Kasak - 25 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 25

Featured Books
Categories
Share

કસક - 25

પાર્ટી પતી ગયા બાદ આરોહી બધાની દીધેલી ગિફ્ટ ખોલી રહી હતી અને એક પછી એક જોઈ રહી હતી.આરતી બહેન સમાન પેક કરી રહ્યા હતા ને બધી વસ્તુ છેલ્લી વાર ચેક કરી રહ્યા હતા કાલે તેઓ દિલ્હી જઈ રહ્યા હતા તેમના ભાઈ ના ઘરે અને ત્યારબાદ ચાર દિવસ પછી ત્યાંથી અમેરિકા.

આરોહીએ કવનની ગિફ્ટ ખોલી, જેમાં તેને ગમતી બુક “કસપ” હતી. તેણે તે બુક વાંચેલી હતી.તે કવનની ગિફ્ટથી ખુશ થઈ ગઈ. તે વિચારતી હતી કે કવનને યાદ છે કે મને આ બુક ખુબ ગમે છે. તે બુકનું પેજ ફેરવવા જતી હતી.ત્યાં જ અંદરથી તેની મમ્મી એ તેને બોલાવી.


"બે જ મિનિટ માં આવી.." તેમ જોરથી બૂમ મારીને તેની મમ્મી ને કહ્યું

તેણે આ બુકને પણ જયાં બધી બુક રાખતી હતી ત્યાં મૂકી દીધી. પછી કંઈક કામમાં વ્યસ્ત થઈ ગઈ.તે બુક હવે કદાચ ત્યાંજ રહી ગઈ.તે બુકની અંદર નું કાગડીયું જેમાં કવને કઈંક લખ્યું હતું તે પણ હમેશાં માટે ત્યાં જ રહી ગયું.તેમાં શું લખ્યું હતું તે માત્ર કવનને જ ખબર હતી. બધી બુક ની સાથે એક નવી બુક તેના કબાટ માં ઉમેરાઈ ગઈ.તેનાંથી ના તો તે બાકી રહેલી બુકને ફરક પડ્યો ના તો તે નવી આવેલી મનોહર જોશી ની બુક ને ફરક પડ્યો. પણ કદાચ જો આરોહી એ તે બુકના પાનાં વધુ ફેરવ્યા હોત તો અંદરથી તે કવને લખેલું કાગળિયું નીકળી જાત અને બની શકતું હતું કે તે બંને ના જીવનમાં ઘણો બધો ફરક પડી જાત.તેમાં કંઈ વાંક આરોહી નો નહોતો. એવી તો કેટલીક ભૂલો કવને પણ કરી હતી.તો જો આરોહીનો આ બાબત માં વાંક કહેવાય તો એક જોતા કવન પણ ગુનેગાર જ કહેવાય.

ઘણી વાર માણસ ભૂલો નથી કરતો પણ સંજોગ તેને ભૂલ કરાવે છે.

બીજા દિવસે તો તે દિલ્હી ચાલી જવાની હતી.


કવન તે હાઇવે જેવા દેખાતા રોડ ઉપરથી પાછો ફરી રહ્યો હતો કોઈ બસ કે ટ્રેન પકડવા માટે. તે જતો હતો ત્યારે એક જગ્યાએ તે રોડની બાજુમાં બે ટ્રક વાળા ભાઈ ટ્રક ઉભી રાખીને જમવાનું બનાવતા હતા.તે આખા રસ્તામાં વાહનો શિવાય તે એકલો ચાલી રહ્યો હતો.તે રસ્તો પણ ભૂલી ગયો હતો અને સવારથી ચાલીને થાકી ગયો હતો.તેણે તે ટ્રક વાળા ભાઈને જમવાનું બનાવતા જોઈને ના પૂછવું હતું તોય પૂછવું પડ્યું.

તેણે હિન્દી માં કહ્યું.

" યહાં સે સ્ટેશન કિતના દૂર હે?”

તે સવારથી થયેલા અનુભવ પછી જાણતો હતો કે અહીંયા કોઈ ગુજરાતી નહીં સમજે..

"કોન સા સ્ટેશન બસ સ્ટેશન,રેલવે સ્ટેશન યા પોલીસ સ્ટેશન…?"

તે ભાઈ ચોખવટ કરતો હોય તેમ પૂછ્યું.તે હિન્દીમાં જ વાત કરી રહ્યો હતો.

"પોલીસ સ્ટેશન કે અલાવા કે દો સ્ટેશન…"

"વો દોનો તો યહાં સે દૂર હે."

તેની ભાષાથી તે યુ.પી,બિહાર નો ભાઈ લાગતો હતો કારણકે તેની હિન્દી માં તેના પ્રદેશની ઝલક દેખાતી હતી.

ખરેખર માણસ ને ઓળખવા માટે તેને ક્યાં ના છો તેમ પૂછવાની જરૂર જ નથી, ખાલી તેટલુંજ કહી દો કે ભાઈ સાહેબ તમે મને ખાલી બે શબ્દો બોલી ને સંભળાવી દો.

તે ભાઈ એ તેની ભાષામાં પૂછ્યું.

"કહા જાના હે."

કવન પાસે ફરી તે જ સવાલ નો કોઈ જવાબ ના હતો.તેણે મજાક માં જ કહી દીધું “જહા તુમ લે જાઓ”.

"હમ તો બનારસ જા રહે હે"

"તો વ્હા લે જાઓ ."

ટ્રક વાળા ને અત્યંત આશ્ચર્ય થયું એ તે કેવો માણસ છે જે અમારી સાથે આવા માંગે છે.તે કોઈ ચોર તો નહિ હોય ને કે કોઈ ક્રિમિનલ કોઈ અપરાધ કરીને ભાગી ગયો હોય પણ તેના કપડાં જોઈને લાગતું નથી.ટ્રક વાળા ભાઈ મન માં વિચારતા હતા.

તેણે છેલ્લે પુછીજ લીધું.

"આપ કયાં કામ કરતે હો?"

કવને કહ્યું "મે ડોકટર હું ."

ટ્રક વાળા ને મનમાં સવાલો વધતા જતા હતા.

"તો આપ યહાં કેસે આયે?"

"એક લંબી કહાની હે આપ મુજે સાથ મે લેલો તો મે આપકો રસ્તે મે સૂનાતા હું. મે આપકો ભાડા ભી દૂંગા"


ભાડું આપવાની વાત કરતા તે ટ્રક વાળા માણસે થોડો વિચાર કર્યો.

"આપ કોઈ ગલત સલત કામ કારકે ભાગ તો નહીં રહે ના?"

ટ્રક વાળા એ પોતાની શંકા દૂર કરવા માટે એક છેલ્લો પ્રશ્ન પૂછી લીધો.

"નહીં મે સચ મે ડૉક્ટર હી હું મે કોઈ ચોર નહીં હું"

કવને હસીને કીધું.

"ઠીક હે દો હજાર હોગા ભાડે કા"

કવને તરતજ હા કરી દીધી.

"તો ઠીક હે ખાના ખાકે નીકલેંગે. આપ ખાના ખાલો હમારે સાથ"

કવન તેમના પૂછવાની જ રાહ જોઈ રહ્યો હતો.તેને ભૂખ પણ કકડી ને લાગી હતી.તે કોઈ સંકોચ વગર જમવા બેસી ગયો.

જમ્યા બાદ થોડીકવાર રહી આરામ કરીને નીકળવાનું હતું. જેથી ટ્રક ચલાવનાર માણસ રાત્રે ટ્રક ચલાવી શકે.ટ્રક ચલાવનાર બે માણસો હતા.એક બહુ ઝાડો હતો જે કદાચ આ ટ્રક ચલાવનાર હશે તેનું મોં થોડું કાળું પણ તે એકદમ રમુજી માણસ હોય તેમ તેના ચહેરા પરથી લાગતું.તેની ઉંમર કદાચ ૪૦ એક વર્ષ હશે. જ્યારે બીજો માણસ પાતળો અને ૩૦ એક વર્ષની ઉંમર નો હોય તેમ લાગતું હતું,તેની ભાષા ઉપરથી નહોતું લાગતું કે તે યુપી બાજુનો માણસ છે.

આરામ કર્યા બાદ ત્રણે લોકો ટ્રકમાં બેસી ગયા.કવને પૂછ્યું હતું કે આપણે બનારસ ક્યારે પહોંચીશું તો જે ટ્રક ચલાવનાર ભાઈ હતો તેણે કહેલું કે કાલ રાત અથવા પરમ દિવસ સવાર સુધીમાં તો પહોંચી જશું.કવન તે ટ્રક માં પાછળ બેઠો હતો.તે ઈચ્છત તો આગળ બેસી શકતો હતો પણ ટ્રક ચાલક ભાઈ એ કીધું કે એક કામ કરો કે આપ આરામ કરી લો ત્યાં સુધી આ ભાઈ મારી સાથે બેસે છે તે થાકી જાય એટલે તમે આવી જજો.કવન તે પાછળની બાજુ એકલો કેટલાક ઘઉં ના કોથળા પર આરામ કરી રહ્યો હતો.

આજ ના વ્યસ્ત દિવસ માં તેને આરોહીની યાદ નહોતી આવી, પણ હવે બહુજ આવી રહી હતી.તે વિચારતો હતો કે કદાચ આરોહી ને તે ગિફ્ટ આજે વિશ્વાસે આપી દીધી હશે.આરોહીએ મને ફોન કરવાની કોશિષ પણ કરી હશે. મમ્મી પણ ચિંતા કરતી હશે તેને પણ મેં આજે ફોન નથી કર્યો તે પણ એકલી હશે.હું હમણાંજ ટ્રક ચલાવનાર પાસેથી ફોન લઈને મમ્મી ને ફોન કરી દઈશ.તેની ચિંતા થોડીક ઓછી થઈ જશે. બીજી તરફ તે વિશ્વાસ વિશે વિચારી રહ્યો હતો. તેણે આરોહી ને સાચું કહી દીધું હશે તો. વિચારવામાં તો તેવું પણ થઈ શકે છે કે જ્યારે હું ઘરે પાછો જઈશ ત્યારે આરોહી ત્યાંજ હશે.તેવું બને તો કદાચ વિશ્વાસે તેને બધું કહી દીધું હશે,તેણે કદાચ મેં આપેલી ગિફ્ટ પહોંચાડી દીધી હશે પણ જ્યાં સુધી હું માનું તે મારો મિત્ર છે.મેં તેને કહેવાની ના પાડી હતી.તેથી તે તેવું ક્યારેય નહીં કરે.તે આરોહીને મારા વિશે કશુંજ નહીં કહે,હું શું કરવા બહાર આવી ગયો છું તે પણ નહીં.

તે મારા ઘરે આવી ગઈ હશે તો.મારી ભોળી મમ્મી તેને બધું કહી દેશે કે હું અચાનક જ બહાર ગયો છું અડધી વસ્તુ તો તે જાતેજ સમજી લેશે. તે આમ પણ હોશિયાર છે.આ બધા કવનના મનમાં વિચારો ચાલી રહ્યા હતા.તેને તે ઘઉંની બોરી પર થાક ના કારણે ઊંઘ આવી ગઈ.તે સીધો સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઉઠ્યો.જ્યારે ટ્રક ચાલકે ટ્રક ને ઘુમાવીને એક ઢાબા પાસે ઉભી રાખી.તે બોરી પરથી નીચે પડી ગયો.તેની ઊંઘ ઉડી ગઈ.તે નાનકડી બારી પાસેથી જોઈ રહ્યો હતો કે ટ્રક ઉભી રાખવાની છે.

ત્રણે જણ ચા પીવા માટે ઉભા રહ્યા હતા.ટ્રક ઉભી રાખીને તે રમુજી લાગતો માણસ સીધો બાથરૂમ તરફ દોડી ગયો.કવને તે રમુજી માણસ પાસેથી ફોન લઈને તેની મમ્મી ને કર્યો.

"હેલો મમ્મી હું કવન બોલું છું.હું અત્યારે રાજસ્થાન છું. તું કેમ છે?"

"હું ઠીક છું, તું કેમ છે?"

"હું પણ મજા માં જ છું.બનારસ જઈ રહ્યો છું.તો હવે તને કાલ રાત્રે જ ફોન કરીશ."

"ઠીક છે."

"મમ્મી ઘરે વિશ્વાસ કે આરોહી આવ્યા હતા?"

"ના બેટા ઘરે તો કોઈ નથી આવ્યું."

"ઠીક છે તે કોઈ આવે તો કહેજે કે હું એક સેમિનારમાં મુંબઇ ગયો છું."

કવને આવું કેમ કીધું તે તેની મમ્મી વિચારી રહી હતી પણ એક જોતા તે ઊંઘ માંથી ઉઠી હતી તેથી તેણે તે વિચાર કાઢી નાખ્યો.

"અને હા, આ નંબર પર ફોન ના કરતી આ કોઈ બીજા નો નંબર છે."

"ઠીક છે બેટા તારું ધ્યાન રાખજે અને કાલ યાદ કરીને ફોન કરજે.."

કવન ની મમ્મી એ ફોન મુક્યો અને કવને અને તેની મમ્મીએ પણ રાહતનો શ્વાસ લીધો.

કવનની મમ્મી ઈચ્છતી હતી કે કવન સલામત રહે અને કવન ઈચ્છતો હતો કે આરોહી ઘરે ના આવે.

ક્રમશ

આ વાર્તા ને પ્રેમ આપવા બદલ આભાર....આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો... તથા વાર્તાને વધુ લોકો સાથે શેર કરશો.માતૃભારતી,ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માં સ્ટોરી કે પોસ્ટ સ્વરૂપે મુકશો....આગળની વાર્તા માટે જોડાઈ રહો અને ફોલ્લોવ કરો...