Savai Mata - 23 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 23

Featured Books
Categories
Share

સવાઈ માતા - ભાગ 23

સમીરભાઈએ વાતો કરતાં કરતાં ભરતકુમાર સાથે ચાલવા માંડ્યું. સમુ અને મનુ તેમની સાથે સાથે કૌતુહલભરી નજરે ચાલવા માંડ્યાં.

લિફ્ટ આવતાં જ બધાં તેમાં પ્રવેશ્યાં અને ભરતકુમારે આઠ નંબરનું બટન દબાવ્યું અને બોલ્યાં, "કુલ ૧૨ માળની આ ઈમારતમાં બે ફ્લેટ છે મારાં, એક આ આઠમા માળે અને બીજો તેની બરાબર ઉપર નવમા માળે. નવમા માળવાળો બે જ દિવસ પહેલાં લેવેન્ડર કોસ્મેટિક્સના સેલ્સ મેનેજરે ભાડેથી રાખ્યો છે. તેઓ સૌરાષ્ટ્રથી આવે છે. આવતા અઠવાડિયે પરિવાર સહિત અહીં રહેવા આવી જશે. તેમનેય તમારી માફક જ ઉતાવળ હતી."

સમીરભાઈએ તેમને હસીને પ્રત્યુત્તર વાળ્યો, "આ અમારી દીકરી રમીલાને પણ લેવેન્ડર કોસ્મેટિક્સમાં જ નોકરી મળી છે એટલે જ અમે અહીં ઘર ભાડે રાખવા આવ્યા છીએ. કંપનીથી ઘર તો ઘણુંય દૂર. વળી, તે ભણે પણ છે. રોજરોજ અપડાઉન તો કેમ કરી થાય?"

ભરતકુમારે વાત આગળ વધારી, "હા, હા. એ તો છે જ. આટલું થાકે તો માણસ જીવે કેમ કરી? નજીક ઘર હોય તો થોડું જલ્દી પહોંચાય. પણ, તમે આટલો મોટો ફ્લેટ કેમ લેવા માંગો છો. દીકરી તો અહીં એકલી જ... "

મેઘનાબહેન બોલ્યાં," ના, ના ભાઈ. તે એકલી નહીં, તેનાં માતા-પિતા, ભાઈ-બહેનની જોડે જ રહેશે. વળી, તેનાં બીજાં ત્રણ ભાઈબહેન પણ છે. બધાંની અવરજવર હોય તો નાનું ઘર કેમ કરી ફાવે?"

લિફ્ટ ઊભી રહીને ખૂલતાં બધાં બહાર નીકળી ફ્લેટની લોબીમાં આવ્યાં. બધાંની હાજરીમાં વિગતે પૂછવું યોગ્ય ન લાગતાં ભરતકુમારે થોડું મૌન સેવી ૮૦૫ નંબરનો ફ્લેટ ઉઘાડ્યો અને અંદર પ્રવેશતાં બોલ્યાં," અહીં દરેક માળ ઉપર આઠ-આઠ ફ્લેટ છે. અહીંનાં કુલ છ ટાવરમાં જ મારાં પાંચ ફ્લેટ છે. બે ભાડે આપેલ છે. એક મેં મારા દીકરા માટે રાખ્યો છે. છ મહિના પછી તેનું લગ્ન છે. લગ્ન પછી તે અહીં જ રહેશે. હાલ, ત્યાં ફર્નિચર બની રહ્યું છે."

સમીરભાઈએ તેમની વાતમાં હોંકારો ભણ્યો. બધાં ફ્લેટમાં પ્રવેશી ચૂક્યાં પછી ભરતકુમારે આગળ વાત ચલાવી, આ ફ્લેટ તમે જોઈ લો. પછી સામેનાં 'સી' ટાવરના પાંચમા માળના ફ્લેટમાં જઈએ. આ ફ્લેટની વિશેષતા એ છે કે અહીં પાછળના બેય બેડરૂમમાંથી મેઈનરોડ દેખાય છે. પરવારીને બાલ્કનીમાં બેઠાં હોઈએ તો બધી અવરજવર દેખાય. એકલું ન લાગે. પાછું, અહીં ત્રણેય બેડરૂમમાં એટેચ્ડ બાથરૂમ છે અને બેઠકરૂમ સાથે કોમન તો ખરૂં જ. પૂજાઘર અને ડ્રેસર એકબીજાની આગળપાછળ છે અને આ બેઠકરૂમ તો ખાસો વીસ બાય અઢાર ફૂટનો છે અને આગળ બાલ્કની તો ખરી જ. એક વખત આ જોઈ લો પછી સામે જઈએ."

સમીરભાઈએ હકારમાં માથું હલાવ્યું. ભરતકુમારની આ વાતો ચાલતી હતી ત્યાં સુધીમાં રમીલા અને મેઘનાબહેન ફ્લેટનાં ઓરડા જોવા લાગ્યાં. સમુ અને મનુ તેમની પાછળ પાછળ હતાં. બેઠકરૂમથી રસોડાં તરફ જતાં નાનકડી લોબી પસાર કરવવાની હતી જેથી આવનાર સીધું રસોડામાં શું થઈ રહ્યું છે એ જોઈ ન શકે. તેઓ જેવાં રસોડામાં પહોંચ્યાં ત્યાં જોયું કે રસોડામાં જે દિવાલ ઉપરના ભાગે કાચનું પાર્ટિશન ધરાવતી હતી, ત્યાંથી રસોડામાં રહેલ વ્યક્તિને બહાર બેઠકખંડની બધી પ્રવૃત્તિઓ દેખાતી રહે એમ ગોઠવણ થયેલ હતી. આમ પણ રમીલા અને મેઘનાબહેન બંનેને બેઠકરૂમ સાથે જોડાયેલું ખુલ્લું રસોડું પસંદ નહોતું. રસોડામાં ગ્લાસ કૂક ટોપ સાથે ચીમની, સી શેઈપ કીચન પ્લેટફોર્મ, નીચે રેક અને ડ્રોઅર ધરાવતું ફર્નિચર અને ઉપરના ભાગે કાચનાં બારણાવાળાં નાજુક કબાટોથી સજાવેલું વપરાશ માટે તૈયાર હતું. ત્રણેય બેડરૂમમાં ડબલ બેડ અને એક-એક દિવાલમાં વોર્ડરોબ કરેલાં હતાં. પંખા અને ટ્યુબલાઈટ તેમજ એલ. ઈ. ડી. પણ બધે જ લગાવેલાં હતાં.

આખાં ઘરનું નિરીક્ષણ કરી મેઘનાબહેન અને રમીલાએ કાંઈ સંતલસ કરી સમીરભાઈને પોતાનો નિર્ણય જણાવી દીધો.

સમીરભાઈ ભરતકુમાર પાસે ગયાં અને જણાવ્યું, "અમને આ જ ફ્લેટ પસંદ આવી ગયો છે. બીજાં જોવાં નથી. તમે વાજબી ભાડું કહી દો એટલે બનતી ઝડપે અમે અહીં શિફ્ટ કરીએ. થોડાં જ દિવસોમાં આ દીકરીની કોલેજ અને આ બાળકોની શાળા શરૂ થશે. મેઘનાબહેન અને રમીલા ઘર જોતાં હતાં ત્યારે ભરતકુમારે રમીલા અને તેનાં પરિવારનાં સમીરભાઈનાં પરિવાર સાથેનાં બંધન વિશે જાણી લીધું હતું. તેઓ સમીરભાઈ અને મેઘનાબહેનનાં આટલાં ઉમદા સ્વભાવથી અતિ લાગણીવશ થઈ ગયાં હતાં. તેમણે એક દીકરી પાસેથી જ ભાડું લેવાનું હોય એમ ગણી બજારભાવથી અડધું જ ભાડું ઠરાવ્યું અને ડિપોઝીટ પણ ત્રણ ભાડાં જેટલી ન લેતાં એક જ ભાડાં જેટલી લીધી.

સમીરભાઈ ચેકબૂક લઈને જ આવ્યાં હતાં. તેમણે છ મહિનાનું ભાડું અને ડિપોઝીટની રકમ ભરીને ચેક તૈયાર કરી રમીલાનાં હાથે જ ભરતકુમારને અપાવ્યો. ભરતકુમારે ચેક લઈ માથે અડાડ્યો અને ખિસ્સામાં મૂકી દીધો. બાળકો અને રમીલાનાં માતાપિતાને ઘણોય આનંદ હતો. ભરતકુમાર ભાડુઆતનાં કરારનાં કાગળ બે દિવસમાં તૈયાર કરાવશે એમ કહ્યું અને કરાર સમીરભાઈએ પોતાનાં નામથી જ બનાવવા કહ્યું જેથી રમીલાને કોઈ કાયદાકીય કામકાજમાં સમય ન આપવો પડે. એ પણ નક્કી થઈ ગયું કે કરાર ઉપર સહી કરવાનાં દિવસે જ તેઓ અહીં રહેવા આવી જશે.

ફ્લેટમાંથી નીચે આવી બધાં ઘર તરફ જવા ગાડીમાં બેઠાં. રસ્તામાં રેસ્ટોરેન્ટ પાસે ગાડી થોભાવી સાદું ગુજરાતી ભોજન લઈ સમીરભાઈ બધાંને લઈ ઘરે ગયાં અને મેઘનાબહેન તથા રમીલા ત્યાંથી રીક્ષામાં બેસી બાકી નાની મોટી વસ્તુઓની ખરીદી કરવા ગયાં. તેમને ખરીદી કરતાં બીજાં ત્રણેક કલાક થયાં. ત્યાં જ નિખિલનો ફોન આવ્યો, "તમારી ખરીદી થઈ ગઈ હોય તો લોકેશન મોકલો, લઈ જાઉં."

રમીલાએ લોકેશન મોકલતાં જ નિખિલ મનુને લઈને નીકળ્યો અને બંનેને સામાન સાથે ગાડીમાં ઘરે લઈ ગયો. ઘરે પહોંચી ફ્રેશ થઈને રમીલાએ નિખિલ સાથે મળીને ચા-નાસ્તાની તૈયારી કરી. ચા નાસ્તો કર્યાં પછી બધાંએ થોડો આરામ કર્યો. સાંજે નિખિલે મેઘનાબહેનને જણાવ્યું કે બપોરે તેણે બંને બાળકોને ભણાવી લીધાં છે. મેઘનાબહેન બેય બાળકો ઉપર ખુશ થયાં. નિખિલની સમજદારીથી તો તેઓ પરિચિત હતાં જ પણ આ ઝૂંપડીમાં ઉછરેલાં બાળકો પણ ઘણાંય સમજુ હતાં તે જોઈ તેમને ઘણો સંતોષ થયો.

તેઓ રાત્રીની રસોઈ માટે ફ્રીજમાંથી શાક પસંદ કરતાં હતાં ત્યાં જ રમીલાની માતા આવી અને તેણે થોડાં સંકોચ સાથે કહ્યું, "બુન, તમન વાંધો ન ઓય તો આજ ઉં રાંધું? તમ લોકે થાયકાં અસો ને ઉં આંય તણ દિ' થી ખાલી જ બેઠી સું."

મેઘનાબહેન મલક્યાં અને બોલ્યાં, "બહેન એથી રૂડું શું હોય? બોલ શો સામાન જોઈએ તે કહે. કાંઈ બહારથી લાવવાનું હોય તો એ પણ ગલીની બહારની દુકાનવાળો આપી જશે."

રમીલાની માતા બોલી, "બુન, મકાઈ ને બાજરાનો લોટ, અડદની દાર, મરચાં, ડુંગરી ને લહણ જોવે,બસ. અન તમ આંય ટેબલ પર જ બેહજો. મન ગેસ ચલાવતા નથ આવડતું. કે'તા રે' જો એમ કરા."

આ બધી જ સામગ્રી સામાન્યતઃ ઘરમાં હોય જ એટલે મેઘનાબહેને તેને બધી જ સામગ્રી કાઢી આપી. રમીલાની માતા હાથ ધોઈ પોતાને આવડતી રાંધણકળાનો ઉપયોગ કરી કામે લાગી. એકાદ કલાકમાં તો રસોડું અડદની વઘારેલી દાળ અને બાજરી તેમજ મકાઈનાં જાડાં પણ પોચાં પોચાં રોટલાની સુગંધે મહેકી ઊઠ્યું. નિખિલે ડાઇનિંગ ટેબલ ઉપર થાળીઓ મૂકી, પાણીનાં ગ્લાસ ભર્યાં અને ફ્રીજમાંથી દહીં કાઢી છાશ બનાવી. રમીલાએ ડુંગળી અને ટામેટાં સમારી લીધાં.

મેઘનાબહેને સમીરભાઈ, રમીલાનાં પિતા, સમુ અને મનુને જમવા બોલાવ્યાં. બધાંએ ખૂબ ઉત્સાહથી ભોજન લીધું. નિખિલ, મેઘનાબહેન અને સમીરભાઈએ રમીલાની માતાની રસોઈનાં ખૂબ વખાણ કર્યાં. મેઘનાબહેનનાં મનમાં એક વાતનો વિશ્વાસ બેઠો, 'રમીલાને નવાં ઘરે રસોડામાં તેની માતાનો પૂરતો સહકાર મળી રહેશે.' આખરે તે હજી ભણતી હતી અને ઉંમરમાં નિખિલથી એક જ વર્ષે મોટી હતી. આખાંયે ઘરની જવાબદારી વળી, પરિવાર સાથે અને ભણતર તેમજ નોકરી સાથે, કેમ કરી તેનાં માથે નંખાય?

જમ્યા બાદ બાળકો સમીરભાઈ અને રમીલાનાં પિતા સાથે નજીકના બાગમાં લટાર મારવા ગયાં. નિખિલ વાંચવા બેઠો અને રમીલાએ મેઘનાબહેન સાથે મળી રસોડું આટોપ્યું. ત્યાં સુધીમાં રમીલાની માતાએ બીજા દિવસના નાસ્તા માટે મેથી અને સૂવાની ભાજી ધોઈ, કોરી પાડીને એકદમ ઝીણી સમારી દીધી જેથી સવાર સવારમાં થેપલાં બનાવવામાં વધુ સમય ન જાય. બાગમાંથી સમીરભાઈ પણ બધાંને લઈ પાછાં ફર્યાં. થોડી અલપઝલપની વાતો કરી બધાં અગિયાર વાગ્યે સૂવા ગયાં. બીજાં દિવસે સવારે દસ વાગ્યે નીકળવાનું નક્કી થયું જેમાં રમીલા અને તેનાં માતા-પિતાનાં થોડાં નવાં કપડાં, ચંપલ અને બીજો થોડો સામાન લેવાનો હતો.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻