એક પરિવારમાં ત્રણ સભ્યો રહેતાં હતાં.
મમ્મી, પપ્પા અને એમનો એક નાનો દિકરો.
એ નાના દિકરાની મમ્મી હાઉસવાઈફ હતા,
જ્યારે એ છોકરાના પપ્પા એક બેંકમાં નોકરી કરતા હતા.
પ્રાથમિક સ્કૂલમાં ભણતાં એ નાના છોકરાની સ્કૂલનો સમય બપોરે 12:00 વાગ્યાથી, સાંજે 5:00 વાગ્યા સુધીનો હતો, જ્યારે એનાં પપ્પાની બેંકની નોકરીનો સમય,
સવારે ૯ :૩૦ થી સાંજે ૪ : ૩૦ નો હતો.
ને એ છોકરાની સ્કૂલ પણ, પપ્પાની બેંકથી બિલકુલ નજીકમાં જ હતી, લગભગ 10 થી 15 મિનિટનાં જ અંતરે.
પપ્પાની બેંકનો સમય સવારે ૯ : ૩૦ થી સાંજે 4:30 નો હોવાથી, એના પપ્પા રોજ સાંજે બેંકમાંથી છૂટી વળતાં પોતાનાં છોકરાને સ્કૂલેથી લઈ ઘરે જતાં, ને આ એમનો નિત્યક્રમ હતો.
જ્યારે બપોરે બાર વાગે એ છોકરાની મમ્મી એને સ્કૂલ મૂકી આવતી.
હા, એ છોકરાના પપ્પાને, કોઈ કોઈ વાર બેંકમાં વધારે કામ આવી જતું, તો એ થોડાં મોડાં પડી જતાં, પરંતુ છોકરાની સ્કૂલ છૂટવાના સમય પર તો એ પહોંચી જ જતા.
હા પણ, કોઈ વાર એ કટોકટ સમયે પહોંચતા, પણ આજ સુધી એવું નથી બન્યું કે, સ્કૂલ છૂટી ગઈ હોય, ને એ પહોંચ્યા ના હોય.
આજે પણ એવું જ થયું, બેંકમાં થોડું વધારે કામ આવી ગયું હોવાથી, આજે એમને બેંકથી નીકળતાં નીકળતાં જ, પોણા પાંચ થઈ ગયા હતાં.
જો કે આજે બેંકમાં કામ પણ એવું ન હતું, કે એ કામ અધૂરું મુકીને તેઓ નીકળી શકે.
પરંતુ....એ સાડા ચાર વાગ્યા પછીની પ્રત્યેક સેકન્ડે, બેંકનું કામ કરતાં કરતાં, એના પપ્પાના હદયના ધબકારા વધતા જતા હતા, અંતે પોણા પાંચ વાગે, બેંકનું કામ આટોપી, હાંફળા ફાંફળા થઈ તેઓ બેંકમાંથી બહાર આવે છે.
ને બેંકની બહાર આવતાજ, એ જુએ છે તો
પોતાના સ્કૂટરમાં પંચર.....
આ બાજુ એમની પાસે બીજો કોઈ વિકલ્પ, કે એ વિકલ્પ પર ચાલવાનો સમય... કંઈ જ ન હતું.
બેંક અને સ્કૂલનો વિસ્તારજ એવો હતો કે, નજીકમાં ક્યાંય રિક્ષા પણ ના મળે.
ઘરે ફોન કરીને એમનાં પત્નીને પણ ના જણાવી શકે કે,
આજે તું છોકરાને સ્કૂલેથી લઈ આવજે, મારે આજે બેંકમાં થોડું મોડું થાય એમ છે,
કેમકે, આજે એમનાં પત્ની શહેરમાં જ એમનાં કોઈ પરિચિતને ત્યાં એક પ્રસંગમાં જવાં નિકળી ગયા છે, ને એમને પોતે પણ, બેંકથી નિકળી, સ્કૂલેથી પોતાનાં બાળકને લઈ ઘરે જઈને,
એ બંને પણ એજ પ્રસંગમાં જવાનાં હતાં.
એટલે વધારે સમય નહીં બગાડતા, તેઓ પંચરવાળું સ્કૂટર લઈને જ સ્કુલ જવા નીકળે છે.
સ્કૂટરમાં પંચર હોવાને કારણે, ઉતાવળ તો થાય એમજ ન હતી, કે પછી સ્કૂટર ભગાવવાનો પણ પ્રશ્ન ન હતો.
બસ મનમાં એક જ વિચાર,
કે છોકરાની સ્કૂલ છૂટી ના ગઈ હોય તો સારું, એવો જ વિચાર કરતા કરતા પંચરનાં કારણે જાણે સામા પ્રવાહે જઈ રહ્યાં હોય એમ, તેઓ ભારે હૈયે સ્કૂલે પહોંચે છે, અને....
અને ત્યાં પહોચતાં જ એ જુએ છે, તો...
તો એમનો છોકરો તો શું, એ સ્કૂલનું એક પણ બાળક, કે શિક્ષક નહીં દેખાતા, ને સ્કુલનો ઝાંપો બંધ જોતાં, એમનાં હૃદયમાં એક મોટ્ટો ધ્રાસકો પડે છે.
ક્યાં ગયો છે મારો દીકરો ?
અને એ જ ધ્રાસ્કાની સાથે એમની આંખ ખૂલી જાય છે.
ને તેઓ સપનાની બહાર આવે છે. ઉંમરના કારણે, એમનું પૂરેપૂરું શરીર ધ્રૂજી રહ્યું છે.
પાવર ગયો હોવાથી, એ જે રૂમમાં હતા, એ રૂમનો પંખા પણ બંધ છે.
ગભરામણ ઓછી થાય એ માટે, તેઓ પલંગમાં બેઠા-બેઠા જ નજીકની બારી ખોલવા માટે, લાંબા હાથે, એ બારીને થોડો ધક્કો મારે છે, ને એ જરાક ખુલેલી બારીમાંથી તેઓ બહારની તરફ એક નજર કરે છે.
તો ત્યાં પણ....બસ એ જ એક બંધ ઝાંપો.
ને એ બંધ ઝાંપાની ઉપર રાઉન્ડ સેફમાં લાગેલું એક બોર્ડ.
જે બોર્ડની અંદરની બાજુ, બિલકુલ જૂનું ને કાટ ખવાઈ ગયેલું જૂનું પતરું જ એમને દેખાઈ રહ્યું છે.
બિલકુલ તેમના જેવું જ.
જ્યારે એ બોર્ડની બહારની બાજુએ સુંદર, અને કલરફુલ લખાણ હતું, કે જે લખાણ,
દર વર્ષે નવું લખાય છે.
એમ નવું, ને ઝગારા મારતા એ બોર્ડ પર લખાણ હતું,
કે જેમાં લખ્યું હતું....
"વૃધ્ધાશ્રમ"
પરંતુ આ કલરફુલ બોર્ડ, માત્ર બહારવાળાને જ દેખાય,
અંદરવાળાને તો કાયમ માટે,
બસ એ જ કટાઈ ગયેલું, ઘસાઈ ગયેલું, ને જાળાં બાઝેલું, બસ
એ જ બોર્ડનો અંદરનો ભાગ જોવાનો.
તેઓ એક ઊંડો નિસાસો નાખે છે.
ને ત્યાં જ....
દરવાજે અવાજ આવે છે કે,
પપ્પા ચાલો ઉઠો હવે, તૈયાર થઈ જાવ હું તમારા માટે ચા બનાવું છું, એમનો ફોન હતો, કે એ આજે ઓફિસેથી વહેલા ઘરે આવવાનાં છે, ને એમણે કહ્યું છે કે, આજે આપણે સાથે મંદિર જવાનું છે, હેપ્પી બર્થડે પપ્પા 👍
મિત્રો હકીકતમાં એમનું સાચું સપનું હવે તૂટ્યું હતું.
ભૂલો ભલે બીજું બધું
માબાપને ભૂલશો નહીં 🙏🏻🙏🏻🙏🏻