વાત્સલ્યની દેવી મા
સવાર થતા જ ફોનની ઘંટડીનો અવાજ સંભળાય છે. મા દોડતી આવે છે અને કહે છે. મારા રોહનનો ફોન છે. ફોન ઉપાડતા જ રોહન બેટા તું કેમ છે ? તે આટલા વર્ષોમાં મને આજે યાદ કરી. અમેરિકામાં તારું ભણવાનું પતી ગયું ? નોકરીમાં તને પ્રમોશન મળી ગયું.બેટા મારી પુત્ર વધુ કેમ છે ? ચિરાગ ચાલતા શીખી ગયો કે નહીં ? એક જ શ્વાસમાં મા એ રોહનને અનેકો પ્રશ્ન પૂછી લીધા. રોહને કહ્યું હા મા બધું બરાબર છે. હું અમેરિકાથી આવું છું તને લઈ જવા માટે. હવે તો સરસ મજાની કાર પણ ખરીદી લીધી છે અને રત્નાએ પણ હવે તને સાથે રાખવાનો આગ્રહ કર્યો છે. તારો ચિરાગ તો રોજ તને યાદ કરતા કહે છે મારા દાદી કેમ છે. મારે દાદીને મળવું છે. હું તને લેવા આવી રહ્યો છું .મા કહે છે ખરેખર બેટા તું સાચું કહે છે દીકરા મને વિશ્વાસ નથી થતો. હું બધાને કહેતી હતી ને કે મારો રોહન આવશે અને મને લઈ જશે. પણ બેટા અમેરિકામાં જિનાલય તો છે ને હું મંદિર વગર નહીં રહી શકું. હા મા અહીંયા બધું જ છે.
હું કાલે સવારે ૫.૩૦ ની flight ✈ મા આવી રહ્યો છું. મેં તારો પણ visa કઢાવી લીધો છે અને બીજી બધી Process પણ પતાવી દીધી છે. તું બધી તૈયારી કરીને રાખજે . હું ફોન મુકું છું. માની ખુશીનો પાર નથી રહેતો. તેને હવે એક એક પળ તેને વર્ષો જેવી લાગે છે. તે પુત્રનું સ્વાગત કરવા તૈયારી કરે છે. રોહનને શુ ભાવે છે? રોહન ને શું ગમે છે? રોહનને શું નથી ગમતું? વગેરે યાદ કરતા રોહન માટે વિવિધ મીઠાઈઓ, વાનગીઓ બનાવીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવીને રાખે છે. સવારથી લઈને આખો દિવસ રોહનના સ્વાગતની તૈયારી કરે છે. રોહનનું ચાલવું ,બોલવું, સ્કૂલે જવું, રિસાઈ જવું ,ગુસ્સે થવું ,જીદ કરવી, બીમાર થવું પહેલી વાર શાળામાં એડમિશન મેળવવું ,અને છેલ્લે અમેરિકા જવું બધું જ યાદ કરતા - કરતા મા જેમ તેમ કરીને રાત પસાર કરે છે.
વહેલી સવારે ઉઠતાની સાથે જ દરવાજાની ઘંટડી વાગે છે મા જેમ દરવાજો ખોલે છે ને સામે રોહન ઉભો હોય છે મા રોહનને ભેટી પડે છે. માં રોહન સાથે કઈ વાતો કરે એ પહેલા તે મા ને કહે છે કે મા મારી પાસે ટાઈમ નથી . આપણે સાંજે જ પાછા જવાનું છે અને મને નોકરીમાંથી વધારે દિવસની રજા નથી મળી. મા કહે છે પણ બેટા તું જમી તો લે . નિરાંતે બેસ તો ખરા મેં તારી પસંદનું ભોજન બનાવ્યું છે .રોહન જેમ તેમ કરીને જમી લે છે અને જમતા - જમતા કહે છે મા હવે તું મારી સાથે આવવાની છે તો આ મકાનની શી જરૂર છે . મને મકાનના કાગળિયા આપ . હું વકીલથી મળીને આ મકાન વેચી વહેંચી દઈશ.મા એક મિનિટ માટે મૌન બની જાય છે. મા કહે છે પણ બેટા મકાન વેચવાની શી જરૂર છે. આ મકાનની એક એક ઈંટોમાં તારા પિતાજીની યાદો છે. આ મકાનમાં રહીને મેં ઘણા સુખ દુઃખ સહન કર્યા છે. અને હા તારું બાળપણ આ મકાનમા જ વિતાવ્યું છે. રોહન ખૂબ જ ગુસ્સે થતા ઊંચા સ્વરે મા ને કહે છે મા મારી પાસે સમય નથી આપણે જતા રહીશું તો આ મકાનની સંભાળ કોણ રાખશે.મા એક બાજુ મકાનને જુએ છે અને બીજી તરફ દીકરાને જુએ છે .તે બે માંથી કોને પસંદ કરે. ઘણું વિચાર્યા પછી એને પુત્રની વાત માની લીધી. આખરે મકાન વહેંચાઈ જાય છે. મકાનના પૈસા રોહને મોટી બેગમાં ભર્યા. મા રોહન સાથે ચાલતી થાય છે. એરપોર્ટ પર રોહન મા ને બહાર બેસાડીને કહે છે કે મા તું અહીંયા બેસ. હું બધું સામાન મુકાવી, ચેકિંગ કરાવીને આવું છું .હું અંદર જવું છું. માં કહે છે ભલે બેટા જલ્દી આવજે.
રોહન પાંચ છ કલાક સુધી પાછો ના આવ્યો .સમય ધીરે ધીરે પસાર થતો ગયો . મા હવે ધીમે ધીમે વ્યાકુળ થવા લાગી તે ઉભી થાય છે અને અંદર જાય તે પહેલા ત્યાંના કર્મચારીઓ તેમને રોકે છે . અંદર જવા દેતા નથી. મા કહે છે મારો દીકરો અંદર ચેકિંગ માટે ગયો છે એ મને લેવા આવ્યો છે તે મને બધે શોધશે અને હેરાન થશે. મને અંદર જવા દો. કર્મચારીએ લિસ્ટમાં નામ જોઈને કહ્યું કે રોહન નામની વ્યક્તિ ત્રણ કલાક પહેલા અમેરિકાની ફ્લાઈટમાં રવાના થઈ ચૂક્યો છે. તેને ગયે ત્રણ કલાક થઈ ગયા છે. મા ત્યાં જ જમીન પર ઢળી પડે છે અને રોવા લાગે છે. બેટા આ તે શું કર્યું? તે તો મારો સહારો એક માત્ર મકાન પણ વેચી નાખ્યું. હવે હું ક્યાં જઈશ ક્યાં રહીશ. અડધી રાત્રે મા રોતા રોતા પોતાના મકાનના ઓટલે આવે છે અને ત્યાં જ ઊંઘી જાય છે. સવાર થતા મકાન માલિક દરવાજો ખોલે છે ત્યાં મકાન માલિક કહે છે મા તું ચિંતા ના કર. હું તને એક રૂમ તારા નામે કરી આપ્યું છું. માં કહે છે બેટા મારો દીકરો જતો રહ્યો છે અને એ મા છ મહિના સુધી ઓટલે બેસીને દીકરાની રાહ જોવે છે કે મારો રોહન આજે નહીં તો કાલે આવશે અંતે એ જ મકાનના ઓટલે મા રોહનની રાહ જોતા મૃત્યુ પામે છે.
આ સમગ્ર દુનિયામાં મા ની તુલના કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં. માટે જ ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રચલિત કહેવત છે 'મા તે મા બીજા બધા વગડાના વા' મા નું ઋણ ક્યારે ના ચૂકવી શકાય. મા જે અંદરો અંદર બધું સહન કરે છે જે હંમેશા ઈશ્વરને પોતાના સંતાનની પ્રગતિની પ્રાર્થના કર્યા કરે છે. જે બધા દુઃખો સહન કરે તો પણ ક્યારે પોતાના સંતાન સમક્ષ વ્યક્ત ન કરે. તે કઈ આશા રાખે મારા સંતાનો મોટા થઈને પ્રગતિના શિખરો સુધી પહોંચે. પોતાની દરેક ઈચ્છાઓ મારીને તે બાળકોને યોગ્ય સંસ્કારી ,શિક્ષિત અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવે છે. એ જ સંતાનો તેમની મા ને તરછોડી દે છે . એક વાક્યમાં બધુ કહી દે છે તે મારા માટે શું કર્યું છે? એમાં શી નવાઈ? અરે કેટલાને તો એ જ મા બાપ ભારરૂપ લાગે છે.મોટા થઈને તેમની પાસે મા ની ખબર અંતર પૂછવાનો પણ સમય નથી. મા આખો દિવસ રાહ જોતી હોય છે કે મારો દીકરો હમણાં આવશે. દીકરો આવતાની સાથે પોતાની પત્ની અને સંતાનો સાથે જઈને ઊંઘી જાય છે. જ્યારે મા રાહ જોતી બેસી રહે છે કે દીકરો હમણાં આવશે. શું માની કોઈ અપેક્ષાઓ નહીં હોય? નાનપણમાં જ્યારે દીકરો ખાય નહીં ત્યારે મા ખાવાનું છોડી દેતી. બાધાઓ રાખતી, કેટ કેટલા મંદિરો અને દેવી-દેવતાઓને પૂજતી હતી પ્રભુને પ્રાર્થના કરતી. અરે એ માની તુલના તો અતુલનીય છે. જેની સરખામણી કોઈની સાથે ન કરી શકાય.આજની મોટામાં મોટી વિડંબના એ છે કે આજની યુવા પેઢી પોતાના માતા પિતાને તરછોડી દે છે. તેમની અવગણના કરે છે. તેમને વૃદ્ધાશ્રમ મૂકે છે. તેમને છોડીને વિદેશ ભણવા માટે જાય છે અને ક્યારે પાછા આવતા નથી.જો આજ યુવા પેઢી પોતાના માતા પિતાનું આદર અને સન્માન કરતા શીખી જાય, તેમનું મૂલ્ય આંકતા થઈ જશે તો દેશના બધા જ વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે.