શીર્ષક : લાઈફ ઇઝ અ રેસ
©લેખક : કમલેશ જોષી
સોમવારની સવાર પડતી અને અમે અમારી નિશાળના ક્લાસરૂમમાં પૂરાઈ જતા ત્યારથી કંટાળો શરૂ થઈ જતો. એક પછી એક શિક્ષકો બદલાતા રહે, બોર્ડ ચીતરાતા રહે, લેક્ચર આપી અમારી અંદરથી ઉત્સાહ ચૂસતા રહે, પ્રશ્નો પૂછી અમને મુંઝવતા રહે તે છેક રિસેસ સુધીમાં તો અમે અધમૂઆ થઈ ગયા હોઈએ. રિસેસમાં થોડી વાર ક્લાસ બહાર જઈ, દોડાદોડી-હસીમજાક કરી, લંચબોક્સમાંથી ચેવડો કે બિસ્કીટનો નાસ્તો કરી, પાણી પી, પી-પી કરી માંડ ફ્રેશ, તાજા-માજા થઈએ ત્યાં રિસેસ પૂરી થયાનો બેલ પડે અને અમે સૌ ફરી ક્લાસરૂમમાં પૂરાઈ જઈએ. ફરી એ જ લેક્ચરબાજી અને એ જ કંટાળો અમને ઘેરી વળે. રજાનો બેલ પડે ત્યારે તો જાણે સાક્ષાત ઈશ્વર અમને સ્વર્ગમાં લઈ જવા આવ્યા હોય એમ અમે સૌ ઠેકડા મારતા, બેન્ચીસ કૂદતા, પડતા, દોડતા, હસતા-હસતા છેક નિશાળના ગૅઇટની બહાર ન નીકળી જઈએ ત્યાં સુધી પાછું વાળીને ન જોતા. નિશાળની બહારની દુનિયા એટલે ટાઈમ ટેબલ વગરની દુનિયા. ઘરે જવાનું, દફ્તર ફેંકવાનું, ટીવી કૂટવાનું, રીમોટ ફેંકવાનું, રસોડામાં જઈ ડબ્બામાંથી બુકડો મારવાનો, શેરીમાં જઈ મિત્રને બુમ પાડવાની, પેટ પકડી હસવાનું, દોડવાનું, રમવાનું, ભમવાનું, પડવાનું તોયે હસવાનું, અલક મલકની હાંકવાનું, સાયકલ પર ચડવાનું, લપસીયામાં લપસવાનું, બેટિંગ-બોલિંગ-ફિલ્ડીંગ-ફંદ અને થાકી-પાકી લોથ-પોથ થઈ ઘરે આવી પથારીમાં પડવાનું ને મીઠી નિંદ્રામાં પરીઓના દેશમાં ઉડવાનું....
આજેય રવિવારની રજા પછીના સોમવારની સવાર સ્કૂલ ડેઝના સોમવારની સવાર જેટલી જ બોરિંગ અને બકવાસ લાગે છે. અફસોસ કે એ સ્કૂલ ડેઝમાં સવારથી બપોર સુધી જ કેદમાં રહેવાનું થતું, બપોર પછી બંદા આઝાદ પંખી બની જતા, જયારે મોટી ઉંમરે સોમવારની સવારથી કેદ શરુ થાય છે તે છેક શનિવારની મોડી સાંજ સુધી કોઈ અદૃશ્ય ડંકા પડ્યા કરે છે અને મુંઝવતા, થકવતા પ્રશ્નો લઈને કોઈને કોઈ ઘરના દરવાજે, ઓફિસે કે દુકાને આવીને ઉભું રહી જાય છે. મન થાકી જ નહિ બેહોશ થઈ જઈએ એટલા વૈચારિક લેક્ચર અને શિખામણો આપ્યા જ કરે છે અને તન રહેવાય એટલીવાર ઊભું રહી લથડીને પડી જાય છે. કાન થઈ શકાય એટલા સરવા થઈ સ્કૂલમાં જે રજાનો લાંબો બેલ પડતો એ સાંભળવા મથે છે પણ મોટી ઉંમરે પિરીયડ બદલતા સિંગલ બેલ જ સંભળાય છે. કોઈ અદૃશ્ય ટાઇમટેબલ જાણે મુશ્કેટાટ બાંધીને બેઠું હોય એવો અહેસાસ ઊંડે ઊંડે રડાવી જાય છે.
એક મિત્રે કહ્યું: લાઈફ ઇઝ અ રેસ. નિશાળમાં ભણતા ત્યારે સો, બસો અને ત્રણસો મીટરની રેસ ગોઠવાતી. દસ-પંદર સ્પર્ધકો હોય, ગ્રાઉન્ડ પર ટ્રેક દોરેલા હોય, એક બાજુ સ્ટાર્ટ લખેલું હોય અને બીજી બાજુ ફિનિશ લાઇન હોય. રેફરી સીટી વગાડે એટલે દોડવા માંડવાનું. ફિનિશ રેખા પર જે સ્પર્ધકનો પગ પહેલો પડે એ વિનર. અમારો એક સ્કૂલ ફ્રેન્ડ ત્રણસો મીટરની દોડમાં પ્રથમ આવેલો ત્યારે અમારા જ એક બીજા ફ્રેન્ડે મસ્ત વિશ્લેષણ કરેલું: "બંટીડાનું જીતવાનું ફાઈનલ હતું."
અમે પૂછ્યું, "કેમ?"
તો એ બોલ્યો, "આપણા ધોરણના ચાર ક્લાસના મળીને કુલ એકસો સાંઠ વિદ્યાર્થી હતા. એમાંથી ખાલી વીસ જ જણાએ નામ લખાવ્યા એટલે એકસો ચાલીસ, ભણેશરીઓને તો રેસમાં, ટાઈમ બગાડવામાં રસ જ નહોતો. ખાલી નામ લખાવવાથી એણે એકસો ચાલીસને હરાવી નાખ્યા. પાંચ જણા રેસના દિવસે ગેરહાજર રહ્યા. એટલે વગર રેસે બંટી પંદરમો આવી ગયો. પંદર જણામાંથી પાંચે તો ફર્સ્ટ ટાઈમ રેસમાં ભાગ લીધો અને રેસ સિવાયના દિવસે કદી દોડ્યા પણ નહિ, સમજો ને કે ખાલી લખવા ખાતર નામ લખાવ્યું હતું. જયારે બંટી તો સિરીયસ હતો. એટલે એનો દસમો નંબર ફાઈનલ થઈ ગયો. દસમાંથી ત્રણ જણાના ફેમિલી બેકવર્ડ સ્વભાવના છે, એટલે કોઈ પણ જાતના મોટીવેશન વિના પરાણે, ઘરના સાથે ઝઘડીને એ ત્રણ રેસમાં ઘુસ્યા હતા એટલે એમનો ચાન્સ પણ ઓછો હતો, બંટી સાતમે પહોંચ્યો. સાતમાંથી બે જણાએ એક મહિનો રેસની પ્રેક્ટિસ કરેલી જયારે બંટી તો આખું વર્ષ રોજ સવારે રનીંગ કરવા જાય છે. એટલે રહ્યા પાંચ. આ પાંચમાંથી ત્રણ જણા તો ત્રણસો મીટરની રેસ જીતી જવા ઝઝૂમતા હતા જયારે બંટીની પ્રેક્ટિસ તો કાયમ પાંચસો મીટરની સ્ટેટ લેવલની રેસ જીવતા માટેની હતી એટલે બાકી રહ્યા બે. બસ આ બે વચ્ચે જે રસાકસી હતી એનો કોઈ તોડ નહોતો. છેક છેલ્લી ઘડી સુધી બંને એક સરખી જ લાઇનલેન્થમાં હતા પણ જે બીજો આવ્યો એણે એક જ ભૂલ કરી કે હતી કે એ રેસને એન્જોય નહોતો કરી રહ્યો, પણ ક્યાંક હારી તો નહિ જવાય ને? ક્યાંક બીજો કોઈ જીતી તો નહિ જાય ને? એવી સહેજ અમથી ચિંતા સાથે દોડતો હતો એમાં બંટી ફર્સ્ટ આવી ગયો."
આટલું બધું ઊંડું રોમાંચક-રસપ્રદ વિશ્લેષણ સાંભળી અમે સૌ વિચારમાં પડી ગયા. મને ફરી પેલા મિત્રનું વાક્ય યાદ આવ્યું: જિંદગી એક રેસ છે. સવાર પડે છે અને ઉગતો સૂર્ય રેફરીની જેમ ‘ગેટ સેટ ગો’ની સીટી વગાડે છે. દિવસની પ્રત્યેક મિનિટને ‘જીત’થી ભરી દેવા રોજ કૂદકો મારી પથારી છોડવાની બદલે કેટલાય ‘અમારી સ્કૂલના ભણેશરી વિદ્યાર્થીઓ’ જેવા ‘રૂટિન લાઇફ ન છોડવા માંગતા’ લોકો સમાચાર-છાપું-મોબાઈલ વગેરે મચડવા માંડી જાય છે. વિજેતા બંટીડાઓ રોજ સવારે તળાવે રેટ્રો સોંગ્સ સાંભળતા સાંભળતા જોગીંગ કરવાનું કે અગાશીએ સૂર્ય નમસ્કાર કરવા કે મેડિટેશન કે યોગા કરવાનું અને કેટલાક લેખક મિત્રો આર્ટીકલ કે સ્ટોરી લખવાનું શરૂ કરી દે છે ત્યારે રૂટિનિયાઓ એક્સ્ટ્રા ધંધા-શેરબજાર-કે રાજકારણની ચર્ચામાં પોતાનો ટાઇમ ઇન્વેસ્ટ કરે છે. વિનર્સ લોકોનું પોતાનું એક અલગ ટાઇમટેબલ હોય છે, જે ‘પૈસા કમાવાના રૂટિન ટાઇમટેબલ’ ઉપરાંતનું અને એના કરતાં વધુ વ્યસ્ત અને મસ્ત હોય છે. રૂટિનિયાઓ જયારે ઓફિસ ટાઇમ દરમિયાન ખણખોદ, નિંદાકુથલી કે ખટપટ શરૂ કરે છે ત્યારે આ વિનરીયાઓ ઓફિસમાં જ આર એન્ડ ડી (રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) માટે કમ્પ્યૂટર કે મોબાઇલમાં લર્નિંગ સાઇટ ખોલીને બેસી જતા હોય છે. રૂટિનિયાઓ ઓફિસની દરેક એક્સ્ટ્રા એક્ટિવીટીમાંથી છટકબારી શોધતા હોય છે ત્યારે વિનરિયાઓ એ જવાબદારી માટે સૌથી પહેલું નામ પોતાનું લખાવવા ઉત્સુક હોય છે. દિવસની દરેક મિનિટને જીતવા નીકળેલા વિનરીયાઓ સાંજે ફેમિલી સાથે કરાઓકેની મહેફિલ જમાવે છે અથવા ટાઉનહોલમાં નાટક જોવા કે ગીતોની મહેફિલ માણવા કે ચિત્ર પ્રદર્શન જોવા સૌથી મોખરે પહોંચી જાય છે. ક્યાંય પણ આનંદ-ઉત્સાહની વાત થતી હોય એટલે આમંત્રણની રાહ જોયા વિના ત્યાં પહોંચી જાય છે. આવા વિનર્સની ભીતરે જીતનો ધખારો એટલો બધો ધગધગતો હોય છે કે એક પણ કાર્યક્રમ કે પ્રસંગ કે મોજ માણવાનો મોકો ચૂકવો ન પડે એ માટે એકસામટી બે-ચાર રાતોના ઉજાગરા અને ઓવર ટાઈમ કરવામાં પણ આ લોકો પાછા પડતા નથી. રૂટિનિયાઓનું ફેવરીટ સોંગ ‘જિંદગી બોજ બન ગયી અબ તો, ના તો જીતા હું ઓર ના મરતા હું’ સાંભળી વિનરીયાઓ તરત જ ચેનલ બદલી ‘જિંદગી હસને ગાને કે લિયે હૈ પલ, દો પલ, ઇસે ખોના નહિ, ખો કે રોના નહિ.. જિંદગી...’ ગીતને ટયુન કરી છેક અંતરના ઊંડાણથી ગણગણવાનું ચાલુ કરી દે છે.
ડીયર વિનર મિત્રો ! તમને થશે કે મેં મિત્રોની આગળ ડીયર વિનર શા માટે લખ્યું? લે, ભૂલી ગયા? તો સોનાના કાન કરીને સાંભળી લો, માનવજીવનની આ ફાઈનલ રેસમાં ઉતરતા પહેલા તમે ચોર્યાસી લાખ માઈનસ વન, જેટલી રેસ રમી ચૂક્યા છો અને જીતી ચૂક્યા છો એટલે જ તમને આ ફાઈનલ રાઉન્ડમાં એન્ટ્રી મળી છે. મિત્રો જિંદગીની રેસ ચાલુ છે. ઘણાં પાછળ કૂતરું પડ્યું હોય એમ જીવ પર આવી, ગભરાતા, બેફામ દોડી રહ્યા છે તો ઘણા જેમ પ્લેહાઉસમાંથી છૂટેલું બાળક પોતાની મમ્મીને જોઈ વહાલથી, ઉમંગ-ઉત્સાહથી, હસતું-ગાતું-નાચતું, કૂદતું દોડતું હોય એમ જીવી રહ્યા છે. તમારા જેવા સારા માણસો રેસમાં ભાગ લે એ માટે તો કાનુડાએ આખી ગીતા કહી છે, તમે રમો છો એટલે કાનુડાને ગમો છો. તમે દોડો છો એ માટે કાનુડો તમારી ભીતરે, તમારી સાથે તમારા કરતા પણ વધુ દોડે છે. તમે જીતો તો જ તમારો કાનુડો જીતે, તમારો કાનુડો જીતે એ માટે તમારું જીતવું જરૂરી છે. તમે છો ત્યાં કાનુડો છે અને કાનુડો છે ત્યાં જીત છે એ તો તમે સૌ જાણો જ છો ને? અને હા, એટ ધી એન્ડ ઓફ ધ રેસ, ફિનિશ લાઈન પર હૃદયસ્થ કાનુડો તમારું સ્વાગત કરવા, તમને દરેક શ્વાસે બકઅપ કરતો ઊભો છે હોં. બસ યુ ડોન્ટ ક્વિટ ટીલ ધી એન્ડ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)