પુસ્તકનું નામ:- અમૃતા
સમીક્ષક:- ડૉ. રંજન જોષી
લેખક પરિચય:-
'અમૃતા'ના લેખક રઘુવીર ચૌધરીનો જન્મ 5/12/1938ના રોજ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. રઘુવીર ચૌધરીને કુમાર સુવર્ણ ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, અમૃતા નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કાર, તિલક કરે રઘુવીર માટે નર્મદ સુવર્ણ ચંદ્રક જેવા કેટલાય સાહિત્યિક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી રહી ચૂક્યા છે. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત છે.
તેમની નવલકથાઓમાં પૂર્વરાગ, અમૃતા, પરસ્પર, ઉપરવાસ, રૂદ્રમહાલય, પ્રેમઅંશ, ઇચ્છાવર વગેરે સમાવિષ્ટ છે. તેમના વાર્તા સંગ્રહો આકસ્મિક સ્પર્શ, ગેરસમજ, બહાર કોઈ છે, નંદીઘર, અતિથિગૃહ છે. કવિતા સંગ્રહમાં તમસા, વહેતાં વૃક્ષ પવનમાં, ઉપરવાસયત્રી તથા નાટકમાં અશોકવન, ઝુલતા મિનારા, સિકંદરસાની, નજીક વગેરે જોવા મળે છે. તો ડિમલાઇટ, ત્રીજો પુરુષ વગેરે જેવા એકાંકી પણ તેમણે રચ્યા છે. અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, દર્શકના દેશમાં, જયંતિ દલાલ, મુક્તાનંદની અક્ષર આરાધના વગેરે તેમના વિવેચન ગ્રંથો છે. સહરાની ભવ્યતા તથા તિલક તેમના રેખાચિત્રો છે. બારીમાંથી બ્રિટન તથા ધર્મચિંતન તેમના પ્રવાસ નિબંધો છે.
વચનામૃત અને કથામૃત તેમનું ધર્મ ચિંતન છે. સ્વામિનારાયણ સંતસાહિત્ય, નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય, શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાઙ્મય વગેરે તેમના સંપાદન ગ્રંથો છે.
પુસ્તક વિશેષ:-
પુસ્તકનું નામ : અમૃતા
લેખક : રઘુવીર ચૌધરી
પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
કિંમત : 250 ₹.
પૃષ્ઠ સંખ્યા : 320
બાહ્ય મૂલ્યાંકન:-
પુસ્તકના મુખપૃષ્ઠ પર દરિયાકિનારો, ત્યાં ઉભેલું એક વૃક્ષ અને સ્ત્રીની મુખાકૃતિ કથાસૂચક બની રહે છે. બૅક કવરપેજ પર નગીનદાસ પારેખ લિખિત નવલકથાની પ્રસ્તાવના રજૂ કરાઈ છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.
પુસ્તક પરિચય:-
રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા ‘અમૃતા’ વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામી છે તો કિશોરો અને યુવકોને એણે મુગ્ધ કર્યા છે. સમુદ્રથી રણ સુધી આલેખાતી ભૌગોલિક ગતિમાં ઉત્તર ગુજરાતનો રમણીય પ્રદેશ જીવંત થઈ ઉઠ્યો છે. સુકલ્પિત અને સુગ્રથિત એવી કથાનાં ત્રણેય પાત્રો - અમૃતા, ઉદયન અને અનિકેત સંનિષ્ઠ હોવા છતાં ત્રણેયને પોતાનો ગ્રહો કે આગ્રહોને કારણે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે, પણ અંતે વિશુદ્ધતર બની બહાર પડે છે. અમૃતાને સ્વાતંત્ર્યનો ધખારો હતો પણ તેને સમજાય છે કે કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી, સ્નેહ અને સંવાદિતા પણ જોઈએ. ઉદયનને ખ્યાલ આવે છે કે સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે, કોઈ એકલું નથી. જીવવા માટે પણ અનેક માણસોની જરૂર પડે છે. પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી એ સમજાતાં અનિકેત પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે. નાયિકા અમૃતા ડૉકટરેટ પામે છે, તે પ્રસંગે એને અભિનંદન આપવા એના બે મિત્રો ઉદયન અને અનિકેત એને ઘેર આવે છે, અને એ ત્રણે વાત કરતાં હોય છે, ત્યાંથી કથાનો આરંભ થાય છે. એ શરૂઆતના વાર્તાલાપમાં જ ત્રણે પાત્રોના સ્વભાવની વિભિન્નતાનો આપણને અણસાર મળી રહે છે. અમૃતા શિક્ષિત તેમજ સમજુ સ્ત્રી છે. એના હૃદયમાં અનિકેત પ્રત્યે પ્રેમભાવ છે, પરંતું ઉદયનને છોડવો એ એની કસોટીરૂપ છે. બન્નેમાંથી કોની પસંદગી કરવી એના માટે એને સ્વતંત્ર પસંદગીનો અધિકાર જોઈએ છે. આ અધિકાર મેળવવા તો એ ગૃહત્યાગ કરે છે. એ ઉદયનને એકવાર કહે છે પણ ખરી કે, “તું મને એકાએક અપનાવી લે તો મારી પસંદગીનું શું ?” આમ કહેનાર અમૃતાને આખરે સમજાય છે કે એને સ્વતંત્રતાની નહીં, સાચા પ્રેમની જરૂર છે. એ કહે છે, “મારે સ્વાતંત્ર્ય નથી જોઈતું, સંવાદિતા જોઈએ છે, સ્નેહ જોઈએ છે.” અંતે આ વાત સમજાતા તે ઘરે પરત ફરે છે. અમૃતાના મતે માણસ પોતાની જાતને જ ઓળખી શકતો નથી તો અન્યને તો કેવી રીતે ઓળખી શકે? એથી બીજાને ઓળખવા કરતા જાતે જ અનુભવ લેવામાં માને છે. કથાનાં પૂર્વાર્ધમાં એ અનિકેત પ્રત્યે વિશેષ હૃદય-રાગ ધરાવે છે. અમૃતા અને અનિકેતમા નિતાંત મુગ્ધતા છે, જ્યારે ઉદયનમા મુગ્ધતાનો અભાવ વર્તાય છે. પછી અમૃતા અનિકેતને વરી કે ઉદયનને? અને એકને વરી પછી બીજાનું શું થયું? એ માટે વાંચો રઘુવીર ચૌધરી લિખિત 'અમૃતા'.
શીર્ષક:-
કથાનાયિકા અમૃતા જ કથાના કેન્દ્રમાં છે એટલે 'અમૃતા' શીર્ષક યોગ્ય લાગે છે.
પાત્રરચના:-
આ નવલકથાના મુખ્ય ત્રણ પાત્રો છે: અમૃતા, ઉદયન અને અનિકેત. ઉદયન વર્તમાનમાં માને છે અને પોતાના અસ્તિત્વને વફાદાર રહીને જીવન જીવવા પર ભાર મૂકે છે. અનિકેત ભૂતકાળ અને ભવિષ્યમાં શ્રદ્ધા ધરાવે છે. અમૃતા સમયને શાશ્વત ગણાવે છે અને તે શાશ્વતમાં મને છે. 'અમૃતા'ના પાત્રો સમાજના બૌદ્ધિક વર્ગના પ્રતિનિધિ છે.
સંવાદો/વર્ણન:-
બે પાત્રોમાંથી એકની પસંદગી માટે દ્વિધા અનુભવતી અમૃતાનું વર્ણન કરતા લેખક લખે છે કે,
"છોડ પરના બે ગુલાબ અમૃતા તરફ નમેલા હતા એટલું જ નહીં એ બંને અમૃતાનું ધ્યાન પણ ખેંચતાં હતાં. તેમ છતાં બંનેના અભિનિવેશમાં ભેદ જરૂર હતો. એક ફક્ત ઝૂકેલું જ લાગે, એનું મૌન સુંદર લાગે. બીજું કંઈક તિર્યક્ લાગે. વાતાવરણ તરફ એ ઉદાસ લાગે. પણ એનું લક્ષ હતું ત્યાં વ્યંગની તીખાશ પ્રગટાવે. અમૃતાએ ઈચ્છ્યું – એક ગુલાબ વીણી લઉં ? બીજું હાલે નહીં તે રીતે છોડને સાચવીને એકને ઉપાડી લઉં ?"
નવલકથાને પ્રારંભે જ અમૃતા - ઉદયન દરિયાકિનારાના અમૃતાના ઘરમાં, સંધ્યાકાળે મળ્યાં છે. અહીં જ સંધ્યાકાળની ઉપસ્થિતિ, ઉદયન - અમૃતાના પ્રણયજીવનના સંધિકાળને, ને કરુણ ભાવિની ઘોર અંધારી રાત્રીને સૂચવી દે છે. જુઓ :
"અમૃતા, તારી કલ્પિત સરહદ, નામે ક્ષિતિજ, અત્યારે સંધ્યાના રંગોથી ભભકી રહી છે. થોડી વાર પછી એ સઘળી ભભક સમુદ્રના આભ્યંતર અંધકારમાં શમી જશે. અંધકાર બહાર આવશે. અને જે અલગ અલગ પદાર્થો દેખાય છે તેમના અવકાશને પૂરી દેશે. પછી જોનારને સઘળું અંધકાર રૂપે દેખાશે." આવા કેટલાય રોચક વર્ણનોથી ભરપૂર નવલકથા એટલે 'અમૃતા'.
લેખનશૈલી:-
અમૃતા'ની લેખનશૈલીમાં લગભગ સાતત્યપૂર્વક યોજાયેલાં કલ્પનો અને પ્રતીકો એમાં મળતી વૈવિધ્યભરી ઐન્દ્રિક સમૃદ્ધિ અને અર્થમયતાને કારણે વિશેષ ઉલ્લેખનીય બની રહે છે. જેમકે, "જૂના માળાઓમાં અનાઘ્રાત કળીઓના ચિત્કાર ઝૂરતા હશે.", "ઉંબરા પર ઊંધા પડેલા પિંજરામાં એક ઉંદર દોડાદોડ કરી રહ્યો હતો." વગેરે.. અહીં પ્રતીકો પણ છે. આ કૃતિમાં અંધકાર, પંખી, ગોગલ્સ, કાચ, રણ, દરિયો, સર્પ, ઉદર, ફાનસ, મંદિર, મહેલ જેવાં તત્વોય પ્રતીક તરીકે યોજાયેલાં જોવા મળશે. અમૃતા, ઉદયન અને અનિકેતના આંતરમનની સૂક્ષ્મતર લાગણીઓ અને અર્થોને મૂર્ત રૂપ અર્પવા રઘુવીર ચૌધરીએ લગભગ સાદ્યંતપણે કલ્પનો/પ્રતીકોનો વિનિયોગ કર્યો છે. આમ, લેખકની શૈલી સરળ, રસાળ છતાં સમજવી પડે એવી છે.
વિશેષ મૂલ્યાંકન:-
અમૃતા સૌપ્રથમ શ્રી હરિહર પુસ્તકાલય, સુરત દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી અને ઘણી વખત ફરીથી છાપવામાં આવી છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં પ્રાયોગિક નવલકથાના વિકાસમાં તે એક સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે. ૧૮ પ્રકરણોમાં લખાયેલી નવલકથા ત્રણ વિભાગોમાં વિભાજીત કરવામાં આવેલ છે: ૧) પ્રશ્નાર્થ, ૨) પ્રતિભાવ અને ૩) નિરુત્તર. દરેક વિભાગની શરૂઆત અનુક્રમે નિત્શે, મૈત્રેયી અને ગાંધીજીના અવતરણથી થાય છે. મુંબઈ, ભિલોડા, રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને પાલનપુર શહેરોમાં નવલકથા આલેખન પામે છે. પૂર્વાર્ધ પસંદગીએ અટકે છે તો ઉત્તરાર્ધમાં ઉદયન પહેલાંની અંતિમ મિટિંગમાં અમૃતા અનિકેત માટે પોતાની પસંદગી જાહેર કરે છે. હિરોશિમાના બોમ્બ ધડાકાથી બચી ગયેલા લોકો પર રેડિયેશનની અસરો પર પત્રકારત્વના કાર્ય માટે ઉદયન જાપાન જવા રવાના થાય છે. ત્યાં તે બિમાર પડે છે, કિડનીની બિમારીથી પીડાય છે. ભારત પરત ફરતાં, તેની અમૃતા અને અનિકેત બંને સંભાળ રાખે છે, પરંતુ એક સમયે તે પોતાની નસો કાપી તેમની સંભાળને નામંજૂર કરે છે. અમૃતા અને અનિકેતે તેને બચાવવા માટે રક્તદાન કર્યું. અમૃતા અને અનિકેત જાપાન પ્રવાસનું આમંત્રણ સ્વીકારે તે પહેલાં તેઓ અમદાવાદ ખાતે પથારીવશ ઉદયનની મુલાકાત લે છે. ત્યાં તે તેનું અંતિમ વસિયતનામું સૂચવે છે, તેના જીવનનો સરવાળો જેમાં તે જણાવે છે કે તે આસ્તિક નથી, પ્રેમ પોતે એક ભ્રાંતિ છે, પરંતુ તે તેના બે મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા અનુભવે છે જેમણે, વિવિધ રીતે, તેને સમજવામાં મદદ કરી છે. આ આખાય ત્રિકોણને સુપેરે સમજવા માટે તો આખી નવલકથા વાંચવી ઘટે.
મુખવાસ:-
બુદ્ધિ અને પ્રેમ વચ્ચે, સમર્પણ અને સ્વાતંત્ર્ય વચ્ચે વિકસતી પ્રેમકથા એટલે 'અમૃતા'.