Pranay Parinay - 35 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 35

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 35

પ્રણય પરિણય ભાગ ૩૫


'કાલે જ રિસેપ્શન આપીશું.. તૈયારી કરો અને બધાને આમંત્રણ મોકલાવો.' કૃષ્ણકાંતે કહ્યુ.


'હાં ડેડી, હું અને વિક્રમ બધુ સંભાળી લેશું.' રઘુ ખુશ થતાં બોલ્યો.


'વિવાન.. તું વહુને રૂમમાં લઈજા.. થોડો આરામ કરો જાવ..' દાદીએ કહ્યુ.


'જી..' વિવાન ગઝલને લઈને બેડરૂમ તરફ ગયો.

પાછળ એક નોકર ગઝલની બેગ લઇને ગયો.


'વહુ કેટલી સુંદર છે, નહીં?' દાદી હરખથી બોલ્યા.


'હાં ખરેખર..' વૈભવી ફઈએ કહ્યુ.


'વૈભવી..' કૃષ્ણકાંત તેને કંઇક કહેવા માંગતા હતા.


'હાં ભાઈ..' વૈભવી તેના તરફ ફરી.


'સમાયરાને આ બાબતે કેવી રીતે કહીશું.' કૃષ્ણકાંતના ચહેરા પર અસમંજસના ભાવ હતા.

તેમનો પ્રશ્ન સાંભળીને વૈભવીનો ચહેરો પડી ગયો.


'તે કેવું રિએક્ટ કરશે?' કૃષ્ણકાંતે પૂછ્યું.


'એમ પણ એ લગ્ન થાય તેમ નહોતા, છતાં તેણે એક આશા બાંધી રાખી હતી. એ આશા તૂટવાનો ધક્કો તો જરુર લાગશે તેને. પણ આપણે તેને સમજાવીને લેશું..'


'વાત તો તારી સાચી છે, આપણે તેને લાયક છોકરો શોધીશુ.' કૃષ્ણકાંત બોલ્યાં.


'હાં ભાઈ, આપણાથી બનતો પ્રયત્ન કરીશું. પણ આ છોકરી કોણ છે?' વૈભવીએ પુછ્યું.


'એ છે ગઝલ કાપડિયા, મિહિર કાપડિયાની એકની એક બહેન. હસમુખ કાપડિયાની દિકરી.' રઘુ બોલ્યો.


હસમુખભાઈના ફેમિલીને કૃષ્ણકાંત ઓળખતા હતા.


'બિચારા પતિ પત્ની બેઉ નાની ઉંમરમાં ગુજરી ગયાં. બહુ સારુ અને સંસ્કારી કુટુંબ છે. તેનો દીકરો અત્યારે તેનો બિઝનેસ સંભાળે છેને?'


'હાં ડેડી.' રઘુ બોલ્યો.


'એ લોકોને આ લગ્ન બાબતમાં ખબર છે?' કૃષ્ણકાંતે પૂછ્યું.


'ના, હજુ સુધી નથી ખબર.'


'એ લોકોને આપણા ઘરે બોલાવ..' કૃષ્ણકાંતે પૂછ્યું અને રઘુને ધ્રાસકો પડ્યો.


'પણ ડેડી, ભાઈ..' રઘુ ખચકાતા બોલ્યો.


'એ કંઈ નહી બોલે.. તું એ લોકોને બોલાવ.' કૃષ્ણકાંતે આદેશ કર્યો.


'જી..' કહીને રઘુ ત્યાંથી રવાના થયો.


**


વિવાન ગઝલને લઈને બેડરૂમમાં આવ્યો. બેગ મૂકીને નોકર બહાર જતાં જ ગઝલએ વિવાનની સામે ગુસ્સાથી જોયું.


'વ્હોટ?' વિવાને પૂછ્યું.


'તમે કેટલા ખોટાડા છો..' ગઝલ તેની સામે બેઉ હાથ પોતાની કમર પર ટેકવીને ગુસ્સાથી જોતા ઉભી રહી.


'હવે મેં શું કર્યું?'


'શું કર્યું એટલે? તમે નીચે બધાને એમ કેમ કહ્યુ કે મારા જબરદસ્તી લગ્ન કરાવતા હતા અને હું જીવ દેવાની હતી એટલે તમે મને ભગાવી એમ?' ગઝલ જીણી આંખો કરીને બોલી.


'એમ ના કીધું હોત તો ડેડીને શંકા ગઈ હોત સ્વિટહાર્ટ..' વિવાન તેની સામે આંખ મારીને બોલ્યો.


'તમને શું લાગે છે? એ લોકોને સાચી વાત ખબર નહીં પડે?'


'જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે. અને કોને શું કહેવાનું છે એ હું સારી રીતે જાણુ છું. હવે આ તારા દિમાગને બહુ ત્રાસ નહીં દે..' વિવાન તેના કપાળ પર આંગળી મૂકીને બોલ્યો.


'હવે મારા ઘરે ક્યારે જવું છે?' ગઝલ મૂળ સવાલ પર આવી.


'હવે આ જ તારુ ઘર છે.'


'મારે મારા ઘરે જવું છે, ભાઈ ભાભી પાસે.' ગઝલનો અવાજ ગળગળો થઇ ગયો.


'અચ્છા યૂ મિન તારા પિયર? જઈશુને શું ઉતાવળ છે?' વિવાન બેફિકરાઈથી બોલ્યો.


'નહીં, તમે પ્રોમિસ કર્યું હતું કે મને ઘરે લઈ જશો.. મારે અત્યારે ને અત્યારે જ ઘરે જવું છે.'


'ગઝલ.. પછી લઈ જઈશ તને.. અત્યારે હું ખૂબ થાકી ગયો છું.' કહીને વિવાને બ્લેઝર ઉતાર્યું. એ જોઈને ગઝલ ગભરાઈ.


'આ તમે શું કરો છો?'


'કપડા કાઢુ છું.' વિવાન શર્ટના બટન ખોલતાં બોલ્યો.


'શ.. શું કામ પણ?' ગઝલ અચકાતા બોલી. વિવાને તેના ચહેરા પરના ભાવથી તેના મનમાં શું ચાલતુ હશે એનુ અનુમાન લગાવી લીધું.


'શું કામ એટલે? હવે આપણે પતિ પત્ની છીએ, હવે થોડો થોડો રોમાન્સ પણ શરૂ કરવો જોઈએ ને?' વિવાન મસ્તીભર્યું હસતા ધીમે પગલે તેની તરફ ગયો.


'એ.. એ.. જુઓ વિવાન..' ગઝલ એક એક ડગલું પાછળ હટવા લાગી.


'શું જોઉં..'


'ત.. ત.. તમે પ્રોમિસ કર્યું હતું કે મને બિલકુલ પરેશાન નહીં કરો…'


'હું ક્યાં તને કંઈ પરેશાન કરુ છું? હું તો પ્રેમ કરુ છું.' એમ કહીને વિવાને શરીર પરથી શર્ટ કાઢીને હવામાં ગોળ ફેરવીને ફંગોળ્યો. હવે તે ફકત વ્હાઈટ બનિયનમાં જ હતો. બનિયનમાંથી તેનું આકર્ષક સ્નાયુબદ્ધ શરીર તથા પહોળી છાતી દેખાઈ રહી હતી. ગઝલ હેબતાઈ ગઈ. તેણે ડરના માર્યા થૂંક ગળા નીચે ઉતાર્યું. વિવાન તેની આંખોમાં જોતો એક એક પગલું તેની તરફ આવી રહ્યો હતો. તે પણ વિવાનની આંખોમાં જોતા એક એક ડગલું પાછળ જઈ રહી હતી. પાંચ છ ડગલામાંતો પાછળ દિવાલ આવી ગઈ. ગઝલ દિવાલ સરસી જડાઈ ગઈ.


વિવાન હવે એકદમ તેની નજીક આવી ગયો હતો. ગઝલએ તેના સામે જોઈને સાઈડમાંથી છટકી જવાનો વિચાર કર્યો. પણ એ કશું કરે તે પહેલા જ વિવાને પોતાના બંને હાથ દિવાલને ટેકવી દીધા. ગઝલ વિવાનના બંને હાથ વચ્ચે કેદ થઇ ગઇ. તે હવે શું કરશે એ વિચારીને ગઝલની છાતીમાં ધડધડ થઇ રહ્યું હતું. વિવાન હળવેથી તેની ઉપર ઝૂક્યો. ગઝલના ધબકારા વધી ગયાં. વિવાન પોતાનો ચહેરો એકદમ તેની નજીક લઇ ગયો. બંનેના હોઠ વચ્ચે નજીવું અંતર રહ્યું ગઝલના શ્વાસ ઝડપી થયા. તેના હોઠ કાંપવા લાગ્યા.

જો થોડી પણ હલચલ થાય તો બંનેના હોઠોનું મિલન પાક્કું હતું એટલે ગઝલ ગભરાઈને સ્તબ્ધ થઈને એમ જ મૂર્તિની જેમ જડ બનીને ઉભી હતી. બંનેની નજરો એકબીજાની આરપાર જોઈ રહી હતી. તેના ચહેરા પરનો ભય વિવાનને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે હવે કિસ કરશે એ ડરથી ગઝલએ જોરથી આંખો બંધ કરી લીધી. પણ વિવાને તેના કપાળ પર હોઠ અડાડ્યાં અને તરતજ બાજુમાં થઈ ગયો. કપાળ પર હોઠ અડવાથી ગઝલએ આંખો ખોલી. તેણે જોયું તો વિવાન સામે ઉભો રહીને મૂછમાં હસી રહ્યો હતો.


ગઝલને એવી ધારણા હતી કે તે કિસ કરશે જ. અને એટલેજ તે ભયભીત પણ હતી. પરંતુ હવે વિવાને કિસ ના કરી એટલે એને અંદરથી ખરાબ લાગતું હતું. આવી લાગણી તેને પહેલી વાર થઈ હતી, એટલે તેને આવું શું કામ થઈ રહ્યું છે તે સમજમાં નહોતુ આવતું.


'વિવાન..' બહારથી વૈભવી ફઈનો અવાજ આવ્યો.


'એ આવ્યો..' વિવાને જવાબ આપ્યો વિવાને પીઠ ફેરવતાં જ ગઝલએ નિરાંતનો શ્વાસ લીધો.


'થેન્ક ગોડ..' મનમાં બોલીને ગઝલએ તેના વધી ગયેલા શ્વાસોશ્વાસને નીચે બેસાડવાની કોશિશ કરી.


'વિવાન..' ફરીથી ફઈનો અવાજ આવ્યો.


'શું છે?' વિવાને દરવાજો ખોલીને પૂછ્યું.


'વહુ ક્યાં છે?' વૈભવીએ વિવાન સામે ઝીણી આંખો કરીને જોતાં પૂછ્યુ.


'આ રહી.' વિવાને ગઝલ તરફ ઈશારો કર્યો.


'બાજુ હટ..' વિવાનને હડસેલો મારીને ફઈ અંદર આવ્યાં.


'વહુ બેટા, તુ ચલ મારી સાથે..' ફઈએ ગઝલનો હાથ પકડ્યો.


ગઝલએ વિવાન સામે જોયુ.


'ફઈ તેને ક્યાં લઇ જાવ છો?' વિવાને મુંઝાઈને પૂછ્યું.


'તે આજે મારી સાથે મારા રૂમમાં રહેશે.' ફઈએ કહ્યુ.

'થેંક ગોડ, સારુ થયુ આ શેતાનથી તો દૂર રહેવા મળશે.' ગઝલ ખુશ થઈને મનમાં જ બોલી.


'પણ શું કામ?' વિવાને લાચાર અવાજે પૂછ્યું.


'હજુ સત્યનારાયણની પૂજા નથી થઈ. આપણા કુટુંબના રિવાજ પ્રમાણે પૂજા પહેલા તમારે..' ફઈએ વાકય અધુરું છોડી દીધું પણ વિવાન સમજી ગયો.


'પણ હું ક્યાં તેને કંઈ કરુ છું.'


'તારો કંઇ ભરોસો નહીં..' ફઈ નીચે પડેલા શર્ટ સામે જોઈને બોલ્યા.


'અરે! એ તો.. એ તો હું ફ્રેશ થવા જતો હતો એટલે..' વિવાન લાળા ચાવતા બોલ્યો.


'અચ્છા એમ? તો જાને તુ ફ્રેશ થવા જા.. વહુ બેટા તુ ચલ મારી સાથે.' ફઈ ગઝલને હળવેથી ખેંચતા બોલ્યા.


'ફઈ સાંભળોને.. હું એને કંઈ નહી કરુ.. પ્રોમિસ બસ?' વિવાન ફટ કરતો તેના સામે આડો ઉભો રહીને બોલ્યો.


'બા નો ઓર્ડર છે વિવાન.. બાને બોલાવું કે?' ફઈ ડોળા કાઢીને બોલ્યા.


'નહીં.. રહેવા દો.' વિવાને હથિયાર હેઠા મૂકી દીધા.


'મારો દીકરો કેવો ડાહ્યો છેને! વહુનો સામાન નીચે મોકલી દેજે હં..' વૈભવી ફઈ હસીને બોલ્યા અને ગઝલને લઈને રૂમમાંથી બહાર નીકળ્યા.


'વહુ બેટા, આ બાનો કમરો છે.' દાદીના રૂમ પાસે પહોંચીને વૈભવી ફઈએ કહ્યું અને બાને અવાજ દીધો:


'બા.. '


'આવો અંદર આવો,' દાદી બોલ્યા.


દાદીએ તેના બેડ પર સોના, ચાંદી, હિરા-મોતીના ઘણાં બધા દાગીના પાથરી રાખ્યા હતા. એક ઘરચોળુ પણ હતું અને એક બનારસી સિલ્કનું શેલુ પણ હતું.


'વહુ બેટા અહીં મારી પાસે આવ.' દાદીએ ગઝલને તેની પાસે બોલાવી. એ દાદીની બાજુમાં જઈને બેઠી. અને દાદીએ પાથરેલો પસારો જોઇ રહી.


'આ બધું વિવાનની મમ્મીનું એટલે કે મારી વહુ જાનકીનું છે, એના પછી હવે તારુ છે.'


'મારું..?'


'હા.. વિવાન અને કાવ્યા નાના હતા ત્યારે તેની મમ્મી ભગવાન પાસે જતી રહી. તેની યાદ અને આશિર્વાદ તરીકે આ બધા દાગીના મેં વિવાન અને કાવ્યાના લગ્ન માટે રાખી મૂક્યા હતા. આમાં તારી સાસુના આશિર્વાદ છે.' કહીને દાદીએ તેના હાથમાં ઘરચોળુ, બનારસી શેલુ અને દાગીના મુક્યા. બોલતી વખતે તેમની આંખો ભરાઈ આવી હતી.


ગઝલ વિચારમાં પડી: 'હું આ કેવી રીતે લઉં? હું તો અહીં રહેવાની નથી.' એ મનમાં બોલી. પણ ના પાડીને આ ભલા લોકોનું મન દુખાવવાનુ ગઝલને યોગ્ય લાગતું નહોતું. એટલે તેણે લઇ લીધું. દાગીના અને ઘરચોળું હાથમાં લેતાં થોડી ક્ષણો માટે ગઝલને નવી પરણેતર જેવી ફીલિંગ થઈ. તેણે ફરીથી ફઈ અને દાદીને નમસ્કાર કર્યા. બંનેએ તેને આશિર્વાદ આપ્યાં.


**


વિવાન તૈયાર થઈને હોસ્પિટલ જવા નીકળતો હતો ત્યાં એના મોબાઈલની રિંગ વાગી. રઘુનો ફોન હતો. તેણે ફોન ઉપાડ્યો.


'હેલો..'


'હેલો ભાઇ.. એક નાનકડો પ્રોબ્લેમ થયો છે.' રઘુ ઉતાવળે બોલ્યો.


'શું થયું?'


'અરે! ડેડી કહે છે કે તેમને ગઝલ ભાભીના ભાઈ ભાભીને મળવું છે. અત્યારે જ એમને ઘરે બોલાવવાનું કહ્યુ છે.'


'ઠીક છે, હું જોઇ લઈશ.. ડોન્ટ વરી' વિવાને કહ્યુ.


વિવાન તૈયાર થઈને નીચે આવ્યો.


'વિવાન.. કઈ બાજુ જાય છે?' કૃષ્ણકાંતે પુછ્યું.


'હોસ્પિટલ જઉં છું ડેડી.. કાવ્યાને જોતો આવું.' કહીને વિવાન બહાર નીકળ્યો.


'ભાઇ..' રઘુ પાર્કિંગમાં ગાડી પાસે તેની રાહ જોઈ રહ્યો હતો.


'ચલ..' વિવાન ગાડીમાં બેસીને બોલ્યો.


'ક્યાં?'


'મિહિર ભાઈના ઘરે.' વિવાને કહ્યું.


રઘુ ચમકીને તેની સામે જોઈ રહ્યો.


'શું થયું?' વિવાને પૂછ્યું.


'ભાભીને નથી લઈ જવાના? એકલા જવાનું છે?'


'હવે ડેડીએ એ લોકોને આપણા ઘરે બોલાવ્યા છે તો પછી ગઝલને સાથે લઇ જવા માટે શું બહાનું બતાવવું? અને એમ પણ દાદી અને ફઈ ગઝલને મારી સાથે નહીં મોકલે..' વિવાન નિરાશ થઈને બોલ્યો.


'કેમ નહીં મોકલે?' રઘુને આશ્ચર્ય થયું.


'અહીં મારા પર કોઈને ભરોસો જ ક્યાં છે? ફઈ તેને મારી રૂમમાંથી પણ દાદીના રૂમમાં લઈ ગયાં..' વિવાન ચિડાઈને બોલ્યો.

રઘુને પહેલાં તો કંઈ સમજમાં નહોતુ આવ્યું પણ હવે સમજાયું એટલે એ જોરજોરથી હરવા લાગ્યો.


'હસવાનું બંધ કર અને ચલ હવે..' વિવાન ખિજાતા બોલ્યો.


'જી ભાઈ..' રઘુએ ગાડી સ્ટાર્ટ કરી અને વિવાન કશા વિચારમાં ખોવાઈ ગયો.

તેના ચહેરા પર તણાવ જોઈને રઘુને લાગ્યું કે તે ગઝલના ફેમિલીને કેમ મનાવવું એની ચિંતામાં હશે.


'એક વાત કહું ભાઈ?'


'હમ્મ..? હાં બોલ..' વિવાન વિચારોમાંથી બહાર આવ્યો.


'ભાભીની ફેમિલીને ગમે કે ના ગમે પણ તમારા લગ્ન થઈ ગયા છે એ હકીકત છે. તમને સ્વીકારવા સિવાય તેમની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. એક તો શ્રોફ ગૃપનો પાવર અને પહોંચ એ લોકોને ખબર છે. બીજું કે આ લગ્નની વાત કાલ સવારે બધે જ ફેલાઈ જશે. ત્રીજી વાત કે હવે તમે કાયદેસર પતિ પત્ની છો એટલે તેઓ ભાભીના લગ્ન બીજે ક્યાંય કરાવી પણ નહીં શકે..'

સામાન્ય રીતે રઘુનું કામ ઊલટા સુલટા સેટિંગ અને લોકો પાસેથી યેનકેન પ્રકારેણ કામ કઢાવી લેવાનું રહેતું એટલે એનુ મગજ પણ એવી રીતે જ વિચારતું હતું.


રઘુની વાત સાંભળીને વિવાન થોડું હસ્યો. પછી કહ્યુ: 'આપણે કોઈ બિઝનેસ ડીલ કરવા નથી જતાં ભાઈ.. મારા સાસરે જઈએ છીએ. આમા આપણે તારા ખેપાની આઇડિયા નથી વાપરવાનાં. આપણે એમને પ્રેમથી જીતવાના છે અથવા તો વિનમ્રતાથી હારી જવાનું છે.'


રઘુએ વિસ્મયથી વિવાન તરફ જોયું અને ગાડી મિહિર ભાઈના ઘર તરફ લીધી.

.

.


ક્રમશઃ


શું સત્યનારાયણની પૂજા સુધી વિવાન સખણો રહેશે?


મિહિરના ઘરે જઈને વિવાન શું કહેશે?


મિહિર અને કૃપાનું શું રિએક્શન હશે?


શું વિવાન તેમને પ્રેમથી જીતી શકશે કે પછી વિનમ્રતાથી પોતાની હાર સ્વીકારી લેશે?


**


❤ તમારા પ્રતિભાવની પ્રતિક્ષામાં.. ❤