Pranay Parinay - 40 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 40

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 40

પ્રણય પરિણય ભાગ ૪૦


પૂજા સંપન્ન થયા બાદ કૃષ્ણકાંતે હેડ ઓફ ફેમીલીની જગ્યા વિવાન અને ગઝલને સોંપી અને દાદીએ ઘરની જવાબદારી ગઝલના હાથમાં આપી દીધી.


ગઝલને દાદીનો અને કૃષ્ણકાંતનો તેના તરફનો વ્યવહાર નવીન લાગતો હતો. હજુ કાલે જ તો એ આ ઘરમાં આવી હતી. અને આજે તો બધા હક્ક મળી ગયાં હતાં. નોર્મલી બધા નવી વહુને સરખી રીતે પારખી લીધા પછી ઘરનો કારભાર સોંપે પણ અહીં તો ઓલરેડી બધુ તેના હાથમાં મૂકી દેવામાં આવ્યું હતું.


'વહુ બેટા, હવે કિચનમાં જઈને થોડી પૂજા કરીને શુકન પૂરતુ કંઈક મીઠું બનાવી લે.' દાદીએ કહ્યુ.


'મીઠું એટલે કોઈ સ્વીટ.. મીઠાઈ..?!' ગઝલ બોલી.


'હાં, લાપસી કે શિરો કે એવું કંઈક તને જે ફાવે તે...' વૈભવી ફઈએ કિચન તરફ જતાં કહ્યુ.


'બાપરે! મરી ગઈ.. કિચનમાં તો મને કંઇ આવડતું નથી..' ગઝલ મનમાં બોલી. અને વૈભવી ફઈની પાછળ પાછળ કિચનમાં ગઈ. તેનો પડી ગયેલો ચહેરો જોઈને વિવાન તેની મુંઝવણ સમજી ગયો.


વૈભવી ફઈએ ગઝલના હાથે ગેસ સ્ટવની પુજા કરાવી.


'ગઝલ બેટા, હવે કંઈ પણ ગળ્યું બનાવી લે.' ફઇએ કહ્યુ.


'હું..?'


'હા બેટા.. કંઈ પણ બનાવ, ફક્ત શુકન કરવાના હોય એટલે ચા બનાવીશ તો પણ ચાલશે..' કહીને વૈભવી ફઈ ગઝલના માથે હેતથી હાથ ફેરવીને બહાર નીકળી ગયા.


'માય ગૉડ.. કેવી મુસીબત છે..! ચા કેમ બનાવવી હવે?' ગઝલ ધીમેથી બબડી..


આ બાજુ વિવાન ક્યારનો ગઝલ એકલી પડે તેની રાહ જોઈ રહ્યો હતો. કિચનમાં તે એકલી છે એ જાણીને તેને લાગ્યું કે આ જ મોકો છે. તેણે મોબાઈલમાં વાત કરતો હોય તેવું નાટક કરતાં એક બે ચક્કર કિચનની આસપાસ માર્યા.

પણ ત્યાં સુધીમાં મહારાજ કિચનમાં ઘૂસ્યા. વિવાનનો જીવ બળી ગયો.


'ભાભીજી.. તમારે કશું જોઈએ છે કે?' મહારાજ અંદર આવતા બોલ્યા.


'ચા બનનાવવી છે એના માટે કંઈ વાસણ..'


'તમે ચા બનાવવાના છો?' મહારાજે આશ્ચર્ય વ્યક્ત કર્યુ.


'હાં શુકન માટે..'


'અચ્છા..' કહીને મહારાજે તેને ચાની તપેલી આપી.


ગઝલને વિચાર આવ્યો કે મહારાજને વાતોમાં વળગાડીને તેને પુછતા પુછતા ચા બનાવી શકાય..


આ બાજુ વિવાન અંદર ઘૂસવાની વેતરણમાં હતો. તેણે એક નોકરને કહીને મહારાજને બહાર બોલાવી લીધા. મહારાજ ચા અને સાકરના ડબ્બા ગઝલને બતાવીને બહાર નીકળી ગયા. મહારાજની હેલ્પ લેવાનો ગઝલનો પ્લાન ફ્લોપ થઈ ગયો. તેનુ મોઢું ફરીથી પડી ગયું.


તેણે તપેલી ગેસ પર મૂકીને ફ્રીજમાંથી દૂધ લીધું અને મનમાં આવ્યું એટલું દૂધ તપેલીમાં નાખ્યું.


'હવે શું કરું..?' ગઝલ પોતાના ગાલ પર આંગળી મૂકીને સ્વગતઃ બબડી..


'ઓહ! ચા પત્તી..' એમ બોલીને ચા ના ડબ્બામાંથી કંઈ માપ વગર તપેલીમાં પત્તી નાખી. તેણે લગભગ અડધા ડબ્બા જેટલી પત્તી નાખી દીધી હતી!


'હવે સાકર..' તેણે સાકરનો અડધા કરતા વધારે ડબ્બો તપેલીમાં ઠલવી દીધો. પછી પાંચેક મિનિટ તપેલી સામે જોયા કરી.


'આ ચા કેમ બનતી નથી?' ગઝલ હોઠ પર આંગળીનુ ટેરવું અડાડીને બોલી.


'ગેસ કોણ ચાલુ કરશે?' પાછળથી વિવાનનો અવાજ આવ્યો. તે ચમકીને પાછળ ફરી.

વિવાન હળવેથી તેની બાજુમાં આવ્યો અને નજીક પડેલાં લાઈટર વડે ગેસ પેટાવ્યો. ફ્લેમ ફૂલ ફાસ્ટ રાખી હોવાથી ચા તરતજ ઉકળવા લાગી.


'ડન..' એક ઉભરો આવ્યો એટલે વિવાન બોલ્યો.


'અરે વાહ! કેટલી જલ્દી બની ગઈ.. ચલ જોઉં તો કેવી બની છે..' એમ કહીને ગઝલ ગઝમ ગરમ તપેલીને પકડવા ગઈ.


'મમ્મી..' ગઝલ હાથ ઝટકતા રાડ નાખીને આમતેમ ફરતી કુદી. વિવાને ફટાકથી ગેસ બંધ કર્યો.


'ગઝલઅઅ.. જોવા દે તો..' વિવાન ત્વરાથી તેની પાસે ગયો. તે બીજા હાથે આંગળી પકડીને જોર જોરથી ફૂંક મારી રહી હતી.


'જોવા દે મને..' વિવાન ચિંતિત સ્વરે બોલ્યો. ગઝલની આંખોમાં આંસુ આવી ગયા હતા.


તેણે જોયું તો જરાક જ આંગળી અડી હતી એટલે તે વધુ દાઝી નહોતી. આંગળીનુ ટેરવું થોડું લાલ થઈ ગયું હતું. સારુ થયુ તેણે આખો હાથ તપેલીને નહોતો લગાવ્યો.

વિવાને નળ નીચે તેનો હાથ રાખીને પાણી ચાલુ કર્યું.


'સારું લાગે છે?' વિવાને પૂછ્યું.


ગઝલએ હાંમાં ડોકું નમાવ્યું.


'જોઉં..' વિવાને નળ બંધ કરીને આંગળી જોઈ. આખી આંગળી લાલ લાલ થઈ ગઈ હતી.


'બહું બળતરા થાય છે?' વિવાને લાગણી નીતરતા અવાજે પૂછ્યું.


'થોડી થોડી..' ગઝલ નાક ખેંચતા બોલી. વિવાને તેની આંગળી પર હળવેથી ફૂંક મારી. ગઝલના આખા શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ. ઘણી વાર સુધી વિવાન ફૂંક મારતો રહ્યો અને ગઝલના હૃદયમાં એક ન સમજાય તેવી ઉથલપાથલ થતી રહી.


'ગઝલ બેટા.. ચા બની ગઈ કે?' વૈભવી ફઈનો અવાજ આવ્યો. ફઈ અંદર આવે તે પહેલાં ગઝલએ પોતાનો હાથ વિવાનના હાથમાંથી ખેંચી લીધો.


'વિવાન.. તું અહીં શું કરે છે?' વૈભવી ફઈ અંદર આવતા જ બોલ્યા.


અં.. એ.. ફઈ.. હું તો પાણી પીવા આવ્યો હતો. વિવાન માથુ ખંજવાળતા બોલ્યો.


'પાણી પીવા વાળો.. જા બહાર જઇને બેસ.. નહીતો તને ચા નહીં મળે.' વૈભવી ફઈએ આંખો કાઢી.


'હા, જઉં છું..' કહીને વિવાન ગઝલ તરફ એક વાર જોઈને બહાર નીકળી ગયો.


'આખી જિંદગીમાં કદી પાણીનો ગ્લાસ ભર્યો નથી અને આજે પાણી પીવા કિચનમાં આવ્યો! લુચ્ચો..' વૈભવી ફઈ ચહેરા પર તોફાની સ્માઈલ લાવી, ગઝલ સામે જોઈને બોલ્યાં.


ગઝલ શરમાઈ ગઈ. અને વૈભવી ફઈની પાછળ ચાની ટ્રે લઈને બહાર આવી. નોકરે તેના હાથમાંથી ટ્રે લઈ લીધી અને બધાને એક એક કપ આપ્યો. ગઝલ કુતુહલથી બધા સામે જોઈ રહી હતી.


વિવાન, રઘુ, ફઈ, કૃષણકાંત, દાદી બધા એક એક ઘૂંટ પીધા બાદ એકબીજા સામે જોઈ રહ્યાં. હોલમાં સન્નાટો છવાઈ ગયો.


થોડી ક્ષણો પછી દાદીએ ખામોશી તોડી.

'વહું બેટા.. આ ચા તમે બનાવી?'



'હાં બા.. કેવી બની છે ચા?' ગઝલને જાણવાની ઉત્સુકતા હતી.


'અરે! ભાભી.. પૂછવાનું રહેવા દો, તમારો વારો પડશે.' રઘુ મનમાં બોલ્યો. કેમકે ચા કોઈએ જીંદગીમાં ના પીધી હોય એટલી ખરાબ બની હતી.


દાદીએ વિવાન તરફ જોયું અને મસ્તી ભર્યું સ્મિત કર્યું પછી બોલ્યા: 'મસ્ત.. એકદમ સરસ બની છે.'


'પપ્પા..' ગઝલ હવે કૃષ્ણકાંત તરફ ફરી.


'અતિ ઉત્તમ..' કૃષ્ણકાંત થમ્સ અપનો ઈશારો કરીને બાલ્યા.


વિવાન અને રઘુ બાઘાની જેમ કૃષ્ણકાંત સામે જોઈ રહ્યાં.

વિવાન ચાનો કપ નીચે મૂકવા જતો હતો ત્યાં જ કૃષ્ણકાંત કડક અવાજે બોલ્યા: 'ચા ખુબ સરસ બની છે.. અને બધાએ પોતપોતાનો કપ પુરો કરવાનો છે.'


રઘુ અને વિવાનના ચહેરા જોવા જેવા થઈ ગયા. બીકના માર્યા બંનેએ થૂંક ગળા નીચે ઉતાર્યું.


'ભાઈ મારી ચા પણ તમે પી લો..' રઘુ વિવાનના કાનમાં બોલ્યો.


'પી જા ચુપચાપ..' વિવાન હોઠના ખૂણેથી બોલ્યો.


'ભાઈ મને ઝેરનો પ્યાલો આપી દો પણ આ ચા રહેવા દો.' રઘુએ મોઢું કટાણું કરીને હોઠ ફફડાવ્યા.


'છાનોમાનો ખતમ કરને..' વિવાને તેને કોણી મારી.


નાઈલાજે રઘુ મોઢુ બગાડીને કંઇક બડબડ કરતો ચા પીવા લાગ્યો. તેના હાવભાવ કોઈ જોઈ ના જાય એટલે તેણે નીચી મુંડી રાખી હતી.


એટલી વારમાં વિક્રમ આવ્યો.

'ગુડ મોર્નિંગ બોસ.. ગુડ મોર્નિંગ સર..' તે અંદર આવતા બોલ્યો.


'અરે વાહ! આવી ગયો તું? આવ આવ બેસ..' કૃષ્ણકાંત વિક્રમને આવેલો જોઈને બોલ્યા.


વિક્રમ રાતની રિસેપ્શન પાર્ટી માટેના કોઈ કામથી આવ્યો હતો.


'ગુડ મોર્નિંગ ભાભી..' વિક્રમનું ધ્યાન ગઝલ તરફ જતાં તે બોલ્યો.

ગઝલ તેને જવાબ આપે એ પહેલાં જ રધુ બોલ્યો: 'વિક્રમ તું ચા લેશે?'


'ના, હું બ્રેકફાસ્ટ કરીને જ આવ્યો છું.'


'અરે પાગલ, ચા ભાભીએ બનાવી છે.. એકદમ બેસ્ટ.. એક ઘૂંટ પીતા જ ડાયરેક્ટ સ્વર્ગનો આનંદ મળશે.. લે.. લે થોડી..' રઘુએ આગ્રહ કર્યો. પોતાની ચાના એટલા બધા વખાણ સાંભળીને ગઝલ ખુશ થઈ ગઈ.


'એમ? ભાભીએ બનાવી છે! તો તો જરુર લઇશ.' વિક્રમ બોલ્યો.

ગઝલએ પોતે ઉભી થઇને વિક્રમના હાથમાં એક કપ આપ્યો.


'પીને કહે કેવી બની છે એ..' રઘુએ કહ્યુ.


'હાં, કહુ એક મિનિટ..' કહીને વિક્રમે કપ મોઢે લગાવ્યો. પહેલી સીપ પીતાં જ તેનુ મોઢું બગડી ગયુ.


'વિક્રમ..' રઘુ ખંધુ હસતાં હળવેકથી બોલ્યો.

વિક્રમે કોઈ જવાબ ના આપ્યો. તેનો ચહેરો જોવા જેવો થઈ ગયો હતો.


'વિક્રમ.. કેવી લાગી ચા..?' કૃષ્ણકાંતે પુછ્યું.


'અરે! મસ્ત સર.. ઓસમ.. માઈન્ડ બ્લોઈંગ..' વિક્રમ ચહેરા પર મહા પરાણે ખોટું સ્માઈલ લાવીને બોલ્યો.

વિવાન અને રઘુ તેનો ઉતરી ગયેલો ચહેરો જોઈને પોતાના મોઢા આડો હાથ રાખીને હસી રહ્યાં હતાં.


'હાં, તો હવે બધી ચા એકી શ્વાસે પી જા.. અમે બધાએ પણ એમ જ પીધી છે.' કૃષ્ણકાંતે કહ્યુ.

વિક્રમ કતરાતી આંખે રઘુ સામે જોઈ રહ્યો.


'હાં તો વહુબેટા બોલો, તમારે શું ગિફ્ટ જોઈએ છે?' કૃષ્ણકાંતે ગઝલને પુછ્યું.


'મને શાની ગિફ્ટ!?' ગઝલએ આશ્ચર્યથી પુછ્યું.


'તમે આટલી સરસ ચા બનાવીને પીવડાવી એટલે.'


'સાચ્ચે..!?'


'હાં તો.. અમારી વહુએ આટલા પ્રેમથી ચા બનાવી એટલે તેને ગિફ્ટ તો આપવી જ જોઈએ.' દાદી બોલ્યા.


'કહો.. બેટા, શું જોઈએ છે તમારે?' કૃષ્ણકાંતે પુછ્યું.

ગઝલએ બે સેકન્ડ વિચાર્યુ.


'મારે એક મોબાઈલ જોઈએ છે અને ભાઈ ભાભીને ત્યાં જવું છે.' ગઝલને ગમે તેમ કરીને મલ્હારનો કોન્ટેક્ટ કરવો હતો. પણ તે સેલવાસના મંદિરમાં પૂજા કરવા માટે નીકળી હતી ત્યારથી તેની પાસે મોબાઈલ નહોતો અને મિહિર-કૃપા મળવા આવ્યા ત્યારે પણ ગઝલનો ફોન લાવ્યા નહોતા.


'ઠીક છે, વિવાન તમને નવો મોબાઈલ લાવી આપશે અને તમારે પિયર જવું હોય તો કાલે જજો. આજે સાંજે રિસેપ્શન છેને!' કૃષ્ણકાંતે કહ્યુ.


ગઝલ થોડી નિરાશ થઈ. એ કૃષ્ણકાંતે જોયું


'બેટા, કાલે સવારે જ વિવાન તમને પિયર મૂકી જશે બસ?'


'હમ્મ..' ગઝલએ સ્માઈલ કરીને માથું હલાવ્યું.


કૃષ્ણકાંત ઉભા થયાં અને રઘુ તરફ જોઈને 'તમે બેઉ મારી સાથે આવો.' કહીને અંદરની રૂમ તરફ ગયા. વિક્રમ અને રઘુ પણ તેની પાછળ ચાલ્યા.


દાદી પણ ઉભા થયા અને ગઝલની પાસે જઈને બોલ્યા: 'ગઝલ બેટા, હવે તું થોડો આરામ કર, વહેલી સવારની ઉઠી છે. રાત્રે પાછુ રિસેપ્શન પણ છેને!' પછી વૈભવી તરફ ફરીને કહ્યું: 'સત્યનારાયણનો પ્રસાદ બધાને આપાઈ ગયોને એ જોઈલે.'

દાદી પોતાની રૂમમાં ગયા અને વૈભવી ફઈ કિચન તરફ ગયાં.

હવે ત્યાં ગઝલ અને વિવાન જ હતા.

ગઝલએ વિવાન તરફ મોઢું મચકોડ્યું અને પોતે બનાવેલી ચાનો કપ હાથમાં લીધો.

વિવાને એ જોયું. તરતજ એના મોઢામાંથી શબ્દ નીકળ્યો: 'ડોન્ટ..'


'વ્હોટ?'


'એ ચા તું નહી પીતી..'


'શું કામ?'


'બસ એમજ.. નહીં પી..'


'હું પીવાની.. મે બનાવી છે!!'


'તે બનાવી છે એટલે જ કહું છું નહીં પીતી..'


'હું તો પીવાની મતલબ પીવાની જ..' એમ કહીને ગઝલએ ચાનો એક ઘૂંટ ભર્યો અને ફુર્રર્રરર.. કરીને એના મોઢામાંથી ચાનો ફૂવારો છૂટી ગયો. તેના મોઢાના હાવભાવ બદલી ગયાં.

'છિ..' એ બોલી.


એ જોઇને વિવાનને ખૂબ હસવું આવ્યું.

'મેં કીધું હતું કે રેવા દે..'


ચાનો ટેસ્ટ એટલો બધો ખરાબ હતો કે શું બોલવું, કેવી રીતે રિએક્ટ કરવું એજ ગઝલને સમજાતું નહોતું. તેણે તરતજ કપ નીચે મૂક્યો અને ટેબલ પરનાં ગ્લાસમાંથી થોડુ પાણી પીધું ત્યારે જઈને કંઇક ચાનો ટેસ્ટ ઓછો થયો.


'તમે બધાએ..!!!!!' કહીને ગઝલએ એક ટિશ્યૂ ઉપાડીને પોતાના હોઠ લૂછ્યા અને આશ્ચર્યથી બોલી: 'તમે બધાંએ આ ચા પીધી કેવી રીતે? અને કોઈએ કશું રિએક્ટ કેમ ના કર્યું?!!?'


વિવાન તેની નજીક આવ્યો. પોતાના બંને હાથ ગઝલનાં ખભા પર રાખ્યા અને બોલ્યો: 'એનુ કારણ એ છે પત્ની દેવી, કે આ ફેમિલીમાં બધા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. અને કોઈનુ પણ દિલ દુભાય તેવી વાત કે વર્તન કોઈ કરતું નથી. અને તું તો આ ઘરની કુળવધૂ છે, લક્ષ્મી છે… તને નારાજ કેમ કરાય?'


'અરે! તો પણ બધાએ આખો કપ પૂરો કરવાની શું જરૂર હતી? જરીક ચાખીને કપ મૂકી દેવાયને?' પોતે બનાવેલી બકવાસ ચા બધા ચુપચાપ પી ગયા એટલે ગઝલને અંદરથી ખરાબ લાગતું હતું.


'સ્વીટહાર્ટ, દાદી અને ડેડનો શબ્દ કોઈ ઉથાપતું નથી. આ ઘરમાં એ લોકો કહે તેમજ થાય છે.' કહીને વિવાને પ્રેમથી ગઝલના માથા પર હળવેકથી ટપલી મારી.


ગઝલ તેની આંખોમાં જોઈ રહી હતી. આવી નાની નાની હરકતોથી તે પણ રોમાંચિત થતી હતી.


'હવે તું આરામ કર, એટલે થોડી ફ્રેશ થઇ જશે. સાંજે ફંક્શન છે. મારી વાઈફ સૌથી સુંદર લાગવી જોઈએ. તારા માટે એક ગિફ્ટ દાદીના રૂમમાં રાખી છે. મારે ઓફિસમાં થોડું કામ છે, એ પતાવીને આવું છું.' એમ કહીને વિવાને તેના હાથ પોતાના હાથમાં લઈને હળવેથી ચૂમ્યા.

ગઝલ જાણે હિપ્નોટાઈઝ થઇ ગઇ હોય તેમ એકધારી તેના સામે જોઈ રહી.


'બાય..' કહીને વિવાને તેના ગાલ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બહાર નીકળી ગયો.


ગઝલ બે ચાર ક્ષણ એમજ ઉભી રહી પછી વિચારવા લાગી: 'અહીં બધા લોકો કેટલા સમજદાર છે! આવી ચા જો મેં ઘરે બનાવી હોત તો ભાભીએ આખુ ઘર માથે લીધુ હોત. અને બોલ્યા હોત કે સાસરે જઈને શું થશે તારું?'


'સાસરુ?' ગઝલ પોતાના વિચારો પર જ ચમકી અને તેનાથી હસી પડાયું. એ મનમાં બોલી: 'હું પણ ક્યાં આવા વિચારે ચઢી ગઈ! કાલે અહીંથી ગયા પછી કોને ખબર છે શું થશે..!' તેણે એક ઉંડો શ્વાસ લીધો અને દાદીની રૂમ તરફ ચાલી.

.

.

ક્રમશ:


**


શું રાતનું રિસેપ્શન સુખરુપ પાર પડશે?


શું ગઝલ અને મલ્હારનો કોન્ટેક્ટ થશે?


ગઝલ આ ઘરમાંથી નીકળી જશે? અગર હાં, તો નીકળ્યા બાદ શું કરશે?


**


❤ આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો ❤