કોલાહલ સાંભળીને જાગ્યો ત્યારે દિલ્હી કેંટ આવી ગયું હતું.
શ્યામ બર્થ પરથી નીચે ઉતર્યો. એ લોવર બર્થ પર બારીની નજીક બેઠો. ટ્રેન ધીમે ધીમે દિલ્હીમાંથી પસાર થતી હતી. ટ્રેકની બંને બાજુ ગંદગીનો પાર નહોતો. રાજધાનીની આ હાલત છે તો દેશના બાકીના વિસ્તારની હાલત કયાંથી સુધરે એમ એ વિચારતો હતો. કેટલા યુધ્ધોનું સાક્ષી છે આ દિલ્હી. કેટલી હત્યાઓનું સાક્ષી! દ્રૌપદીના ચીરહરણથી નિર્ભયા રેપકેસ સુધી. મોગલોના ધાર્મિક અત્યાચારથી બ્રિટીશરોના આર્થિક અને વહીવટી અત્યાચારનું સાક્ષી આ દિલ્હી શહેર અંદરથી દુઃખી હશે!
સોનીપતનું બોર્ડ જોઈ એના વિચારો તૂટ્યા. આ સોનીપત! એની અર્ચનાનો જીલ્લો. ત્રણ યુદ્ધોનું સાક્ષી પાણીપત અને મહાભારતના યુદ્ધનું સાક્ષી કુરુક્ષેત્ર પણ ગયા. અંબાલા આવ્યું. એણે અર્ચનાને કોલ કર્યો.
“અબ હમારે મિલનકે બીચ એક ઘંટા હી બચા હે...” અર્ચનાના અવાજમાં ખુશી અને મનમાં તાલાવેલી હતી.
ટ્રેન, સમય અને એના વિચારો ચાલ્યા કરતા હતા. ચંડીગઢ આવ્યું. પહેલીવાર આટલી લાંબી મુસાફરી કરી હતી. પણ એને થાક લાગ્યો ન હતો. થાક ન લાગવાનું કારણ તો જેને પ્રેમ થયો હોય એને જ સમજાય! શ્યામને અર્ચના માટે જે સહાનુભૂતિ થઇ હતી એ ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.
ટ્રેનની ગતિ ધીમી થઇ. પાટા પર દોડી રહેલા પૈડાઓનો અવાજ બદલાયો. ધીમે ધીમે ટ્રેન ઉભી રહી. એના હ્રદયના ધબકારા વધી રહ્યા હતા. એ ટ્રેનમાંથી ઉતર્યો. આમ તેમ જોયું. સ્ટેશન બહાર કયાંથી નીકળાય એ એને સમજાયું નહિ. એક મુસાફરને પૂછ્યું અને એણે એક્ઝીટ ગેટ બતાવ્યો. એ એસ્કેલેટર દ્વારા નીચે ઉતર્યો. શ્યામ માટે પ્રથમવાર એસ્કેલેટરનો અનુભવ હતો. સ્ટેશનની બહાર એક ઓટોને પૂછ્યું કે બસસ્ટેશન. ઓટો ડ્રાયવરે સો રૂપિયા કહ્યા એટલે એણે ચાલવા માંડ્યું. દુર એક સીટી બસ ઉભી હતી. એણે બસમાં ચડીને કંડકટરને કહ્યું, “બસ સ્ટેશન?”
“કોનસા?” કંડકટરે સામું પૂછ્યું.
શ્યામે અર્ચનાને કોલ કરીને પૂછ્યું કે કયા બસ સ્ટેશને ઉતરવાનું. અર્ચનાએ કહ્યું, “સેક્ટર-17. સતારા બોલના. ઇધર લોગ સતારા બોલતે હે.”
શ્યામે કંડકટરને કહ્યું, “સેક્ટર સતારા...”
શ્યામ સેક્ટર-17 ઉતર્યો. બસ સ્ટેશનની બહાર આવ્યો.
અર્ચનાનો ફોન આવ્યો.
“બસસ્ટેન્ડ કે બાહર એક મંદિર હે ઔર બડા પેડ હે વહાં ખડે રેહના.” અર્ચનાએ કહ્યું.
“ઓકે...”
શ્યામે એ મંદિર અને ઝાડ શોધી કાઢ્યા. એ ત્યાં ઉભો રહીને આમ તેમ જોતો હતો ત્યાં ફરી એના ફોનની રીંગ વાગી.
“હેલ્લો, કિધર હે?” અર્ચનાએ પૂછ્યું.
શ્યામે પાછળ જોયું. સાઈડ વ્હીલ એટેચ્ડ વ્હાઈટ એકટીવા પર એક છોકરી બેઠી હતી. તેનો ફોન ચાલુ હતો. હા, તે અર્ચના હતી. શ્યામને અર્ચનાની પીઠ દેખાતી હતી. વોટ્સએપ પર આવેલા એના ફોટાઓના કારણે શ્યામ અર્ચનાનો ડ્રેસ ઓળખી ગયો. બ્લયુ ડ્રેસ અને કમર સુધી લાંબા વાળ. અર્ચનાએ એને જોયો ન હતો.
“મેને તુજે દેખ લિયા હે.” શ્યામે કહ્યું અને કોલ કાપીને એ અર્ચનાની એકટીવા તરફ ગયો.
“અર્ચના..”
શ્યામના અવાજથી અર્ચનાએ ડરેલી હરણી માફક પાછળ જોયું. તેઓ બંને એકબીજા સામે જોઈ રહ્યા. સમય જાણે કે સ્થિર થઇ ગયો! આખરે એ હસી. એ એકદમ ખુશ દેખાતી હતી છતાં એના ચહેરા પર અગમ્ય ઉદાસી તો વર્તાતી જ હતી. અર્ચનાએ ધીરે ધીરે ગરદન ઉઠાવીને એને સંપૂર્ણ નીરખી લીધો.
“કયા દેખ રહી હો? મેં શ્યામ.”
“કાફે લંબે હો!” એ એટલુ જ બોલી કે બોલી શકી.
“કોઈ પ્રોબ્લેમ હે મેરી હાઈટ સે...?”
“મેને એક પેન્ટ-શર્ટ લિયે થે આપકો સરપ્રાઈઝ ગીફ્ટ દેને લેકિન આપકો ફોટોમેં દેખકે મેને જો અંદાજ લગાયા થા વહ ગલત નિકલા. મેને મેરે ભાઈ રોહન કી હાઇટ સે પેન્ટ શર્ટ લિયે થે. પર રોહન તો આપકે કંધો તક હી આતા હોગા. મેરી સરપ્રાઈઝ સરપ્રાઈઝ હી બન ગઈ પર મેરે લિયે. અબ કયા કરુ મેં?” એ દુઃખી થઇ ગઈ.
“કપડે યા મેં, દો મેંસે કિસી એક કો જાને દે.” શ્યામે હસીને કહ્યું.
એ પણ હસી.
“બેઠ જાઓ.”
એ અર્ચનાની પાછળ એકટીવા પર બેઠો. અર્ચના સેલ લગાવવા ગઈ ત્યાંજ એ ચીસ પાડી ઉઠી. પવનના કારણે અર્ચનાના વાળ હવામાં ઉડ્યા અને શ્યામના શર્ટના બટનમાં ફસાઈ ગયા હતા. જયારે એ આગળ ગઈ વાળ ખેચાવાથી એ ચીસ પાડી ઉઠી.
“મેને જાન બુઝ કે નહિ કિયા હે.” શ્યામે માફી માંગતા કહ્યું.
“અપને આપ હી હુઆ હે. મુજે પતા હે. પર એસા તો ફિલ્મો મેં હોતા હે. જયાદાતર શાહરુખ ખાન કી મુવી મેં.” એ બોલી.
શ્યામ હસ્યો. એને ત્યારે કયાં ખબર હતી કે ફિલ્મોમાં થાય છે એવું બધું એની સાથે પણ થશે. એણે બટનમાં ફસાયેલ વાળ છુટા કર્યા.
અર્ચનાએ એકટીવા સ્ટાર્ટ કરી. અર્ચનાના હાથ ધ્રુજતા હતા. શ્યામને સમજાયું નહિ કે એ કેમ ડરતી હતી. એ નવા શીખાઉની જેમ ધ્રુજતા હાથે એકટીવા ચલાવતી હતી.
“કયા હુઆ..? તેરે હાથ કયું કાંપ રહે હે..?”
“પતા નહિ. મુજે ડર લગ રહા હે.”
અર્ચનાના હાથ ધીમે ધીમે ધ્રુજતા બંધ થયા. એને શું ડર લાગ્યો હશે એ શ્યામને ખબર પડી નહી. પાંચેક કિમી ચાલ્યા પછી અર્ચનાએ એકટીવા રોકી. એણીએ એક વૃદ્ધ રાહદારીને પૂછ્યું, “ખુડા અલી શેર જાને કા રાસ્તા..?”
“રાઈટ મેં ચલે જાઓ. આગે જાકે સુખના લેક આયેગા...” વૃદ્ધ બોલ્યો.
“લેક સે તો મુજે પતા હે રાસ્તા.” કહીને અર્ચનાએ એકટીવા હંકારી.
“તુમ એક સાલ સે યહાં રેહતી હો ઔર તુમે અભી તક રાસ્તો કા પતા નહિ હે?” શ્યામને નવાઈ લાગી હોય એવું એના અવાજ પરથી લાગતું હતું.
“રાસ્તે તો સારે માલુમ હે. પર આજ આપ પીછે બેઠે હો તો ડર મેં રાસ્તે ભૂલ ગઈ.” અર્ચનાએ ધીમા અવાજે કહ્યું.
શ્યામ કે અર્ચના એકે સમજી ન શક્યા કે એ ડર નહી પણ એકસાઈટમેન્ટની લાગણી હતી જે એમનું દિલ પ્રથમ મુલાકાતને લીધે અનુભવી રહ્યું હતું.
થોડીવારમાં ચંડીગઢની ટ્રેફિકના બદલે ગામડાનો રોડ ચાલુ થયો. એ રોડ પર એકટીવા પાંચેક મિનીટ ચાલી. એક મોટું મેદાન અને ગુરુદ્વ્રારા દેખાયા. અર્ચનાએ એકટીવા એક સાંકડી ગળીમાં વાળી એક ઘર આગળ ઉભી રાખી.
“ઘર આ ગયા?”
“હાં જી, આ ગયા..”
શ્યામ ઉતર્યો. અર્ચના એકટીવાનો સપોર્ટ લઈને ઉતરી. એકટીવાની સીટ જોડે લગાવેલી સ્ટીક કાઢી. સ્ટીકના સહારે એ ઉભી રહી અને દરવાજા પાસે ગઈ. દરવાજાને હાથથી હડસેલ્યો એટલે દરવાજો ખુલી ગયો. દરવાજો અંદરથી બંધ નહોતો. એ દરવાજામાં પ્રવેશી. શ્યામ પણ એને સ્ટીકથી ચાલતી જોતા એની પાછળ પ્રવેશ્યો.
ઘરમાં એક યુવતી બેઠી હતી. શ્યામને જોઇને એ ઉભી થઇ.
શ્યામ બેડ પર બેઠો, નીચા નમી બુટની દોરી ખોલી અને બુટ કાઢ્યા.
એ યુવતી જે અર્ચના કરતા ઉમરમાં નાની લાગતી હતી એણીએ શ્યામને પાણી આપ્યું.
“આપકે લિયે ચાય બનાઉં..?” પાણી આપનાર એ યુવતીએ પૂછ્યું ત્યારે એના અવાજ પરથી શ્યામ ઓળખી ગયો કે એ કાવ્યા હતી. એણે કાવ્યા સાથે ફોન પર ઘણીવાર વાત કરી હતી.
“મે ચાય નહિ પીતા..”
“તો ગરમ દૂધ...” શ્યામ કઈ આનાકાની કરે એ પહેલા કાવ્યા કિચનમાં ચાલી ગઈ.
અર્ચના શ્યામની સામે જમીન પર જ બેસી ગઈ. શ્યામની સામે જોઈ રહી.
“ઉપર બેઠ ના..” શ્યામે કહ્યું.
“નહિ, મેં યહી ઠીક હું...”
અર્ચનાએ નીચે બેસવાનું પસંદ કર્યું. કાવ્યાએ શ્યામને દૂધ અને અર્ચનાને ચા આપી. તેઓ એકબીજા સામે જોતા પીણાંની ચુસકીઓ લેવા લાગ્યા.
“ઇધર નજદીક મેં કોઈ સસ્તા હોટલ હોગા?” શ્યામે ચુપકી તોડતા પૂછ્યું.
“હોટેલ મેં જાને કી કોઈ જરૂરત નહિ હે. મેરી ઓફીસકા એક પ્યુન નયા ગાંવ મેં કમરા લેકે રેહતા હે. અભી નયા લગા હે ઈસલીયે ઉસકા બડા ભાઈ સાથ મે રેહતા હે. મેને ઉસસે બાત કર રખી હે. રાત આપ ઉનકે કમરે પે રેહના. મેં શામકો છોડને આઉંગી ઔર સુબહ લેને આઉંગી.”
“ઓકે...”
“ઔર કલ મેરે મામાકા લડકા કાવ્યા કો લેને આ રહા હે. ઘરપે કાવ્યા કા કોઈ કામ હોગા. કલસે મેં અકેલી હો જાઉંગી. કલ રાત મેં બુઆ કે ઘર સોને જાઉંગી. આપ યહી પર સો જાના.”
“ઠીક હે..” શ્યામ બધા જવાબ ટૂંકા આપતો હતો કેમકે શું બોલવું એ રૂબરૂ મુલાકાતમાં સમજાતું નહોતું.
પછી જે વાતો ફોન અને ચેટ પર થતી એ જ વાતો રૂબરૂમાં થઇ. એમને ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે સાંજના છ થઇ ગયા હતા.
સાંજ થતા અર્ચના શ્યામને નયા ગાંવના એ પ્યુનના રૂમ પર મુકવા ગઈ. અર્ચના એ પ્યુન અને એના ભાઈ માટે ઓફિસર હતી એટલે એમણે શ્યામની સારી રીતે ખાતિરદારી કરી.
શ્યામે એમની સામે પોતાની જાતને સાગર તરીકે જ રજુ કરી જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ઉભી ન થાય.
ક્રમશ: