Useless Philosophy - Laziness! in Gujarati Short Stories by નિરવ પ્રજાપતિ books and stories PDF | નક્કામી ફિલોસોફી - આળસ!

Featured Books
Categories
Share

નક્કામી ફિલોસોફી - આળસ!

ધીરે ધીરે રે મનાં
ધીરે સે સબ હોય
માલી સીંચે સો ઘડા
ઋતુ આયે ફલ હોય

ક્લાસ માં એકવાર પ્રોફેસરે અસાઇન્મેન્ટ ચેક કરવા માંગ્યું તો મિત્ર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે "સર સબમિશન વખતે મળી જશે. અત્યાર થી શું ચિંતા !"
અને આ સાંભળી ને મને કબીર સાહેબ નો ઉપરોક્ત દોહો યાદ આવી ગયો જેમાં કબીર સાહેબ કહે છે કે માળી ભલે ગમે તેટલું પાણી પીવડાવે પણ ફળ તો ઋતુ પ્રમાણે જ મળશે. (ઉપરોક્ત કેસ માં પ્રોફેસર ને માળી સમજવા, મિત્ર ને છોડ, અસાઈન્મેન્ટ ને ફળ અને સબમિશન ને ઋતુ.) પણ માણસ નું ધીમે થી કામ કરવાનું બીજું એક કારણ પણ છે, એ છે આળસ..!!
અને આ આળસ મારા જેવા નો મુખ્ય ગુણધર્મ પણ છે. ( આમ જોવા જઈએ તો બધા નો !!)

મોટા લોકો (ઉંમર માં નઈ...અનુભવ માં..) કહેતા હોય છે કે આળસ નો ત્યાગ કરનાર જ જીવન માં આગળ વધી શકે છે...સાચી વાત....પરંતુ મારું એવું દ્રઢ પણે માનવું છે કે આળસ નો ત્યાગ કરનાર આગળ ચોક્કસ વધી શકે, પણ કંઈ નવું ના કરી શકે. (આંખો પહોળી ન કરવા વિનંતી.)
વિજ્ઞાન માં જેમ દરેક વાદ સાબિત કરવો પડે એમ ફિલોસોફી માં પણ દરેક દલીલ માં તર્ક મૂકવો પડે અને એ પણ ઉદાહરણ સાથે. અને જ્યાં સુધી આળસ ની વાત છે તો એમાં તર્ક અને ઉદાહરણો નો ભંડાર પડ્યો છે. ( આ ટાઢી પહોર ના ગપ્પા નથી.)
"આળસ વગર માણસ કંઈ નવું ના કરી શકે" અને મારા આ તર્ક નું શ્રેષ્ઠ ઉદાહરણ છે માનવ જાતે કરેલો વિકાસ. માણસ જાતે કરેલી દરેક શોધ એ તેની આળસ ને આભારી છે. ઉદાહરણ તરીકે માણસ શરૂઆત માં સંદેશાવ્યવહાર માટે ચિઠ્ઠી લખતો...પણ ચિઠ્ઠી લખવી...અને મોકલાવવી...આ બધી જફા માંથી મુક્તિ મેળવવા એને ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ની શોધ કરી... પહેલા કપડા હાથે ધોતા...પણ સાબુ ઘસવો...ધોકા મારવા...આ બધું કોણ કરે?? આમાં પણ આળસ આવે તેથી તેણે વાશિંગ મશીન બનાવ્યું....હરવા ફરવા માટે ચાલતા જવાનો કંટાળો આવે એટલે બાઈક અને કાર બનાવ્યા...અને એમાંય ચલાવવાની આળસ આવે એટલે ઓટો પાયલટ મોડ પણ આવી ગયો.
વાત આટલે થી જ નથી અટકતી. ઘર ના કામ હવે તો રોબોટ કરવા માંડ્યા છે. અને માત્ર ઘર ના કામ નહિ, મેડિકલ ક્ષેત્રમાં પણ હવે દર્દી ની સેવા રોબોટ કરે છે. (એક આડવાત...કે સેવા કરવાનું પુણ્ય કોનું ગણવું?? રોબોટ નું કે રોબોટ બનાવનાર નું??)

હવે કેટલાક (અ)જ્ઞાની જનો કહેશે કે આ બધું તો માણસે એનું જીવન સહેલું બનાવવા માટે કર્યું છે.
પણ માણસ ને જીવન સહેલું કેમ બનાવવું છે?? જવાબ છે "આળસ".
જો માણસ આળસુ ના હોત તો આપણી જોડે આટલી બધી ટેકનોલોજી ના હોત. કદાચ આ બધા સંશોધનો પણ નજ થયા હોત.
બિલ ગેટ્સ પણ કહે છે કે "હું અઘરું કામ કરવા માટે આળસુ માણસ ને પસંદ કરીશ. કારણ કે તે અઘરું કામ કરવાનો સહેલો રસ્તો શોધી કાઢશે."
કૃષ્ણ ભગવાને અર્જુન ને 'કર્મ' સમજાવવામાં આખી ભગવદ્ ગીતા કહી નાખી. પણ આળસ શબ્દ એટલો મહાન છે કે એના પર એક નહિ સો ગીતા કહી શકાય. (હા પણ તેનું નામ બીજું કઈક રાખવું.)
પરંતુ હવે તમને પણ આટલું બધું વાંચવાની આળસ આવતી હશે એવું ધારી લઈ અહીજ વિશ્રામ લઉ છું. (મને પણ લખવાની આળસ આવી ગઈ.)


છેલ્લો બોલ -

આળસ નો મતલબ હાથ પગ ન ચલાવવા હોઈ શકે, પણ આળસ નો એવો મતલબ બિલકુલ નથી કે દિમાગ પણ ના ચલાવવું.