પ્રકરણ-૮.
પ્રવીણ પીઠડીયા.
“ઓ હોય…” ગળું ફાડીને જીમીએ બૂમો પાડી હતી. તેના જીગરમાં અજીબ થડકારા ઉદભવતા હતા. હાથમાં પિસ્તોલ હોવા છતાં એ ચલાવાની તેનામાં હિંમત નહોતી કારણ કે તે સખત રીતે ડરેલો હતો. જો તેણે પિસ્તોલ ચલાવી નાખી હોત તો મામલો અલગ દિશામાં ફંટાયો હોત પરંતુ એ ’ગટ્સ’ લાવવો ક્યાંથી! તે ઘાયલ હતો અને ઝપટ મારીને ડેની ક્યારે તેની પાસેથી પિસ્તોલ છીનવી લે એનો કોઈ ભરોસો નહોતો. ડેનીને પાછળ આવતી બાઈકનો પણ જાણે કોઈ ખોફ નહોતો. માત્ર એક વખત તેણે પાછળ વળીને એ દિશામાં જોયું હતું અને ફરી પાછો ખૂંખાર નજરોથી જીમીને તાકવા લાગ્યો હતો. જીમીને મસળી નાંખવા તેનાં હાથ ઉતાવળા બન્યા હતા. એવા સમયે… અચાનક પ્રગટ થયેલો બાઈક સવાર જીમીને કોઈ ફરિસ્તાથી કમ નહોતો લાગતો. તેની આતૂર નજરો જલદીથી એ બાઈક નજીક આવે એની રાહમાં દૂર રસ્તા ઉપર મંડાયેલી હતી. પણ… એ કેમ આટલી ધીમી બાઈક ચલાવે છે? અત્યાર સુધીમાં તો ક્યારનો તે અહી પહોંચી જવો જોઈતો હતો પરંતુ એ બાઈક ધીમી પડી હતી અને સાથોસાથ વિચિત્ર રીતે ચાલતી હતી જાણે રોડ ઉપર ઝોલા ખાતી ન હોય. જીમી માટે એક-એક ક્ષણ એક-એક યુગ કરતાં પણ મોટી વિતતી હતી. આતૂર નજરે… ધડકતા હૈયૈ તે બાઈક નજીક પહોંચે એની રાહ જોઈ રહ્યો.
પરંતુ માનવી ધારે એમ ક્યાં કશું થાય છે. જીમીનાં નસીબમાં પણ આજે કદાચ એવું જ લખાયેલું હતું. તેનાથી લગભગ પચાસ ફૂટ દૂર… રસ્તાની બરાબર વચ્ચે આવીને બાઈક અચાનક જ ઉભી રહી ગઇ. સુમસાન રસ્તા ઉપર પથરાયેલો સન્નાટો ઓર ગહેરો બન્યો. બાઈક સવારે કોઈ અગમ્ય કારણોસર બાઈકને અચાનક થોભાવી હતી. કેમ, એ તો એજ જાણે. જીમીની અધીરાઈ તેની ચરમસીમાએ પહોંચી. આંખો જીણી કરીને, નજરો ખેંચીને દૂર ક્ષિતિજમાં જોતો હોય એમ આતૂરતાથી તે જોઈ રહ્યો. અને… એકાએક જ તેનું મોં પહોળું થયું. એ… એ... બાઈક એક યુવતી ચલાવતી હતી. અને તે એકલી નહોતી, તેની પાછળ બીજું કોઈ બેઠું હતું. તેના આશ્વર્ય વચ્ચે પાછળ બેસેલી એ વ્યક્તિનું ડોકું યુવતીની આડાશેથી બહાર નીકળ્યું અને તેની દિશામાં તણાયું. થોડીવાર પછી તે વ્યક્તિ નીચે ઉતરીને ઉભી રહી. જીમીને આંચકા ઉપર આંચકા લાગતા હતા. શરૂઆતમાં તેને લાગ્યું કે બાઈક સવાર એક જ વ્યક્તિ છે પરંતુ એવું નહોતું, બાઈક ઉપર બે લોકો સવાર હતાં અને તેઓ અચાનક થોભ્યાં હતા, અથવા તો અચકાઈને ઉભા રહી ગયા હતા. જીમી અને ડેની… બન્નેની નજરો એ તરફ ખેંચાઈ હતી અને બન્નેનાં ભવા સંકોચાયા હતા. ડેનીનાં રંગમાં ભંગ પડયો હતો એટલે તે વધું અકળાયો હતો. પરંતુ બાઈક અમથી નહોતી ઉભી રહી. બાઈક ચલાવતી યુવતીએ ચોંકીને બાઈક થોભાવી હતી. અને તેના ચોંકવાનું કારણ હતું રોડ વચ્ચે ઉભેલી બીએમડબલ્યૂં એસ-૬. એ કારને તે ઓળખતી હતી. ઓળખતી શું હતી, એ કાર હાલમાં જ તેના ડેડીએ ખરીદી હતી. યુવતીની આંખોમાં વિસ્મય અંજાયું. તેની કાર આ હાલતમાં અહી કેમ છે? અને રોડ વચાળે બીજું કોણ ઉભું છે? તેણે બાઈકને ત્યાંજ ’સ્ટેન્ડ’ કરી અને નીચે ઉતરી. ઘડીક અસમંજસમાં એમ જ ઉભી રહી અને પછી કાર તરફ આગળ વધી જ હતી કે…અચાનક તેણે ડેનીને જોયો. ડેનીની સામે બીજું કોઈ ઉભું હતું અને તેના હાથમાં પિસ્તોલ ચમકતી હતી. ભયંકર આઘાતથી ખચકાઈને તે ઉભી રહી ગઈ. વિસ્મય અંજાયેલી તેની આંખો ઓર વધું પહોળી થઈ. ક્ષણભરમાં જ તેને ખ્યાલ આવ્યો કે જરૂર ડેનીએ કોઈની સાથે પંગો લીધો છે.
“હેય ડેની… શું છે આ બધું?” એકદમ સાવધાની પૂર્વક ધીમાં અવાજે તેણે ડેનીને પૂંછયું. તેનું સંપૂર્ણ ધ્યાન ડેની તરફ હતું. જીમીને તેણે બરાબર જોયો નહોતો અથવા તે એને ઓળખી શકી નહોતી.
અત્યંત તંગ પરિસ્થિતીમાં પણ જીમી ચોંક્યો હતો કારણ કે એ અવાજને તે ઓળખતો હતો. ખરેખર તો તેણે તેને તુરંત ઓળખી જવાની જરૂર હતી પરંતુ તે એટલો આઘાતમાં હતો કે તેનું મગજ બીજું કંઈ વિચારી જ શકતું નહોતું. “ઓહ ગોડ…” તેના ગળામાંથી અવાજ સર્યો. એ ’માનસા’ હતી. ડેનીની સગ્ગી બહેન માનસા. તો જરૂર તેની સાથે હતો એ યુવક તેનો બોયફ્રેન્ડ હોવો જોઈએ…’વિક્રાંત’. જો એ વિક્રાંત હોય તો… જીમીને ફરીથી ધ્રૂજારી ઉપડી. એ છોકરો પાગલ હતો. તેના વિશે તેણે ઘણું સાંભળ્યું હતું. એક નંબરનો હરામી અને માથાફરેલ હતો. ગમે ત્યારે ગમે તેની ધોલાઈ વગર વિચાર્યે તે કરી નાંખતો અને પકડાય તો તેનો પૈસાદાર બાપ આવીને તરત છોડાવી જતો. એ માનસાનો બોયફ્રેન્ડ હોય એમા નવાઈની કોઈ વાત નહોતી કારણ કે માનસા પણ તેના જેવી જ ઉધ્ધત અને તૂંડ-મિજાજી છોકરી હતી. ડેનીનાં બાપનાં ગેરેજમાં કામ કરતી વખતે બે-ત્રણ વખત તેણે માનસાને જોઈ હતી એટલે બાઈક ઉભી રહી ત્યારે જ તેને ખ્યાલ આવી જવો જોઈતો હતો કે એ ડેનીની બહેન માનસા છે. આ લોકોનો અહી હોવાનો મતલબ હતો કે ચારેબાજુંથી તે ઘેરાઈ ચૂક્યો છે. તેણે પિસ્તોલ વાળો હાથ એ બન્ને તરફ લંબાવ્યો. સામે ત્રણ વ્યક્તિઓ હતી અને તે એકલો. એક પિસ્તોલ જ હતી જે તેનો સહારો બની શકે એમ હતી. જો પિસ્તોલ હટી તો એજ સેકન્ડે તેનો કચ્ચરઘાણ બોલી જવો નક્કી હતું.
“માય ગોડ… તેના હાથમાં ગન છે! ઓહ માય… માય… જીમી, એ તું છે?” એકાએક માનસાને ખ્યાલ આવ્યો કે તે એક સમયનો તેમનો નોકર જીમી છે. “શું છે આ બધું… તું આમ ગન તાકીને કેમ ઉભો છે? તમે લોકો અહી કરી શું રહ્યાં છો…? કોઈ મને સમજાવશે કે અહી થયું છે શું..? અને માયગોડ જીમી, તને કેટલું વાગ્યું છે. ઓહહ… પણ તારા હાથમાં ગન કેમ છે?” એક સામટા હજ્જારો સવાલો તેણે પૂછી નાખ્યાં. ડેની તરફ તકાયેલી ગન જોઈને તે ગભરાઈ ગઈ હતી.
“એ તારા ભાઈને કેમ નથી પૂંછતી?” જીમી બોલ્યો.
“ડેની…!” માનસા ડેની તરફ ફરી. તેણે પ્રશ્નસુચક નજરે ડેની તરફ તાક્યું. પણ ડેનીએ માનસાને સંપૂર્ણપણે અવગણી.
“યુ બાસ્ટર્ડ, શટ યોર માઉથ. ગીવ માય ગન બેક ઓર યુ વિલ પે ફોર ધીસ.” ડેની ભૂરાયો થયો. તેણે જીમીને ચોખ્ખી ધમકી આપી. માનસાને અચાનક ટપકી પડેલી જોઈને તેનો ગુસ્સો ઓર વધ્યો હતો. માનસા ભલે તેની સગ્ગી બહેન હોય પરંતુ તેની સાથે ક્યારેય તેને બનતું નહી. તે હંમેશા તેની ચૂગલી ડેડી સમક્ષ કરી દેતી અને પછી તેણે ઘણુબધુ ન સાંભળવાનું સાંભળવું પડતું. તે બન્ને ભાઈ-બહેન વચ્ચે ઉંદર બીલાડી જેવો સંબંધ હતો. “એન્ડ સિસ્ટર… ધીસ ઈસ નન ઓફ યોર બિઝનસ. યુ ગેટ લોસ્ટ ફ્રોમ હીયર. મારા લફડામાં તારું કોઈ કામ નથી. તું આને ઉઠાવ અને ભાગ અહીથી.“ તેણે વિક્રાંત સામે હાથ લંબાવીને ઈશારો કર્યો. “આઈ વિલ મેનેજ ઓલ થિંગસ્.”
“શું સંભાળી લઈશ મુરખ, સરખું ઉભા તો રહી શકાતું નથી અને સંભાળી લેવાની વાત કરે છે! પહેલા મને એ કહે કે તેં કર્યું છે શું? આ જીમી તારી સામે ગન તાકીને કેમ ઉભો છે? અને તેને કોણે ફટકાર્યો છે?” માનસાને ખ્યાલ આવી ગયો કે ડેની નશામાં છે. તે આગળ વધીને તેની સમક્ષ આવી ઉભી રહી. તેને એ પણ ખ્યાલ હતો કે ડેની અને જીમી વચ્ચે પહેલા કોઈ માથાકૂટ થઈ હતી અને એ કારણે જ જીમીએ નોકરી છોડી દીધી હતી.
એ દરમ્યાન વિક્રાંત એકદમ નજીક આવી ગયો હતો. ડેનીએ તેના વિશે જે કહ્યું એ તેણે બીલકુલ ગણકાર્યું નહોતું કારણ કે તે અને ડેની પાક્કા ભાઈબંધ હતા. તેઓ સાથે બેસીને ડ્રગ્સ્, દારૂ અને છોકરીઓનો નશો કરતા. તેની અને ડેની વચ્ચે ઘણીવખત ટસલ થતી પરંતુ છેલ્લે તેઓ ભેગા થઈ જતાં. અહીની હાલત જોઈને તે સમજી ગયો હતો કે ડેનીએ જરૂર કોઈ નવો પંગો લીધો છે. જો કે એમાં કોઈ નવાઈની વાત નહોતી કારણ કે ડેની રોજ કોઈને કોઈ લફડું ઉભું કરતો જ રહેતો. વિક્રાંતને એ પણ સમજાયું હતું કે જો જીમીથી ભૂલથી પણ ગનનું ટ્રિગર દબાવાય ગયું તો ડેનીની ખોપરીનું કચુંબર બનવું નક્કી હતું. તેણે ડેની સામું અર્થ-સૂચક નજરે જોયું. તેમની નજરો આપસમાં મળી અને આંખો-આંખોમાં જ વાત થઈ. તેની બે સેકન્ડ પછી… વિક્રાંત એકાએક જ રીતસરનો હવામાં ઉછળ્યો. ઘડીનાં છઠ્ઠા ભાગમાં તેના ડાબા પગની ફેંટ જીમીનાં સોલ્ડર સાથે ટકરાઇ . જીમીનાં સોલ્ડર ઉપર વિક્રાંતનાં વજનદાર બૂટની જોરદાર ઠોકર લાગી. એ ઠોકર એટલી ફોર્સથી જીમીનાં ખભે અથડાઈ હતી કે જીમીને એમ જ લાગ્યું જાણે કોઈએ વજનદાર ઘણ ઉંચકીને તેના ખભે ઠોકી દીધો છે. જોરદાર ધક્કો લાગ્યો તેને અને તેના પગ જમીન ઉપરથી ઉખડયાં. તે ગડથોલું ખાઈને નીચે પડવાની અણી ઉપર જ હતો કે તેનો હાથ જમીન ઉપર ટેકાયો. પડતાં-પડતાં તે માંડ બચ્યો હતો પરંતુ… એ સમયે જ બીજી ઠોકર તેના ઢગરા ઉપર પડી. પોતાની જાતને માંડ-માંડ સંભાળી રહેલો જીમી ધડામ કરતો ઉંધેમાથે જમીન ઉપર પથરાઈ ગયો. તે પડયો ત્યાં માટીનો ગોટ ઉડયો અને ચોપાસ ધૂળનું આછું આવરણ છવાઈ ગયું. જીમીની છાતી જમીન સાથે વેગથી ટકરાઈ હતી અને એ પછડાટનો ભયાનક થડકો લાગ્યો હતો. તે કરાહી ઉઠયો. તેની છાતીમાં દર્દનું ઘોડાપૂર ઉમટયું. એટલું ઓછું હોય એમ ઉડતી ધૂળ તેના ગળામાં પેઠી હતી જેના કારણે એકાએક જ તેને અંતરસ ઉપડી હતી. ઉંધેમાથે જ ભયંકર રીતે ખાંસતો તે પડખું ફરીને ચત્તો થયો. હજું કંઈ સમજે એ પહેલા વિક્રાંત તેની નજીક આવી પહોંચ્યો હતો. તેને જીમીનાં હાથમાં ખલાઈ રહેલી પિસ્તોલની કોઈ પરવા જ ન હોય એમ નીચે ઝૂકીને જીમીનાં બન્ને કોલર પકડયા અને કોઈ હળવુફૂલ પૂતળું ઉંચકતો હોય એટલી આસાનીથી ઉંચકીને ઉભો કર્યો. ઝપટ મારીને તેણે ગન ખેંચી લીધી અને ડેની તરફ ઉછાળી. ડેનીએ ગન ’કેચ’ કરી લીધી. જીમી સાવ લસ્ત બની ગયો હતો. તેના ખભા લબડી ગયા હતા. તેની છાતીમાં અસહ્ય ચાહકા ઉઠતા હતા અને ધૂળ ગળામાં જવાનાં કારણે તે બેતહાશા ખાંસી રહ્યો હતો. તેની આંખો આગળ તારા નાંચતા હતા. વિક્રાંત તેની કોઈ પરવા નહોતી, તે સાવ જડ આદમી હતો. તે મારવા ઉપર આવતો ત્યારે એકદમ ઝલ્લાદ બની જતો. જીમીને ઉભો કરીને એક હાથે તેનો કોલર પકડી રાખીને બીજા હાથે એક જોરદાર મુક્કો તેના મોં પર રસિદ કરી દીધો. ખળભળી ઉઠયો જીમી. મુક્કો સીધો જ તેના નાક ઉપર પડયો. તેનું નાક છૂંદાઈ ગયું અને મોઢામાં એકાએક ખારું પ્રવાહી ઉભરાયું. કદાચ તેનાં દાંત તૂટયા હતા અથવા તો જડબામાં ફ્રેકચર થયું હતું. લોહીનો એક ઘળકો મોમાંથી બહાર નીકળ્યો અને તેના ગળા સુધી રેલાયો. વિક્રાંત એટલેથી અટક્યો નહી, તેણે ફરીથી મુઠ્ઠી વાળી અને બીજો વાર કરવા હાથ ઉઠાવ્યો જ હતો કે અચાનક માનસા તેની નજીક ધસી આવી.
“સ્ટોપ ઈટ, તું એને મારી નાંખીશ બેવકૂફ.” વિક્રાંતનો ઉંચો થયેલો હાથ તેણે અધવચ્ચે જ અટકાવી દીધો. જીમીની હાલત જોઈને તે ગભરાઈ ગઈ હતી. વિક્રાંત પાગલ વ્યક્તિ હતો, જો એ ન અટક્યો તો જીમીનાં બચવાનાં કોઈ ચાન્સ નહોતા. તેણે ધક્કો મારીને વિક્રાંતને આધો ધકેલ્યો અને જીમીને સંભાળ્યો. જીમી આખો લોહી-લૂહાણ બન્યો હતો. તેની આંખો અધ્ધર ચડી ગઈ હતી અને તે બેહોશ થવાની કગારે હતો. તે સરખો ઉભો રહી શકતો નહોતો, તેના પગ થરથર કાંપતાં હતા. મોઢામાંથી એકધારું લોહી ઉભરાતું હતું. માનસાએ તેની બગલમાં હાથ નાંખી સહારો આપ્યો અને ત્યાં પડેલા એક પથ્થર ઉપર સાવધાનીથી બેસાડયો. “સાવ જંગલી છો તમે બન્ને. આવી રીતે કોઈને મરાતો હશે. આ મરી જશે તો…!” તેનો મગજ હટયો હતો. “ખબરદાર જો હવે કોઈએ હાથ ઉઠાવ્યો છે તો. વીકી, આને હોસ્પિટલ ભેગો કરવો પડશે. તું કાર લઈ આવ. ડેની, કારની ચાવી આપ અને આઘો ખસ.”
વિક્રાંત અને ડેની પાસે માનસાની વાત માનવા સિવાય કોઈ આરો નહોતો. અને તેની વાત પણ સાચી હતી. જીમીની જરૂર કરતા વધારે ધોલાઈ થઈ ચૂકી હતી. એ વધું માર સહન કરી શકે એમ નહોતો. વિક્રાંતે ડેની પાસેથી કારની ચાવી લીધી અને કાર લઈ આવ્યો.
થોડીવારમાં તેઓ સિટિ હોસ્પિટલનાં રસ્તે પડયા હતા.
(ક્રમશઃ)