નવલકથા : સવાઈ માતા (ભાગ - ૧૮)
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
તા. ૩૧-૦૩-૨૦૨૩
રમીલાનાં પિતા થોડો આરામ કરી મોડેથી બેઠકખંડમાં આવ્યાં. ત્યાં તેમનાં બેય બાળકો બેસીને કોઈ રમત રમી રહ્યાં હતાં. તેય તેમની ભેગાં બેસી ગયાં અને સાપસીડીની રમત તેમની પાસેથી શીખવાં લાગ્યાં.
રમત રમતાં સમય ક્યાં જતો રહ્યો તેનો ખ્યાલ પણ ન આવ્યો. રોજ રોટલા ભેગું શાક પણ ખાવા ન પામતા આ અકિંચન જીવની ઘ્રાણેન્દ્રિય સુગંધથી તરબતર થઈ ગઈ. રસોડા તરફથી આખાંયે ઘરમાં એક મઝાની હવા ફેલાઈ રહી, જેણે આપોઆપ બધાંયની ભૂખ અનેકગણી ઉઘાડી દીધી. ડાઈનિંગ ટેબલ તરફ આગળ વધતી રમીલાએ નિખિલ, પોતાનાં પિતા અને ભાઈ-બહેનને સાદ દઈ જમવા બોલાવ્યાં.
ત્રણેય રમત છોડી હાથ-મોં ધોઈ-લૂછી ટેબલ તરફ આગળ વધ્યાં. રસોડામાં મેઘનાબહેન સાથે પોતાની પત્નીને પણ જમવાનું પીરસવામાં મદદ કરતી જોઈ રમીલાનો પિતા મનમાં નવાઈ અને ખુશી અનુભવી રહ્યો. ઝૂંપડામાંથી ફ્લેટમાં રહેવા જઈ રહેલી પત્ની શહેરનો કારભાર આટલો જલ્દી શીખવા લાગશે તેનો તેને વિશ્વાસ નહોતો.
તે ટેબલની આસપાસ ખુરશીઓમાં બધાંને બેઠેલાં જોઈ સહજપણે પૃચ્છા કરી બેઠો, "બુન, સાયેબ અજી આયવાં નથી? તેમને મૂકીને કેમ કરી ખવાય મારાથી?"
મેઘનાબહેન એક કહેવાતાં અભણની લાગણી જોઈ ગદગદ થઈ ગયાં. તેમણે હળવા સ્મિત સાથે પ્રત્યુત્તર આપ્યો, "ભાઈ, ચિંતા ના કરો. જમવાનો સમય થયો જ છે અને તેમને મોડું થશે. ઓફિસમાંથી નીકળ્યા પછી તેઓ તમારા માટે ફ્લેટ જોવા જવાના છે. પેલા નવલરામભાઈનો ફોન આવ્યો હતો. તેમણે આજે ચાર ઘર બતાવવાનું કહ્યું છે. આપણા આ ઘર થી ઘણું દૂર છે ને, એટલે તમારા સાહેબ ઓફિસથી સીધાં જ ત્યાં જઈ આવશે. આપણે બધાં જ કામમાં ઉતાવળ રાખવી પડશે. આ નાના બેયને શાળાએ મોકલવાનાં છે અને રમીલાને પણ કોલેજ અને નોકરી બંને શરુ કરવાનાં છે, બસ, હવે કાલથી ગણીએ તો, છ જ દિવસ રહ્યા છે.”
રમીલાની માતા મેઘનાબહેન તરફ ફરી બોલી, “બુન, તમારા આટલા ઉપકાર, અમાર બધ્ધાંથી મલીને બી ની ચૂકવાહે.”
તેના પતિએ તેની વાતને ટેકો આપ્યો, “એ તો હાચું જ સે. અમ લોક તો તમારું કામ કરી આપીહું, પણ તો બી તમે અમાર છોરાં હારું જે કરો સો, એનો ઉપકાર તો કોઈ દા’ડો બી ની વળાહે. તમે અમારી રમીલાની આખી જીંદગી બદલી કાડી અને આવે આ નાલ્લા બે ને બી સ્કુલમાં મુકો સો. લીલા માટે બી જીવ બાળો સો. બાકી અમાર તીયાં તો કોય આટલું વચારે બી ની.”
રમીલા બોલી, “હા બાપુજી, એ તો છે જ. મને અહી અહીં આવીને કોઈ દિવસ પણ એમ નથી લાગ્યું કે હું મોટીમાની દીકરી નથી. મને નિખિલ જેટલાં જ લાડ અને પ્રેમ મળ્યા છે. મારી જગ્યા, પછી તે મારો ઓરડો હોય, અભ્યાસનું ટેબલ હોય, જમવા બેસવાનું હોય કે રમવાનું, મને નિખિલ જેટલી જ સુવિધાઓ મળી છે. મોટીમા અને પાપા, બેયની હું લાડકી દીકરી. મારે પ્રવાસ જવું હોય કે મિત્રો જોડે ફરવા, ક્યારેય મારી ઉપર બંધન નથી મુક્યું. ઉપરથી મારે ઘરની બહાર પોતાની જાતને, સામાનને કેવી રીતે સાચવવા તેની સૂચનાઓ આપે અને હું જ્યાં સુધી પાછી ના ફરું, મારી રાહ જોતા રહે.”
નિખિલ બોલ્યો, ”મને સાવ નાનો હતો ત્યારથી ફરિયાદ, કે મારે કોઈ ભાઈ-બહેન નથી. હું ઘણીયે વખત નાની બહેન કે નાનો ભાઈ લાવવાની જીદ કરું. મમ્મી હસીને ટાળી દે પણ જયારે રમુદી ઘરમાં આવી, હું બહુ જ ખુશ થઇ ગયેલો. પહેલાં તો તે માત્ર ભણવા જ આવતી પણ વિજયામાસીના આવસાન પછી તો કાયમ માટે ઘરમાં રહેવા આવી ગઈ. હું ખૂબ જ ખુશ થઈ ગયેલો. મેં મમ્મી અને પપ્પાનો બહુ બધી વખત આભાર માનેલો. ખાસ તો મીરામાંસી, તે તો મારા માટે મજાની બહેન લાવનારા દેવદૂત સમાન જ હતાં.”
રમીલાએ ભાઈને પોતાની બત્રીસી દેખાય તેમ ચીઢવતું સ્મિત આપ્યું અને બોલી, ”ચલ, ચલ, ચટણી પીરસ. જોઉં તો આજે બરાબર બની છે કે, મારા અહીંથી જવાનાં દુઃખમાં સ્વાદ બગાડી નાખ્યો છે?”
બધાં હસી પડ્યાં. રમીલાએ સ્વાદિષ્ટ હાંડવાનાં એકસરખા ટુકડા કરી બધાની થાળીમાં પીરસ્યાં. ચટણી અને મસાલેદાર ચા સાથે બધાએ ભોજન માણ્યું. તેઓ બધાં જમી જ રહેવાં આવ્યાં હતાં, ત્યાં જ બારણાની ઘંટડી વાગી. નિખિલે ઉભા થઈ બારણું ખોલ્યું અને સમીરભાઈને આવકાર્યાં, “અરે પપ્પા, જલ્દી ચાલો, આ રમીલા તમારા ભાગનો હાંડવો પણ ખાઈ જશે.” બધાં હસી પડ્યાં.
સમીરભાઈએ હસતા-હસતા કહ્યું, “મારા તો દીકરો અને દીકરી બેય એટલા ડાહ્યાં છે કે, મારું જમવાનું તો પહેલાં જ કાઢી લે. હું ભૂખ્યો રહું એ તેમને ન ચાલે, બરાબર ને, દીકરા?”
રમીલા બોલી, “હા, પાપા, તમેં પહેલાં. પછી હું અને મોટી મા. અને આ નિખિલ તો છેલ્લે.”, બોલીને તે હસવા લાગી.
તેનાં બેય નાનાં ભાઈ-બહેન એક-મેક સાથે ગુસપુસ કરી રહ્યા, “જો ને, આ દીદી અને ભાઈ તો આટલાં મોટા છે તોયે આપણી જેમ જ ઝઘડે છે.”, પછી પોતપોતાની હથેળીથી મોઢું ઢાંકીને બેય હસવા લાગ્યાં.
જમીને બધાં બેઠક રૂમમાં આવ્યાં. સમીરભાઈને રમીલાએ થાળી પીરસી અને તેઓ જમ્યા ત્યાં સુધી તેમની સાથે વાતો કરતી રહી. સમીરભાઈ જમી રહ્યા એટલે મેઘનાબહેન અને રમીલાની માતાએ મળીને રસોડું અને વાસણો સાફ કરી દીધાં. એક સ્ત્રી હોવાના કારણે રમીલાની માતા ભલે બધાંય કામકાજથી ઘડાયેલી હતી, પણ હવે તેને પેલી મેલીઘેલી વસ્તી છોડીને દીકરી સાથે ફ્લેટમાં રહેવાનું હતું. તે શહેરીજીવનની બઘી રીતભાત શીખી રહી હતી અને તે પણ ઉમંગથી. મેઘનાબહેન પણ તેને ઉત્સાહ અને ધીરજથી શીખવાડી રહ્યાં હતાં.
ક્રમશ:
મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻