અધ્યાય -૭-જ્ઞાનવિજ્ઞાન યોગ
કૃષ્ણ—હે અર્જુન, જે જાણીને તારે બીજું કૈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન, વિજ્ઞાન સહિત તને કહું છું.
હજારો મનુષ્ય માં કોઈ એક જ મારી પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે.અને આ પ્રયાસ કરનારાઓમાં કોઈ એકાદ જ મને સત્ય સ્વરૂપે ઓળખી શકે છે.(૨-૩ )
પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજીત મારી પ્રકૃતિ છે.જેને -અપરા પ્રકૃતિ -પણ કહેછે.
આનાથી ભિન્ન એવી મારી જે -જીવભૂત- પરા પ્રકૃતિ -છે, જેના થી આ જગત ધારણ કરાયેલું છે.
આ બન્ને પ્રકૃતિ ઓ દ્વારા હું ઉત્પત્તિ અને સંહાર નું કાર્ય કરું છું.મારાથી શ્રેષ્ઠ કાંઇજ જ નથી.દોરીમાં મણકા પરોવાયેલા હોય છે તેમ –સર્વ જગત મારામાં ગુંથાયેલું છે. (૪-૫-૬)
સાત્વિક, રાજસિક અને તામસિક (ત્રિગુણાત્મક)વિકારો મારાથી જ ઉત્પન્ન થયેલા છે.
તેમના માં હું નથી પણ તે મારામાં છે.
આ વિકારોથી (માયાથી)જગત મોહિત થાય છે.અને ગુણો થી પર એવા મને ઓળખી શકતું નથી.
આ માયાને પાર કરવી મુશ્કેલ છે.જે મારે શરણે આવે છે તે જ આ માયાને તરી જાય છે.(૧૨-૧૩-૧૪)
ચાર પ્રકારના લોકો મને ભજે છે.આર્ત (રોગથી પીડિત), જિજ્ઞાસુ(ભગવત્ત તત્વ ને જાણવા ઇચ્છનાર), અર્થાર્થી(ભોગ ઇચ્છનાર) ને જ્ઞાની (૧૬)
આ સર્વેમાં જ્ઞાની ને હું અત્યંત પ્રિય અને તે મને અત્યંત પ્રિય છે, તે મારો આત્મા છે.”સર્વ કૈ વાસુદેવ સ્વરૂપ છે”એવું જ્ઞાન જેને પ્રતીત થયું છે, તેને મારી પ્રાપ્તિ થાય છે.અને આવો મહાત્મા મળવો અતિ દુર્લભ છે.(૧૬-૧૯)
અજ્ઞાની લોકોને મારા ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિ ઉત્તમ ભાવની જાણ થતી નથી અને હું અવ્યક્ત હોવા છતાં મને દેહધારી માને છે.(૨૪)
યોગમાયાથી આવૃત થયેલો એવો જે હું –તે સર્વ ને સ્પષ્ટ દેખાતો નથી એથી તે મને જાણતા નથી(૨૫)
‘ઈચ્છા’ અને ‘દ્વેષ’ થી ઉત્પન્ન થતા ‘સુખદુઃખ’રૂપી દ્વંદ ના મોહથી ભ્રમિત થયેલા આ જગતના માનવીઓ ભુલાવામાં રહે છે.દેવતાઓનું પૂજન કરીને દેવતાઓને મળે છે.દેવતાઓ થી પ્રાપ્ત થનારું ફળ નાશવંત હોય છે જયારે મારા ભક્તો મને આવી મળે છે.(૨૩)
જે યોગીઓ અધિભૂત (મહાભુતોમાં રહેલા), અધિદૈવ (દેવોમાં રહેલા), અને અધિયજ્ઞ (યજ્ઞ માં રહેલા) સાથે મને જાણે છે તે મૃત્યુ સમયે પણ સ્થિર મનવાળા રહીને મને જાણે છે.(૩૦)
અધ્યાય-૮ -અક્ષરબ્રહ્મ યોગ
અર્જુન-હે કૃષ્ણ, તે બ્રહ્મ, શું છે?અધ્યાત્મ શું છે?કર્મ શું છે?અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ શું છે?
એકાગ્ર ચિત્ત વાળાઓ મરણ કાળે તમને શી રીતે જાણે છે?(૧-૨)
કૃષ્ણ –હે અર્જુન, --અક્ષર, અવિનાશી પરમાત્મા ‘બ્રહ્મ’ કહેવાય છે.
તેનો ‘સ્વ-ભાવ’(ચૈતન્ય-આત્મા) ’અધ્યાત્મ’ કહેવાય છે.અને
પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે ‘કર્મ’ કહેવાય છે.
નાશવાન પદાર્થ (શરીર) ‘અધિભૂત’ છે,
હિરણ્ય ગર્ભ પુરુષ (ચૈતન્ય ને આપનાર) ‘અધિ દૈવ’ છે.અને
શરીરમાં ચૈતન્ય રૂપે (આત્મા રૂપે ) ‘અધિ યજ્ઞ” છે.(૩-૪)
મરણ વખતે મારું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્ય શરીર છોડી જાય તે મારા સ્વરૂપ ને પામે છે તેમાં કોઈ શંકા નથી.અથવા મનુષ્ય અંતકાળે જે વસ્તુ(ભાવના) ને યાદ કરતો શરીર છોડે છે, તેને જ તે પામે છે.કારણ કે તે મનુષ્ય સદા ‘તેવી’ ભાવના વાળો હોય છે.(૫-૬)
ઇન્દ્રિયોના સર્વ દ્વારો નો નિરોધ કરી, મનને હૃદય માં સ્થિર કરી, કપાળમાં ભ્રકુટી ના મધ્ય ભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી જે પુરુષ ‘ઓમ’ એવા એકાક્ષર નો જપ કરતો અને મારું સ્મરણ કરતાં દેહ છોડે છે, તે પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૧૨-૧૩)
બ્રહ્મ લોક પર્યત્ન ના સર્વ લોક, ઉત્પત્તિ અને વિનાશ ને આધીન છે.પણ માત્ર મારી પ્રાપ્તિ પછી પુનર્જન્મ થતો નથી.(૧ ૬)
જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થઇ જાય અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તે પરમ પુરુષ પરમાત્મા અનન્ય ભક્તિ વડે જ પ્રાપ્ત થાય છે.(૨૨)
શુક્લ અને કૃષ્ણ એવી બે ગતિ મનાય છે.એકથી(દેવયાન)જનાર યોગીને પાછા આવવું પડતું નથી જયારે બીજીથી(પિતૃયાન) જનાર યોગીને પાછા આવવું પડે છે.
આ બે માર્ગ ને જાણનાર યોગી મોહ માં પડતો નથી.(૨૬-૨૭)
વેદ, તપ, યજ્ઞ અને દાન દ્વારા થતી જે પુણ્યફળ ની પ્રાપ્તિ બતાવી છે, તે સર્વ પુણ્યપ્રાપ્તિ થી પણ આગળ વધીને યોગી આદિ અને ઉત્કૃષ્ટ સ્થાન ને પ્રાપ્ત થાય છે.(૨૮)
અધ્યાય-૯-રાજ વિદ્યા –રાજગુહ્ય યોગ
હવે હું તને ગૂઢ માં ગૂઢ(ગુહ્ય) જ્ઞાન, વિજ્ઞાન સહિત કહું છું,
જે જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા છે,
સર્વ ગુઢતા માં શ્રેષ્ઠ, પવિત્ર, ઉત્તમ, ધર્મમય, સુખદ, પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવું અને
મેળવવામાં સરળ છે.(૧-૨)
(નોધ-ધર્મ વિષયક જ્ઞાન =ગુહ્ય જ્ઞાન, આત્મ જ્ઞાન =ગુહ્યતર, પરમાત્મ જ્ઞાન=ગુહ્યત્તમ )
હું અવ્યક્ત સ્વરૂપ છું અને સકળ વિશ્વ મારાથી વ્યાપ્ત છે.મારામાં સર્વ જીવો રહેલાં છે,
પણ હું તેમનામાં સ્થિત નથી.( ૪)
જે રીતે સર્વ ગામી વાયુ આકાશ માં રહેલો છે, તેવી રીતે સર્વ જીવો મારામાં રહેલાં છે.(૬)
મારી ત્રિગુણાત્મક પ્રકૃતિનો આશ્રય લઇ --‘સ્વ-ભાવ થી પરાધીન’ એવા ‘સર્વ જીવોને’, કલ્પ ના અંતે હું ફરી થી ઉત્પન્ન કરું છું (૭)
ખોટી આશા, ખોટા કર્મ અને ખોટું જ્ઞાન વાળા અજ્ઞાની જનો-
અસુર જેવા-- મોહ માં ફસાવનાર –તામસી –સ્વભાવ ને ધારણ કરનારા હોય છે.
જયારે દૈવી પ્રકૃતિ નો આશ્રય લેનારા ભક્ત જનો
મને અક્ષર (નાશ વગરના)સ્વરૂપ નો જાણી, મને ભજે છે.(૧૨-૧૩)
જે મનુષ્યો અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મને ઉપાસી, નિત્ય મારામાં તત્પર રહે છે તેમના જીવન નો ભાર હું ઉઠાવું છું.(૨૨)
જે મને ભક્તિ પૂર્વક પત્ર, પુષ્પ, ફળ, પાણી વગેરે અર્પણ કરે છે, તે શુદ્ધ ચિત્ત વાળાના પદાર્થો હું ગ્રહણ કરું છું.(૨૬)
તું જે ખાય છે, જે કરે છે, જે હોમે છે, જે દાન કરે છે, જે તપ કરે છે તે સર્વ મને અર્પણ કર (૨૭)
અત્યંત દુરાચારી પણ જો અનન્ય ભાવથી મને ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો, કારણ કે તે મારામાં નિશ્ચય વાળો હોય છે.તે સત્વર જ ધર્માત્મા થાય છે, શાંતિ ને પ્રાપ્ત થાય છે,
મારો ભક્ત કદી પણ નાશ પામતો નથી તેવું તું નિશ્ચય પૂર્વક જાણ.(૩૦-૩૧)
તું મારામાં ચિત્ત રાખ, મારો ભક્ત થા, મને પૂજનારો થા, અને મને નમસ્કાર કર. આ પ્રકારે મારા પારાયણ થયેલો તું નિશંક મને જ પામીશ.(૩૪)
અધ્યાય-૧૦ -વિભૂતિ યોગ
કૃષ્ણ—હે અર્જુન, તું ફરી વાર મારું ઉત્તમ વચન સાંભળ.
મહર્ષિ કે દેવતાઓ પણ મારા પ્રભાવ ને જાણતા નથી,
કેમકે ‘જ્ઞાન’ તથા ‘શક્તિ’ આદિનું મૂળ કારણ હું છું.(૧-૨)
સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે.
ચૌદ મનુ ઓ મારા મન થી જ ઉત્પન્ન થયેલા છે અને તેમની પ્રજા પણ મારી જ છે.(૫-૬)
‘સર્વ ની ઉત્પત્તિ નું કારણ હું જ છું અને મારાથી જ સર્વ પ્રવર્તે છે’
એમ સમજી જ્ઞાનીજનો નિરંતર મને જ ભજે છે.મારું સ્મરણ કરે છે(૮)
જેમને હું જ્ઞાનયોગ પ્રદાન કરી જ્ઞાનદીપ દ્વારા તેમના અજ્ઞાન નો નાશ કરું છું (૧૧)
અર્જુન-હે કૃષ્ણ, આપ પોતેજ પોતા વડે પોતાને જાણો છો, આપ આપની વિભૂતિ ઓ વડે બધા
લોકમાં વ્યાપીને રહો છો, તે વિભૂતિ ઓ વિષે કહો(૧૬)
કૃષ્ણ—હે અર્જુન, હું સર્વ જીવોના હૃદય માં રહેલ આત્મા છું
અને સર્વ જીવો નો આદિ, મધ્ય અને અંત પણ છું.(૨૧)
આદિત્યો માં વિષ્ણુ, જ્યોતિ માં સૂર્ય, દેવો માં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને વાણી માં ઓમકાર છું.
ટૂંક માં જે પ્રાણવાન છે તેને મારા તેજ થી ઉત્પન્ન થયેલ માન (૨૦-૨૬)
જે જે વસ્તુ વિભૂતિ યુક્ત, ઐશ્વર્યયુક્ત અને કાંતિ યુક્ત છે તે સર્વ મારા તેજ ના ‘અંશ’ થી ઉપજેલી જાણ(૪ ૧)
હું મારા અંશ માત્ર થી સમગ્ર જગત ધારણ કરી રહ્યો છું.(૪૨)
અધ્યાય-૧૧ -વિશ્વ રૂપ દર્શન યોગ
અર્જુન –હે કૃષ્ણ, આપે મને ઉચ્ચ અધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું તેનાથી મારો મોહ દૂર થયો છે, પણ હવે મને આપનું અવિનાશી રૂપ જોવાની ઈચ્છા છે.(૧-૪)
કૃષ્ણ-હે અર્જુ ન, તું સ્થૂળ ચક્ષુ થી તે જોઈ શકીશ નહિ, માટે હું તને દિવ્ય ચક્ષુ(દ્રષ્ટિ) આપું છું.તે વડે તું મારું અવિનાશી, વિશ્વરૂપ, અને વિરાટ રૂપને જો(૫-૮)
અર્જુને જોયું તો હજારો સૂરજ એક સાથે ઉદય પામ્યા હોય તેવું તેજ આ સ્વરૂપ નું દેખાણું.(૧-૨)
આ વિરાટ, વિશ્વ રૂપ દર્શન માં ભગવાન મુકુટ, ગદા અને ચક્ર વાળા, અતિશય કાંતિવાળા, હજારો હાથ વાળા, હજારો મસ્તકવાળા, હજારો ઉદર વાળા, આદિ, મધ્ય અને અંત વગરના દેખાતા હતા.તેમનાથી પૃથ્વી, આકાશ અને દિશાઓ વ્યાપ્ત થઇ ગયા હતા.વળી તેમના સંહારક રૂપ માં તેમનું મુખ જ્વલંત અગ્નિ નું બનેલું જોઈ અર્જુન ભયભીત પણ થાય છે. (૧૩-૩૧)
‘’હે, અર્જુન, હું લોકોના વિનાશ કરનાર કાલ સ્વરૂપે અહી પ્રવૃત થયો છું, તારા વિના પણ આ બધા યોધ્ધાઓ ઓ નાશ પામવાના છે, માટે મોહ ત્યજીને ઉઠ અને શત્રુઓ પાર વિજય મેળવી તું માત્ર નિમિત્ત થા(૩૨-૩૩)
અર્જુન—હે કૃષ્ણ, આપ અનાદિ પુરાણ પુરુષ છો, વિશ્વના લય સ્થાન છો, આપ જાણનાર અને જાણવાયોગ્ય પરમ ધામ છો, આપ વડે સકળ વિશ્વ વ્યાપ્ત છે. (૩૮)
પૂર્વે નહિ જોયેલું આ દિવ્ય તેજોમય સ્વરૂપ જોઈ હું હર્ષ પામ્યો છું, છતાં તમારું સંહારક સ્વરૂપ જોઈ ભયથી મારું મન ઘણું ગભરાઈ ગયું છે.માટે હે દેવ, મને પૂર્વ નું રૂપ દેખાડો(૪૫)
ત્યારે કૃષ્ણે પોતાનું અસલ રૂપ દેખાડ્યું
કૃષ્ણ –હે અર્જુન, તેં જે પ્રકારે મારું વિરાટ દર્શન કર્યું તે પ્રકારે હું વેદો વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી, માત્ર અનન્ય ભક્તિ વડે જ એ દિવ્ય રૂપને જાણવા, જોવા, સાક્ષાત્કાર કરવાનું શક્ય છે.(૫૩-૫૪)
જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મને જ શ્રેષ્ઠ માનનારો, મારા પરાયણ રહેનારો, જેણે સંગ નો ત્યાગ કર્યો છે, અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે, તે મને પામે છે (૫૫)
અધ્યાય-૧૨ -ભક્તિ યોગ
અર્જુન- એ કૃષ્ણ, સાકાર, સગુણ બ્રહ્મ ની ઉપાસના કરનાર, કે નિરાકાર, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર, આ બે માં થી ઉત્તમ કોણ?(૧)
કૃષ્ણ-હે અર્જુન, જેઓ મારામાં મન રાખીને, નિત્ય તત્પર રહીને શ્રદ્ધા થી મને ભજે છે,
તે શ્રેષ્ઠ યોગી છે (૨)
નિરાકાર, નિર્ગુણ બ્રહ્મ નીઉપાસના કરનારા દેહધારી પુરુષોને ઉપાસના નું (દમન નું) કષ્ટ થાય છે.અને અવ્યક્ત ગતિ મહાપ્રયાસ થી પ્રાપ્ત થાય છે.(૫)
---માટે તું મારામાં જ મન સ્થિર કર, મારામાં જ બુદ્ધિ પરોવ.એમ કર્યાથી તું મારામાં જ વાસ કરીશ, એમાં શંકા નથી (૮)
---જો તું આમ ના કરી શકતો હોય તો અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કર.(૯)
---અભ્યાસ યોગ પણ ના કરી શકતો હોય તો મારે માટે જ કર્મ પરાયણ બન (૧૦)
---જો આમ કરવા પણ તું અસમર્થ હોય તો, મન નો સંયમ કરી કર્મફળો નો ત્યાગ કરી કર્મ કર (૧૧)
કારણકે અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે,
જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, અને
ધ્યાન કરતાં પણ કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે.(૧૨)
જે કોઈ નો દ્વેષ નહિ કરનાર, મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર વગરનો, સરળ, સુખ દુઃખ ને સમાન માનનાર, ક્ષમાશીલ, સદા સંતોષી, યોગનિષ્ઠ, ઈન્દ્રિયોને વશમાં રાખનાર, દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે (૧૩-૧૪)
જેઓ મારામાં ‘પરમ શ્રધ્ધા ‘ રાખી, મારામાં ‘પરાયણ’ રહી, અત્યાર સુધી માં વર્ણવેલા ‘ધર્મ મય’ અમૃત નું સેવન કરે છે.તે મને પ્રિય છે (૨૦)