પ્રકરણ ૧
ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં પણ ધમધમતું એ શહેર અને એ શહેરમાં રાત્રીનાં અંધકાર અને ધમધોકાર ટ્રાફિકને ચીરીને, સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર આવી પહોંચી. જે પેશન્ટ આવ્યું હતું એની સ્થિતિ ઘણી નાજુક કહી શકાય એમ લાગતું હતું. "ખસી જાઓ….જલ્દી…ખસો…ખસો..હટો.. હટો.." બોલતાં વૉર્ડબોયઝ અને નર્સ દોડી રહ્યાં હતાં. ડૉકટર આશુતોષને ઈમરજન્સીમાં બોલાવવામાં આવ્યાં. એ પેશન્ટ લોહીથી લથબથ હતું.
"જુઓ, હું મારાથી બનતી કોશિશ કરું છું બાકી ઇશ્વર ઈચ્છા….." પછી રીસેપ્શન પર નજર નાંખતા " પેશન્ટના રીલેટિવ પાસે ફોર્માલિટીઝ જલ્દી પૂરી કરાવી દેજો" બોલતાં ડૉકટર આશુતોષ ઝડપથી ઑપરેશન થિયેટર તરફ લગભગ દોડતાં આગળ વધ્યાં. જે પેશન્ટ આવ્યું હતું એ ડૉકટરનાં સગામાં જ હોય એમ લાગ્યું નહિ તો ફોર્માલિટીઝ પૂરી કરાવ્યા વગર એમ અંદર ન લે.
એનું નામ હતું કવિતા મહેતા ઉર્ફે માયા. એક દીકરીની માતા અને દરેક સ્ત્રીને ઈર્ષ્યા થાય એવા હેન્ડસમ પતિની પત્ની. પિયરમાં દાદા-દાદી અને મમ્મી- પપ્પા સાથે અત્યંત લાડકોડથી ઉછરેલી કવિતા દેખાવમાં સાધારણ, મધ્યમ ઊંચાઈ, ઘઉંવર્ણો રંગ પરંતું સુડોળ કાયા અને નશીલી તપખીરી આંખોની સ્વામિની હતી. પિયરમાં રૂપિયાની રેલમ છેલમાં એ પોતાની રીતે જીવતી થઈ ગઈ હતી. વળી, એકની એક દીકરી એટલે "એ કહે એ સવા વીસ" એમ સૌ માનતા હતાં. એણે ગ્રેજ્યુએશન પૂરું થતાં જ ઘરમાં કહ્યું, "હું આગળ ભણવાની નથી. મારે હવે મારાં સંગીતના શોખ પર ધ્યાન આપવું છે અને હા, તમારે હવે છોકરો શોધવો હોય તો પણ વાંધો નથી." બસ પછી તો જોવું જ શું? જાતજાતનાં બાયોડેટા અને જાતજાતનાં ફોટાઓનો ઢગલો થઈ ગયો. કવિતા રૂપિયાની છોળો વચ્ચે પણ માતા પિતાના સંસ્કારો ભૂલી નહોતી. ક્યારેક ક્યાંય લપસી નહોતી. કૉલેજમાં, ટ્યુશનમાં કે મ્યુઝિક ક્લાસમાં કેટલાંય છોકરાં પાછળ પડતાં પણ કવિતા ક્યારેય ધ્યાન નહોતી આપતી. જેણે ક્યારેય ઉંચી આંખે કોઈ છોકરાને જોયો નહોતો એને હવે, આટઆટલાં ફોટાઓ જોઈને પસંદ કરવું અઘરું લાગતું હતું.
ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું, ઑપરેશન સફળ રહ્યું. ડૉક્ટરે કવિતાનાં પતિ પરમને બોલાવ્યો, "જુઓ,કવિતાને જે થયું એ તમારે મને જણાવવું તો પડશે ભલે, આપણે કોઈ કાર્યવાહી નથી કરવી પણ મારે જાણવું અત્યંત જરૂરી છે. હું એ પૂરેપૂરી વાત જાણીશ તો મને દરેક રીતે સારવાર કરવામાં સરળતા રહેશે."
"આશુતોષભાઈ, શું કહું? ક્યાંથી શરૂ કરવું કાંઈ સમજાતું નથી.." કહીને છ ફૂટનો પહાડ જેવો પરમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એટલે એ સોહામણા ગૌર વર્ણ ડૉક્ટરે એને બાથમાં લઈ કહ્યું," ઓહઃ સો સૉરી પરમ, થોડું જલ્દી થઈ ગયું. આજે રહેવા દો પણ કાલે મને બધું જણાવજો કેમકે, રિપોર્ટરને જો ગંધ આવી ગઈ હશે તો એમને શું જણાવવા જેવું છે અને શું છૂપાવવા જેવું છે એ હું નક્કી કરી શકું…બટ ટેક યોર ટાઈમ બડી…હું સમજી શકું છું તમારી તકલીફ." એમની ગોલ્ડન ફ્રેમ પાછળ છુપાયેલી ચમકદાર આંખોમાં સહાનુભૂતિ ભળી. પછી એ આસિસ્ટન્ટને જરૂરી સૂચનો આપીને જતાં રહ્યાં.
બીજાં શહેરથી કવિતાના મમ્મી-પપ્પા પણ આવી પહોંચ્યા. કવિતાના મમ્મી મીનાબેન આવતાં જ પરમને ભેટી પડ્યાં અને એકદમ રડી પડ્યાં. "માફ કરજો અમને, અમે જ ક્યાંક ચૂક્યાં હોઈશું" માંડ બોલી શક્યા. કવિતાનાં પપ્પા વસંતભાઈ બિચારા નીચી નજરે હાથ જોડી ઉભા રહ્યાં એટલે પરમ ઉભો થઇ એમને ભેટી પડ્યો, " પપ્પા, તમારાં બે નો આમાં કોઈ વાંક જ નથી તમે પ્લીઝ, આવું ન કરો. મને બસ તમારો સાથ અને માથે હાથ હંમેશાં જોઈશે." એ બંને પરમને અહોભાવથી જોઈ રહ્યાં.
આઈ સી યુની બહાર પ્રમાણમાં થોડો મોટો પેસેજ હતો, ત્યાં ચારે બાજુ સ્ટીલનાં સપાટ પહોળી પટ્ટીવાળા બાંકડાં ગોઠવ્યાં હતાં. એ સ્ટીલનાં બાંકડાં રોજેરોજ કેટલાં નવા કિસ્સાઓ સાંભળતાં હશે, કેટલાં સંવેદનો અનુભવીને સાચવતાં હશે! એ મોટાં પેસેજની બરાબર સામે બુટ- ચપ્પલનું સ્ટેન્ડ, એનાં પર બ્રાન્ડેડ મોંઘાં બુટ-ચપ્પલોથી લઈને હોસ્પિટલનાં ધક્કા ખાઈ ખાઈ ઘસાઈ ગયેલાં ચપ્પલ રોજેરોજ બદલાતાં રહેતાં હશે!
વૉચમેન આવ્યો અને એનાં કહેવાથી કવિતાના મમ્મી-પપ્પાએ ત્યાં રોકાવાની ઈચ્છા હોવા છતાં પરમના ઘરે જવા તૈયાર થવું પડ્યું.
"પરમ બેટા, આપણી સોનુ ક્યાં છે? કોની પાસે?"
"એ હમણાં તો બાજુનાં ઘરે જ છે મમ્મી, સારો ઘરોબો છે એટલે વાંધો નહિ અને હા, ઘરની ચાવી પણ એમને ત્યાં જ છે એમનો ફોન આવી ગયો હતો." પરમ બોલ્યો.
મીનાબેન અને વસંતભાઈ દીકરીના ઘરે પહોંચ્યાં. બાજુનાં ઘરમાંથી ચાવી લેવા ગયાં એ સાથે જ સોનુ ઉછળી પડી, "નાના-નાની આવ્યાં, હવે રમવાની મજા.." અને દોડીને નાનીને વીંટળાઈ ગઈ. મીનાબેને માંડ આંસુ ખાળ્યા, પરાણે સ્મિત લાવતાં.." મારી દીકરી.." બોલી સોનુનું માથું ચૂમી લીધું. પડોશી બેને પણ સમજદારી દાખવી અને આંખના ઈશારેથી પાંપણ બંધ કરી જાણે સાંત્વના આપી દીધી.
પાડોશી બેને સોનુને જમાડી લીધી હતી. સોનુએ નાના-નાનીને જણાવ્યું કે, "મમ્મીને મેલેરિયા થયો છે એટલે હોસ્પિટલમાં છે." નાનીએ કહ્યું, "એટલે જ તો બકા, અમે અહીં તને જોવા અને દેખરેખ રાખવા આવ્યાં છીએ." અને સોનુના નાના સામે એક સૂચક દ્રષ્ટિએ જોઈ લીધું. સોનુ પાસે અહીં તહીંની વાતો સાંભળતાં પળભર એમને નાનકડી કવિતા યાદ આવી ગઈ, " સોનુ જેવી જ હતી ને! ગોળ મટોળ ટામેટાં જેવા ગાલ, લાંબા કાળા વાળ, તપખીરી આંખો અને એની ઉપર સપને પહેરો દેતી લાંબી લાંબી પાંપણો. ફક્ત સોનુ પરમ જેવો ઉઘડતો વાન લઈને આવી છે. બાકી વાતો પણ કવિતા જેવી જ મીઠી મીઠી કરે છે." ત્યાં સોનુ બોલી, " નાની મને એક ગીત સંભળાવો તો જ ઉંઘ આવશે, મમ્મી રોજ મને કોઈ ને કોઈ ગીત, ભજન ગાઈને સુવડાવે છે." અને નાનીએ એક ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે ભજન શરૂ કર્યું, " ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે…" પાંચેક કડી ગાઈ ત્યાં તો સોનુ સૂઈ ગઈ.
મીનાબેન સોનુને સુવડાવી બહાર વસંતભાઈ પાસે આવ્યાં. એ પેપર લઈ બેઠાં હતાં અને મગજ બીજે વાળવાની નિષ્ફળ કોશિશ કરતાં હતાં. મીનાબેન ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. આ વખતે વસંતભાઈએ પણ આંસુઓનો બંધ તોડી જ નાંખ્યો બન્ને જણ પાંચેક મિનીટ સુધી રડયાં પછી જાતે જ શાંત થઈ સામે ટિપોઈ પર પડેલી બોટલ ઉઠાવી પાણી પીધું. કોણ કોને આશ્વાસન આપે!
કવિતાનું ઘર સુંદર અત્યાધુનિક રાચ રચીલાથી સજ્જ હતું. વિશાળ ચાર બેડરૂમનો ફ્લેટ, એક મોટી બાલ્કની અને બે નાની ગૅલેરી, દરેકમાં સીંગલ ઝૂલા. વળી,મોટી બાલ્કનીમાં એક સરખાં ગોઠવાયેલાં છ ફૂલ છોડનાં કુંડા તો જાણે ચાર ચાંદ લગાવી દેતાં હતાં. કિચનમાં અને એ લોકોનાં બેડરૂમમાં નાનકડાં વાયરલેસ સ્પીકર્સ મૂક્યાં હતાં. એ જોઈને પરમ કવિતાના સંગીતના શોખનો પણ ખ્યાલ રાખતો હતો એનો ખ્યાલ આવી રહ્યો હતો. એ લોકોનાં બેડરૂમમાં લગાવેલી એ બેની તસવીર તો જોતાં જ આંખ ઠરે એવી હતી. એ તસવીર જોઈ કોણ માની શકે કે આવુ પણ થઈ શકે? લિવિંગરૂમ માં જ ટી વી કૅસની નીચે મોટો ભાગ કવિતાનાં એકતારા અને હાર્મોનિયમે રોક્યો હતો. બાજુમાં જ એક ભાગમાં પરમને ગમતાં પુસ્તકોએ સ્થાન જમાવ્યું હતું. ઘર જોઈ ભવ્ય રહેણી કરણી નો ખ્યાલ આવતો હતો.
ઘ…મ..મ….મ.. સાયલન્ટ મોબાઈલ ધ્રુજયો. પરમે તરત ઉંચકી લીધો, " હજી નહિ પપ્પા, તમે સૂઈ જાઓ ચિંતા ન કરશો એ ભાનમાં આવશે એટલે હું તરત તમને જાણ કરીશ." એમ કહી પરમે સસરાને આશ્વસ્ત કર્યા. પણ મનમાં વિચાર્યું, " કાશ! ભાન પહેલાં જ આવી ગયું હોત તો આજે આમ ન હોત."
ક્રમશ: