Savai Mata - 19 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 19

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સવાઈ માતા - ભાગ 19

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૧૯)
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
તા. ૦૧-૦૪-૨૦૨૩

રસોડું આટોપી મેઘનાબહેન અને રમીલાની માતા બેઠકરૂમમાં આવ્યાં. ઘરની રીતભાત મુજબ બધાં પરિવારજનો આવતા સમીરભાઈએ મહત્વની વાત છેડી.

તેઓ બોલ્યા, ”નિખિલ, મારી બેગ લાવજે બેટા.”

નિખિલે ઉભા થઇ તેમની બેગ આપી. સમીરભાઈએ તે ઉઘાડી ચાર જેટલાં બ્રોશર રમીલાનાં હાથમાં મુક્યાં. બધાં જ નવી સ્કીમના ફ્લેટના બ્રોશર હતાં.
રમીલા બોલી ઉઠી, “પાપા, આપણે તો ભાડેથી ફ્લેટ લેવાનો છે ને?”

સમીરભાઈ બોલ્યાં, “હા, હમણાં તો ભાડેથી જ લેવાનો છે પણ, આ નવલરામનાં મોટાભાઈએ ઘણીબધી સ્કીમમાં પોતાના ફ્લેટ લઇ રાખ્યા છે, જેને તેઓ ભાડે થી આપે છે એટલે આપણને આ ચાર સ્કીમમાં રહેવા માટે તદ્દન નવા અને ત્રણ બેડરૂમ વાળા ફ્લેટ સીધાં ત્રણ-ચાર વર્ષ માટે જ મળી જશે. વારેઘડીએ ઘર બદલવાની ઝંઝટ નહીં. તારો અભ્યાસ, ઇન્ટર્નશીપ અને નોકરી બધું સચવાઈ જાય. આ નાનાં બેયને પણ સ્કૂલ જતાં-આવતાં તકલીફ ન પડે એટલા નજીક ફ્લેટ છે, ચાલીને પણ જઈ શકાય. માંડ ત્રણેક મિનિટનું અંતર છે.”

થોડો શ્વાસ લઈ સમીરભાઈ મેઘનાબહેન તરફ ફર્યાં અને બોલ્યાં, “કાલે તમે લોકો જોઈ આવજો અને નવલરામને જણાવી દેજો કે કયો ફ્લેટ ગમ્યો. કરાર બની જશે અને બે દિવસ પછી સામાન પણ મૂકવા માંડશે. કહો ક્યારે નીકળશો? નવલરામને ફોન કરી જણાવી દઉં કે તમે ક્યારે પહોંચશો. તે આ સરનામે જ મળશે. તેની ઓફિસ આજ સ્કીમમાં છે.”

મેઘનાબહેન રમીલા અને તેના માતાપિતાને પૂછી રહ્યાં, “અગિયાર વાગ્યે જવાનું ફાવશે ને ? જમીને તરત નીકળી જઈશું.”
ત્રણેયે સંમતિ આપી. થોડી વાતચીત કરી, આવતીકાલના બીજાં કામકાજ નક્કી કરી બધાં સૂવા ગયાં અને નિખિલ પોતાનાં ઓરડામાં વાંચવા બેઠો. રમીલા તેના ઓરડામાં પાણીનો જગ ભરી મૂકવા ગઈ.

નિખિલ તેને જોઈ બોલ્યો, “દીદી, તું જતી રહીશ પછી મને તો બહુ સુનું-સુનું લાગશે. તારી સાથે રહેવાની આદત પડી ગઈ છે.”

રમીલા પણ ભાવુક થઇ ગઈ, “હા નિખિલ, ભાઈ મને પણ તારા વિના રહેવાની, એકલા વાંચવાની આદત નથી. તારી સાથે થોડું ઝઘડું નહીં, તો મને જમવાનું પણ ગળે નથી ઉતરતું. અને હા, તારી જોડે તો મોટી મા અને પાપા પણ છે. મારી જોડે તો બેય નહીં આવે. ઉપરથી આ બેય નાનાં ભાઈ-બહેન અને સાવ અબુધ એવા માતા-પિતાની જવાબદારી પણ વધી જશે. કેમ કરીને બધું સંભાળીશ? પાછું ભણવાનું અને નોકરી તો ખરાં જ.”

ત્યાં જ મેઘના બહેન ઓરડામાં પ્રવેશ્યાં. રમીલાને બોલતી સાંભળીને તેમનું મન પણ થોડું લાગણીવશ થઇ ગયું.

તેઓ બોલ્યાં, “અરે દીકરા, ચિતા ન કર. બધાં રસ્તા નીકળી રહેશે. ઘર થશે એટલે આપોઆપ બધું ગોઠવાતું જશે. અને, હું ક્યાં દૂર છું? તને મળવા આવતી રહીશ. હું એ તો જાણું જ છું કે હવે તને રજાઓ નહિ મળે અને જો મળશે તો તું તારા અભ્યાસમાં એ વધારાનો સમય આપીશ, પણ કોઈ ચિંતા ન કરીશ. બધું જ સચવાઈ જશે.”

તેઓ રમીલાના ,માથે હાથ ફેરવી રહ્યાં. રમીલા જાણે કેટલીયે દૂર જઈ રહી હોય તેમ ભાવુકતાથી તેમને વળગી રહી. નિખિલ વાતાવરણને હળવું કરવા રમીલા સાથે મજાક કરવા લાગ્યો. થોડી વારમાં તે સ્વસ્થ થઈ અને મેઘનાબહેન સાથે ઓરડામાંથી બહાર નીકળી. બેય પોતપોતાના ઓરડામાં ગયાં.

બીજી સવારે બંનેએ વહેલા ઉઠી ઘરની સફાઈ કરી, નહી લીધું. ઠાકોરજી ની સામે દીવો પ્રગટાવી રમીલાના જીવનનાં નવા અધ્યાય માટે મેઘનાબહેને પ્રાર્થના કરી તેને ઈશ્વરના આશીર્વાદ સમ ચરણામૃત આપ્યું. ભાવથી ચરણામૃત લઇ રમીલાએ પણ ઠાકોરજી સમક્ષ પ્રાર્થના કરી. મેઘનાબહેને બેયનાં પુરતી ચા બનાવી અને ડાયનિંગ ટેબલ ઉપર મૂકી. બંનેએ સવારની ચા શાંતિથી પીધી અને જલ્દી નીકળવાનું હોઈ કામે વળગ્યાં.

રમીલાએ મેઘનાબહેનનાં સૂચન પ્રમાણે બટાકા એકદમ ઝીણાં સમારી તેને રાઈ, લીમડો, તલ, મેથી દાણા, લાલ દ્રાક્ષ અને કાજુનાં ટુકડા નાખી વઘારી દીધાં. તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી, ઉપર કાચનું ઢાંકણ ઢાંકી, ધીમા તાપે ચઢવા મુક્યાં. ડબ્બામાંથી પૌંવા ચારણીમાં લીધાં અને પાણીમાં ધોઈને પલાળી રાખ્યાં. બટાકા ચઢી જતાં પૌંવા તેમાં ઉમેરી જરૂરી મસાલો કરી હલાવી લીધું. ફ્રિજમાંથી ટામેટાં, કોબી, કાકડી, બીટ, ગાજર અને મૂળા કાઢી તેનું કચુંબર બનાવી દીધું. ત્યાં સુધીમાં મેઘનાબહેને રવાનો શીરો બનાવી દીધો. થોડો શીરો નાનકડી ચાંદીની થાળીમાં કાઢી પૂર્ણ ભક્તિભાવથી ઠાકોરજીને ધરાવ્યો. રમીલાનાં મોમાં થોડો પ્રસાદ મૂકી તેનાં માથે પોતાની હથેળી ભાવપૂર્વક મૂકી ફરી એકવખત દીકરીના ક્ષેમ-કુશળ માટે ઈશ્વરને પ્રાર્થના કરી.

થોડી વારમાં એક પછી એક બધાં ઉઠી ગયાં. મેઘનાબહેને ફરી વખત ચા મૂકી. આજે બધાંએ એકસાથે જ ડાઈનિંગ ટેબલ ઉપર બેસી ચા-નાસ્તો કર્યો. ડાયનિંગ ટેબલ ઉપર દરેક પ્લેટમાં ગરમાગરમ શીરો, બટાકા-પૌંવા, કચુંબર, મોળી અને તીખી સેવ અને બાજુમાં મોટા -મોટા મગમાં ચા પીરસાયાં હતાં. બંને બાળકો માટે મોટા ગ્લાસમાં દૂધ હતું. તેમની આંખો આટલો નાસ્તો જોઈ ચકળવકળ થઈ રહી. ક્યારેક કસમયે ભૂખ લાગે તો કોઈ લારી ઉપર સસ્તું વડાપાંવ કે તીખું તમતમતું, નર્યું પાણી સમાન સેવ-ઉસળ ખાનારાં જીવોને સાચા અર્થમાં નાસ્તાનો અને પોષણનો અર્થ સમજાયો. બધાએ ધરાઈને નાસ્તો કર્યો પછી સમીરભાઈ ઓફિસ જવા નીકળ્યાં. આજે તેઓને એક મીટીંગનાં સંદર્ભે બહાર જમવાનું હોઈ, ટીફીન લઈ જવાનું ન હતું. તેઓ ઉતારીઘર બહાર નીકળ્યાં ત્યારે જ નિખિલ અને રમીલા તેમની સાથે જ બહાર નીકળ્યાં અને ગાડીમાં રહેલા વાસણનાં ખોખાં ગાડીમાંથી ઉતારી ગેરેજમાં જ ગોઠવી દીધાં અને તે નાની ગાડી લઇ સમીરભાઈ ઓફિસ ગયાં એટલે મેઘનાબહેન અને રમીલાનો પરિવાર મોટી ગાડીમાં જઈ શકે.

બેય અંદર આવ્યાં ત્યાં સુધીમાં નવું ઘર જોવા જવા માટે બધાં તૈયાર થઈ ગયાં. બંને બાળકો તો આવાં ઘર જેવું જ બીજું ઘર જોવા જવાનું છે અને પછી ત્યાં જ રહેવાનું છે એ વાતથી ખુબ જ ખુશ હતાં. આજે ફ્લેટ જોવાં જતા પહેલાં તે બંનેનાં માટે થોડાં નવાં કપડાં અને ચપ્પલ તેમજ બૂટ પણ લેવાનાં હતાં. જેવું રમીલાએ તે બંનેને કહ્યું, બેય ખુશખુશાલ થઇ ગયાં. ઘરેથી માત્ર પાણીની બોટલ અને પર્સ લઈને મેઘનાબહેન અને રમીલા નીકળ્યાં. તેમની પાછળ રમીલાનાં માતા-પિતા અને ભાઈ-બહેન પણ નીકળ્યાં. નિખિલે બધાંને વિદાય કરી બારણું બંધ કર્યું અને વાંચવા બેઠો. હવે તેણે વાંચવામાં ઉતાવળ કરવાની હતી જેથી રમીલા અને તેનો પરિવાર નવાં ઘરે રહેવા જાય, ત્યારે તે બે-ત્રણ દિવસ તેને સામાન ફેરવવા અને ગોઠવવામાં મદદ કરી શકે.

ક્રમશ:

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻