Island - 5 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 5

Featured Books
Categories
Share

આઇલેન્ડ - 5

પ્રવીણ પીઠડીયા.

પ્રકરણ-૫.

સિટિ હોસ્પિટલનાં ગેટની બહાર બાઈક પાર્ક કરી અને ચાલતો જ હું અંદર ઘૂસ્યો. પાંચ માળની હોસ્પિટલ ઘણા મોટા વિસ્તારમાં પથરાયેલી હતી.  સામે જ મૂખ્ય બિલ્ડિંગમાં પ્રવેશવાનો ઓટોમેટિક ઉઘાડ-બંધ થતો કાચનો મેઈનગેટ હતો. મેઈનગેટની બાજુમાં… ડાબી તરફ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જવાનો રેમ્પ હતો જ્યારે જમણાં હાથે ઈમરજન્સી વોર્ડનો દરવાજો દેખાતો હતો. જીવણ સુથારને લઈને આવેલી એમ્બ્યૂંલન્સ એ ઈમરજન્સી વોર્ડનાં ગેટ આગળ ઉભેલી દેખાતી હતી. એ જોઈને મારા જીગરમાં ઉત્સાહ આવ્યો. ઝડપથી હું એમ્બ્યૂલન્સ ભણી ચાલ્યો. એમ્બ્યૂંલન્સની નજીક પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હું મોડો પડયો છું. એમ્બ્યૂંલન્સ ખાલી હતી એનો મતલબ કે જીવણાને અંદર લઈ જવાયો હશે. મને જીમી ઉપર દાઝ ચડી. જો તેણે સાથે આવવાનું નાટક ન કર્યું હોત તો હું સમયસર પહોંચી શક્યો હોત. પણ, ખેર… મેં આસપાસ નજર ઘુમાવી. એમ્બ્યૂંલન્સનો ડ્રાઈવર બહાર ઉભો રહી દરવાજાની અંદર ડોકું નાખી કશીક ગડમથલમાં પડયો હતો. હું તેની નજીક પહોંચ્યો.

“અરે ભાઈ… હમણાં જે પેશન્ટ આવ્યું તેને કઈ બાજું લઈ ગયા?” લગભગ સાદ પાડતાં મેં તેને પૂછયું. એ સવાલ થોડો અજૂગતો હતો કારણ કે જેને લઈને આવ્યાં હતા એ કોઈ પેશન્ટ નહોતો. ઓલરેડી તેનું મૃત્યું થઈ ચૂકયું હતું એટલે તે એક ડેડબોડીને લઈને આવ્યો હતો. ઉપરાંત… કોઈ નાનો બાળક પણ સમજી શકે એવી વાત હતી કે તેને સ્ટ્રેચરમાં નાખીને અંદર જ લઈ જવાયો હશે. પણ મને જે સૂઝયું એ પૂછી લીધું. એમ્બ્યૂંલન્સનો ડ્રાઈવર સીધો થયો અને મારી તરફ ફર્યો. તેના હાથમાં કાગળો હતા. કદાચ તે એ કાગળો જ શોધી રહ્યો હતો.

“અંદર ઓપીડીમાં લઈ ગયા છે. પણ એ બધું નકામું છે, મને લાગે છે કે એ મરી ચૂકયો છે અથવા તો કદાચ હવે ગુજરી જશે. તમે એના ઘાવ જોયાં? બાપ રે… કેટલાં ઉંડા છે. લાગે છે કોઈકે તેને ઘાસ કાપવાની કરવતથી વેતરી નાખ્યો છે.” તેના ચહેરા ઉપર આઘાતનાં ભાવ ઉભરી આવ્યાં હતા. “ઓહ સોરી, મારે તમને આવું ન કહેવું જોઈએ.” તેણે કદાચ મને જીવણાનો સંબંધી ધારી લીધો હતો પણ… એ સાંભળીને હું ચમકી ગયો હતો. અમારે ત્યાં લાંબી લાકડીનાં છેવાડે દાતરડા જેવું લાંબું, ધારદાર અણીવાળું, અર્ધ ગોળાકાર લોખંડનું ફણું બાંધીને ઘાસ કાપવામાં આવે છે જેને આ ડ્રાઈવર કરવત સમજી રહ્યો હતો. અને જો એનાથી જીવણાને મારવામાં આવ્યો હોય તો… માયગોડ… હું થથરી ગયો. એ દ્રશ્યની કલ્પના કરતાં પણ મારા રુંઆડા ખડા થઈ ગયા. હવે અહી ઉભા રહેવું નિરર્થક હતું. મેં ડ્રાઈવરને પડતો મૂકી હોસ્પિટલનાં ઓપીડી વિભાગ તરફ રીતસરની દોટ લગાવી. પેલો ઈન્સ્પેકટર અહી આવી ધમકે અથવા જીવણાને પોસ્ટમાર્ટમ રૂમમાં લઈ જવાય એ પહેલા મારે તેને જોવો હતો. એમ્બ્યૂલન્સનો ડ્રાઈવર મારા વર્તનથી ડઘાઈ ગયો હતો પરંતુ હવે મને તેની કોઈ પરવા નહોતી. હું દોડતો જ ઓપીડી વિભાગમાં દાખલ થયો અને જીવણનાં સ્ટ્રેચરને શોધવા ચારેકોર નજર ઘૂમાવી.

મને એમ હતું કે ઓપીડી વિભાગ દર્દીઓથી ભરચક હશે પરંતુ મારી ધારણા ગલત ઠરી હતી. ગણતરીનાં માત્ર બે-ચાર પેશન્ટો ત્યાં બેઠા હતા અને ત્યાં… એક ખૂણામાં મને સ્ટ્રેચર દેખાયું. આ પણ એક આશ્ચર્યજનક બાબત હતી કે જીવણાને સૌ-પ્રથમ ઓપીડી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. મોટેભાગે આવા કેસમાં સીધા જ પોસ્ટમાર્ટમ રૂમમાં જ પેશન્ટને લઈ જવામાં આવતાં હોય છે પરંતુ આ કિસ્સામાં એવું થયું નહોતું. મારું અનુમાન હતું કે કદાચ હજું જીવણાનાં મોત બાબતે કોઈ ચોક્કસ નહોતું એટલે પહેલા સંપૂર્ણ ખાતરી કરવા તેને અહી લવાયો હશે. પણ એ બાબતો અત્યારે અગત્યની નહોતી. અગત્યનો હતો જીવણાનો મૃતદેહ…અને તેના શરીરે પડેલા ઘાવ. હું ઝડપથી સ્ટ્રેચર નજીક સરક્યો. ત્યાં કોઈ હાજર નહોતું એનું આશ્ચર્ય કરવા જેટલો સમય પણ હું ગુમાવવા માંગતો નહોતો. એક ખૂણામાં, દિવાલને અઢેલીને, જાણે સાવ તરછોડી દેવામાં આવ્યો હોય એમ જીવણો સુથાર સ્ટ્રેચર ઉપર કોઈ લાવારિસ વ્યક્તિની જેમ પડયો હતો. તેના શરીર ઉપર ગરદન સૂધી સફેદ કાપડ ઓઢાડવામાં આવ્યું હતું જે અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને તેમાં ઠેકઠેકાણે અજીબ રંગનાં મિશ્રણનાં ડાઘા ઉપસી આવ્યાં હતા. એ ડાઘા તે જે નાળીમાં પડયો હતો એ ગંદકીનાં હતા અથવા તો તેના ઘાવમાંથી રિસતા લોહીનાં હતા એ કળવું મુશ્કેલ બન્યું હતું.

હું સાવધાનીથી તેની સાવ નજીક પહોંચ્યો. જોકે એવી સાવધાની વર્તવાની કોઈ જરૂર નહોતી કારણ કે જીવણ જેવા માણસો જીવે કે મરે એમાં કોઈને જાજી દિલચસ્પી હોતી નથી. એ વાત નાની ઉંમરે જ મને સમજાય ગઈ હતી. આ સંસારમાં લોકોને કોઈના જીવ કરતાં એ વ્યક્તિનાં આર્થિક સ્ટેટસમાં વધારે રસ લેતા જોયા છે મે. આ જ જીવણાની જગ્યાએ જો કોઈ વગદાર વ્યક્તિ હોત તો અત્યારે પરિસ્થિતિ કંઈક જૂદી હોત એમા કોઈ બેમત નહોતો. મે જીવણનાં ચહેરાને નિરખ્યો. તેને જોઈને કોઈને પણ ખ્યાલ આવી જાય કે તે ગુજરી ચૂક્યો છે છતાં, આ પોલીસ કેસ હતો એટલે તેની પ્રોસીજર ફોલો કરવી જરૂરી હતી. જીવણાનો ચહેરો લંબગોળ હતો. ઉંમરનાં લીધે ચહેરાની ચામડી ચીમળાઈને ગાલનાં હાડકા સાથે ચોંટી ગઈ હતી. આંખોનાં ગોખલા જરૂર કરતા વધું ઉંડા ઉતરી ગયા હતા. માથામાં ટાલ પડી ચૂકી હતી અને જે વાળ બચ્યાં હતા એ આછા અને અસ્તવ્યસ્ત હતા. મને તેની પ્રત્યે અચાનક અનુકંપા ઉપજી. વર્ષમાં ભાગ્યે જ એ’કાદ વખત દેખા દેતો માણસ આમ અચાનક મૃત અવસ્થામાં મળી આવે ત્યારે જે લાગણી ઉદભવે એવું જ કશુક મને અનુભવાતું હતું. ઘડીભર માટે હું તેના ચહેરાને એકટશે જોઈ રહ્યો. આ માણસે એવું તે શું કર્યું હશે જેના કારણે તેને આટલું ભયાનક મોત મળ્યું હશે? કોણે તેને આટલી બેરહમીથી મોતને ઘાટ ઉતાર્યો હશે? જંગલમાંથી બસ્તીમાં તે કેવી રીતે પહોંચ્યો હશે? ઘણાબધા સવાલો મારાં જહેનમાં ઉદભવ્યાં. એ સવાલોનાં જવાબ તલાશવા જ હું અહી આવ્યો હતો. હળવેક રહીને મેં તેને ઓઢાડેલું કપડું છાતી ઉપરથી હટાવ્યું અને તેના ઉઘાડા થયેલા દેહ ઉપર નજર નાંખી. “હે ભગવાન…” ભારે આઘાતથી મારી આંખો પહોળી થઈ. દિમાગમાં ઝટકો લાગ્યો. પેટમાં એકાએક અજીબ ચૂંથારો ઉપડયો અને હમણાં જ મોં વાટે બધું બહાર નિકળી આવશે એવું લાગ્યું. કેટલું ભયાવહ દ્રશ્ય હતું. કોઈએ જીવણાને તેણે પહેરેલા કોટ સહિત રીતસરનો ચીરી નાંખ્યો હતો.  તેના પેટ ઉપર, છાતીનાં ભાગે. ગળે, અસંખ્ય ઘાવ હતા. ઘાવ પણ કેવા…! જાણે અણીદાર કોઈતાનાં ઉભા ઘા મરાયા હોય અને પછી બેરહમીથી શરીરની અંદર ખૂંપેલા કોયતાને ભારે જનૂન પૂર્વક ખેંચીને માસ અને ચામડીને ઉધેડી નાંખવામાં આવ્યાં હોય એવા. હું ધ્રૂજી ગયો. આ બર્બરતા હતી. આખા શરીરે લાંબા ઉંડા ઘાવમાંથી માસનાં લોચા બહાર નિકળી આવ્યાં હતા અને લોહી રીસીને સૂકાવા આવ્યું હતું. એ દ્રશ્ય જોઈને મારી આંખો આગળ અંધારું છવાયું. એવું લાગ્યું જાણે મારું માથું ચગડોળની  માફક ગોળ-ગોળ ઘૂમી રહ્યું છે. ચક્કર ખાઈને હું બસ..  નીચે પડવાની તૈયારીમાં જ હતો કે અચાનક મારા હાથ જીવણાનાં સ્ટ્રેચર સાથે અથડાયા. એ હડબડીમાં સ્ટ્રેચરને ધક્કો લાગ્યો અને સ્ટ્રેચર તેની જગ્યાએથી હલ્યું અને પાછળની દિવાલ સાથે ટકરાયું. એ ધક્કાથી જીવણાનો દેહ સ્ટ્રેચર ઉપર હલ્યો અને તેણે પહેરેલા ફાટેલા, જર્જરિત થયેલા કોટનાં ખિસ્સામાંથી કશીક ભારે, વજનદાર ચીજ સરકીને નીચે સ્ટ્રેચરનાં થાળામાં પડી. હજું હું સંભાળું એ પહેલા તો એ ચીજ મારા હાથ સાથે ટકરાઈ હતી. એ બધું સાવ અનાયાસે બન્યું હતું. હાથ લંબાવીને એ ચીજ મેં મુઠ્ઠીમાં લીધી હતી અને સાથોસાથ સ્ટ્રેચરનો ટેકો લઈ હું સ્થિર ઉભો રહ્યો. એ ઘટના એટલી ઝડપથી બની હતી કે ત્યાં હાજર હતા એ લોકોમાંથી કોઈનું ધ્યાન આ તરફ ગયું નહોતું. મને ઉંડો આઘાત લાગ્યો હતો. આજ પહેલા ક્યારેય આવું દ્રશ્ય મેં જોયું નહોતું એટલે આઘાત લાગવો લાજમી હતો. પરંતુ શું ખરેખર એવું હતું..? નજરો સામે દેખાતું દ્રશ્ય જો સત્ય હોય તો શું પહેલીવાર હું આવું દ્રશ્ય જોઈ રહ્યો છું …? નહી..નહી.. મારાં મનમાં અચાનક કશીક ઉથલ-પાથલ મચી. આ પહેલા પણ ક્યાંક આવું ભયાનક દ્રશ્ય મેં જોયું હતું. પણ ક્યાં..? મગજ પર જોર લગાવ્યું પણ કશું યાદ આવ્યું નહી. છતાં મનનાં ઉંડાણમાં એક ઝબકારો થતો હતો. લાગતું હતું કે આ પહેલા પણ આ પ્રકારનાં ઘાવ મેં ક્યાંક જોયા છે. યસ્સ… સેમ ટુ સેમ આવું જ દ્રશ્ય મારાં જહેનમાં છપાયેલું હતું પરંતુ ચોક્કસ કંઈ યાદ આવતું નહોતું. હું ખરેખર મુંઝાઈ ગયો હતો. એક તો જીવણાનાં શરીર ઉપરનાં ભયાનક ઘાવ અને ઉપરથી અચાનક ડામાડોળ થયેલી મારી માનસિક સ્થિતી અહીની પરિસ્થિતીનું મને યોગ્ય રીતે પૃથ્થકરણ કરવા દેતી નહોતી. મારે ખૂદને સંભાળવા થોડો સમય જોઈતો હતો અને એ માટે આ માહોલમાંથી બહાર નિકળવું જરૂરી લાગતું હતું.

એ દરમ્યાન… ઓપીડી હોલમાં અચાનક ક્યાંક હલ્લો મચ્યો હોય એવો દેકારો મચ્યો અને બારણે કોઈક આવ્યું હોય એવી ચહલ-પહલ સંભળાઈ. હું સતર્ક બન્યો. આંખે અંધારા આવતા હોવા છતાં એટલું તો સમજાયું કે મારે જલદીથી રવાના થવું જોઈએ. કોઈ મને જીવણા પાસે જૂએ એ યોગ્ય નહોતું. મેં પેલી ચીજ ઝડપથી મારા ખિસ્સામાં સેરવી અને હળવેક રહીને ઓપીડીનાં બીજા દરવાજા તરફ સરકી ગયો. સાવ અણીનાં સમયે હું દરવાજા બહાર નિકળ્યો હોઈશ અને નિકળતી વખતે પાછળ ફરીને કોણ આવ્યું છે એ જોવાની લાલચ હું રોકી શક્યો નહી. પેલો ઈન્સ્પેકટર એજ સમયે ઓપીડીનાં દરવાજે દેખાયો હતો. તેની પાછળ કોઈ છોકરી રોતી કકળતી આવતી હતી અને પછી બીજા બે-ત્રણ કોન્સ્ટેબલો દાખલ થયા હતા. એકદમ યોગ્ય સમયે હું બહાર નિકળી ગયો હતો. જો સહેજ મોડો પડયો હોત તો બરાબરનો ફસાયો હોત.

@@@

વેટલેન્ડની સૂંવાળી સડકો પર ડેની એસ-૬ ને કોઈ રેસર કારની જેમ ભગાવી રહ્યો હતો. લગભગ તે એક્સિલેટર ઉપર ચઢી જ બેઠો હતો એમ કહી શકાય. તેના દિમાગમાં ડ્રગ્સનો નશો છવાયેલો હતો ઉપરાંત રિવાને મળવાની ઉતાવળ પણ હતી એટલે તે બેફામપણે કાર ચલાવી રહ્યો હતો. વેટલેન્ડનો મેઈન ચૌરાહો વટાવીને એક-૬ ને તેણે સમૃદ્ર કાંઠા તરફ ઘૂમાવી હતી. અહીથી સમૃદ્ર કિનારો બે કીમી. જેટલો દૂર હતો પરંતુ આ રસ્તો લગભગ સમૃદ્રની પેરેલલ ચાલતો હોય એટલો અફલાતૂન હતો. ડેનીએ તેનું ફેવરિટ ગીત ફૂલ વોલ્યૂમ ઉપર લગાવ્યું અને તેની ધૂન પર ડોલવા લાગ્યો. એ ખતરનાક હતું પરંતુ એની તેને કોઈ પરવાહ નહોતી. અને હોય પણ ક્યાંથી… તે આ આઈલેન્ડનાં સૌથી વધું વગદાર, સૌથી વધું શ્રીમંત, સૌથી વધું શક્તિશાળી ખાનદાનનું ફરજંદ જો હતો. એ ગુમાન હંમેશા તેના મગજમાં છવાયેલું રહેતું અને તે સાવ સ્વચ્છંદી રીતે વર્તતો. પૈસા અને પાવરનું ખતરનાક કોમ્બિનેશન ભલભલાને છકાવી દેતું હોય છે એમાં ડેની પણ બાકાત નહોતો. પરંતુ… આજે દિવસ કંઈક અલગ ઉગ્યો હતો. વેટલેન્ડમાં આજે ઘણું ન બનવાનું બની રહ્યું હતું જેમાં વધુ એક ઘટના ઉમેરાવાની હતી.

(ક્રમશઃ)