Andhari Raatna Ochhaya - 36 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬)

Featured Books
Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬)

ગતાંકથી...
દિવાકર કંઈ પણ બોલે કે કંઈ ખુલાસો કરે તે પહેલા તો તે તેને ઘણું દૂર ખેંચી ગઈ બહુ દૂર ગયા પછી તેણે કહ્યું : " તેઓ પોતાના મદદનીશોને શોધવા ગયા છે એ પોલીસના માણસો છે."
આ વાત સાંભળી દિવાકર ની આંખો કપાળ પર ચડી ગઈ.
તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં .આ સ્ત્રી તેને ક્યાં ખેંચી જાય છે? બદમાશો ના હાથમાંથી એક સ્ત્રીનો ઉદ્ધાર કરવા જતા પોતે પોલીસના હાથમાંથી આ કોને છોડાવી?

હવે‌ આગળ...
થોડી દૂર પોલીસની વ્હીસલ સંભળાવવા લાગી .સ્ત્રી વધારે ઝડપથી ચાલતી ચાલતી એક સાંકડા નાલામાં થઈ એક જરા પહોળા રસ્તા પર દિવાકરને લઈ ગઈ.

દિવાકરે જોયું કે એ સ્ત્રી ફક્ત સુંદર જ નથી પરંતુ બળવાન પણ એટલી જ છે. એક મકાન પાછળ બંધ ખડકી પાસે આવી સ્ત્રીએ આજુબાજુ નજર કરી હાથમાં લટકાવેલા પર્સમાંથી ચાવી કાઢી અને તાળું ખોલ્યું.
દિવાકરને કહ્યું :" અંદર આવી જાઓ ઝડપથી .હમણાં પોલીસ આવી પહોંચશે."
દિવાકર કાંપતા હૃદયે અજાણી સ્ત્રીની આજ્ઞા મુજબ એ અજાણ્યા મકાનમાં પ્રવેશ્યો.
દિવાકરના અંદર પ્રવેશતા જ તે સ્ત્રીએ ફટાફટ બારણું બંધ કરી દીધું અને બોલી : "બસ ,હવે આપણે સલામત છીએ હવે કોઈની શક્તિ નથી કે આપણને પકડી શકે."

દિવાકર એકદમ અવાક બની ઉભો રહ્યો. અંદર ઘોર અંધારું હતું. તે સ્ત્રીએ કહ્યું : "તમારા ખિસ્સામાં લાઇટર કે ટોર્ચ એવું કંઈ છે !?"
દિવાકરે જવાબ આપ્યો : " ના"
"સારુ, જરૂર નથી. તમે મારો હાથ પકડી મારી સાથે આવો."
તે સ્ત્રીએ પોતાનો જમણો હાથ લાંબો કર્યો. થોડીવારની આનાકાની પછી દિવાકરે એનો હાથ પકડ્યો. અને એ સૂચિત ભેદી અંધકારમાં આગળ ચાલવા લાગી અને દિવાકર પણ કોઈ અનુગામી ની માફક તેને અનુસરી પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ સ્ત્રી કોણ છે? તે ક્યાંથી આવી છે? પોલીસે તેના પર શા માટે હુમલો કર્યો હતો ?એ બધી વાત જાણવા માટે દિવાકર ઉતાવળો થઈ રહ્યો હતો.
ધીમે ધીમે તેઓ એક સીડી ચઢી એક માળ ઉપર ચઢ્યા. એક ઓરડાનું બારણું ખોલી તે દિવાકરને અંદર લઈ ગઈ.
અંદર લાઈટ ઝળહળતી હતી ગાઢ અંધકારમાંથી લાઈટમાં પ્રકાશમાં આવી પહોંચતા દિવાકરની આંખે લાલ પીળું દેખાવા લાગ્યું. થોડીવાર પછી તેને માલુમ પડ્યું કે તે જાણે એક કોઈ મહેલમાં આવી પહોંચ્યો છે.
જે ઓરડામાં તે આવી પહોંચ્યો હતો તે એકદમ સુશોભિત અને એ પણ આવા એરિયામાં એ તેની કલ્પનામાં પણ નહોતું. રૂમની ફર્સ પર પોચી શેત્રંજી
બીછાવેલી હતી. શેત્રંજી એટલી નરમ હતી કે તેના પગ તેમાં પેસી જતા હતા. ટેબલ ,ખુરશી ,સોફા વગેરે શાહી ઠાઠથી સજાવેલું હતું .બધું જ બ્રાન્ડેડ અને ઊંચી ક્વોલિટી ની વસ્તુઓ હતી. ટૂંકામાં કહો તો ઓ બધો જ સરંજામ મોટા કોઈ ધનવાનની હવેલી એ શોભે તેવો હતો.
ઓરડામાં આવ્યા બાદ પેલી સ્ત્રીએ દિવાકર ને કહ્યું :" તમે નક્કી ખૂબ થાકી ગયા હશો. આ સોફા પર આરામ કરો !તરસ લાગી છે ?શરબત પીશો ?બેસો, હું હમણાં જ લાવી આપું છું."
દિવાકર તો એકદમ વિહવળ બની ઓરડાની સજાવટ જ નિહાળતો હતો. એકાદ ક્ષણમાં બે ગ્લાસમાં શરબત ભરી પેલી સુંદરી ફરીથી ઓરડામાં આવી .હવે એ મધરાતની અભિસારીકાને સારી રીતે નિહાળવાની દિવાકરને તક મળી. તે તેને જોઈ દિગ્મુઢ બની ગયો. કેવું સુંદર રૂપ ,નમણાશ !કેવી સુંદર કમનીયતા ! આ ઝળહળતા સૌંદર્યમાં કોણ જાણે કેટલા માણસોએ આહુતિ આપી હશે તેની ગણતરી કોણ કરી શકે તેમ છે !

તે સુંદર સ્ત્રી દિવાકરની સમક્ષ એક નાના સોફા પર બેસી કહેવા લાગી : " આપનું નામ શું?"

દિવાકરે તરત જ જવાબ આપ્યો : "મારું નામ ઋષિકેશ."
"ઋષિકેશ કેવા!"
"ઋષિકેશ મહેતા!"
"ઋષિકેશ મહેતા ?"
સ્ત્રી શુદ્ધ ઉર્દુ માં વાતચીત કરતી હતી દિવાકર હિન્દી ઉર્દુની ખીચડી પકાવતો હતો. સોફા ઉપર સહેજ શરીર લંબાવી સ્ત્રી એ જણાવ્યું : "ઋષિકેશ મહેતા !વાહ ! નામ તો મજાનું છે. મને બરાબર યાદ રહેશે. તમે પણ શું અમારી જેમ પોલીસની વિરુદ્ધ કામ કરો છો?"

" હા... એવું જ!"
દિવાકર અત્યાર સુધીમાં જવાબ આપવા તૈયાર થઈ ચૂક્યો હતો. આ સુંદરી કોઈ બદમાશોની ટોળીમાં ભળી લાગે છે .તેમની વાતચીત દ્વારા લાગે તો છે કે એનું અનુમાનને બરાબર છે. આવા વિચારો કરતાં કરતાં તેણે વાતચીત સાવચેતીથી કરવાનો નિશ્ચય કર્યો .અને તે સાથે પોતે આ સ્ત્રીને વિશ્વાસપાત્ર બનવાનો દંભ પણ જારી રાખ્યો.
અચાનક દિવાકરે પોતાના બંને હાથ ઊંચા ઉપાડી તીવ્ર અવાજે કહ્યુ : પોલીસ ,જ્હાનમમાં ગઈ પોલીસ.એ લોકો હોય છે એવા ! એકવાર તેઓ જેની પાછળ પડે છે તેને હેરાન કરી નાખે છે .આજે જો હું એ બે બેટાઓને હંમેશા માટે મુંગા બનાવી શક્યો હોત તો મારા જીવને અપાર શાંતિ વળત.
પેલી સ્ત્રી કુતૂહલતાથી બોલી : "પરંતુ પોલીસ સાથે તમારે આટલી બધી દુશ્મનનાવટ ક્યાંથી ?"

તરત જ દિવાકરે એક લાંબીલચક વાત માંડી .એક બાળક ખોટીસોબતને લીધે નાનપણમાં જુગારી બન્યો હતો. જુગારમાંથી તે બીજા અનેક ખોટા કામો કરતાં શીખ્યો હતો. અચાનક તેના પર ચોરીનો આરોપ આવ્યો ને થોડા મહિનાની જેલ મળી. પરંતુ જેલ બહાર નીકળીને તે પોલીસનો પાકો શત્રુ બન્યો. આ જુઠ્ઠીની વાત દિવાકરે પોતાની અપૂર્વક કાર્યદક્ષતાથી પેલી સુંદરી ની સમક્ષ કહી બતાવી. આ કથા પૂરી કર્યા બાદ દાંત કચકચાવી તે બોલ્યો : " જો એકાદ ટોળી જમાવી શકું તો હું એકવાર તો એ પોલીસડાઓને બરાબર બતાવી દઉં. તેમના પર મને એટલો તો ગુસ્સો છે કે એ ગુસ્સો શાંત કરવાનો રસ્તો નહીં મળે તો હું નક્કી ગાંડો જ બની જઈશ.

તે સ્ત્રીએ શાંતિથી કહ્યું: " જો ટોળી જોઈતી હોય તો હું તમને એક ટોળી બતાવું .
દિવાકરે ઉત્કંઠાથી પૂછ્યું : " તમે બતાવશો !"
માથું હલાવી પેલી સુંદરીએ કહ્યું : અવશ્ય, પરંતુ કામ થોડું ‌ મુશ્કેલ છે. છતાં મને ખાતરી છે કે તમે તેમાં ભળી શકશો. પરંતુ જો તમે પોલીસના જાસુસ છો તો તમને..."

દિવાકર ઉતાવળે બોલ્યો : પોલીસનો જાસુસ ! શું કહો છો તમે!"
ગુસ્સાથી તેનો કંઠ રૂંધાઈ જવા લાગ્યો. તે સુંદર યુવતીએ કહ્યું : " હું તમારા પર શક કરતી નથી કેવળ તમને સાવચેત કરી રહી છું.જો કોઈ નવા માણસ એવી ટોળીમાં આવે છે તેઓને દરેકને આવી સાવચેતી માટેના શબ્દો કહેવામાં આવે છે. પણ તમે દિવાલ તરફ શું જોઈ રહ્યા છો?"
દિવાકર તે વખતે સામે દિવાલ પર એકી નજરે જોઈ રહ્યો હતો. એ સુંદરીના શબ્દો તેમના કાનમાં પ્રવેશ કરતા નહોતા. દિવાલના મધ્ય ભાગમાં એક નાનો દરવાજો હતો. એ દરવાજામાંથી અંદર કોઈ તિક્ષ્ણ નજરે જોઈ રહ્યું હતું. એ તીક્ષ્ણ નજર સામે દિવાકરની નજર મળતાં જ દરવાજામાંથી એ આંખો અદ્રશ્ય થઈ ગઈ.
એ યુવતીએ ફરીથી પ્રશ્ન પૂછ્યો : "તમે શું જોતા હતા ?"

તેના પ્રશ્નોના જવાબમાં જવાબ પોતે જ શરીર ધારણ કરી એ ઓરડામાં આવતો ન હોય તેમ એક માણસે ત્યાં પ્રવેશ કર્યો .બારણું ખોલીને એ માણસ અંદર આવી ઉભો રહ્યો. તેને આંખો પર મોટા કાળા ચશ્મા પહેરેલા હતા. તેના હાવભાવ પરથી સમજાતું હતું કે ભાઈ સાહેબ ભારે ગુસ્સે થયા છે .ન સમજાય તેવી ભાષામાં પેલી સુંદરી અને તેમની વચ્ચે બે-ચાર મિનિટ ભારે શબ્દ યુદ્ધ થયું. ભાષા સમજાતી નહોતી છતાં દિવાકરને વાતચીતનો મર્મ સમજવો એટલો મુશ્કેલ પણ ન હતો.

એ યુવતી પણ આગંતુક સાથે તીવ્ર ભાષામાં તકરારમાં ઉતરી હતી. જોકે તેનો એક પણ શબ્દ દિવાકર સમજી શક્યો નહીં. પરંતુ તે એટલું તો સમજી ગયો કે તે મારો બચાવ કરે છે અને સામા માણસને સમજાવવાનો પ્રયાસ કરે છે કે પોતે કંઈ ગેર વ્યાજબી કામ કર્યું નથી.

તે સ્ત્રીની વાતચીત સાંભળી એ માણસે અસંમતિ સૂચક નકારમાં માથું હલાવ્યું.તે સ્ત્રી ફરીથી તેને સમજાવવા લાગી .છેવટે તે દિવાકર તરફ ફરી બોલી : "તમારી સાથે મારે કઈ સ્થિતિમાં મુલાકાત થઈ તેઅને તમારું જીવનવૃતાંત આ માણસને તમે કહી સમજાવશો પ્લીઝ."

શું દિવાકર આ માણસને સમજાવવામાં સફળ થશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ.....