અનુભવની ખીણ
'ઊડાઈના અનુભવથી અઘરા કાર્ય પાર પડે છે'
આપણે દરરોજ કેટ કેટલીય સમસ્યાઓ માંથી પસાર થતાં હોઇએ છીએ. ઘણીવાર મનુષ્ય સમસ્યાઓને હલ કરવા માટે ઘણા પ્રયત્નો અને અખતરાઓ કરતો હોય છે, પણ એનો ઉકેલ તે જાતે નથી લાવી શકતો. કારણ કે તેની પાસે અનુભવ હોય શકે પણ સાચી દિશા તરફનો અને ઊંડો અનુભવ નથી હોતો. દરેક સમસ્યાનો ઉકલ તો હોય જ છે, પણ એને શોધવો એ જ બહું મોટી વાત છે. આનાં માટે સાચાં અનુભવી મનુષ્યએ સાચું અવલોકન અને નિરીક્ષણ કરવું પડે છે.
એક વાર જામનગર શહેરમાં મારાં ઘરમાં રેફ્રિજરેટરની અંદર રહેલો લાઇટ લેમ્પ ઉડી ગયો. તો તે લેમ્પનુ સેમ્પલ લઈને ઈલેક્ટ્રીકલ દુકાનવાળા પાસે ખરીદવા માટે પહોંચી ગ્યો. એ દુકાનવાળા જુવાન ભાઇએ એક એવોજ લેમ્પ ચેક અને ચાલું કરીને મને આપ્યો. હું ઘરે પહોંચ્યો અને તે લેમ્પને રેફ્રિજરેટરમા ચડાવ્યો અને ચાલું કર્યો તો લેમ્પ ચાલું થયો નહીં. એક, બે અને ત્રણ એમ ઘણીવાર લેમ્પને ઉતારી અને ચડાવીને જોયો પણ તે ચાલું થયો જ નહિ.
હવે હું થાક્યો અને છાનો માનો બેસી ગયો. નત નવાં વિચાર આવે કે આ દુકાનવાળા ભાઇએ ખોટો લેમ્પ નથી આપી દીધો ને ? પણ એક સત્ય એ પણ હતું કે લેમ્પ મારી સામે ચાલું કરીને મને દેખાડેલો. બસ પછી કામ કાજમાં, આમાં મગજ નહીં લગાડવાના વિચાર કરતાં કરતાં જ ૨-૩ મહિનાઓ જતાં રહ્યા.
મારાં મનમાં પહેલેથી દોડતો એક વિચાર હતોજ કે આને પાંછો એક વાર ચેક કરવા દુકાનવાળા પાસે લઈ જાવ. આવો વિચાર કરતાં કરતાં ૧ મહીનો પાછો જતો રહ્યો.
(આમ આળસ કોઈ મનુષ્યને છોડતી પણ નથી)
હવે ૪ મહિના પછી રજાના દિવસે પાછો હું તે લેમ્પ લઈને તે જ ઈલેક્ટ્રીકવાળા જુવાન ભાઈની દુકાને પહોચી ગયો. ઈલેક્ટ્રીકવાળા ભાઇએ લેમ્પ ચડાવ્યો અને ચેક કર્યો તો લેમ્પ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. હુ પણ ચોંકી ઉઠ્યો કે આ શુ ? ઈલેક્ટ્રીકવાળા ભાઇએ કહ્યું આ તો ચાલું છે, નક્કી લેમ્પના હોલ્ડરમા ખામી છે. હવે લેમ્પ શરૂ થાય છે એનો ઉપાય તો મળી જ ગયો હતો પણ હજુ મારા મુખ્ય પ્રશ્નનો ઉપાય મળ્યો ના હતો.
હવે હું પણ માયાજાળમાં ફસાણો કે હવે કરવું શું? વિચાર કર્યો કે હજું બીજાં કોઈ ઈલેક્ટ્રીક દુકાનમાં બતાવી જોવ. તો તે જ સમયે હું બીજી ઇલેક્ટ્રિક દુકાને પહોંચ્યો અને ત્યાં ઇલેક્ટ્રિક દુકાનમા એક વૃદ્ધ દાદા બેઠેલાં હતાં. સમય પણ રાત્રીનો થઈ ગયેલો હતો. મેં આ લેમ્પ તેમને આપ્યો અને કહ્યું કે આ લેમ્પ ચાલે છે પણ રેફ્રિજરેટરમાં નથી ચાલતો.
ઈલેક્ટ્રીકની દુકાનવાળા દાદાએ લેમ્પને જોયો અને પાછો એક વાર વાયરના બે છેડાને લેમ્પ પર લગાડ્યા, લેમ્પ પાછો પ્રજ્વલિત થઈ ઉઠ્યો. પાછો તે દાદાએ લેમ્પને જોયો, તેનાં માથાના ભાગ ઉપર નિરીક્ષણ કર્યું અને એ લેમ્પના માથાંના ભાગને ખાંચા વાળી ફાઈલથી થોડો ઘસી નાખ્યો. મને કહ્યું હવે ચોક્કસથી આ લેમ્પ ચાલું થઈ જશે. મેં નિહાળ્યું કે દાદાના બોલવા પર ૧૦૦ ટકાનો વિશ્વાસ અને સાચો અનુભવ દેખાતો હતો, પણ મારા મનને હજુ વિશ્વાસ આવતો ના હતો.
"મજાકના ખોટાં અનુભવ અને સાચાં અનુભવમા પણ ઘણો તફાવત હોય છે"
હું લેમ્પ લઈને ઘરે પહોંચ્યો અને રેફ્રિજરેટરમાં લેમ્પને ચડાવ્યો અને ચાલું કર્યો, તો લેમ્પ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. મારું મન પણ આનંદિત થઈ ઉઠ્યું અને દાદાના સાચાં અનુભવ અને કારીગરીને હ્દયથી સલામી આપી દીધી.
" સાચો ઊંડાણપૂર્વકનો અનુભવ સફળતાની એક ચાવી છે "
આથી મનુષ્ય પાસે અનુભવ તો હોય છે, પણ સાચો અનુભવ મેળવવો ઘણો અઘરો હોય છે. એક બાજુ જુવાન ભાઇ અને બીજી બાજુ વૃદ્ધ દાદાનો અનુભવ. આથી અહીં એક વાત યાદ રાખવી જ રહી કે જીવનમાં હંમેશા પહેલા આપણા વડીલોને માન આપીને તેની વાતોનો સ્વીકાર કરવો જોઈએ.
જુનો બનું, તો કિંમતી બનું
અનુભવી બનું, તો સફળ બનું..
મનોજ નાવડીયા
Manoj Navadiya
E mail: navadiyamanoj62167@gmail.com