"બસ તું કહીશ એ કરીશ"
(ભાગ-૪)
પ્રભાવ અને પ્રભાવિકા રેખાના ફોનની રાહ જોતા વાતચીત કરતા હોય છે ત્યારે બીએસએનએલના કર્મચારીનો ફોન આવે છે કે રીપેરીંગ કામ ચાલતું હોવાથી ફોન બરાબર ચાલુ થતાં વાર લાગશે..
હવે આગળ..
પ્રભા પોતાનું આત્મસન્માન ખોવાના ડરથી રેખાને ફોન કરતી નહોતી.
પણ પ્રભાવની વાત માનીને રેખાને ફોન કરવા પ્રયત્ન કરે છે.
પણ પ્રભા ફોન કરવા પ્રયત્નો કરે છે પણ સામેથી કોઈ ફોન ઉપાડતુ નથી.
પ્રભા:-" આ રેખા પણ ખરી છે. હવે એ ફોન ઉપાડતી નથી. શું ખબર શું કરતી હશે? બપોરના સમયે તો કલાક કલાક વાતો કરવા તૈયાર થઈ જાય છે. હશે કદાચ કામમાં હોય કે શું?"
પ્રભાવ:-" તમે લોકો ખરે વખતે જ કામમાં આવતા નથી.આપણે નવરા એટલે બધા નવરા થોડા હોય! પણ તમે લોકો શું વાતો કરો છો? હવે બપોરે જાગતા રહેવું પડશે. બંને પોતપોતાના પતિઓની શિકાયતો કરતી હશે.હે ભગવાન લાલુની ગર્લફ્રેન્ડને બુદ્ધિ સુજાવ. હું ઘરે હોઉં એ વખતે ઘરમાં આવે."
પ્રભા:-" હવે રહેવા દો તમે. તમે બપોરે ઉંઘતા હોવ છો.રેખા સાથે બપોરે વાતો કરું છું.અમારી ખાનગી ગપસપો તમને કહેવાય નહીં."
પ્રભાવ:-" ઓહ્ એટલે હું અનાડી જ છું. પણ તારે રેખાને કહેવું જોઈએ કે એની ભાણીનો ફોટો મોકલે. જોવામાં શું જાય છે! કદાચ ભાવિકને પસંદ પણ પડે.અરર.. તું તારા ઈગોમાં ફોન કરતી નથી. એક વખત પ્રયત્ન કર્યા પછી પણ કોલ કરવાનો પ્રયત્ન કરવાનો ચાલુ રાખવાનો હોય. કદાચ બેટરી લો થઈ ગઈ હોય કે લેન્ડલાઇન પણ આપણી જેમ બગડી ગઈ હોય. તું બહુ જક્કી છે.તારી જીદ્દ આગળ તો હું પણ ઝૂકી ગયો હતો. નહિંતર મારો સ્વભાવ તો ઝૂકેગા નહીં જેવો હતો. હવે તો તું કહીશ એ કરીશ એવું વારંવાર યાદ કરવું પડે છે.તારી જીદ્દના કારણે હાથમાંથી એક છોકરી જતી રહેવાની. પણ તમે અડધો કલાક શું વાતો કરો છો?"
પ્રભા હસી પડી.
બોલી:-" તમને પણ રસ પડવા લાગ્યો. તમારી વાતો પુંછું તો ગુસ્સે થાવ છો. પણ હું તમારા જેવી નથી. કોઈ વાત ખાનગી રાખતી નથી."
પ્રભાવ:-" તો એ ખાનગી વાતો કહી જ દે."
પ્રભાએ સ્માઈલ કર્યું.
પ્રભાવ:-" વાહ..આજે તો હું ધન્ય થઈ ગયો. બહુ દિવસે આવું સ્માઈલ કર્યું.મને તો આપણી યુવાનીના દિવસો યાદ આવે છે. તેરી સ્માઈલ સે હમ ફિદા હો ગયે થે, મૈં ક્યા થા ઔર ક્યા હો ગયા! પણ તમે શું વાતો કરો છો?"
પ્રભા:-" તમે તો જ્યારે ને ત્યારે યુવાનીની વાતો કરો છો. હું અને રેખા બપોરે વાતો કરીએ છીએ.તમે ઉંઘતા હોવ છો. અમે તો ટીવી સિરિયલની વાતો કરીએ છીએ. ખાસ તો તુલસી, ગંગા અને પુજા વિશે."
પ્રભાવ:-" એટલે તમે બધા ટોપિક પર વાતચીત કરો છો? ગજબનું કહેવાય. તુલસી, ગંગા,પુજા તમે બંને તો ધાર્મિક બની ગયા.અરર...ભગવાન હવે તો આપણે બાવા બનવાનો વારો આવવાનો છે."
પ્રભા:-" તમને તો ખબર જ પડતી નથી. એમાં તમારે ક્યાં બાવા બનવાનું છે.આમ બોલી બોલીને તમે મને સિરિયલ જોતા રોકી નહીં શકો. અમે તો સાસ ભી કભી બહુ થી સિરિયલના કલાકારો વિશે વાતો કરીએ છીએ. તુલસી આવે છે એના વિશે."
પ્રભાવ:-" પણ આ સિરિયલ તો આપણે જોઈ પણ હતી. પછી એની એજ જુવો છો! આમ તો બે રૂમના પંખા બગડે. પછી લાઇટબીલ વધુ આવે જ ને! તને બપોરે ઉંઘ આવતી નથી?"
પ્રભા:-" બીલ આવે તો આવે.અમારે પણ સમય મળે ત્યારે જ જોઈએ.તમે સાંજ પડે આઈપીએલ જુવો જ છો. મેં ક્યારેય કહ્યું તમને? બહાર ફરવા તો લઈ જતા નથી. તુલસીનું હવે શું થશે એના ટેન્શનમાં ઉંઘ આવતી નથી એટલે અમે બંને ફોન પર વાતો કરીએ છીએ. ફોનના પૈસા વસુલ તો હું જ કરું છું."
પ્રભાવ:-" સારું સારું.હવે તું રેખાને ફોન કર. મારી દેખતા જ. મારો મોબાઈલ આપું છું. કહે કે તારા બહેનની ડોટરનો સરસ ફોટો મોકલે."
પ્રભા:-" ના રે ના.મારે નથી કરવો.એક વખત એને કહ્યું હતું તો એણે કહ્યું કે ફોટો શું કામ મોકલું! એક દિવસ આપણા ઘરે એની ભાણીને સાથે લાવશે. સરપ્રાઈઝ આપીશ. હે ભગવાન હવે ફોનવાળી રેખાનો ફોન આવે તો સારું. ફોનનું સસ્પેન્સ બહુ થયું. લાવ જોઉં કે આપણી લેન્ડલાઇન ચાલે છે કે નહીં."
આટલું બોલીને પ્રભાએ લેન્ડલાઇન ફોન ધીમેથી હલાવ્યો.
એટલામાં લેન્ડલાઇન ફોનની રીંગ વાગી.
પ્રભા ખુશ થઈ.
પ્રભા:-" જોયું તમે."
પ્રભાવ:-" હા પણ જલદી ફોન ઉપાડ. નહીં તો પાછો ડેડ થઈ જશે. હા પણ બહુ બોલ બોલ ના કરતી.સૌથી પહેલા આપણા ઘરે આવવાનું આમંત્રણ જ આપી દે જે. જો ફોન રેખાનો હોય તો જ. બાકી જો લાલુ..સોરી ભાવિક માટે કોઈ છોકરીનું માગું હોય તો પણ ઘરે આવવાનું આમંત્રણ આપજે. હવે જલ્દી કર."
ફોનની રીંગ હજુ વાગતી હતી.
પ્રભાએ લેન્ડલાઇન ફોન ઉપાડ્યો.
પ્રભા:-" હેલ્લો કોણ? રેખા બોલે છે! બહુ ધીમું સંભળાય છે.થોડો અવાજ મોટો કાઢજો... ઓહ્... ઓહોહો..
તો તું છે! ક્યારની તું જ ફોન કરતી હતી? હમણાં અમારી બાજુ રીપેરીંગ કામ ચાલે છે એટલે વારંવાર ડેડ થતો હોય એમ લાગે.પણ ફોન તો ચાલુ જ છે. મારા હસબંડે ફોન ઉપાડ્યો હતો.એમને થોડું ઓછું સંભળાય છે.ફોન કરવાની આદત નથી. એ સમજ્યા કે કોઈ રેખા છે. પણ તું હતી. રાખી, બહુ વખતે તારો અવાજ સાંભળ્યો. રેખાને બદલે રાખી નીકળી. ..હા..હા.. પણ તું ક્યારે આવીશ? નક્કી નથી એમ ને! પણ તું ઈશિતા કહેતી હતી તો એ કોણ છે? ઓહ્..નામ ઈશિતા નથી. એટલે નામ તો અસિતા છે. વાહ ખૂબ સરસ નામ રાખ્યું છે.મને નામ ગમી ગયું.એમ કરને તું અસિતાને લઈને મારા ઘરે આવજે પણ રજાના દિવસે.. હેલ્લો... હેલ્લો.. હેલ્લો..અવાજ કેમ આવતો નથી? મારા કાન ગયા કે શું? ઓહ્.. ફરીથી ફોન ડેડ થઈ ગયો."
( ભાગ-૫ માં રેખાને બદલે રાખી નીકળે છે.પ્રભાની સખી હશે કે જુની ઓળખાણ? રાખી અને અસિતા પ્રભાના ઘરે કેમ આવવાના છે? વાંચતા રહેજો.. હસતા રહેજો.)
- કૌશિક દવે