બધાં લોકો આશા ભરેલી નજરે મહર્ષિ સામે જોઇને રહ્યા હતા. મહર્ષિ અંતરયામી હતાં તે બધી જ વાત જાણતાં હતાં. પવનના સુસવાટાને ચિરતા એ તેજસ્વી મહર્ષિ એ ગામલોકોની શાંતિને ભંગ કરતાં એક વાક્ય છોડ્યું હતું.
“ મનોગમતનું દર્શન થતાં હું જાણું છું કે આજથી ચાર વર્ષ પહેલાં એ કાળી રાતે બનેલા ભયંકર કૃત્યથી, આજે જન્મનાર બાળક અને તેની માતાના મોતનું કારણ બનશે." થોડા મહિના પહેલાં જ્યારે મહર્ષિ પાસે મુખી, તેમની દીકરી, તેમનો જમાઈ અને તેમના વેવાઈ મહર્ષિ ને મળવા તેમના ગામમા ગયા હતા ત્યારે મહર્ષિએ આજ વાક્ય છોડ્યું હતું. જે આજે સત્ય પડવા જઈ રહ્યું હતું. એ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું તે જાણવા માટે જ ભુરાને અર્ધી રાત્રે બાજુના ગામમાં રોકાયેલા એજ મહર્ષિએ બોલાવી લાવવાનું કહ્યું હતું. એમના આજ શબ્દો ગામના લોકોનું ખૌફનું કારણ બન્યું હતું.
જન્માષ્ટમી, જન્માષ્ટમી મટીને મોતનું તાંડવ બની ને રહી ગઈ હતી. આટલામાં એ મહર્ષિએ બળતામાં ઘી હોમ્યું, “ તે અઘોરી આત્માને રોકવી અશક્ય છે, તે અધોગતિથી મર્યો હતો. તે પોતાનો બદલો લેવા અવશ્ય આવશે.એ આત્મા બનીને આજે આપણી માથે ફરે છે. એ દુષ્ટ વ્યક્તિની આત્મા આજે મોતનો સંદેશ સાથે લઈને આવી છે." મહર્ષિના આ વાક્યો સાથે જ હવાનું રૂપ બદલાઈ ગયું. સન્નાટો વધુ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયો. એકબાજુ ઘરમાંથી પ્રસ્તુતિ પીડાથી પીડાતી માતાની ચીસો સંભળાય રહી હતી, તો બીજી બાજુ મોતના ઓછાયાએ ગામનાં પાદરે દસ્તક આપી દીધી હતી.
“ હું એ પાખંડીને ફરીથી મારી નાખીશ..! તે ગામનું કલંક હતો. તેણે કરેલા એ ખરાબ કૃત્ય બદલ તેને સજા આપવી જરૂરી હતી.હવે જો ફરીવાર એને સજા આપવાની થઈ તો હું આપીશ. મારા પ્રાણ ને ત્યાગી દઈશ પણ મારી દીકરીને કંઈ નહિ થવા દઉં. ભલેને મારા પ્રાણ જતાં રહે પણ હું એનો ખાત્મો બોલાવી ને જ રહીશ." આટલાં શબ્દોની સાથે જ મુખી ભૂતકાળમાં સરી પડ્યાં...
ચાર વર્ષ પહેલાં આજ જન્માષ્ટમીના તહેવારનો સમય હતો. ગામમાં ચારેકોર ખુશીઓનો માહોલ છવાયેલો હતો. ગામનાં નાના નાના બાળકો આજના દિવસે નવા કપડાં પહેરીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં હતાં. બધાં ગામના પાદરે આવેલા વડલાના વૃક્ષની નીચે ભેગાં થઈને અવનવી રમતો રમી રહ્યાં હતાં. તો કેટલાય બાળકો વડલાની લાંબી એવી વડવાઇઓને પોતાના માટે હીંચકો હોય એમ સમજીને આનંદથી ઝૂલી રહ્યાં હતાં.
આજે કૃષ્ણ જન્માષ્ટમી હોવાથી ગામનાં લોકો કૃષ્ણ ભગવાનને મંદિરે ભાતભાતની મીઠાઈઓ પ્રસાદના રૂપમાં ધરાવવા જઈ રહ્યા હતાં. લોકો જ્યારે મંદિરમાંથી પ્રસાદીનો ભોગ ચડાવીને પાછા પોતાના ઘરે આવતાં હોય ત્યારે વડલે ભેગાં થઈને બેઠેલાં બાળકો ને એ વધેલો પ્રસાદ વહેચી દેતાં. પ્રસાદ મળતાની સાથે જ ગામના બાળકો ખુશીથી ઝૂમી ઉઠતાં.પણ ક્યારેક બાળકોની ખુશીને ભંગ કરવા માટે મન્યો ત્યાં આવી પહોચતો. બાળકો મન્યાને જોઈને પોતાની પ્રસાદી સંતાડી દેતા,પરંતુ મન્યો એ નાના નાના બાળકો પાસેથી આખરે પ્રસાદી ઝૂંટવીને જ રહેતો. બસ આમને આમ આખો દિવસ ખુશીઓની સાથે ક્યારે પસાર થઈ ગયો તેની ય ખબર રહી નહિ. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સાંજ પડી ગઈ.
સાંજના સમયે ગામનાં મોટાભાગના લોકો પાદરે એક સભા માટે ભેગા થયા હતાં. આવે ટાણે સમયનો લાભ લઈને ગામનો એક વ્યક્તિ ચોરી ચુપીથી ધીમા દબાતા પગલે મુખીના ઘરની તરફ જતો હતો. તે વ્યક્તિનું નામ મન્યો હતું. તે મુખીની એકની એક દીકરીને પ્રેમ કરતો હતો, પરંતુ તેની નજર ખુબજ ખરાબ હતી. હંમેશા તે મુખીની અપ્સરા જેવી દીકરીને હવસની નજરે જોતો હતો.
મુખીને એક જ દીકરી હતી અને તે ખૂબ જ સુંદર હતી. સ્વર્ગની અપ્સરા જેવી લાગતી મુખીની દિકરી જ્યારે પણ ઘરની બહાર નીકળતી ત્યારે મન્યો તેને ખુબજ નિમ્ન કક્ષાની દ્રષ્ટિથી જોતો હતો. ક્યારેક તો એકલી જોઈને તેની સાથે અડપલાં પણ કરતો હતો. એક - બે વારતો એવું પણ બન્યું હતું કે ગામ લોકોએ તેને આવી હરકત કરતાં જોઈ લીધો અને સઘળી વાત મુખીને કહી દીધી. મુખીએ તેને ગામ બહાર કરી દિધો,પણ મન્યાના પિતાએ મુખીને પગે પડતાં ખાત્રી આપી હતી કે ફરી આવું કૃત્ય તેમનો દીકરો નહિ કરે. મુખી પણ એક બાપ હતો તે એક બાપની વેદનાને સારી રીતે સમજી શકતો હતો એટલે મન્યાને ગામમાં રહેવા દીધો અને ફરી આવું કૃત્ય કોઈની દિકરી સાથે નહિ કરે એવું વચન લીધું. પણ આતો મન્યો લાજ જાય પણ લખણ ના જાય.....!
એ ઘટના બાદ થોડાં દિવસો મન્યાએ સુધરવાનો ડોળ કર્યો હતો. ગામમાં લોકો એ મન્યાને સરખી રીતે ઓળખી ગયા હતાં, એટલે મન્યો ગામના ડરથી થોડાં દિવસ શાંત બની બેઠો હતો.પણ આજે તો જન્માષ્ટમીનો તહેવાર હતો એટલે ગામ લોકોને સભામાં ભેગા થયેલા જોયા. તેને મોકો મળી ગયો હતો,સમયનો ફાયદો ઉઠાવીને તે મુખીના ઘરમાં ઘૂસી ગયો.
મુખી અને અન્ય ગામલોકો સભામાં હતા.મુખીની દિકરી ઘરે એકલી હતી.ત્યારે આ હરામખોર મન્યો મુખીના ઘરે આવી ચડ્યો.
મુખીની દિકરી પોતાના પાણી નીતરતાં ભીના વાળોને સુકાવી રહી હતી.તેના પાણી નીતરતાં વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં.તેની બે ગોળમટોળ આંખો, તેનું ઝીણું ચપટું નાક, ગુલાબની પાંખડી જેવા તેના હોઠ,એકદમ અપ્સરા જેવી સુંદર દેખાતી મુખીની દીકરીને પોતાની આંખો સામે ઉભેલી જોઈને મન્યાની હેવાનિયત બહાર આવી ગઈ. તેણે મુખીની દિકરી પાસે જઈને તેનો હાથ પકડી લીધો.આમ, અચાનક મુખીની દીકરીનો હાથ મન્યાએ પકડો તેથી મુખીની દિકરી ગભરાઈ ગઈ.
એ હેવાન થી પોતાની જાતને બચાવવા માટે મુખીની દિકરી બૂમો પાડવા લાગી. એક - બે વાર મદદ માટે બૂમો પાડી ત્યાં તો મન્યાએ મુખીની દીકરીનું મોં પોતાના એક હાથથી દબાવી દીધું.તે હવે પોતાનો અવાજ બહાર નીકાળી શકતી નહોતી. મન્યો પોતાની સંપૂર્ણ હેવાનિયત બહાર નીકાળી કંઈ દુરાચાર કૃત્ય આચરે એ પહેલાં મુખી અને તેમની સાથે થોડાંક ગામ લોકો સભા પૂરી થતાં આવી પહોચ્યાં.
મન્યાની આવી હરકત જોઈને ગામલોકો ખૂબ જ ક્રોધે ભરાયા. પોતાની દીકરીની ઈજ્જત પર હાથ નાખનારા મન્યાને ને મારવા માટે મુખી લાલ આંખો કરીને દોડયા. ગામલોકોને મન્યાને પકડીને મુખીના ઘરની બહાર ઘસડતાં ઘસડતાં લઈ આવ્યાં....
વધુ આવતા અંકમાં.......
- Jignya Rajput