ઠાકોરકાકાએ વસુધાને નીડર હોવા અંગે અભિનંદન આપ્યાં સાથે સાથે મોટી ડેરીની કારોબારી સમિતિનાં સભ્ય અંગે એની નિમણૂંકની એમણે ભલામણ કરી છે તથા ગુજરાતમાં હરિયાળીક્રાંતિ સાથે દૂધની શ્વેતક્રાંતિમાં વસુધાનેજ એનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે જાણીને વસુધા ખુશ હતી એણે કહ્યું “સર તમે મને એને લાયક ગણી એ મારાં અહોભાગ્ય છે હું સાચેજ ભાગ્યશાળી છું અને આ જવાબદારી તન, મન ધનથી ઉઠાવીશ સફળતા પૂર્વક પુરી કરીશ.”
ઠાકોરકાકાએ કહ્યું “કારોબારી સમિતિમાં તારુ નામ જોડાઇ જાય પછી જાણ કરીશ. તું પ્રથમ કારોબારી સભામાં હાજર થઇ જજે ત્યારે તને સર્વાધીક મંજુરીથી તને આ ચળવળની જવાબદારી સોંપી દઇશું.
ગુણવંતભાઇ તો સાંભળીને આનંદ ઘેલાં થયાં એમણે ઠાકોરભાઇની વિદાય પછી કહ્યું “વસુધા મારી દીકરી તેં સાચેજ તારાં માવતરનું નામ ઉજાળ્યું છે અમારાં ખોરડાની પણ ઇજ્જત વધારી છે. ખૂબ ખૂબ આશીર્વાદ...”
પછી આગળ બોલ્યાં ‘હવે અહીનું કામ જોઇએ પછી ઘરે જઇએ ત્યાં સરલાને બધાં રાહ જોતાં હશે”.
વસુધાએ કહ્યું “પાપા તમારાં આશીર્વાદ.... પણ હું પહેલાં દુષ્યંત સાથે શહેરમાં જઊં છું મારે આકુ માટે સાયકલ લેવી છે પછી માંનાં ઘરે જતાં પહેલાં ઘરે બધાને મળીને જઇશ.”
ગુણવંતભાઇએ કહ્યું "તું આકુને સાથે નથી લાવી એટલે હું સમજીજ ગયેલો.. હજી તારી નારાજગી દૂર નથી થઇ લાગતી… બંન્ને જણાં ડેરીમાં ફરી રહેલાં.. ત્યાં રાજલની નજર બંન્ને ઉપર ગઇ. બધાં કામ કરી રહેલાં રાજલ મીટરમાં બધાં અંક નોંધી રહેલી રીડીંગ કરી ચોપડામાં લખી રહેલી.
વસુધાએ કહ્યું ‘પાપા નારજગીનો સવાલ નથી પણ માં ને મારાં ચરિત્ર પર શંકા હોય એમ બોલે છે નથી એમણે મારી વિવશતા કે ઊંમર જોઇ હું સાવ એકલી પડી ગઇ છું એનો એહસાસ નથી.. ઉપરથી મને વારે વારે ટોણાં મારે છે.. તેઓ મારી દીકરી દીકરી કહી મને એનો એહસાસ નથી કરાવી શક્યા.”
“તેઓ ભૂલે છે એમની દિકરી સરલાને કંઇ થાય.. કોઇ કંઇ બોલે તો કેવું લાગી આવે છે. તો મારી સાથે આટલો વ્હેરો આંતરો કેમ કરે છે ? હું એમને માં તરીકે સ્વીકારીને રહું છું આ પિતાંબરનું ઘર મારું છે એવુ સમજીને નિભાવું છું બધી જવાબદારી ઉપાડું છું તેઓ એક સ્ત્રી થઇને પણ બીજી સ્ત્રીની લાગણી સમજતાં નથી.. શું એમને મારાં કોઇ એહસાસ નથી કે હું અંદરને અંદર કેટલી પીડાઉં છું ઘાત પામું છું” એમ કહેતાં કહેતાં આંખમાં આંસુ ધસી આવ્યાં.
એણે આંસુ લૂછી સ્વસ્થ થઇને કહ્યું “પાપા હું થોડો વખત મારી માં પાસેજ રહીશ ત્યાંથી ડેરીએ આવીશ. મોટી ડેરી મીટીંગમાં જવાનું હશે જઇશ પછી મારું મન માનશે ત્યારેજ પાછી આવીશ...’
વસુધાએ આમ કહી રાજલ પાસે ગઇ અને બોલી “રાજલ ફોનથી સંપર્કમાં રહીશું... તારાં માટે પણ હું આવો ડ્રેસ લેતી આવીશ.. સરલાબેન માટે પણ.. હું જઊં” એમ કહીને દુષ્યંતને બૂમ પાડી કહ્યું “પરાગને કહે જીપ બહાર કાઢે આપણે નીકળીએ છીએ.”
રાજલ વસુધાને ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે જતી જોઇ રહી અને મનોમન બોલી “વસુધા તું સાચેજ બધાની પ્રેરણા બની રહી છું..” અને એનાં કામે વળગી..
******************
બપોર ઢળી ગઇ હતી સાંજનાં પાંચ વાગવા આવેલાં અને પરાગે વસુધાનાં બતાવ્યાં પ્રમાણે જીપ પીતાંબરનાં ઘર પાસે લાવી ઉભી રાખી.
જીપ ઉભી રહી એવી સરલા બહાર દોડી આવી વસુધાને જોઇને વળગી ગઇ... વસુધાને પછી ફરીથી જોઇને બોલી ‘વાહ વસુધા તને આ કપડાં ખૂબ સરસ લાગે છે ક્યારે લીધાં ? ક્યાંથી લીધાં ?”
વસુધાએ કહ્યું “સરલાબેન તમારાં અને રાજલ માટે પણ શહેરમાંથી લાવી છું આમાં સગવડ સરળતાં રહે છે કામ કરવામાં તથા આ મને ગીફ્ટ મળી છે. “
આમ વાતો કરતાં કરતાં વસુધા - સરલા- દુષ્યંત પરાગ બધાં ઘરમાં આવ્યાં.
દિવાળીફોઈ વાડામાંથી અને ગુણવંતભાઇ પણ રૂમમાંથી બહાર આવી ગયાં. ભાનુબેન રસોડામાં હતાં સાંભળી રહેલાં પણ તરત બહાર ના આવ્યાં..
વસુધા દિવાળીફોઇને પગે લાગી પછી એ જાતે રસોડામાં ગઇ અને ભાનુબહેનને પગે લાગી જયશ્રીકૃષ્ણ કીધાં. ભાનુબહેને કહ્યું “હું બહારજ આવતી હતી પણ ચૂલે તપેલું ચઢાવેલું અગ્નિ આછો કરી રહી હતી.”
પછી વસુધાની સામે જોઇને કહ્યું "આવું પહેરવાનુ તેં ક્યારથી શરૂ કર્યું ? આપણને સ્ત્રીઓને તો સાડીજ શોભે... આપણાં ગામમાં કોઇ પહેરતું નથી.”
ત્યાં સરલા આવીને બોલી “માં તું શું આમ જુનવાણી જેવી વાતો કરે છે ? કેટલું સરસ લાગે છે આવો પોષાક તો શહેરમાં બધેજ પહેરાય છે અહીં આપણાં ગામમાં પણ..”. આગળ બોલે પહેલાં દિવાળીફોઇએ કહ્યું “જેમ જમાનો બદલાય એમ બધુ આપણે સ્વીકારવું જોઇએ. વસુ મારી ખૂબ સુંદર લાગે છે. “
ભાનુબહેન કંઇ બોલ્યાં નહીં વસુધા બહાર આવી એટલે બધાં બહાર આવ્યાં. ગુણવંતભાઇએ ડેરીએથી આવીને બધુ બધાને કહી દીધું હશે એવું લાગ્યું બહું ચર્ચા ના થઇ.
દિવાળીફોઇએ કહ્યું “વસુ તું આકુને કેમ ના લાવી ? અને અહીં પાછી ક્યારે આવવાની છે ? મને તો આકુ અને તારાં વિના ગમતું નથી. આ સરલા છે એનો દિકરો છે એટલે સમય નીકળી જાય છે એ નાનકો પણ ખૂબ મીઠો છે.”
વસુધાએ સરલાને તરત પૂછ્યું “ ક્યાં છે ? એનું નામ પાડ્યું ?” સરલાએ કહ્યું “હમણાંજ દૂધ પીવરાવીને સૂવરાવ્યો છે.” ભાવેશે કહ્યું “અહીં વસુધા પાછી આવે પછી નામકરણ કરીશું પછી અમારે સિધ્ધપુર પણ જવું પડશે ત્યાં માતાજીનાં ખોળે બાબાને મૂકીશું એની માં ભલે ટોણાં મારે પણ દીકરો જન્મયો છે જાણ્યાં પછી હવે સારું સારું બોલે છે ત્યાં પાછા બોલાવે છે.”
વસુધાએ કહ્યું “અરે વાહ સારુ ને એમનું મન બદલાઇ ગયું તમારી સાથે સારું રાખે... ટોણાં હવે શેના માટે મારે ? પારકાની દીકરી પોતાનાં ઘરે રાખીને એને પોતાની દીકરી ગણી પ્રેમ આપે હૂંફ આપે એવુંજ હોવું જોઇએ. ચલો તમારે એ પ્રશ્ન હલ થઇ ગયો. ભાવેશકુમારને પણ સારું લાગતું હશે.” આ બધુ બોલી વસુધાએ ભાનુબહેન સામે જોયું.....
વધુ આવતા અંકે - પ્રકરણ-113