હેલ્લો ફ્રેન્ડ્સ,સાચુ કે'જો તમે ફિલ્મ સ્ટાર બનવાના સપના જોતા હતા ને? કે પછી સીને સ્ટાર્સની જબરજસ્ત મહેનત વિશે વાંચ્યા પછી તમારો વિચાર થોડો મોળો થઈ ગયો ? ફ્રેન્ડ્સ, સફળતા મેળવવી હોય તો ખૂબ પરિશ્રમ કરવો જ પડે. ક્ષેત્ર ચાહે કોઈ પણ હોય સફળતા મેળવવા માટે મહેનતનો કોઈ વિકલ્પ નથી.તો ચાલો આજે ફરીવાર વાત માંડીએ સિને સ્ટાર્સના પરિશ્રમની.સિને જગત ચાંદની ચોક થી ચાઇના ટાઉન અને જમીનથી આસમાન સુધી ધારે તેને પહોંચાડી શકે અને એટલે જ બેડમિન્ટન રમતા રમતા મોડેલિંગ ક્ષેત્રે પહોંચેલી અને પછી સીને પરદે છવાઈ ગયેલી અભિનેત્રી દીપિકાએ પણ આસમાનની સેર કરવા માંડી છે. "ઓમ શાંતિ ઓમ" પછી તેની એક ફિલ્મ આવી "ચાંદની ચોક ટૂ ચાઈના", આ ફિલ્મમાં દીપિકા બે ગેટઅપમાં દેખાઈ. જેમાં એક હતો ઇન્ડિયન લુક જે ન્યુયોર્કના એક ડિઝાઇનરે ક્રિએટ કર્યો તો તેનો ચાઇનીઝ લુક મલ્લિકા ભટ્ટે તૈયાર કર્યો. તેના ચાઈનીઝ લુક માટે મેકઅપ કરતા દીપિકાને બે કલાક થતાં.શું તમે બે કલાક સુધી મેકઅપ કરવા માટે સ્થિરતાથી એક જગ્યાએ બેસી શકો? નહીં ને ?પણ દીપિકાએ એ તકલીફ પણ વેઠી,એક બે વાર નહીં શૂટિંગ શિડયુલ્સમાં અનેકવાર તેણે આ રીતે બબ્બે કલાક સુધી મેકઅપ કરાવવો પડ્યો. ફિલ્મના જોખમી સ્ટન્ટ્સ ભજવવા માટે દીપિકાએ ખાસ તાલીમ લેવી પડી. શૂટિંગ શરૂ થતા પહેલા છ મહિના માટે તેને હોંગકોંગ ટ્રેનિંગ માટે મોકલવામાં આવી. ત્યાં રોજના આઠ કલાક તેણે આકરી તાલીમ લેવી પડી. માર્શલ આર્ટ, કુંગફુ, કરાટેનાં વિવિધ દાવપેચ નો એટલો અભ્યાસ કર્યો કે ,કોઈપણ ઈમરજન્સી વખતે હથિયાર વિના પણ પોતાનું રક્ષણ કરી શકે.ફિલ્મના સ્ટન્ટ સીન્સ ભજવ્યા તે વખતે તેને ઘણીવાર ઘૂંટણ કે કોણી પર ઈજા પણ થઈ આટલી આકરી મહેનત પછી ફિલ્મ ચાલે કે ના ચાલે દીપિકા ની કરિયર તો જરૂર આગળ ચાલે જ ,ખરું ને?
ફ્રેન્ડ્સ,હવે ચાંદની ચોક થી ચાઇનાની સફર પૂરી થઈ ગઈ હોય ને તો રેટ્રોની મેટ્રો સફર આગળ વધારીએ અને વાત કરીએ "સી કંપની"ની .આ ફિલ્મમાં તુષાર કપૂર એક ક્રાઈમ રિપોર્ટરનો રોલ નિભાવે છે. આ ફિલ્મના શૂટિંગ પહેલા તુષાર કપૂરે આયોજન બંધ તૈયારી શરૂ કરી.ક્રાઈમ ને લગતા અનેક કાર્યક્રમો તુષારે ધ્યાનથી જોયા.જ્યારે પણ સમય મળે ને કે તરત જ ન્યુઝ ચેનલ જોવા મંડી પડે.ક્રાઈમ અંગે તેમનું રિપોર્ટિંગ કઈ રીતનું છે ? તેમાં શી ખાસિયત છે ? જેવા મુદ્દાઓ ધ્યાનપૂર્વક નોંધે. રિપોર્ટરના ખાસ અંદાજ અને લહેકા,ચોક્કસ શબ્દો અને તે બોલવાની સ્ટાઇલ અને તેમની બોડી લેંગ્વેજ વિશે પણ તેઓ નોંધતા રહ્યા. તુષારે નોંધ્યું કે ક્રાઈમ રિપોર્ટર્સ કોઈ તકિયા કલામ તો બોલે જ બોલે એટલે તુષારે દિમાગ દોડાવવા માંડ્યું અને તેના પાત્ર માટે તેને તકિયા કલામ મળ્યો"ચૈન સે સોના હૈ ,તો જાગ જાઈએ"આ વાક્ય એ, તુષાર કપૂરને તેનાં પાત્રને જીવંત બનાવવામાં કેટલો સાથ આપ્યો છે તે જોવા માટે તો ફિલ્મ જ જોવી પડે.
"અભી અભી મેદાન મેં આયે હૈ વિજય શેખાવત,જો સામના કરેંગે બ્રેટ લી કા "અરે કોણ વિજય શેખાવત? અરે આપણી બોલીવુડ ની ફિલ્મ "વિક્ટરી"નો વિજય શેખાવત એટલે કે હરમન બાવેજા, જેણે "વિક્ટરી" માટે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર દેશી વિદેશી સાચા ક્રિકેટરો સાથે શૂટિંગ કર્યું હતું.હવે બ્રેટ લી કે મુરલીધરન ની બોલિંગ ફેસ કરવી હોય તો પૂર્વ તૈયારી તો ખૂબ જ કરવી પડેને? એમ જ ભારે તૈયારીઓ કરવી પડી હરમન બાવેજાએ તેના પાત્ર માટે. વિક્ટરીનો વિજય શેખાવત જેસલમેરનો વતની છે તેથી હરમન ફિલ્મના શૂટિંગ શિડ્યુલ્સ પહેલા જેસલમેરના તેના મિત્રના ઘરે થોડા દિવસ રહેવા ગયો,ત્યાંના લોકોની રીતભાત, બોલવાની સ્ટાઇલ વગેરેનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું . જેસલમેરના યુવાનોની જેમ હરમને કાન પણ વીંધાવ્યા.ક્રિકેટરો મેદાનમાં રમતા હોય ત્યારે સતત ઠંડી કે ગરમીનો સામનો કરતા હોય છે,તેથી તેમની ત્વચા થોડી ઘેરી (ટેન) થઈ જાય છે.હરમને એવો સ્કીનટોન મેળવવા માટે પણ ભારે મહેનત કરી અને સાથોસાથ ક્રિકેટની ટ્રેનીંગ પણ પાંચેક મહિના સુધી લીધી તબ જાકે કુછ બાત બની...અરે નહીં...તબ જાકે વિક્ટરી બની.
અને હવે દિયા મિર્ઝા ની એક્ટિંગનો એસિડ ટેસ્ટ , એટલે કે "એસિડ ફેક્ટરી"નામની તેની ફિલ્મ, કે જેમાં દિયા એ કર્યા છે સૌને આશ્ચર્યચકિત કરી દે તેવા સ્ટન્ટ્સ.આવા દ્રશ્ય ભજવવા માટે જોઈએ,તાકતવર સ્નાયુબદ્ધ શરીર,જે મેળવવા માટે દિયા એ કરી ઘણા દિવસો સુધી આકરી મહેનત.એક્શન ડાયરેક્ટર ટીનુ વર્માના માર્ગદર્શન મુજબ તેણે આ તાલીમ લીધી, ત્યારે સવારે 5:30 વાગે તેનો દિવસ શરૂ થઈ જતો. તેણે ત્રણ મહિના સુધી લગાતાર તાલીમ લઈને શરીરને સશક્ત બનાવ્યું અને સાથોસાથ સ્ટન્ટ્સ માટેની જરૂરી તાલીમ પણ લીધી.પહેલા અરબાઝ ખાનના ટ્રેનર રાકેશ પાસે તેણે ચંદીગઢમાં તાલીમ લીધી, ત્યારબાદ ટીનુ વર્મા પાસે રોજ સવારે ફિલ્મ સિટીમાં બે કલાક તાલીમ લેતી,ઘરે આવ્યા પછી ફરી પાછી બે કલાકની ટ્રેનિંગ સેશન થતી અને સાંજે બે કલાક વર્કઆઉટ કરવાનું રહેતું. સમજાઈ ગયું ને કે એસિડ ફેક્ટરીના એ રોલ માટે દિયા એ કેટલો પરસેવો પાડ્યો હશે.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.