેણે પકડેલો હૂક પલંગ નીચે લબડતો હતો અને તેમાથી લોહી ટપકીને ફર્શ પર એકઠું થઈ રહ્યું હતું. ડાગા કામે વળગ્યો. નાનકડા અમથા રૂમમાં તેણે બધું ઉથલ-પાથલ કરવાનું શરૂ કર્યું. તે ખૂદ નહોતો જાણતો કે તેને શેની તલાશ છે છતાં… તે મંડી પડયો હતો.
એ દરમ્યાન… જીવણાની બૂઝાઈ ગયેલી આંખો એકાએક ખૂલી અને…
(ક્રમશઃ)