Megh Vatsalya in Gujarati Moral Stories by C.D.karmshiyani books and stories PDF | મેઘ વાત્સલ્ય

Featured Books
Categories
Share

મેઘ વાત્સલ્ય

*"મેઘ વાત્સલ્ય"*

.......વરસાદ પડે એટલે ગામની મુખ્ય બજાર નાં વેપારીઓ રાહ જોઈને બેઠા હોય કે હમણાં ગાંડો નીકળશે....મારી બધાને ખબર હોય કે આ વરસાદ માં પલળવા જરૂર નીકળશે.વરસાદનું અને મારું મિલન બીજા ને સરખું અકળાવે...પલળવું બધા ને હોય પણ કોઈને દુકાન સાચવવી હોય કોઈ ને સ્ટેટ્સ નડે....તો કોઈ ને ઘરે વઢ પડે....
"નથી પલળવું પછી લૂગડાં કોણ તમારી મા ધોશે?.. " પણ
"મા"
........મારી મા મને આવું કંઈ પણ નાં કહેતી.ઉલટાનું જો સવારે વરસાદ પડતો હોય તો મને જલદી જલદી ચા પીવડાવીને વરસાદ માં નાહવા માટે ઉતાવળ કરે અને કહેતી કે 'જલદી જા નહીતો વરસાદ બંધ થઈ જશે.'
ક્યારેક લાગ લગાટ બેત્રણ દિવસ વરસતો હોય અને કપડાં લગભગ વરસાદ માં પહેરવાના વપરાઈ ચૂક્યા હોય તો પણ મને ક્યારેય ટોકતી નહિ કે હવે પલળવાનું બંધ કર.મારી આ મોજ ની અદેખાઈ કરતું કોક મારી મા ને કહેતું કે "તમે આ ગાંડા ને કઈ કહેતા નથી".ઉપરથી દયા ખાતા હોય તેમ કહે" પછી માંદો પડે તો કરશે કોણ..?"
એક વખત મારી મા એ ચાલુ વરસાદે મને જોર થી બુમ પાડી ને બોલાવ્યો .એટલે શેરીમાં છત્રી લઈ ને ઉભેલા એવા જણ એ મને જોર થી બુમ પાડી ને કહ્યું કે "જા મા હાકલ કરે.....ભલે વઢે થોડાક.."..એમને મન સંતોષ એ વાત નો હતો કે મને વઢ પડશે ...હું એ ઉતાવળ થી શેરીમાં આવી ગયો ત્યાં મા એ ડેલી માથી ડોકું કાઢ્યું...ને સાડી નો છેડો માથે ઢાંક્યો છાંટા ન પડે એટલે.
અને મને જોયો .. મા બોલે એ પહેલા જ શેરીમાં ઉભેલા પલળ્યા વગરના એવા એ " કોરા" બોલ્યા
" વઢો વઢો થોડાક એને.."

અને મા વઢતા વઢતા મને બોલ્યા "હાલ હાલ ઘરમાં આદુ વાડી ચા બનાવી છે પી ને પછી જા............"
આદુ વાળી ચા માં ધુમાડા નીકળે એમ એ લોકોની છત્રીમાંથી ધુમાડા નીકળતા જોયાં મે.
અને બબડ્યા " મેઘા મા કાય કહેતા નથી આને.." (મારી મા નું નામ મેઘ બાઈ).
મને ક્યારેય પણ મારી માએ કોઈ વાત મા ટોક્યો નથી. ક્યારેક તો સવાર થી જ ચાલુ થયેલા વરસાદ માં નીકળી પડું ટેકરા અને સીમાડા માં.મોજ લેતા લેતા વરસાદી વાતાવરણ મા ખબર નાં પડે કે કેટલા વાગ્યા હશે..અરે ઘરે આવું તો ખબર પડે કે બપોર ના ત્રણ વાગી ગયા છે.
ત્યારે ભૂખ પણ લાગી હોય એટલે સીધો બાથરૂમ માં નાહવા જવું ...ત્યાતો મા નો અવાજ આવે "આ ગરમ પાણી કરી રાખ્યું છે .બે લોટા ગરમ પાણી નાં પડે તો સારું લાગે..ને શરદીએ ના થાય."
હું પૂછું મા ને કે "ક્યારે ગરમ કર્યું?
તો કે "જો આ પ્રાયમસ માં હમણાજ કર્યું."
મને નવાઈ લાગતી કે એને કેમ ખબર પડતી કે હું હમણાં જ આવીશ.આવું લગ ભગ દરેક વખતે બનતું
મા નું નામ મેઘબાઈ.મારા પર હમેંશા બારે મેઘ ખાંગા ની જેમ તેમનું વાત્સલ્ય વરસ્યું
ચોમાસુ તો ઋતુ પ્રમાણે આવે પણ મારા ઘરમાં મારા માટે મેઘ મહોત્સવ બારે માસ હતો
અને ચોમાસા માં તો ઘરમાં અને બહાર બને જગ્યાએ બારે મેઘ ખાંગા થતાં..

ગઈ 16/6/22 નાં આ મારું વાત્સલ્ય ઝરણું સુકાઈ ગયું.😢અને એવા સમયે કે જ્યારે ચોમાસુ માથે આવ્યું..આજે અઠવાડિયા થી વરસાદ વરસે છે શેરીઓમાં હજી એજ ગાંડા ની જેમ વરસાદ માં પલડું છું..પણ ઘરમાં મેઘ નથી વરસતો..બહાર તો બારે મેઘ ખાંગા છે અત્યારે પણ ઘરમાં મારા માટે કારમો દુકાળ પડ્યો છે....
છતાં એ મા છે એ જ્યાં હશે ત્યાં થી મારા માટે મેઘ વાત્સલ્ય નો ધોધ વછૂટતો જ હોય એમાં શંકા નથી.

*સી. ડી.કરમશિયાંણી*
9426143122