Visamo - 1 in Gujarati Love Stories by ADRIL books and stories PDF | વિસામો.. - 1

The Author
Featured Books
Categories
Share

વિસામો.. - 1

~~~~~~~

વિસામો.. 1

~~~~~~~

 

આજે ગામના સરપંચ અને બીજા  બે ચાર આગેવાન પુરુષો સાથે વિક્રમસિંહની બેઠક હતી ,.. 

વિક્રમસિંહને અંદાજો તો હતો જ કે પોતાના મલિક ઠાકુર ગિરિજાશંકર ની ફરિયાદ હશે,.. 

 

"દરબાર, ઠાકુર નો ત્રાસ વધી રહ્યો છે ગામમાં,.. " સરપંચે વિક્રમસિંહ સામે જોઈને કહ્યું 

 

"હવે તો બહેન દીકરી એકલી ફરી પણ શકતી નથી,.. અંધારામાં ડાકુઓના ડર કરતા વધારે એમને ઠાકુરનો ડર લાગે છે,.. "  એક બીજા વૃદ્ધે સરપંચની વાતને સમર્થન આપતા કહ્યું  

 

"હું જાણું છું સરપંચ, .. વિશ્વાસ રાખો બા જરૂર કોઈ રસ્તો કાઢશે,... ઠાકુરની વાત મેં ગોરલબાને કાને નાખી દીધી છે,.. " વિક્રમસિંહે સાંત્વન આપ્યું 

 

"દરબાર,.. એક  સ્ત્રી જાત,..  શું કરી શકશે એ ઠાકુર સામે,.. ?  ગામ આખું જાણે છે કે હવેલીમાં બાની હાજરી ની પણ અવગણના થવા લાગી છે હવે તો,.. ઠાકૂર રોજ નવી નવી સ્ત્રીઓને શહેરથી બોલાવે છે,.. હવેલીમાં બાની સામે બધું થઇ રહ્યું છે, ગોરલબાને રસ્તો કાઢવો જ હોત તો અત્યાર સુધી કેમ ના કાઢ્યો,.. જે સ્ત્રીનું પોતાનું જ ઘર સળગ્યું છે એ ગામ શું ઠરવાના ?,..  " - બેઠકમાંથી એક ઉભો થઈને વિક્રમસિંહને કહી રહ્યો હતો 

 

બીજા એક માણસે વિક્રમસિંહને કહ્યું  "દરબાર વિક્રમસિંહ, .... કાલે રાત્રે ઠાકુરે રાગિણીના નગ્ન ફોટા લીધા છે, વિદેશી કૅમેરાથી, હવે તો ઠાકુર આટલી હદ ઉપર ઉતરી ગયા છે,.. જો રાગીણીના ભાઈને ખબર પડી તો શું થઇ શકે એ જાણો છો તમે,..  ડાકુ છે એ એક નંબરનો,.. "

 

 

"બહારથી આવતી નટીઓ સાથે એમણે જે ખેલ રચવા હોય તે હવેલીમાં રચે,.. પણ જો ગામની બેન-દીકરીઓ ઉપર નજર નાખશે તો યાદ રાખજો વિક્રમસિંહ દરબાર કે અમે પણ દરબાર જ છીએ,..  ગોરલબાને વિધવા કરી નાખતા જરાયે નહિ અચકાઈએ,... " ત્રીજા એક માણસે વિક્રમસિંહને કહ્યું 

 

"હું ચોક્કસ કશુંક કરીશ,... ગામની આબરૂની સલામતી ની ખાતરી આપું છું,.. ઠાકુર ઉપર નહિ પણ મારી ઉપર ભરોસો કરો સરપંચ,.. હું રસ્તો કાઢું છું,... " વિક્રમ સિંહે હાથ જોડતા કહ્યું,.. 

 

"રામ રામ,.. " સરપંચે હાથ જોડ્યા અને બેઠક વિખરાઈ ગઈ,...  

 

~~~~~~~

 

સરપંચને મળીને સીધા હવેલીએ પહોંચેલા વિક્રમસિંહની આંખો ગોરલબાને જોઈને નમ થઇ ગઈ,.. 

 

ઠાકુરને શરાબના નશામાં ચૂર અને ગોરલબાને વિખરાયેલા વાળ સાથે અને અસ્તવ્યસ્ત કપડાં સાથે જોઈને વિક્રમસિંહના હાથ પોતાની કમરે બાંધેલી કટાર ઉપર પહોંચી ગયા,.. ગોરલબાની આંખો વિક્રમસિંહના કાળજાની આરપાર ઉતરી ગઈ,.. ગામની ફરિયાદ ના લીધે વિક્રમસિંહનું માથું આમ પણ ભમી ગયું હતું,.. અને ઉપરથી આ નજારો,..  એનું લોહી ઉકળી  ઉઠ્યું,... 

 

"અરે દરબાર,.. આવો આવો,.. " નશાની હાલતમાં ઠાકુરે કહ્યું "અત્યારે અહીં ?" 

 

"કાલે શહેર જવું પડશે, બાના સમાન માટે,.. બાને પૂછવા માટે આવ્યો હતો બાપૂ,.. કે એ કેટલા વાગે નીકળી શકશે,.."

 

"આહ,.. હા, હા,.. જઈ આવો કાલે,.. સારું છે, મહેમાન કાલે પણ હવેલીમાં રોકાઈ જશે,.. ," બોલીને ઠાકુર ખુંધુ હસ્યો 

 

ગોરલબા અને વિક્રમસિંહ ની નજર મળી,..  

વિક્રમસિંહે ગોરલબા ઉપર માથાથી પગ સુધી એક નજર નાખી,..

ગોરલબાની હાલત જોઈને વિક્રમસિંહને પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો,..

એણે તરત જ નીચું જોઈ લીધું ,.. 

 

"બા, આ જીપ ની ચાવી,.. " વિક્રમસિંહે ચાવી ટૅબલ ઉપર મૂકી,.. 

 

 

એક સ્ત્રી અર્ધનગ્ન અવસ્થામાં દીવાનખાના માં આવી 

વિક્રમસિંહ ઊંધો ફરી, બન્ને હાથ પીઠ પાછળ બાંધી ને પૂછવા લાગ્યો 

"બા, કેટલા વાગે લેવા આવું સવારે ?" 

 

"દસ,.." ગોરલબાએ કહ્યું અને એ વિક્રમસિંહ પાછું વળ્યાં સિવાય જ ત્યાંથી નીકળી ગયો 

 

ઘણું બધું ગોરલબાને કહેવા માટે આવેલા વીકમસિંહે ગામની બધી જ ફરિયાદો આવતી કાલે શહેર જતા રસ્તામાં ગોરલબાને જણાવવાનું વિચાર્યું 

 

~~~~~~~~~

 

શહેરના મૂખ્ય રસ્તા ઉપર ગાડી પહોંચી 

 

"વિક્રમ,.. શું વાત હતી કાલે,.. ?" - ગોરલબાએ વાત શરૂ કરી,.. 

 

"બા, ગંભીર વાત છે,.. સમજાતું નથી કેમનું કહું  .. " 

 

" બોલો વિક્મ, ... " ગોરલબાએ આગ્રહ કર્યો 

 

"જે બોલતા પણ મને આટલી લાજ આવે છે એ કરતા બાપૂને જરાયે શરમ નડતી નથી બા,.. " 

 

"શું વાત છે વિક્રમ,.. સાફ કહો,..."  

 

"બાપૂ માટે સરપંચે ફરિયાદ કરી છે કે એમણે રાગિણીના નગ્ન ફોટા લીધા છે,.. એની જાણ બહાર,.. હજી સુધી એના ભાઈને ખબર નથી,.. પણ,.. " 

 

ગોરલબાએ હાથ ઉપર ઉઠાવી ચૂપ થઇ જવા ઈશારો કર્યો 

વિક્રમસિંહ ના ગિયર ઉપર રહેલા હાથને જોરથી દબાવતા ગોરલબાએ કહ્યું 

"હવે બસ, વિક્રમ,.. ખતમ કરવું પડશે આ બધું,.. "

 

"બા, કાલે પણ બાપૂએ,... ?"

 

સવાલ પૂરો થાય એ પહેલા જ ગોરલબાએ હકારમાં માથું હલાવ્યું અને વિક્રમસિંહે જીપને જોરથી બ્રેક મારી,.. 

 

એ સમસમી ગયો હોવા છતાં ગોરલબા સામે જોઈને લાચારીભર્યા અવાજમાં એણે કહ્યું 

"હવે ના રોકશો મને બા,.. કેટલા વર્ષો સુધી તમે આમ જીવશો ? પૃથ્વી પણ હવે પંદર નો થશે,.. કાલે એ પણ બધું સમજશે,.. લોહી ની નદીઓ ઘરમાં જ રેડાશે,... " 

 

"તું સાચું જ કહે છે વિક્રમ,.. અત્યાર સુધી વિચારતી હતી કે પૃથ્વીને મોટો થવા દઉં,.. પણ લાગે છે કે હવે બાપૂ ને રોકવા જરૂરી થઈ ગયા છે,.. "  

 

વિક્રમસિંહ ના શ્વાસ જોર જોરથી ચાલવા લાગ્યા,.. ગુસ્સો ઉતારવાનું કોઈ યોગ્ય સ્થાન એને મળતું નહોતું.

 

"વીક્રમ, તપશો નહિ તમે,.. કરીએ છીએ કશુંક,.. " 

 

"ક્યારે બા,.. ક્યારે,.. ? હું નથી જોઈ શકતો તમને આ હાલત માં,.. આ માણસ રોજ તમારી  આ હાલત કરે છે અને તમે મને આજ સુધી રોકતા આવ્યા છો,.. તમારી હાલત જોઈને હદ બહાર ક્રોધ આવે છે  અને તમને માન આપી જાતને રોકુ તો મારી મર્દાનગી ઉપર મને શક થવા લાગે છે,.."

 

"વિક્રમ, કશું જ છૂપું નથી તમારાથી,.. તમે સત્ય જાણો છો,.. ગંભીર વાત છે તમે જાણો છો,.. આબરૂ સચવાઈ રહે એના માટે આપણે બન્નેએ આજ સુધી મહેનત કરી છે,.. ઠાકુરના કર્મોનું ફળ મારા પૃથ્વીએ ના ભોગવવું પડે,.. એ જ કારણસર રોકુ છું તમને,.. નહીંતર હું પોતે પણ એટલી નબળી નથી,..    "

 

 

"પૃથ્વીને કાંઈ નહિ થવા દઉં બા, ભરોસો નથી મારા ઉપર ? કુંવર મારા માટે સર્વસ્વ છે તમે જાણો છો,.." 

 

"હા, જરાયે શંકા નથી એ વાતમાં મને,.. પણ વર્ષોની તપસ્યા ઉપર પાણી ના ફરી વળે એ ધ્યાન રહે,.."

 

"જેવી ઈચ્છા બા, પણ એક વાત કહી દઉં,... હવે પછીનો કોઈ પણ અન્યાય તમારી સાથે થશે તો હું તમારી પરવાનગી માટે રાહ નહિ જોઉં,... "  ફૂલ સ્પીડ સાથે વિક્રમે ગાડી  મારી મૂકી .... 

 

~~~~~~~~~~