Bhootno Bhay - 2 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 2

Featured Books
Categories
Share

ભૂતનો ભય - 2

ભૂતનો ભય-૨

-રાકેશ ઠક્કર

બંગલાનું ભૂત

શતુરી રાત્રે સવા આઠ વાગે નહાઈને બંગલાની પાછળના ભાગની દોરી પર ટુવાલ સુકવવા ગઈ ત્યારે થોડે દૂર આવેલા બંધ અને ભૂતિયા ગણાતા બંગલામાં એક યુગલને પ્રવેશતા જોઈ ડરીને અંદર ઘરમાં ઘૂસી ગઈ અને દરવાજાની આડશમાંથી એમને જોવા લાગી.

શતુરી સવા વર્ષ પહેલાં જ અજ્ઞેશ સાથે લગ્ન કરીને આ બંગલામાં આવી હતી. આ બંગલા વિસ્તારમાં આ એક જ એવો બંગલો હતો જે વર્ષોથી ખાલી પડી રહ્યો હતો. એનો માલિક કોણ છે એની પણ કોઈને ખબર ન હતી. એમ કહેવાતું હતું કે એનો માલિક મરી ગયા પછી કોઈ ધણીધોરી ન હતું. એક વખત બંગલામાં ચોરીનો પ્રયાસ થયો હતો. તસ્કરો બારીનો કાચ તોડી અંદર ઘૂસ્યા હતા. એમની એ મહેનત પણ એમના માથે પડી હતી. આજે આ યુગલ કોણ હતું અને બંગલામાં કેમ આવ્યું હતું એ વાતથી શતુરીને કુતૂહલ થઈ રહ્યું હતું. એક તબક્કે તો એને લાગ્યું કે આ ભૂત યુગલ તો નહીં હોય ને? પણ પછી અંદર ઝાંખી લાઇટ થઈ ત્યારે એને લાગ્યું કે માણસો જ છે અને ઘર જોવા આવ્યા છે. ત્યાં કૂકરની સીટી વાગી એટલે રસોડામાં જતી રહી. અજ્ઞેશ આવવાની તૈયારી હતી અને જમવાનું બનાવવાનું ચાલુ કર્યું હતું. એ પાછળના બંગલાને ભૂલીને રસોઈમાં પરોવાઈ ગઈ.

બાર-તેર મિનિટ પછી ડોરબેલ વાગ્યો. અજ્ઞેશ આવી ગયો અને રસોઈ બની નથી.બબડતી શતુરીએ દરવાજો ખોલ્યો અને સામે અજ્ઞેશને બદલે એક અજાણી યુવતીને જોઈ ચોંકીને પૂછી બેઠી:કોણ...?’

શતુરીના અવાજના હુમલાથી યુવતી ચોંકી ગઈ અને ગભરાઈને બોલી: હું... હું... આગિતા... પાછળનો બંગલો જોવા આવ્યા હતા. મારા પતિ રૂમેશ બહાર ઊભા છે. મેં કહ્યું કે હું બાજુના બંગલામાં પૂછી આવું કે એ બંગલો ખરીદવા જેવો ખરો? લાંબા સમયથી બંધ છે ને...?’

હં... એ... એ બંગલો વર્ષોથી ખાલી પડેલો છે. હું તો સવા વર્ષ પહેલાં જ આવી છું. બહુ જાણતી નથી પણ એ ભૂતિયો ગણાય છે. કોઈ આવતું- જતું નથી. અમે રહેવા આવ્યા પછી ખબર પડી. મને રાત્રે ઘણી વખત એની બીક લાગે છે. તમે કોઈ જૂના માણસોને પૂછી લેજો...કહેતી શતુરી વધારે વાત ના કરવી હોય એમ મારી રસોઈ બને છે, હું જઉં છુંકહી દરવાજો બંધ કરતી જતી રહી.

ફ્લેટ પર પહોંચ્યા પછી આગિતાએ ફરી કહ્યું:રૂમેશ, આ બંગલાનો વિચાર છોડી દે. એ ભૂતિયો હશે એટલે જ તને સસ્તામાં આપી રહી છે.

આગિતા, તું આ વાત દસ વખત કહી ચૂકી છે. મેં તપાસ કરાવી છે. એવી કોઈ વાત નથી. એની માલિક અપર્શાએ મને કહ્યું છે કે તે વિદેશ હતી અને અવાવરુ પડ્યો રહ્યો એટલે લોકો ખોટી વાતો કરે છે. મારે હવે વિદેશ જ સ્થાયી થવું છે એટલે અડધી કિંમતે કાઢવાનો છે. હું નક્કી કરી ચૂક્યો છું. આજે ફ્લેટથી સસ્તો બંગલો ક્યાં મળે છે? હું અપર્શાને કાલે બયાનું આપી નક્કી કરી લઇશ...

તો તમે એકલા રહેજો ત્યાં... હું આવવાની નથી.આગિતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો.

રૂમેશને ખબર હતી કે એ થોડો સમય રીસાયેલી રહેશે. પછી માની જશે. પણ એવું બન્યું નહીં. રૂમેશે બંગલામાં થોડો નવો સામાન વસાવ્યો અને ટ્રાયલ માટે બે દિવસ રહેવા જવાની વાત કરી પણ આગિતા એકની બે ના થઈ. રૂમેશ ખીજવાઈને રાત્રે એકલો જ એ બંગલામાં એક રાત રહેવા જતો રહ્યો.

બીજા દિવસે સવારે આગિતાને થયું કે પોતે ભલે ના ગઈ પણ રૂમેશને જવા દેવાનો ના હતો. એણે ઊઠતાની સાથે જ ફોન લગાવ્યો. પંદર મિનિટ સુધી રીંગ મારતી જ રહી પણ કોઈ જવાબ ના આવ્યો. એને થયું કે મોબાઈલ સાયલન્ટ રાખીને સૂઈ ગયો હશે. પણ બીજા અડધા કલાકે સતત પ્રયત્ન પછી જવાબ ના મળ્યો એટલે રૂમેશે આપેલી બીજી ચાવી લઈને એક્ટિવા પર મારમાર કરતી પહોંચી અને બંગલાનો દરવાજો ખોલ્યો. રૂમેશે બંગલાની સાફસફાઈ કરીને એને સ્વચ્છ કરાવ્યો હતો. એ બેડરૂમમાં ગઈ અને રૂમેશની સળગેલી લાશ જોઈ હેબતાઈ ગઈ. ચીસ પણ પાડી ના શકી. એમ લાગતું હતું કે મોબાઇલનું ચાર્જર પ્લગમાં ભેરવતી વખતે થયેલી શોર્ટ સર્કિટમાં એને કરંટ લાગી ગયો હતો.

એ દોડતી શતુરીને ત્યાં ગઈ અને ધ્રૂજતાં ધ્રૂજતાં હકીકત કીધી. અજ્ઞેશ ઘરે જ હતો. એણે પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરી દીધો. શતુરીએ રડતી આગિતાને આશ્વાસન અને સહારો આપ્યા.

આ ઘટનાના છ મહિના પછી શતુરીએ જોયું કે એ ભૂતિયા બંગલામાં કોઈનો ઘરસામાન આવ્યો હતો. તે વધારે કંઇ વિચાર કરે એ પહેલાં જ ત્યાં આગિતા આવી અને દૂર ઊભેલા યુવાન તરફ ઈશારો કરી ખુશ થઈને કહેવા લાગી:આજથી તમારા પડોશમાં આવ્યા છે. એ મારા નવા પતિ રાગેશ છે...

શતુરી તો આંખ ફાડીને બંનેને જોઈ જ રહી. તેને થયું કે આ બંનેએ તો ક્યાંક પેલાને મારી નાખ્યો નહીં હોય ને? એ બોલી:પણ આ બંગલો તો...

ભૂતિયા હતો. હવે નહીં ગણાય. અમે માણસો રહેવા આવી ગયા છે... પછી મળતાં રહીશું.કહી આગિતા નીકળી ગઈ.

શતુરી તો આભી બનીને બંનેને તાકતી જ રહી ગઈ. અજ્ઞેશ કહેતો હતો કે રૂમેશનું કરંટ લાગવાથી મોત થયું હતું. પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે અપર્શા નામની સ્ત્રીના નામ પર આ બંગલો નોંધાયેલો છે. પણ એ બે વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી. એ પહેલાં તે રૂમેશને વેચી ચૂકી હતી.

પોતાના બંગલામાં જઈને આગિતાએ રૂમેશની પોતાના બેડરૂમમાં લગાવેલી એક નાની તસવીર પર હાર ચઢાવી મનોમન કહ્યું:રૂમેશ, અચાનક બધું કેવું બની ગયું. તારું કરંટ લાગાવાથી મોત થયા બાદ હું હતપ્રભ થઈ ગઈ હતી. તેં એ રાત્રે ભૂત સ્વરૂપે આવીને મને જ્યારે બધી વાત કરી ત્યારે પહેલાં હું અચંબામાં પડી ગઈ હતી. ગયા જન્મમાં તું અને અપર્શા જીવનસાથી હતા. ત્યારે વિખૂટા પડી ગયા હતા. આ જન્મમાં તારા મારી સાથે લગ્ન થયા પણ અપર્શા પ્રેત રૂપે ફરતી હતી. એણે તને ખબર ના પડે એ રીતે આ બંગલો પહેલા તારા નામ પર કરી દીધો અને પછી તારો જીવ લઈને તને ભૂત બનાવી દીધો. તમે હવે ભૂતયુગલ બની ગયા અને ક્યાંક બીજી જ દુનિયામાં ચાલ્યાં ગયાં. તમે જતાં જતાં મને મારા કોઈ ગમતા કોલેજના કે ઓળખીતા છોકરા સાથે લગ્ન કરી લેવાની સલાહ આપી અને મેં એનો અમલ કરી દીધો છે. હું રાગેશ સાથે લગ્ન કરીને આ બંગલામાં રહેવા આવી ગઈ છું. તમારા બંનેના આત્માના સુખ માટે પ્રાર્થના કરું છુંહા, તારી અને અપર્શાની વાતને મેં દિલમાં દફન કરી દીધી છે.

***