Prarambh - 45 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 45

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પ્રારંભ - 45

પ્રારંભ પ્રકરણ 45

કેતને જામનગર છોડતાં પહેલાં પોતાનાં માતા પિતા ભાઈ ભાભી બહેન અને જાનકીને જામનગર બોલાવ્યાં હતાં જેથી પોતાના સમગ્ર પરિવારને દ્વારકાની અને બેટ દ્વારકાની યાત્રા કરાવી શકે !

શરદપૂનમના બીજા દિવસે જ એનો પરિવાર જામનગર આવી ગયો હતો અને એ પછી કેતને દ્વારકાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. બે દિવસ દ્વારકા બેટ દ્વારકા અને શિવરાજપુર ફરીને બધા જામનગર પાછા આવી ગયા હતા.

કેતન લોકોએ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે સાંજના છ વાગી ગયા હતા. સુધા માસી રસોઈ કરવા આવી ગયાં હતાં અને અત્યારે ડુંગળી બટેટાનું શાક સમારી રહ્યાં હતાં.

જગદીશભાઈ અને જયાબેન સ્વામીનારાયણ ધર્મ પાળતાં હતાં પરંતુ તેમણે આજના આધુનિક જમાનામાં લસણ ડુંગળીની છૂટ રાખી હતી. શરૂઆતમાં તો એમણે લસણ ડુંગળીનો ત્યાગ જ કર્યો હતો પરંતુ કેતને એમને સમજાવી સમજાવીને થોડા પ્રેક્ટીકલ બનાવ્યા હતા.

કેતન એમને કહેતો કે ડુંગળી લસણનો ત્યાગ સંયમ માટે છે. જે લોકોએ સંન્યાસ લીધેલો છે અને જે લોકો કાયમ માટે સંયમી જીવન જીવવા પ્રતિબદ્ધ છે એમના માટે ડુંગળી લસણ ત્યાજ્ય છે. કામ વિકારો ન સતાવે અને સાત્વિક વિચારો આવે એ જ ઉદ્દેશથી ડુંગળી લસણનો ત્યાગ કરવાનું કહેવામાં આવેલું છે. પરંતુ જેઓ યુવાન છે, જેમણે હજુ સંસારના ભોગ ભોગવવાના બાકી છે એમના માટે કેટલાક આહાર ખૂબ જ જરૂરી છે. અને લસણનું સેવન તો હૃદયના રોગોને પણ દૂર કરે છે.

આવી બધી ચર્ચાઓ પછી છેવટે મમ્મી પપ્પાએ ડુંગળી લસણ ન ખાવાનો આગ્રહ છોડી દીધો.

" માસી અત્યારે શું બનાવવાનું નક્કી કર્યું છે ? " જાનકીએ સુધામાસીને પૂછ્યું.

" ડુંગળી બટેટાનું શાક બનાવી દઉં છું અને સાથે ભાખરી અને ખીચડી. એ સિવાય ભાખરી સાથે જેને દૂધ ફાવે તે દૂધ અને દહીં ફાવે તે દહીં... બધું તૈયાર જ છે બેન." સુધામાસી બોલ્યાં.

"બહુ સરસ મેનુ છે તમારું આજનું." જયાબેન બોલ્યાં.

" મને સાહેબની પસંદગી ખબર છે એટલે એ પ્રમાણે મારી મેળે હું બનાવું છું. " સુધામાસી બોલ્યાં.

" માસી તમે શાક સમારો ત્યાં સુધીમાં હું ભાખરીનો લોટ બાંધી દઉં છું. હાથો હાથ કામમાં પણ ઝડપ આવશે." જાનકી બોલી.

" અરે પણ પહેલાં તું તારા કપડાં તો બદલી દે. આપણે જમવાની કોઈ ઉતાવળ નથી. " જયાબેન બોલ્યાં.

જાનકીએ ફટાફટ બેડરૂમમાં જઈને ડ્રેસ બદલી નાખ્યો અને સીધી કિચનમાં ગઈ.

" મમ્મી કેટલો લોટ કાઢું ? કોણ કેટલી ભાખરી ખાશે એનો મને અંદાજ નથી આવતો. " જાનકી રસોડામાંથી બોલી.

" પચીસેક ભાખરીનો લોટ બાંધી દે. સાથે ખીચડી છે એટલે વધારે ભાખરી નહીં જોઈએ. અને કદાચ વધશે તો સવારે ઠંડી ભાખરી નાસ્તામાં કામ આવી જશે. " જયાબેન બોલ્યાં.

અને જાનકીએ ભાખરીનો લોટ બરાબર મોણ નાખીને બાંધી દીધો.

" હવે તમે રહેવા દો. ભાખરીઓ હું શેકી દઈશ. બીજા ગેસ ઉપર ખીચડી પણ થઈ જશે. " સુધામાસી બોલ્યાં.

લગભગ પોણા આઠ વાગે બધાં ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસી ગયાં.

મમ્મી પપ્પા અને રેવતીએ ભાખરીની સાથે દૂધ લીધું. જ્યારે બાકીના સભ્યોએ જમવામાં દહીંની પસંદગી કરી.

ભાખરીઓ ઘણી વધી હતી એટલે સવારે નાસ્તામાં ચાની સાથે બધાએ ભાખરીનો નાસ્તો કર્યો.

"હવે આવતીકાલે તો નીકળવાનું છે એટલે આજનો એક જ દિવસ છે. આમ તો અહીં ફરવા જેવું ખાસ છે નહીં. સાંજે લાખોટા તળાવ ઉપર આંટો મારી શકાય. અહીં મેં જે ૩૦ બંગલાની સ્કીમ મૂકી છે એ લોકેશન જોવાની તમારી ઈચ્છા હોય તો બતાવી દઈશ. હવે તો આખી સ્કીમ ધરમશી અંકલને સોંપી દીધી છે ." સવારે ચા પીધી વખતે કેતન બોલ્યો.

"લોકેશન જોવાનો કોઈ મતલબ નથી પરંતુ તેં ધરમશીનું નામ દીધું તો એને મળવાની મારી ઈચ્છા છે. કારણ કે છેક જામનગર સુધી આવ્યા છીએ તો એકવાર એને મળવું જ જોઈએ. " જગદીશભાઈ બોલ્યા.

" આપણી સાઇટ ઉપર એ મળી શકશે. તમે કહેતા હો તો હું એમને ત્યાં બોલાવી લઉં." કેતન બોલ્યો.

"ના..ના.. એવી રીતે સાઈટ ઉપર ના મળાય બેટા. વર્ષોના જૂના સંબંધ છે અને આટલાં વર્ષો પછી હું એને મળી રહ્યો છું તો સાઈટ ઉપર ઊભા ઊભા થોડી વાતચીત થાય ? તું એક કામ કર એમને ફોન કરી દે. ફેમિલી સાથે આવ્યો છું તો આપણે એના ઘરે જઈને મળવું જોઈએ." જગદીશભાઈ બોલ્યા.

" ઠીક છે પપ્પા. હું ફોન જોડી આપું છું. તમે વાત કરી લો. " કેતન બોલ્યો અને એણે ધરમશી અંકલને ફોન લગાવ્યો.

" અંકલ કેતન બોલું. લો પપ્પા સાથે વાત કરો. " કહીને કેતને મોબાઈલ પપ્પાને આપ્યો.

" ધરમશી હું જગદીશ બોલું. અત્યારે જામનગર આવ્યો છું અને તને મળવાની ઈચ્છા છે. કેતનની ઈચ્છા હતી કે એ જામનગર છે ત્યાં સુધી દ્વારકા દર્શન કરવા માટે હું આવું એટલે ફેમિલી સાથે નીકળ્યો છું. કાલે અમે લોકો દ્વારકાધિશનાં દર્શન કરી આવ્યા. હવે આવતીકાલે મુંબઈ જઈ રહ્યો છું તો થયું તને મળતો જાઉં" જગદીશભાઈ બોલ્યા.

" અરે જગદીશભાઈ મને મળ્યા વગર જવાય જ નહીં ને ! મારા ઘરે અત્યારે જ પધારો. ઘરે રસોઈ બનાવવાનું કહી દઉં છું. હું એમનેમ જવા નહીં દઉં. સારું થયું સમયસર ફોન કરી દીધો. અત્યારે જ આવી જાઓ." ધરમશીભાઈએ ખૂબ જ આગ્રહ કર્યો

"ઠીક છે. ૧૧ વાગ્યા સુધીમાં આવી જઈશું. રસોઈ બને ત્યાં સુધી વાતો કરીશું. " જગદીશભાઈએ સંમતિ આપી અને ફોન કટ કર્યો.

"ધરમશીનો આગ્રહ છે કે અત્યારે બપોરે આપણે એના ત્યાં જમીએ એટલે સુધાબેનને અત્યારે ના પાડી દેજો. " જગદીશભાઈ બોલ્યા.

" સુધાબેનને અત્યારે રસોઈ કરવાની ભલે ના પાડી દઈએ. પણ આવતીકાલે આપણે ટ્રેઈનમાં નીકળવાનું છે એટલે રસ્તામાં ખાવા માટે ભાતું તો બનાવવું જ પડશે. આપણે સાત જણા છીએ. એટલે એ પ્રમાણે મેથીનાં થેપલાં, પૂરી સુખડી વગેરે બનાવવું પડશે. કાલે સવારે આ બધું બનાવવાનો ટાઈમ નહીં મળે. સુધાબેને ઘરે બનાવેલું જે અથાણું અહીં કિચનમાં રાખ્યું છે એ પણ સ્વાદિષ્ટ છે. તો એ અથાણું પણ લઈ લઈશું અને એકાદ કિલો દહીં પણ લેવું પડશે. " જયાબેન બોલ્યાં.

" મને તો ચાલુ ટ્રેઈનમાં થેપલાં દહીં અને અથાણું ખાવાની બહુ જ મજા આવે છે. " શિવાની વચ્ચે બોલી ઉઠી.

"ટ્રેઈનમાં ઠંડાં થેપલાંનું ભાતું ખાવાની બધાંને મજા આવે કારણ કે ટ્રેઈનમાં પિકનિક જેવું વાતાવરણ હોય ! " રેવતી બોલી.

થોડીવાર પછી સુધામાસી રસોઈ કરવા માટે આવ્યાં ત્યારે જયાબેને એમને બધી જ સૂચના આપી દીધી.

" અત્યારે અમારે લોકોને બહાર જમવાનું છે એટલે તમારે આ સિવાય બીજી રસોઈ અત્યારે કરવાની નથી. સાંજે ઘરે જમીશું એટલે સાંજે રોજની રસોઈ કરી દેજો. " જયાબેન બોલ્યાં.

" કાંઈ વાંધો નહીં બેન. કાલે સવારે તમને લોકોને ગરમા ગરમ બટેટાપૌંઆ પણ બનાવી દઈશ એટલે એ પણ રસ્તામાં કામ આવશે. " સુધામાસી બોલ્યાં.

"વાહ માસી સરસ વાત કરી તમે !! ઠંડા નાસ્તાની સાથે આ ગરમ બટેટા પૌંઆનો આઈડિયા મને ગમ્યો." કેતન બોલી ઉઠ્યો.

એ પછી બધાએ નાહી ધોઈ લીધું અને સવારે ૧૦.૩૦ વાગે ધરમશીભાઈના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. કેતને મનસુખ માલવિયાને સૂચના આપી દીધી હતી કે આવતી વખતે એ રીક્ષા કરીને આવે જેથી એ જ રીક્ષામાં વધારાની ત્રણ વ્યક્તિ બેસી શકે ! ખાલી ધરમશી અંકલના ઘરે જવા માટે જયેશને ડિસ્ટર્બ કરવો યોગ્ય નથી.

રીક્ષા આવી એટલે સિદ્ધાર્થ રેવતી અને શિવાની રીક્ષામાં જ ગોઠવાઈ ગયાં અને બાકીના સભ્યો કેતન સાથે ગાડીમાં બેઠા.

કેતને ગાડીને વ્રજભૂમિ બંગ્લોઝ તરફ લીધી. માયાવી અવસ્થામાં હતો ત્યારે પણ એ પ્રતાપભાઈના આ બંગલે ગયેલો અને એ જ બંગલામાં અત્યારે ધરમશી ઠક્કર રહેતા હતા.

" અરે પધારો પધારો જગદીશભાઈ." ધરમશીભાઈએ બધાનું ખૂબ જ ભાવથી સ્વાગત કર્યું. વિજયાબેને પણ જયાબેનનું સ્વાગત કર્યું અને એમને સોફામાં બેસવા માટે ઈશારો કર્યો.

" ઘણા સમય પછી આજે મળવાનું થયું." જગદીશભાઈએ સોફા ઉપર બેસતાં કહ્યું. પરિવારના બાકીના શબ્દો પણ ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ ગયા.

" અરે નીતા મહેમાનો માટે પાણી લાવજે. " ધરમશીભાઈ બોલ્યા અને એમણે જાનકીને પણ એક નજરથી જોઈ લીધી અને બધું સમજી ગયા કે નીતા માટે હવે આગળ વાત કરવા જેવી નથી.

" છેક જામનગર સુધી આવું અને તને મળ્યા વગર જાઉં એવું તો બને જ નહીં ને ! એટલે જ સવારમાં તને ફોન કર્યો. " જગદીશભાઈ બોલ્યા.

ત્યાં નીતા પાણીના ગ્લાસ લઈને આવી અને બધાંને પાણી આપ્યું. એણે પણ જાનકીને જોઈ લીધી. છોકરી તો ખરેખર સરસ હતી !

"આ જાનકી છે. કેતનનાં લગ્ન અમે ડિસેમ્બર જાન્યુઆરીમાં વિચારીએ છીએ. તમારે બધાંએ આવવાનું છે. અત્યારથી જ કહી દઉં છું." જગદીશભાઈ બોલ્યા.

" ચોક્કસ આવીશું. આ તો ઘરનો જ પ્રસંગ કહેવાય. તમારો ફોન આજે આવ્યો એટલે મને બહુ જ આનંદ થયો. કેતનભાઇને તો મારે બે ચાર વાર મળવાનું થયું છે. હમણાં હવન પણ કરાવ્યો. એ રોકાઈ ગયા હોત તો અહીં જામનગરમાં કન્સ્ટ્રક્શન લાઈનમાં ઘણી બધી તકો હતી. જો કે મુંબઈ ચોક્કસ એમના માટે વધારે સારું છે." ધરમશીભાઈ બોલ્યા.

એ દરમિયાન જયાબેન ઊભાં થઈને કિચનમાં વિજયાબેન પાસે ગયાં.

"તમારે કંઈ પણ મદદની જરૂર હોય તો જાનકી અને રેવતીને બોલાવી લઉં. આટલા બધા માણસોની રસોઈ કરવાની હોય એટલે થોડી તકલીફ પડે જ." જયાબેન બોલ્યાં.

" ના..ના.. તમે બેસો જયાબેન. હું અને નીતા પહોંચી વળીશું. મોટાભાગની રસોઈ તો થઈ ગઈ છે. " વિજયાબેન બોલ્યાં. ત્યાં જાનકી અને રેવતી પણ રસોડામાં આવી ગયાં.

" માસી હવે શું બાકી છે એ અમને કહો. અમે કંઈ મહેમાન નથી. કામ વહેચી લઈશું તો જલદી પૂરું થઈ જશે. " જાનકી બોલી.

વિજયાબેન કંઈ બોલ્યાં નહીં અને રસોઈમાં જ્યાં જરૂર હતી ત્યાં એમણે જાનકી અને રેવતીની મદદ લીધી. જાનકી વાચાળ હતી અને એણે નીતા સાથે વાતો ચાલુ પણ કરી દીધી. નીતાને જાનકીનો સ્વભાવ ખૂબ જ ગમ્યો.

૧૨:૩૦ વાગ્યા સુધીમાં બધી જ રસોઈ થઈ ગઈ એટલે વિજયાબેને બધાંને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા આવી જવાનું કહ્યું.

રસોઈમાં આજે દૂધપાક, પૂરી, કઢી, ભાત, છોલે ચણા અને સાથે મેથીના ગોટા હતા. મેથીના ગોટા છેલ્લે જાનકીએ જ બનાવ્યા હતા.

" વાહ રસોઈ તો ખૂબ સરસ બની છે." જમતી વખતે જયાબેન બોલ્યાં.

" આજે તો રસોઈમાં બધાંનો ફાળો છે. " પીરસતી વખતે વિજયાબેન બોલ્યાં.

જમી કરીને કેતનનું ફેમિલી બે વાગ્યે ધરમશીભાઈના ઘરેથી નીકળી ગયું. આવતી વખતે ધરમશીભાઈ પોતે જ ગાડી ચલાવીને જગદીશભાઈ, જયાબેન અને સિદ્ધાર્થને ઘરે મૂકી ગયા.

ઘરે પગ મૂક્યો ત્યારે આવતી કાલના ભાતા માટે સુધામાસીએ થેપલાંનો થપ્પો બનાવી દીધો હતો. સાથે પૂરીઓ પણ તૈયાર હતી. સુખડીની સુગંધ પણ સરસ આવતી હતી !

" માસીના મેથીના થેપલાની સુગંધ એટલી સરસ આવે છે કે મને તો ફરી ભૂખ લાગી ગઈ. " કેતન બોલ્યો.

"તો ફરી જમવા બેસી જા ને ! કોણે રોક્યો છે ? ઘઉં અને બાજરીનો લોટ મિક્સ કરો અને લસણ અને થોડુંક ગળપણ ઉમેરીને થેપલાં બનાવો એટલે આવી જ સુગંધ આવે. મુસાફરીમાં આવાં થેપલાં વધારે સારાં લાગે." જયાબેન બોલ્યાં.

" હવે બધા ચાર વાગ્યા સુધી આરામ કરી લો. ચા પાણી પીને સાડા પાંચ વાગે આપણે લાખોટા તળાવ ફરવા જવા માટે નીકળીશું." કેતન બોલ્યો.

લાખોટા તળાવ જવા માટે કેતને ફરી જયેશને બે કલાક માટે ગાડી લઈ આવવાનું કહી દીધું. કારણ કે આ રીતે પોતાના પરિવારને રીક્ષામાં ફેરવવાનું કેતનને યોગ્ય ના લાગ્યું.

જામનગરનું લાખોટા તળાવ રણમલ તળાવ તરીકે પણ ઓળખાય છે અને લગભગ ૨૦૦ વર્ષ પહેલાં જામ રણમલજી એ દુષ્કાળનો સામનો કરવા માટે એ બનાવ્યું હતું. વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ શહેરની મધ્યમાં છે અને શહેરની શોભા પણ છે. તળાવની વચ્ચોવચ લાખોટા પેલેસ પણ છે જે મ્યુઝિયમ તરીકે અત્યારે વપરાશમાં છે.

તળાવની ચારે બાજુ સુંદર વિકાસ કરવામાં આવ્યો છે. ગાર્ડન, સુંદર ઝરૂખા અને ફુવારા આ તળાવની શોભા છે. સાંજના સમયે અહીં લેસર લાઈટના શો પણ થાય છે.

રોજ સાંજે સહેલાણીઓની અહીં ભીડ જોવા મળે છે અને જ્યાં ભીડ હોય ત્યાં સાથે ખાણીપીણી ના હોય એવું તો બને જ નહીં !

કેતન અને એનું ફેમિલી સાડા પાંચ વાગ્યે નીકળીને લાખોટા તળાવ પહોંચી ગયું. તળાવના કિનારે ચક્કર મારીને છેવટે બધા થોડીવાર ગાર્ડનમાં જ બેઠા. આસો મહિનો ચાલતો હતો એટલે વાતાવરણમાં પણ ઠંડક હતી. બધાંને મજા આવી.

કેતન સામે જ આવેલા હેવમોરમાંથી આઈસ્ક્રીમ લઈ આવ્યો અને બધાંએ એન્જોય કર્યો. રાત પડવા આવી અને લાઇટો ચાલુ થઈ પછી તો તળાવના ચારે કિનારા અને મહેલની રોશનીથી આખો તળાવ વિસ્તાર ઝગમગી ઉઠ્યો !!

લાખોટા તળાવથી ફરી બધા પોતાની ગાડીઓમાં ગોઠવાઈ ગયા. ઘરે પહોંચ્યા ત્યારે રાતના ૮ વાગવા આવ્યા હતા.

" જયેશ કાલે સવારે ૧૧ વાગે છેલ્લી વાર આ ગાડી લઈને આવી જજે. કારણ કે કાલે સ્ટેશન જવા માટે તારી ગાડીની ખાસ જરૂર પડશે. " કેતન બોલ્યો.

" તમારે આ બધું કહેવાનું હોય જ નહીં કેતનભાઇ. ગાડી લઈને સવારે હું આવવાનો જ છું. " જયેશ બોલ્યો.

" અને મનસુખભાઈ તમે કાલે સવારે આઠ વાગ્યાથી જ આવી જજો. કારણ કે બધો સામાન પેક કરી દેવાનો છે. જો શક્ય હોય તો એક બે મોટાં બોક્સ, પ્લાસ્ટિકની દોરી અને એકાદ કોથળો પણ લેતા આવજો. " કેતન બોલ્યો.

આ લોકોની વાતચીત ચાલુ હતી ત્યાં જ સુધાબેન સાંજની રસોઈ કરવા માટે આવી ગયાં.

"સુધાબેન આવતીકાલે કોઈ રસોઈ કરવાની નથી. માત્ર બટેટાપૌંઆ બનાવી દેજો. એ બની જાય એટલે વાસણ ધોઈને પેક કરી દઈશું. સવારે જ ગરમ ગરમ પૌંઆ જમી લઈશું. થોડાક પૌંઆ સાથે પણ લઈ જઈશું. બાકી ટ્રેઈનમાં બપોરે જમવા માટે તમે બનાવેલો નાસ્તો તો છે જ." જયાબેન બોલ્યાં.

" ભલે બેન. અત્યારે તો કાલની જેમ ભાખરી શાક અને ખીચડી જ બનાવી દઉં ને ? " માસી બોલ્યાં.

" હા અત્યારે તો એ જ બરાબર છે. રીંગણ બટેટાનું શાક બનાવી દો. ભાખરી પણ કાલના જેટલી જ બનાવી દો. વધશે તો સવારે નાસ્તામાં કામ આવશે. જાનકી અને રેવતી તમને મદદ કરશે. " જયાબેન બોલ્યાં.

"અને હા મનસુખભાઈ. તમે સવારે આવો ત્યારે એક કિલો દહીં ખાસ લેતા આવજો. બે ડઝન જેટલી પેપર ડીશ અને પ્લાસ્ટિકની ચમચી પણ અત્યારે જતી વખતે ખરીદી લેજો. કારણ કે વહેલી સવારે બજાર ખૂલ્યું નહીં હોય. " કેતન બોલ્યો.

" ભલે શેઠ." મનસુખ માલવિયા બોલ્યો અને જયેશની ગાડીમાં જ બંને રવાના થયા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)