Shamanani Shodhama - 9 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 9

Featured Books
Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 9

          સવારના સમયે ચંદીગઢના સેકટર સત્તર પાસે યુનીફોર્મમાં સજ્જ પોલીસની ભીડ જામેલ હતી. એક ડઝન કરતા પણ વધુ પોલીસો ખાખી વર્દીમાં આમતેમ ફરતા હતા. દરેકના ચહેરા પર ન સમજી શકાય તેવી વ્યાકુળતા હતી.

          પ્લેન સફેદ શર્ટ અને એવા જ પ્લેન કાળા પાટલુન પહેરેલો ચાળીસેકની ઉમરનો આધેડ માણસ એમને સુચના આપતો હતો. એ પરથી એ ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો સ્પેસ્યાલીસ્ટ લાગતો હતો. એની દરેક સુચનાનું ખાખી વર્દીવાળા પોલીસો ચુસ્તપણે પાલન કરતા હતા.

          એ ડીટેકટીવ અરોરા હતો. અરોરા પોણા છ ફૂટનો મજબુત બાંધાનો માણસ હતો. એ પોલીસ એકેડમીમાં ટોપરની હરોળમાં હતો અને ડયુટી પર લાગ્યા પછી ઈમાનદાર પોલીસની યાદીમાં રહ્યો હતો. મેરીટ પર નોકરીએ લાગેલા અરોરાએ જીવનમાં ક્યારેય હરામનો રૂપિયો હાથમાં પકડ્યો નહોતો અને હરામીઓને પકડવામાં કોઈ કસર છોડી નહોતી. એ ઉપરી અધિકારીઓ માટે બલીનો બકરો અને માથાનો દુખાવો બંને હતો. એ પોતાનું ધાર્યું કરતો એ રીતે જોઈએ તો એ માથાનો દુખાવો હતો અને જયારે પણ મીડિયાનો પ્રેસર વધે તો અરોરા પર દોષનો ટોપલો ઢોળીને એની બદલી કરી દેવામાં આવતી. એ બદલી બાબતે ક્યારેય હરફ પણ ન ઉચ્ચારતો કેમકે એને બદલીથી કોઈ ફરક પડતો નહોતો. એના ગમે ત્યાં મોકલવામાં આવે એને ખિસ્સા ભરવાના નહોતા. કામ કરવા માંગતા અધિકારીને બદલીનો શું ભય હોય?

          એ તેનાથી ત્રણેક ફૂટ દુર નાળામાં પડી લાશને ધ્યાનપૂર્વક જોતો હતો. લાશ નાળામાં એ રીતે પડી હતી કે નાળાનું ગંદુ પાણી લાશના ચહેરા પરથી વહેતુ હતું. જ્યાં સુધી લાશ પાણી બહાર નીકાળવામાં ન આવે ત્યાં સુધી એ કોણ છે એ જાણવાનો કોઈ રસ્તો નહોતો.

          ડીટેક્ટીવ અરોરા ચાર્જ સંભાળતો હોય એમ એણે પોલીસને સુચના આપી અને એ ચિઠ્ઠીના ચાકર ખાખી વર્દીધારીઓએ લાશને નાળા બહાર નીકાળી.

          લાશના ફોટોગ્રાફ્સ લેવાયા. અરોરાએ પોતાના ખિસ્સામાંથી એક પોકેટ ડાયરી નીકાળી કેટલાક કલુ એમાં ટપકાવ્યા. લાશથી ત્રણેક ફૂટ દુર રહેલ ચાકુને પોતાના પ્લાસ્ટિક ગ્લોવ્ઝ સાથેના હાથથી ઉઠાવ્યું. પોતાના ખીસામાંથી એક પોલીથીન બેગ નીકાળી ચાકુ એમાં સરકાવ્યું અને બેગની જીપ બંધ કરી પોતાની આસિસ્ટન્ટ રીમા ઉપ્પલના હાથમાં બેગ સોપી.

          રીમા સારી રીતે જાણતી હતી કે એ ચાકુ કયાં મોકલવાનું હતું – ફોરેન્સિક લેબ.

          કેસ હોમીસાઈડ જ હતો. વિકટીમની ગળાની નસ કપાયેલી હતી. ઘટનાસ્થળેથી મળેલ રામપુરી બુમો પાડીને કહેતુ હતું કે ગળાની નસ કાપવા માટે એનો જ ઉપયોગ થયો હતો.

          “વોટ ઈઝ ધ સિચ્યુએશન ડોક્ટર...?” અરોરાએ બધું જોઇને પૂછ્યું.

          ડોકટર કમ મેડીકલ એકઝામાઈનર પ્રશાંત ભાટિયા પોતાનું કામ પૂરું કરી ચુક્યો હતો. એ લાશ પાસેથી ઉભો થયો. પોતાના પેન્ટ પર લાગેલ ગટરના ગંદા પાણીના દાગને સાફ કરવાનો એકાદ નિષ્ફળ પ્રયાસ કર્યો..

          “અબ ઇસપે આપકા હક હે મિસ્ટર અરોરા..”

          “જાનતા હું લેકિન કુછ જાનને કો મિલા?” અરોરાએ પોતાની ચાલાક આંખો ડોક્ટરની ચશ્માં આરપાર દેખાતી જીણી આંખોમાં પરોવી.

          “વિકટીમ કે ગલેકી આર્ટરી કટ ચુકી હે. ઉસકે મુંહસે નિકલે હુવે ખુનકો દેખ કર લગતા હે કી ચાકુ મારને સે પહેલે ઉસકે સીને પે કોઈ ગહરી ચોટ લગી હોગી. અગર મેં ગલત નહી તો વો ચોટ પસલીયો પે લગી હે... ઉસકા રીબ કેજ ટુટ ગયા હોંગા. યે સબ ચાકુ લગને સે પહેલે હુવા હોંગા ક્યુકી આર્ટરી કટ જાને કે બાદ મુહસે ખૂન નિકલના નામુમકીન હે...”

          “કોઈ પ્રોફેશનલ..?”

          “આઈ એમ નોટ સ્યોર.. પર જો ભી હોંગા ઉસકે હાથ લોહે કી તરહ મજબુત હોંગે ક્યુકી વિકટીમ કે સીને પે કોઈ હથિયારસે વાર નહી કિયા ગયા...”

          “કિસ વક્ત મોત હુઈ હોંગી...?” અરોરા દરેક પ્રશ્ન બાદ મળતી વિગતને પોતાની પોકેટ ડાયરીમાં ટપકાવ્યે જતો હતો.

          ડોકટર એકાદ પળ લાશને તાકી રહ્યો.

          “સમય..?” અરોરાએ ફરી પ્રશ્ન દોહરાવ્યો.

          “કહેના મુશ્કિલ હે... સાયદ મીડ નાઈટ પહેલે.. બોડી પાનીમે થી ઇસ લિયે પક્કી રીપોર્ટ તો પી.એમ. રીપોર્ટ હી બતા શકતા હે...”

          “થેંક્યું ડોકટર.”

          “વેલકમ મિસ્ટર અરોરા.”

          ડોકટર અને ડીટેક્ટીવ એ લાશ સામે ઉભા હતા છતાં અભિવાદન કરવાનું ચુકયા નહી. એ જોતા એમ લાગતું હતું કે એવી લાશો જોવી એ એમનું રોજનું કામ હતું. એ એમના માટે સામાન્ય ઘટના હતી.

          અરોરા ફરી એકવાર લાશને જોઈ રહ્યો. પોતે ડાયરીમાં ટપકાવેલી ચીજો કન્ફર્મ કરવા લાગ્યો.

          બ્લેક શર્ટ... ચેક... ઓકે.

          ડાર્ક બ્લુ જીન્સ...ચેક...ઓકે.

          નો ટાઈ... ચેક... ઓકે.   

          બ્લેક સ્પોર્ટ્સ સૂઝ... ચેક... ઓકે.

          કોસ્ટલી રિસ્ટ વોચ ... ચેક... ઓકે.

          અરોરા નીચે નમ્યો. લાશની વધુ વિગત મેળવતા પહેલા એણે પોતાની ડાયરી પાછી ખીસ્સામાં સરકાવી.

          એ ડેડ બોડી પાસે બેસી ગયો. એના ખિસ્સા ફંફોસવા લાગ્યો.

          એના એક ખીસામાંથી એનો મોબાઈલ નીકળ્યો. અરોરાએ ફોન ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પણ એના અંદાજ મુજબ એ પલળીને ખરાબ થઇ ગયો હતો. એણે ફરી એક પોલીથીન બેગ નીકાળી અને ફોન એમાં સરકાવી જીપ બંધ કરી રીમાના હાથમાં સોપી.

          એ ફરી લાશ તપાસવા લાગ્યો. એના બીજા ખિસ્સામાંથી એક ચોળાઈ ગયેલ કાગળ મળ્યો. અરોરાએ કાગળ ઉખેળવા પ્રયાસ કર્યો. લગભગ બે ત્રણ મિનીટની મેહનત બાદ સાચવીને એ કાગળ ખોલવામાં સફળ રહ્યો પણ આખી રાત પાણીમાં ભીંજાવાને કારણે શાહી ફેલાઈ ગઈ હતી અને એમાં લખેલ અક્ષરો વાંચી શકાય એમ ન હતા.

          અરોરાએ કાગળ એક ટીસ્યુ પેપરમાં મૂકી એને એક પોલીથીન બેગમાં પેક કર્યું. પેક બેગ લેવા માટે રીમાનો સુંદર હાથ તૈયાર જ હતો.

          એણે બીજા ખીસ્સા ફંફોસવા માંડ્યા. એક વોલેટ હાથ લાગ્યું. ડીટેકટીવ વોલેટ ફંફોસવા લાગ્યો. ફરી એક કાગળ મળ્યો. એણે એની ઘડી ખોલી. નસીબ જોગ એ કાગળ વોલેટને લીધે સલામત રહ્યું હતું.

          એ લખાણ પંજાબીમાં હતું. અરોરા પોતે પંજાબી હતો. એ લખાણ વાંચી શકતો હતો.

          “આખરી મોકા... ઉસે પકડ લેને કા મલિક કે પાસ આખરી મોકા હે – કોઈ ફોરેઈનર આદમી...”

          અરોરાએ એના પર વિચારવામાં સમય ન બગાડ્યો કેમકે એ જાણતો હતો કે એ શબ્દોનો કોઈ અર્થ નહોતો. એ કોઈ ખાસ વ્યક્તિ માટે લખાયેલ નોટ હતી જે વ્યક્તિ એને સમજવા કોડ જાણતો હોય એના માટે જ એ શબ્દોનો કોઈ અર્થ નીકળી શકે એમ હતો છતાં અરોરાએ કાગળની ચબરખી પોલીથીન બેગમાં પેક કરી રીનાના હાથમાં સોપી.

          આ કામ માફિયાઓનું હશે..? એણે વિચાર્યું.

          કદાચ એમાં કોઈ રાજકીય માણસ પણ હોઈ શકે કેમકે એ ચિઠ્ઠી વાંચી ડીટેકટીવ એટલું તો જરૂર સમજી ગયો હતો કે એ કાગળ કોઈ અન્ડર કવર એજન્ટ મલિક માટે હતો.

          એ વોલેટમાંની બાકીની ચીજો ફંફોસવા લાગ્યો. એના હાથમાં વિકટીમનું આધાર કાર્ડ આવ્યું.

          “ફારુક કુરેશી...” નામ વાંચતા જ એની આંખો ચમકી. એ નામ એણે કયાંક સાંભળ્યું હતું.

          “યે નામ કુછ સુના હુવા નહી લગતા રીમા..?” એણે લાશ પાસેથી ઉભા થતા રીમાને પૂછ્યું.

          “જી સર.. ફારુક કુરેશી વહી બંદા હે જિસને વિક્ટર કો ઉસકે ધંધે કો ઉખાડ ફેંકનેકા દાવા ટી.વી. ન્યુઝ રિપોર્ટરો કે સામને કિયા થા...”

          અરોરા ઘડીભર વિચારોમાં ખોવાઈ ગયો અને ફરી પોતાની તપાસના કામમાં લાગી ગયો. રીમા જાણતી હતી કે એ તપાસ બહુ લાંબી ચાલવાની હતી.

                                                                                                   *

          શ્યામે એની મમ્મીને કહ્યું કે એ અર્ચનાને મળવા જાય છે. પપ્પા કે કોઈ પૂછે તો કહેજે કે એ મિત્રો સાથે ગોવા ફરવા ગયો છે. સાંજના પાંચ વાગ્યે એ બેગ પેક કરીને નીકળી ગયો.

          એ પાલનપુર રેલ્વે સ્ટેશન પર ઉભો હતો. રાતના આઠ વાગ્યા હતા. ટ્રેનનો સમય સાડા આઠનો હતો. ફોટોમાં ઘણીવાર એને જોઈ, સપનાઓમાં પણ જોઈ, એ ખરેખર કેવી લાગતી હશે એ જ વિચારોમાં એ ટ્રેનમાં ચડ્યો. એને અપર બર્થ મળી હતી. ટ્રેન ઉપડી. એ કેવી દેખાતી હશે એનાથી વધુ મોટો પ્રશ્ન એ હતો કે અર્ચના કેટલી ખુશ થશે.

          શ્યામ અપર બર્થમાં સુતો વિચારતો હતો કે એ કેવી લગતી હશે? એ ઊંઘી ગયો ત્યાં સુધી અર્ચના વિષે જ વિચારતો રહ્યો.

ક્રમશ: