Pranay Parinay - 38 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 38

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 38

પાછલા પ્રકરણનો સાર:


રઘુ અને વિવાન, મિહિરને પ્રેમથી જીતવાના ઈરાદે તેમના ઘરે જાય છે. તેઓની કેફિયત સાંભળીને મિહિર ગુસ્સે થઈને ત્યાંથી રવાના થવાનું કહી દે છે. છતાં તેઓ બંને ઉભા રહે છે. એટલામાં મિહિર ગઝલ મળી ગઈ છે એ કહેવા માટે પ્રતાપ ભાઈને ફોન લગાવે છે. ગઝલ માટેના પ્રતાપ ભાઈએ વાપરેલા બિભત્સ શબ્દો સાંભળીને મિહિર ઉશ્કેરાઈ જાય છે અને આવેશમાં આવીને ગઝલએ વિવાન સાથે લગ્ન કર્યા છે એમ બોલી નાખે છે..

એ સાંભળીને વિવાન અને રઘુ સહિત કૃપા પણ ખુશ થઈ જાય છે અને તેની સમજાવટથી મિહિર વિવાનને માફ કરીને સ્વીકારી લે છે. પછી વિવાન કાવ્યાની હાલત પાછળ મલ્હાર જ જવાબદાર છે એ હજુ પોતાના ઘરવાળાને કે ગઝલને જણાવ્યું નથી એમ કહીને મિહિર અને કૃપાને ઘરે આવવાનું આમંત્રણ આપે છે. ત્યારે અહીં ગઝલ ભાઈ ભાભી ઘરે આવશે તો એને બધી વાત કેમ કહેવી એની ગડમથલમાં હોય છે.

પ્રતાપ ભાઈ ગઝલના લગ્ન વિશે મલ્હારને કહેવાનું ટાળે છે પણ વિવાનને મલ્હાર પર બિલકુલ ભરોસો નહીં હોવાથી એ રઘુને કહીને હોસ્પિટલમાં કાવ્યાની સિક્યોરિટી વધારી દે છે.


હવે આગળ..


**

પ્રણય પરિણય ભાગ ૩૮


મિહિર અને કૃપા સમયસર વિવાનના બંગલો પર પહોંચ્યા. બંગલામાં ચારે બાજુ શ્રીમંતાઈ ઉડીને આંખે વળગતી હતી. તેને બંગલો નહીં પરંતુ મહેલ કહેવો પડે એટલો વિશાળ અને આલિશાન હતો.

કૃપા પહેલીવાર અહીં આવી હતી. તેણે મિહિરનાં મોઢે ઘણી વાર વિવાનની સમૃદ્ધિની વાતો સાંભળી હતી. પણ ત્યારે એને એટલો અંદાજ નહોતો આવ્યો જેટલો આજે નજરો નજર જોયા પછી આવ્યો. તેમનો પોતાનો પણ ડુપ્લેક્સ બંગલો હતો. પણ એ શ્રોફ બંગલાની વિશાળતા સામે સાવ નાનકડો લાગતો હતો.


'બાપરે! કેટલું મોટું ઘર છે!' કૃપા આશ્ચર્યથી અભિભૂત થઈને બોલી.


'પેલેસ છે!' મિહિરે કહ્યું.


'આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં પણ સંસ્કાર જાળવી રાખ્યા છે.. આવું કુટુંબ બહું ઓછુ જોવા મળે.' કૃપાએ કહ્યુ.


'નમસ્કાર મિહિર ભાઈ.. આવો આવો.' કૃષ્ણકાંત અને વૈભવી ફઈ તેમનું સ્વાગત કરતાં સામે આવ્યાં.

વૈભવી કૃપાને તથા કૃષ્ણકાંત મિહિરને ગળે મળ્યા.


તેઓ તેમને બંનેને ખૂબ સન્માન પુર્વક અંદર લઇ ગયા. અને તેમની ખૂબ આગતા સ્વાગતા કરી.

ઘરમાં બધાના ચહેરા પર સ્મિત હતું તેથી કૃપાને હળવાશ લાગી. નહિતર તેને અહીં આવીને વાત કેવી રીતે શરૂ કરવી એનુ ટેન્શન હતું.


થોડી આડી અવળી વાતો થયા પછી કૃષ્ણકાંત મુદ્દા પર આવ્યા: 'આપણાં છોકરાઓએ ભાગીને લગ્ન કર્યા એ બરાબર તો ના કહેવાય, પણ ઠીક છે, આપણે પણ તેમના પ્રેમનો સ્વીકાર કરવો રહ્યો. અમને પણ તમારી બહેન અમારી વહુ તરીકે ખૂબ ગમી. સાચુ કહુ તો વિવાન માટે આટલી સુંદર છોકરી શોધવા ગયે પણ ના મળત. બાળકો ખુશ તો આપણે ખુશ.. એટલે મારી તમને વિનંતી છે કે તમે પણ આ લગ્નને સ્વીકારી લો.' કૃષ્ણકાંતે તેઓ સામે હાથ જોડ્યા.


વિવાન અને રઘુ ઘરમાં આવી રહ્યા હતા. કૃષ્ણકાંતની વાત સાંભળીને તેઓ દરવાજા પાસે જ ઉભા રહી ગયાં.


'સાચી વાત છે તમારી કૃષ્ણકાંત ભાઈ, જ્યારે બેઉ એકબીજા સાથે ખુશ છે તો આપણે કોણ તેને દૂર કરવા વાળા? અમને પણ આ લગ્ન માન્ય છે. ઉલટું અમે તો ખુશ છીએ કે ગઝલ તમારા ઘરની વહુ બની.' મિહિરે કૃષ્ણકાંતનો હાથ પકડીને કહ્યું.


'કોન્ગ્રેચ્યુલેશન્સ ભાઈ..' રઘુ મિહિરની વાત સાંભળીને બોલ્યો.


'અરે! વિવાન બેટા તુ આવી ગયો?' કૃષ્ણકાંત વિવાનની તરફ જોઈને બોલ્યા.


વિવાન અને રઘુ અંદર આવ્યા. વિવાન મિહિર અને કૃપાને પગે લાગ્યો. રઘુએ બંનેને નમસ્કાર કર્યા.


'અરે! આવો બેસો અહીં.. તમે અમારા બનેવી છો, પણ ગઝલને અમે બહેન નહીં, દિકરી ગણીને મોટી કરી છે એ નાતે તમે અમારા જમાઈ છો.. તમારી જગ્યા ગઝલની સાથે જ અહીં અમારા દિલમાં છે.' મિહિર છાતી પર હાથ રાખીને બોલ્યો.


'મિહિર ભાઈ, તમે બંને મને તું કહીને બોલાવજો.. હું ઘણો નાનો છું તમારાથી.' વિવાને મિહિર અને કૃપા સામે જોઈને કહ્યુ.


'અરે નહીં, જમાઈને તુંકારે ના બોલાવાય..' કૃપા બોલી.


'તમે તમે કહો એમાં એટલી આત્મીયતા ના લાગે.. તુંકારામાં મને પોતીકાપણું લાગે છે..' વિવાને કહ્યુ.


'વિવાનની વાત સાચી છે..' કૃષ્ણકાંતે સહમત થતાં કહ્યુ.


'ઠીક છે ભાઈ, તું જેમ કહે તેમ..' મિહિરે હસતાં હસતાં કહ્યું. અને બધાના ચહેરા પર સ્માઈલ આવી ગયું.


સામેથી ગઝલ દાદીની સાથે દાદરા ઉતરતી નીચે આવી રહી હતી. નીચે ચાલી રહેલી વાતચીત અને તે બધાનો વર્તાવ જોઈને તે ઘણી મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. તેને હતું કે મિહિર આવીને બોલાચાલી કરશે, ઝઘડો કરશે.. કદાચ પોલીસને લઇને જ આવશે.. પણ અહીં તો એવું કંઈ જ દેખાતુ નહોતુ.


'ભાઈ..' ગઝલ છેલ્લું પગથિયું ઉતરતાં બોલી.


'પ્રિન્સેસ..' મિહિર દોડતો તેની સામે ગયો અને તેને ભેટી પડ્યો.

ચાર ચાર દિવસો પછી પોતાની બહેનને સુખ રુપ જોઇને મિહિર ખુબ ખુશ થયો. તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.


'તું કેમ છે બેટા?' મિહિરે તેનો ચહેરો બેઉ હાથની હથેળીમાં લઇને પુછ્યું.


'સારુ છે ભાઈ..' બોલતા ગઝલનું ગળુ ભરાઇ આવ્યું.


'તે વિવ..' ગઝલ બોલવા ગઈ ત્યાં કૃપાએ આવીને તેને ગળે લગાવી.

'ગઝલઅઅ..' કૃપા આંખોમાં આંસુ સાથે બોલી.


'ભાભીઈઈ..' ગઝલ કૃપાની બથમાં સમાઈ.. તેઓનો પ્રેમ જાઈને દાદીની આંખોમાંથી પણ અશ્રુ ધારા વહી નીકળી.

આ બધું જોઇને વિવાન અંદરથી દુખી થઈ રહ્યો હતો. તેનાથી જોવાયુ નહીં એટલે તે ત્યાંથી નીકળીને પોતાની રૂમમાં જતો રહ્યો.


'તમે આરામથી બેસીને વાતો કરો.' કહીને કૃષ્ણકાંત પણ જતા રહ્યા.


'રઘુ.. મહેમાનને ગેસ્ટ રૂમમાં લઈ જા..' દાદીએ કહ્યુ.


'હા, આવો મિહિર ભાઈ.. ભાભી..' રઘુએ કહ્યુ.


વહુ બેટા.. તમે પણ જાવ, ત્યાં બેસીને આરામથી તમારા ભાઈ ભાભી સાથે વાતો કરો. દાદીએ ગઝલને કહ્યુ.

રઘુ, મિહિર અને કૃપાને ગેસ્ટ રૂમમાં દોરી ગયો. પાછળ પાછળ ગઝલ પણ ગઈ.


'તમે અહીં બેસીને આરામથી વાતચીત કરો. કંઇ જોઈતુ કરતુ હોય તો કહેજો.' કહીને રઘુ દરવાજો આડો કરીને ત્યાંથી નીકળી ગયો.


'ભાભીઈઈ..' ગઝલ ફરીથી રડવા લાગી.


'શીશીશશ..' શાંત થઈ જા..' કૃપા તેની પીઠ પર હાથ ફેરવતાં તેને શાંત કરવાની કોશિશ કરી રહી હતી.


'મને વિવાન જબરદસ્તી લાવ્યો છે. અમારા લગ્ન પણ થઈ ગયા છે ભાભી..'

ગઝલ એ જાણતી નહોતી કે મિહિર અને કૃપાને તો આ વાતની ખબર હતી.


'વિવાને તારી સાથે કંઈ ખોટું કામ કર્યું કે કંઇ ત્રાસ આપ્યો છે?'


'નહીં, પણ જો તમારી બંને સાથે કંઈ ખરાબ થાય તો તેની જવાબદાર હું હોઈશ એમ કહીને તેણે મારી સાથે લગ્ન કર્યા છે. પણ મારે તો મલ્હાર સાથે લગ્ન કરવા છે.'


'જો ગઝલ.. મલ્હાર સાથેનો તારો–આપણો સંબંધ પુરો થઈ ગયો છે. એ માણસ કે એનો પરિવાર બિલકુલ તારે લાયક નથી. તું લગ્નના દિવસે ગાયબ થઇને ચાર દિવસ પછી મળી છે. જોકે એમાં તારો કશો વાંક નથી. પણ સમાજમાં લોકો ઘણી ઉલટી સુલટી વાતો કરે છે. હવે આપણે જે કંઈ પગલું ભરીએ તે ખૂબ સમજી વિચારીને ભરવું પડશે..' કૃપા તેને સમજાવતા બોલી.


'પણ મલ્હાર મારો પ્રેમ છે. હું એને ચાહુ છું.' ગઝલ રડતાં રડતાં બોલી.


'તું એને ભૂલી જા બેટા.. એ તારા લાયક નથી એટલે જ કદાચ ભગવાને તારી જીંદગીમાં વિવાનને મોકલ્યો હશે.' મિહિરે કહ્યુ.


'ભાઈ..!' ગઝલને આંચકો લાગ્યો.


'હાં બેટા, મલ્હાર ખરેખર આપણા લાયક નથી. જે માણસ પોતાની જન્મદાતા માંનુ જાહેરમાં અપમાન કરી નાંખે એ તારી ઈજ્જત શું કરવાનો? જો તારા લગ્ન તેની સાથે થયા હોત તો કદાચ તારી જીંદગી બરબાદ થઇ જાત. તું એક ખૂબસુરત વસ્તુની જેમ તેના ઘરના કોઈ ખૂણામાં પડી હોત.. તેની માંની જેમ.' મિહિર બોલ્યો.


'ભાઈ, તમે બંને અચાનક આવું કેમ બોલો છો?'


'ગઝલ.. તારા ગાયબ થયા પછી ઘણી બધી વાતો અમારા ધ્યાનમાં આવી છે, અને હજુ પણ આવી રહી છે. મલ્હાર તને ગમતો હતો અને અમે પણ ફક્ત તેની સારી સારી વાતો જ સાંભળી હતી એટલે તેના પર આંધળો ભરોસો કરી લીધો હતો. પછી તો અમે ઘણું નજરે જોયું અને તેના ખાનદાન વિશે ઘણી તપાસ પણ કરી ત્યારે અમને સમજાયું કે આપણે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા.' કૃપાએ કહ્યુ.

ગઝલ માટે અ બધી વાતો અણધારી હતી. અત્યાર સુધી તેણે જે કંઈ વિચાર્યુ હતું તેના કરતા સાવ અલગ જ પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી. તેના મનમાં ગજબનાક ગડમથલ ચાલી રહી હતી.

આંસુ ભરી આંખે તે મિહિર સામે જોઈ રહી.


'તું મળી ગઈ છે તે કહેવા માટે મેં મલ્હારનાં ડેડીને ફોન કર્યો ત્યારે તેણે તારી સરખામણી મલ્હારને રમવાના રમકડાં સાથે કરી..' કહીને મિહિરે પ્રતાપ ભાઈ સાથે ફોન પર થયેલી વાતચીત ગઝલને કહી.'


'હાં ગઝલ.. જો બાપના સંસ્કારો આવા હોય તો દિકરો તો કેટલો નપાવટ હશે? અમે કંઈ વિવાનનો પક્ષ નથી ખેંચતા છતાં તેની ભૂલ ગણ તો ભૂલ પણ તેણે જે કર્યુ એથી અંતે તો તારું ભલું જ થયું છે.' કૃપાએ કહ્યુ. અને ગઝલના ગયા પછી બનેલી તમામ વાતો કૃપાએ તેને કહી. પ્રતાપ ભાઈએ બધાની વચ્ચે સુમતિ બેનને લાફો માર્યો તે પણ કહ્યું અને મુંબઈ જતી વખતે સુમતિ બેને કહેલી વાત પણ કરી.


'પણ મારો મલ્હાર એવો નથી..' ગઝલને હજુ એ લોકોની વાત પર વિશ્વાસ બેસતો નહોતો.


'તુ એકદમ ભોળી છે, અત્યારે તને તેની અસલિયત દેખતી નથી. ખુદ તેની મમ્મીનું કહેવું છે કે એ બાપ બેટાની નજર આપણા બિઝનેસ અને પૈસા પર હતી. અમે એ પરિવાર વિશે જેટલુ જાણ્યું છે એના પરથી એટલું તો ચોક્કસ છે કે મલ્હાર હવે તને સ્વીકારશે નહીં. કદાચ એની ઈચ્છા હશે તો પણ એનો બાપ એવું કરવા નહીં દે.. એ પણ એના બાપની જેમ જ કહેશે કે ચાર દિવસ પર પુરૂષ સાથે રહી આવેલી છોકરીને હું નહીં સ્વીકારુ.. તારે ખાત્રી કરવી હોય તો કરી લેજે.' કૃપાએ કહ્યુ.


મલ્હાર તેને સ્વીકારશે કે નહીં એજ શંકા ગઝલના મનમાં પણ હતી. તેને જેનો ડર હતો એજ વાત કૃપાએ કરી એટલે ગઝલનો વિશ્વાસ થોડો ડગી ગયો, મલ્હારની જગ્યાએ બીજો કોઈ પણ હોય તો તે પણ કદાચ આવુ જ વિચારે. ભલે જબરદસ્તી થયા હોય પણ વિવાન સાથે તેના લગ્ન થયા છે અને ચાર દિવસ ને ચાર રાત તેમણે સાથે વિતાવી છે. હવે વિવાનને છોડીને તે મલ્હાર પાસે જાય તો મલ્હાર તેનો સ્વીકાર કરે કે નહીં તેની કોઈ ખાતરી નહોતી.


ગઝલને હવે પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ રહી હતી પણ તેની જિદ ગણો કે તેનું સ્વમાન, તેને આ લગ્ન સ્વીકારવા માટે અટકાવી રહ્યું હતું.


'પણ ભાઈ.. ભાભી, આ જબરદસ્તીનાં લગ્ન હું કઈ રીતે માન્ય કરુ?'


'તારી વાત હું સમજુ છું બેટા, વિવાન ખરેખર સારો છોકરો છે. છતાં અમે તારા પર કોઈ જબરદસ્તી કરવા નથી માંગતા. તારે જો અહીં ના રહેવું હોય તો આપણા ઘર પર તારો પહેલાં જેટલો જ અધિકાર છે. એ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે.' મિહિરે તેના માથે હાથ ફેરવીને કહ્યુ.


મિહિર તો સાચા અર્થમાં બોલ્યો પણ એ સાંભળીને કોણ જાણે કેમ ગઝલને અચાનક એવું લાગ્યું કે એ ઘરમાંથી તેની વિદાય થઇ ગઇ છે. તે કૃપાને ગળે વળગીને રડવા લાગી.


કૃપાએ મિહિર સામે જોયુ.


'ગઝલ, બેટા રડ નહીં.. અમે બસ તને એટલું જ કહીએ છીએ કે કોઈપણ પગલું ભરતાં પહેલા એકવાર શાંતિથી વિચાર કરી લેજે.' મિહિર ગદગદ થઇને બોલ્યો.


ગઝલને મિહિરની વાત ગળે ઊતરી હતી. વિવાન તેને ખૂબ પ્રેમ કરતો હતો એનો અહેસાસ તો તેને પણ હતો. પણ એનું આત્મસન્માન તેને આ જબરદસ્તીના લગ્ન સ્વીકારવા નહોતુ દેતું. અને તેને ભાઈ ભાભી પર બોજ પણ બનવું નહોતું.


થોડી વાર પછી મિહિર અને કૃપા જવા માટે ઉભા થયા. ગઝલને ફરીથી રડવું આવી ગયું. તેને એના મમ્મી પપ્પાની યાદ આવી ગઈ. તે મિહિર અને કૃપાને ગળે મળી. તેઓની આંખો પણ ભરાઇ આવી. ભીની આંખે તેઓ બહાર આવ્યાં.


દાદી અને કૃષ્ણકાંતની રજા લઈને કૃપા અને મિહિર વિદાય થયા. તેઓ ગયા પછી ગઝલ ઉદાસ થઈ ગઈ. એની આંખોમાંથી હજુ પણ આંસુ વહી રહ્યાં હતા. તેને ઉદાસ જોઈને કૃષ્ણકાંત પણ ઢીલા પડી ગયા. ગઝલનું એટલું બધું રડવું તેને ખટક્યું પણ તેણે એમ વિચાર્યુ કે સાસરીમાં આવીને પિયરીયાને પહેલી વાર મળી એટલે રડવું આવ્યું હશે.


ખૂબ રડવાથી ગઝલની આંખો સહિત પૂરો ચહેરો લાલ થઈ ગયો હતો. તેનુ નાક પણ વહેવા લાગ્યું હતું. ટીપોઈ પરથી ટિશ્યૂ પેપર લઇને નાક ખેંચતી એ દાદીની રૂમમાં જઈને બેડ પર બેઠી.


તે મનમાં વિચારી રહી: 'આ ઘર છોડતા પહેલા હું મલ્હાર વિશે ખાતરી કરી લઈશ. જો એ મને સાચે જ પ્રેમ કરતો હશે તો મને ચોક્કસ સ્વીકારી લેશે. અને જો એ ખરેખર ખરાબ માણસ હશે તો?' એક ક્ષણ માટે તે ધ્રુજી ઉઠી.

પણ પછી પોતે મક્કમ થઈને મનમાં બોલી: 'જો એવું હશે તો ખોટા માણસને પ્રેમ કરવાની મારી ભૂલની સજા હું આ ઘરમાં રહીને જ ભોગવીશ. અને વિવાનને પણ મરજી વિરૂધ્ધ મારી સાથે લગ્ન કરવાની સજા તેની સાથે રહેવા છતાં તેનાથી અલગ રહીને આપીશ.'

.

,


ક્રમશઃ


**


શું વિવાનના ઘરે તેમના લગ્ન પાછળની સચ્ચાઈની ખબર પડશે?


શું ગઝલ તેના પ્રેમની ખાતરી કરવા મલ્હાર પાસે જશે?


શું ગઝલને મલ્હારની હકીકત સમજાશે કે પછી મલ્હાર કંઈક અલગ જ દાવ રમશે?


કે પછી વિવાન તેને મલ્હાર સુધી પહોંચવા જ નહી દે?


સાથે રહીને પણ વિવાનથી અલગ રહીને ગઝલ તેને કેવી રીતે સજા આપશે?


**


❤ આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે ❤