Street No.69 - 86 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-86

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-86

સાવી શાસ્ત્રીજીની સામે ઉભી છે. નાનકીને સુરક્ષા કવચ મળી ગયું એટલે નિશ્ચિંત થઇ ગઇ હતી ત્યાં શાસ્ત્રીજીએ એની સાચી હકીક્ત એનુ ચરિત્ર કહી દીધું.  બોલ્યાં “જેનું શરીર ધારણ કરીને ફરે છે પહેલાં એનું ઋણ ઉતારી નાંખ તો તને તારાં કામમાં તથા તારી અઘોરવિદ્યા ફરીથી સચેત અને જાગ્રત થશે.”

       સાવી હાથ જોડીને બોલી “હું તમને આજ કહેવાં જતી હતી મને ખબર નહોતી કે આપ.. અઘોરવિદ્યાનાં આટલાં જાણકાર.. માફ કરજો મેં આપને ઓછા આંક્યાં મને હતું આપ પૂજાવિધીજ કરાવો છો. આપની વાત સાચી છે જેનું શરીર ધારણ કર્યુ છે એનો જીવ પણ ભટકતો છે મને એણે...” નાનકીની હાજરી યાદ આવતાં આગળ બોલતાં અટકી ગઇ.

       નાનકીએ કહ્યું “સાવી દીદી લો” આ પ્રસાદ એણે મહારાજે આપેલાં સાંકરીયા સાવીને આપ્યા. નાનકીએ નિર્દોષભાવે આપેલો પ્રસાદ મોઢામાં મૂકે છે અને એનામાં કંઇક અગોચર ભ્રાંતિ થાય છે.

       સાવીએ કહ્યું “શાસ્ત્રીજી મારાં માં પાપા ક્યાં છે ? તેઓ અંદર દર્શન કરવા ગયાં છે ?” શાસ્ત્રીજીએ કહ્યું “ના તેઓ મારી દક્ષિણા ચૂકવી રહ્યાં છે હમણાં અહીં આવશે.”

       સાવી સમજીને ચૂપ રહી. શાસ્ત્રીજીએ કહ્યું “તું તારાં માતાપિતા પાસે હોઇશ કે નહીં નથી ખબર પણ આ નાનકી બહેન અહીં નિયમિત દર્શન આવે મેં એવું તારાં માં બાપને કીધુ છે. તારે હજી ઘણાં કામ ઉકેલવાનાં છે. પ્રથમ તો આ શરીર છે ને એ વાસંતિનાં ઋણ ઉતારી એનાં સગાવ્હાલાં એની માલિકણ બધાં શોધી રહ્યાં છે એનો જીવ પણ પીડાઇ રહ્યો છે એનો ઉપાય કરજો. “

       સાવી આશ્ચર્યથી બધુ સાંભળી રહી હતી એણે કહ્યું “આપ તો બધું.”. સાવી આગળ બોલે પહેલાં કહ્યું “હાં હું બધુ જાણુ છું. અઘોરવિદ્યા તંત્ર મંત્ર બધુ જ્ઞાન છે પણ હું સેવામાં રત રહુ છું.”

       ત્યાં સાવીનાં માં બાપ આવી ગયાં. આવીને એમણે શાસ્ત્રીજીને નમન કર્યા. શાસ્ત્રીજીએ કહ્યું “તમારી દક્ષિણા મને મળી ગઇ”. એમ કહીને હસ્યાં. સાવીએ કહ્યું “ભગવન મને ખબર છે આપે દક્ષિણામાં નગદ રૂપિયા ના લીધાં ગૌશાળામાં સેવામાં મોકલ્યાં. એનુ પાછળનું સાચું કારણ કહેશો.?.”

       શાસ્ત્રીજીએ કહ્યું “માં પાસે પૈસાની ક્યાં ખોટ છે ના અમને એની લાલચ છે અમારું બધીજ રીતે પુરુ માં કરે છે. તમારાં કુટુંબમાં જે દોષ હતો એ ગામની સેવા કરીને નિવારણ થાય એવો હતો એથીજ એમને સેવામાં મોકલી દોષ નિવારણ થયું મને મારી દક્ષિણા મળી ગઇ.”

       સાવીએ હાથ જોડીને કહ્યું “ભગવન આપનાં જેવા શાસ્ત્રીજી, અઘોરીજી ક્યાં મળે છે ? આપની સાચી સલાહ દોરવણી અમારું કલ્યાણ કરે છે. ભગવન મારી એક પ્રાર્થના છે...” એમ કહીને એણે એનાં મા-પાપા સામે જોયું.

       નવલકિશોર સમજી ગયાં હોય એમ નાનકીને લઇને દૂર તરફ ગયાં.. સાવીએ કહ્યું “ભગવન મારાં ગુરુ હતાં એમની પાસે આજ ગંગાકિનારે હું અઘોર વિદ્યા શીખી.. પણ કાળી શક્તિઓ અને એમની ભૂલને કારણે નિર્વાણ થયાં એમનો પ્રેતયોનીમાં પ્રવેશ થયેલો એમાંથી પણ મુક્તિ મળી.”

       “હું પણ કાળનો કોળીયો બની મુત્યુ પામી પણ મારી જીજીવિષા - વાસના - નાનકી સાથેનું જોડાણ મારી ગતિ ના થઇ પ્રેતયોનીમાં છું પણ મારી અઘોર શક્તિ મને મદદ કરી રહી છે હું બીજાનાં શરીર ધારણ કરી શકું છું રૂપ લઇ શકું છું પણ આમ ક્યાં સુધી શરીર બદલ્યાં કરીશ ?”

       “આપ મને…. હું સાવ નિરાધાર છું ગુરુની છાયા ગુમાવી બેઠી છું આપ મને આપનાં શરણમાં લઇને બોધ આપો મારી ગતિ થાય પહેલાં બધાં કામ પુરા કરી લઊં... મને મારો પ્રેમ.....”

       શાસ્ત્રીજીએ કહ્યું “મને બધીજ ખબર છે. તારાં મંદિરમાં પગરણ થયાં તે માંની સ્તુતિ મંદિરમાં ગાઇ ત્યારથી મને તારો તાગ મળી ગયો હતો. તારાં વિશે બધુજ હું જાણી ચૂક્યો હતો. તારાં ગુરુ ગતિ કરી ગયાં એ પણ ખબર છે. અમારાં સહુનાં ગુરુ માં કામાક્ષીનાં શરણમાં છે એમનો સંકેત મને તારાં અંગે મળી ચૂક્યો હતો.”

       “ગુરુ આદેશગિરી મહાઅઘોર છે એમની નજરમાંથી કોઇ અઘોરી બાકી નથી રહેતો એમને બધીજ ખબર હોય છે. ત્રિકાળજ્ઞાની મહાઅઘોરી છે મહાદેવનાં અંશ છે ખૂબ પ્રતાપી પ્રખર જ્ઞાની અને મહાજ્ઞાતક છે પણ એ લોક કલ્યાણ માટેજ છે. “

       “મેં તારાં પ્રશ્ન પહેલાંજ તને કહી દીધેલું કે તું અહીં થી દૂર ઉભી રહે જેનું શરીર ધારણ કર્યું છે એનું ઋણ ઉતારી લે. તું આવતી કાલે સાંજે ફરીથી અહીં આવજે હું વિધીવત તને મારી શિષ્યા તરીકે સ્વીકારીશ આગળ માર્ગદર્શન આપી માર્ગ ચિંધીશ. આમ પણ તારું કાર્ય પૂર્ણ થાય એટલે તારી ગતિ થશે જે માટીનાં પાત્રમાં તારી ભસ્મ-રાખ છે એ ગંગામાં વહેવડાવી દેજે બધુ એક સાથે થઇ જશે.”

       “સાવી એકવાત યાદ રાખજે તું આદેશગિરી ભગવનની નજરમાં છે એમની લીલા અકળ છે બે દિવસ પછી તારે ઘણું કરવાનું આવશે રૂપ બદલવાનાં આવશે બીજું પ્રેત શક્તિનો સામનો કરવાનો આવશે આ અગોચર અગમ્ય સૂક્ષ્મ દુનિયાનાં અનુભવ કરવામાં આવશે.. પણ તું પોતે અઘોર વિદ્યા શીખી છું. એટલે તને વાંધો નહીં આવે અને કાલની ગુરુ શિષ્યાની વિધી પછી તારું રક્ષણ હું અને ગુરુમહારાજ કરીશું. ‘

       “તું જઇ શકે છે” એમ કહી શાસ્ત્રીજી અંદર જતાં રહ્યાં નાનકી ફરીથી સાવી પાસે દોડી આવી માં પાપાને સાવીએ કહ્યું “નાનકી હવે સંપૂર્ણ સુરક્ષિત છે.”

 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-87