RETRO NI METRO - 21 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 21

Featured Books
Categories
Share

રેટ્રો ની મેટ્રો - 21

હેલ્લો ફ્રેન્ડ્સ,બોલીવુડની ગ્લેમરસ દુનિયાની ચકાચૌંધ ભલભલાને આકર્ષે તેવી છે.કેવી સરસ દુનિયા!! કારમાં ફરવાનું,વૈભવશાળી હોટલમાં રહેવાનું,વિદેશના લોકેશન પર જઈને શૂટિંગ કરવાનું, લેટેસ્ટ ફેશનના ડ્રેસીસ અને ઉડીને આંખે વળગે તેવો સરસ મેકઅપ,સરળતાથી અભિનય કરવાનો, આપેલા સંવાદોની બે-ચાર લાઇન બોલવાની, સ્ટાઇલિશ ઇન્ટરવ્યૂ આપવાના અને ઢગલાબંધ કમાણી કરવાની.ફિલ્મ જોતા જોતા આવા વિચારો કરીને ફિલ્મ એક્ટર બનવાના સપના ક્યારેક ને ક્યારેક તો સૌએ જોયા જ હશે.પણ ફ્રેન્ડ્સ તમે ક્યારેય એ વિચાર્યું નહીં હોય કે આ વૈભવ,આ ગ્લેમરની ચમક-દમક માટે સિનેસ્ટાર્સ ખૂબ મહેનત પણ કરે છે.એમણે પણ પાત્રને જીવંત બનાવવા માટે ખૂબ પરસેવો પાડવો પડે છે.તમને મારી વાત સાચી નથી લાગતી ને? તો ચાલો આજે તમને રેટ્રો ની મેટ્રોમાં કયા કલાકારે, કયા પાત્ર માટે,કેટલું હોમવર્ક કર્યું ?તે જણાવું,પછી તો તમે માનશો ને?
આમ તો અભિનય ક્ષેત્રને કારકિર્દી તરીકે પસંદ કરનારે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે.એકવાર કામ અને દામ મળવાના શરૂ થાય પછી દરેક પાત્રને જીવંત બનાવવા માટે પાત્રને ઝીણવટથી સમજવું પડે.ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલા જ ઘણી ફિલ્મોના ડિરેક્ટર કલાકારો માટે વર્કશોપ યોજે છે તે વર્કશોપ એટેન્ડ કરીને,પાત્રની જરૂરિયાત સમજવી પડે છે.કેટલાક પાત્રો તો એવા હોય છે કે વિશેષ તૈયારી તે ભજવવા માટે કરવી જ પડે.યાદ છે ને તમને ફિલ્મ"ઓમકારા"જેમાં સૈફઅલી ખાને તેમની રોમેન્ટિક ઈમેજ થી તદ્દન વિપરીત નેગેટિવ રોલ કર્યો હતો. હા એ જ, "ઓમકારા" નો લંગડા ત્યાગી,જે જક્કી અને પોતાનું ધાર્યુ કરનારો છે,તે ઈર્ષાળુ છે અને ઈર્ષાની આગ, નકારાત્મકતાથી બુઝાવે છે.આ પડકારજનક ભૂમિકા ભજવવા સૈફઅલી ખાને કેટલો પરસેવો પાડ્યો તે જાણો છો?સૌથી પહેલા તો સૈફે ખૂબ ગમતા તેના લાંબા વાળ કપાવવા પડ્યા.ફિલ્મ માટે યોજાયેલ વર્કશોપમાં પણ સૈફે પોતાનું પાત્ર બરાબર સમજવા માટે ખૂબ મહેનત કરી.મોટેભાગે દેશ-વિદેશના હિલ સ્ટેશનનો અને ઠંડકવાળા સ્થળોએ શૂટિંગ કરવા ટેવાયેલા સૈફને દક્ષિણ અને ઉત્તર ભારતના ગામડામાં ગરમ વાતાવરણમાં શૂટિંગ કરવું પડ્યું.પાત્ર માટે પુષ્કળ હોમવર્ક કર્યું.લંગડા ત્યાગીનો તામ્રવર્ણ મેળવવા માટે સૈફે દિવસો સુધી ધોમધખતા તડકામાં સૂર્ય સ્નાન લીધું છે.તો લંગડા ત્યાગીનું પાત્ર સતત પાન ચાવે છે,શૂટિંગ દરમિયાન પાન ખાતા રહેવું પડ્યું જેને કારણે સૈફને દાંતમાં તકલીફ થઈ ગઈ અને તેણે ડેન્ટિસ્ટ કન્સલ્ટ કરવા પડ્યા.તો ફિલ્મના ઉત્તર ભારતીય ડાયલોગ્સે તેને સૌથી વધુ પરેશાન કર્યો.ચોક્કસ લહેકાવાળા આ સંવાદો તૈયાર કરવા માટે સૌથી પહેલા તો વિશાલ ભારદ્વાજ પાસે તેણે પોતાના બધા જ સંવાદો બોલાવી લીધા અને રેકોર્ડ કરી લીધા. શૂટિંગના 15-20 દિવસ પહેલાથી જ જોગિંગ કરતા કરતા રેકોર્ડેડ ડાયલોગ સાંભળીને ડાયલોગ્સ તૈયાર કર્યા. હવે કહો,એક્ટર બનવું સહેલું છે?
બોલિવૂડમાં જેમ ઘણી મોટી સંખ્યામાં ફિલ્મો બને છે તેટલી જ મોટી સંખ્યા કલાકારોની છે. આમાંથી કેટલાક કલાકારો લાંબી ઈનીંગના ઘોડા સાબિત થાય છે તો કેટલાક સારા કલાકારો હોવા છતાં પણ ક્યાંક ખોવાઈ જાય છે. હવે કોણ સફળ થયું અને કોણ નિષ્ફળ તેની યાદી આપને જણાવવાનો મારો કોઈ જ ઇરાદો નથી,કારણ કે મને બરાબર યાદ છે કે મારે કલાકારોના પરિશ્રમ વિશે જણાવવાનું છે. "કંપની"ફિલ્મના પોતાના અભિનયને વાસ્તવિક બનાવવા માટે ઝુંપડપટ્ટીની મુલાકાત લેનાર અભિનેતા વિવેક ઓબેરોય ને એક ચેલેન્જિંગ રોલ મળ્યો, ફિલ્મ "પ્યારે મોહન"ના પ્યારે નો, જેને કાને સંભળાતું નથી.આ પાત્રની પૂર્વતૈયારી માટે વિવેક સંખ્યાબંધ એવા બાળકોને મળ્યો કે જેઓ સાંભળી શકતા નહોય,તેમની આદતોનું ઝીણવટથી તેણે નિરીક્ષણ કર્યું,તેનું પાત્ર ખાસ્સું ઈમોશનલ અને થોડું લાઉડ પણ ખરું, તેથી શૂટિંગ દરમિયાન તેણે ખૂબ ચીવટ રાખવી પડતી.શરૂઆતમાં શૂટિંગ સમયે વિવેકે ઇયર પ્લગ્સ કે રૂ કાનમાં નાખવાનું રાખ્યું કે જેથી અભિનયમાં વાસ્તવિકતા આવે, પણ એમ કરવાથી તેને સાથી કલાકારોના ડાયલોગ સંભળાતા નહીં. જેથી તે પોતાની લાઈનો ક્યારેય બોલવાની છે તે જાણી શકતો નહીં.આમ ખૂબ ગડબડ ગોટાળા થતા તેથી તેણે રૂ અને ઈયર પ્લગ્સનો ઉપયોગ બંધ કરવો પડ્યો. સાંભળી ન શકનાર પ્યારેનું પાત્ર ભજવવાનું હોવાથી વિવેકે કોઈ પણ અવાજ સામે રિએક્ટ કરવાનું નહોતું તેથી જ ફિલ્મના બંદૂકના કે બોમ્બના ધડાકાવાળા દ્રશ્યોમાં તેણે અજાણ રહેવાનું અને અવાજ સામે રિએક્ટ ન કરવાનું ઘણું મુશ્કેલ બની જતું ,પણ જબરજસ્ત હોમવર્કને કારણે વિવેક તેના પાત્રમાં સ્વાભાવિકતા લાવી શક્યો.થોડીવાર માટે તમે પ્યારે બનવાની કોશિશ તો કરજો,સમજાઈ જશે કે વિવેક ને કેટલી સાત પાંચ કરવી પડી હશે પડદા પર પ્યારેને સાકાર કરતા.
એવું બિલકુલ નથી કે ફિલ્મમાં હીરો જ એમના પાત્ર માટે આટલી મહેનત કરે છે.હિરોઈન પણ તેમના પાત્ર માટે ખૂબ મહેનત કરતી હોય છે.તમે જો એમ વિચારતા હો કે ફિલ્મોમાં હિરોઈનોને માત્ર લેટેસ્ટ ફેશનના ડ્રેસીસ પહેરી,સરસ મેકઅપ કરી,બે ચાર લાગણીસભર દ્રશ્ય કરવાના હોય અને થોડા રોમેન્ટિક ગીતો ગાવાના હોય તેમાં વિશેષ કશી મહેનત માટે અવકાશ જ ક્યાં છે ? તો ફ્રેન્ડ્સ,જરા યાદ કરો ફિલ્મ"ડોન"માં પ્રિયંકા ચોપરાએ ભજવેલું રોમા નું પાત્ર. પ્રિયંકાએ ઘણી ફિલ્મોમાં ચેલેન્જીંગ પાત્ર કર્યા છે.ડોનની રોમા પ્રેમાળ છે તો સાથોસાથ તેજ તર્રાર પણ છે.માર્શલ આર્ટ્સની નિષ્ણાત છે અને વખત આવે કોઈના હાડકા ખોખરા કરવામાં સહેજ પણ મોડું ન કરનાર છે.પ્રિયંકા એ રોમાના આ પાત્ર માટે, ફિલ્મના ડિરેક્ટર ફરહાન અખ્તર પાસે માર્શલ આર્ટ્સની ટ્રેનીંગ લેવાની ઈચ્છા દર્શાવી,તરત જ ફરહાને એક કોચ નિયુક્ત કર્યા. થોડા અઠવાડિયાની જોરદાર થકવી નાખતી ટ્રેનિંગ પછી પ્રિયંકાએ માર્શલ આર્ટસના કેટલાક દાવપેચ શીખી લીધા. વિશેષ કરીને જાણીતા શાઓલીન શૈલીના દાવપેચ શીખી લીધા અને પછી ફિલ્મના જોખમી સ્ટન્ટ્સ જાતે ભજવ્યા.તો "ક્રિશ" ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ જ્યારે મનાલીમાં ગોઠવાયું ત્યારે બરફ આચ્છાદિત લોકેશન પર ગરમ વસ્ત્રો પહેરીને પણ યુનિટના લોકો થરથર ધ્રૂજતા હતા,ત્યારે પ્રિયંકા સાદા વસ્ત્રોમાં શૂટિંગ કરતી હતી ,ઠંડીથી તેના હાથ પગની આંગળીઓ થીજી જતી,શરદી પણ તેને ખૂબ થઈ હતી છતાં દરેક શોટ તે ધીરજથી આપતી અને શોટ ઓકે થતાં જ ઠંડીથી થરથર કાંપતી. આટલું વાંચતા તમને પણ ઠંડી ચડી ગઈ કે શું?
ફિલ્મ"યુવરાજ"ની સંગીત ઘેલી યુવતી યાદ છે ને તમને? કેટરિના કૈફ યુવરાજમાં એક સેલો વગાડનાર યુવતીનું પાત્ર ભજવે છે. હવે સેલો વગાડનારની ભૂમિકાને જીવંત કરવી હોય તો સેલો વગાડતા શીખવું તો પડે ને ?જેવી ફિલ્મ સાઇન કરી તેવી જ કેટરિના સેલો વગાડવાની ટ્રેનિંગ લેવા માંડી.એક ઓરકેસ્ટ્રા ગ્રુપ પાસે તેણે ધીરજથી અને મહેનતથી સેલો વગાડવાની ટ્રેનિંગ લીધી.જેનું પરિણામ પડદા પર દેખાઈ આવે છે. સેલો આર્ટિસ્ટના પરફેક્ટ હાવભાવ અને અંગ ભંગીમાઓ કેટરિના પડદા પર સાકાર કરી શકી એ માત્ર અને માત્ર તેની કલાકોની મહેનતની કમાલ છે.
સીને સ્ટાર્સના હોમવર્કની,હાર્ડવર્કની આવી વધુ વાતો જાણવા ની ઈચ્છા થાય છે ને? તો રેટ્રોની મેટ્રોનું next chapter જરૂર વાંચજો.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.