Vansali Samrat PanditGhoshni punytithi in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વાંસળી સમ્રાટ પંડિત ઘોષની પુણ્યતિથિ

Featured Books
Categories
Share

વાંસળી સમ્રાટ પંડિત ઘોષની પુણ્યતિથિ

વાંસળીસમ્રાટ પંડિત ઘોષની પુણ્યતિથિ

વાંસળીમાં સાતમા છિદ્રની શોધ જેમને આભારી છે એવા પન્નાલાલ ઘોષ ભારતના ખ્યાતનામ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. હતો. તેઓ સ્વભાવએ નિખાલસ અને નિરાભિમાની હતા.

તેઓ વાંસળીવાદક થયા તે પાછળનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે.તેમના પિતા અક્ષય ઘોષ ખુબ નાના હતા ત્યારે તેમની માતા યાત્રાએ ગયેલ. એ સમયે યાત્રા ખુબ લાંબી રહેતી. અમુક વર્ષો બાદ માતા પાછા ઘરે આવ્યા ત્યારે તેમના પુત્ર અક્ષય થોડા મોટા અને સમજદાર થઇ ગયા હતા. તેમના ઘરમાં અક્ષયના ઓરડામાં માતાએ વાંસળી જોઈ. જો કે માતાને વાંસળી પ્રત્યે કોઈ અડચણ નહતી, પણ ખબર નહિ કેમ તેમણે વાંસળી ઉઠાવી બહાર ફેંકી દીધી. એ જમાનામાં માતાપિતાની વાતનું ઉલ્લંઘન કરવું કે પોતાની મરજી કે શોખ મુજબ આગળ વધવું એવું કોઈ વિચારી જ ના શકતું. આથી અક્ષય કઈ જ ના બોલ્યા અને તેમણે વાંસળી સાચવીને રાખી દીધી. જયારે તેમના લગ્ન થયા ને તેમનો દીકરો અમલ જ્યોતિ(પન્નાલાલ) સમજુ થયો ત્યારે તેને આ વાંસળી આપી.અમલને ખબર પડી કે તેમની દાદીએ તેમના પિતાની વાંસળી ફેંકી દીધી હતી, ત્યારે તેઓએ સિતાર છોડી, વાંસળી અપનાવીને પિતાની અધુરી ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું.

કહેવાય છે કે સંગીતની દુનિયામાં જેમ પંડિત બીસ્સામીલ્લાહખાન શરણાઈવાદન માટે અજોડ પ્રતિભા તેમ ફેકેલી વાંસળી ઉઠાવી વાંસળીવાદક બનેલા પન્નાલાલ ઘોષ એ આપણા ભારતના સંગીતના ઇતિહાસમાં ખુબ મોટું વરદાન અને ગૌરવ સાબિત થયા.

તેમણે ૧૯૪૭ માં ભારતના મહાન વાદક શ્રી અલ્લાઉદ્દીન મૈહરવાલાને ગુરુપદે સ્થાપ્યા. વાંસળીવાદનમાં કુશળતા મેળવવામાં સારો એવો સમય વ્યતીત કર્યો હતો. 9 વર્ષની ઉંમરે એમણે વાંસળીવાદન શરૂ કર્યું. સંગીતની તાલીમ એમણે કૉલકાતામાં ‘ન્યૂ થિયેટર્સ’ ફિલ્મ કંપનીમાં 1925માં જોડાયા પછી ખુશી મહમદ તથા ગિરજાશંકર ચક્રવર્તી પાસેથી મેળવી. 1939માં વિદેશ-પ્રવાસ ખેડ્યો. 1947માં પ્રખર સરોદવાદક ઉસ્તાદ અલાઉદ્દીનખાં પાસેથી એમણે સંગીતની વિશેષ તાલીમ મેળવી.સાચા સૂરવાળી વાંસળી બનાવવામાં તેઓ જાતે ધ્યાન આપતા. હાથના આંગળા સોજી જાય ત્યાં સુધી તેઓ સાધના કરતા. વાંસળીમાં તેમણે લંબાઇ, કાણાંઓની સંખ્યા સાથે પ્રયોગો કર્યા હતા.જેમાં ધાતુ, વાંસ અને લાકડીની વાંસળીઓ સામેલ છે.

તેમના ખાસ મિત્ર અનીલ બિશ્વાસ અને તેમની દોસ્તી માટે એમ કહેવાતું કે એક જાન દો બદન. પન્નાલાલના લગ્ન અનીલ બિશ્વાસની બહેન પારુલ સાથે થયેલ. પન્નાલાલ ઘોષના પત્ની પારુલ ઘોષ સારા ગાયિકા છે.તેમણે અનેક ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું છે.૧૯૩૪ માં કલકત્તાના ન્યુ થીયેટરમાં કામ કરવા લાગ્યા. એ વખતે તેમની મુલાકાત મહાન સંગીતકાર આર.સી.બોરાલ સાથે થઇ.એક વાર બોરાલ સાહેબે અનીલ બિશ્વાસને રેકોર્ડીંગ માટે સ્ટુડિયો પર બોલાવ્યા. પન્નાલાલ તેમના ખાસ મિત્ર હોવાને નાતે તેમની સાથે જ રહેતા. બંને મિત્રો સ્ટુડિયો પર ગયા. અનીલ બિશ્વાસને આવા ઓફીસીઅલ સ્ટુડીયોનો કોઈ અનુભવ નહોતો.જયારે તેઓને અંદર રેકોર્ડીંગ માટે બોલાવ્યા ત્યારે એઓ અંદર અને પન્નાલાલ બહાર એમ બંન્ને મિત્રો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. જયારે અનિલ રેકોર્ડીંગ પતાવી બહાર આવ્યા ત્યારે પન્નાલાલને રેબઝેબ જોઈ પૂછ્યુ કે અરે હું તો અંદર ને મારા રેકોર્ડીંગના ટેન્શનમાં મને પરસેવો થતો હતો પણ તું અહી કેમ પરસેવે રેબઝેબ છો? ત્યારે પન્નાલાલે કહ્યું કે મને એમ થતું હતું કે અંદર શું ગાશો એ ચિંતામાં !!” આવી હતી બંનેની દોસ્તી. જયારે પન્નાલાલ મુંબઈ આવ્યા ત્યારે અનીલ બિશ્વાસ ખુબ સફળ જાણીતા સંગીતકાર બની ગયા હતા અને તે પછી તેમની તમામ ફિલ્મોમાં જ્યાં વાંસળીવાદન હોય એ બધામાં પન્નાલાલ જ રહ્યા.

સમગ્ર ભારતમાં બંસરી પર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પ્રથમ એમણે જ આપ્યા. ન્યુ થીયેટરની પ્રખ્યાત ચિત્રપટ સંસ્થામાં પાર્શ્વસંગીત માટેના વાદ્યવૃંદમાં જોડાયા હતા. જુદા જુદા કલાગુરુઓ પાસેથી પધ્ધ્તીસરની તાલીમ લીધી હતી.કલકત્તાના આકાશવાણી વિભાગમાં કલકાર તરીકે પણ જોડાયા હતા. બોમ્બે ટોકીઝમાં ‘બસંત’ અને આરાધમાં જેવી કેટલીક ફિલ્મોનું સંગીતનિયોજન કર્યું હતું. પન્નાલાલ સ્વર પર અદભુત કાબૂ ધરાવતા તથા પ્રત્યેક રાગ શુદ્ધ સ્વરૂપે રજૂ કરતા. એમણે ચંદ્રમૌલિ, દીપાવલી, પંચવટી, નૂપુરદર્શન વગેરે કેટલાક નવા રાગો રચ્યા છે. શાસ્ત્રીય સંગીતના અંગોની રજૂઆત પણ તેઓ વાંસળીથી કરવા લાગ્યા હતા.ખ્યાલ,ઠુમરી,ખટક,મુરકી વગેરે રાગો વાંસળીથી વાગી શકે એવું તેમણે સાબિત કર્યું હતું.

તો પન્નાલાલના ભાઈ પંડિત નિખિલ ઘોષ કુશળ તબલાવાદક તરીકે ભારતમાં પ્રખ્યાત છે. તથા ‘સંગીત મહાભારતી’ નામની સંગીત સંસ્થા ચલાવે છે. તેમના શિષ્ય અને જમાઈ દેવેન્દ્ર મુર્ડેશ્વર, રઘુનાથ શેઠ, હરિપદ ચૌધરી, વી. જી. કર્નાડ તથા પ્રકાશ વઢેરા પણ અગ્રણી વાંસળીવાદકો છે. તેમના શિષ્યો અને ગ્રાહકોએ મુંબઈ ખાતે તેમની સ્મૃતિમાં પન્નાલાલ ઘોષ બંસરી વિદ્યાપીઠની સ્થાપના કરી છે.

૧૯૫૨ માં તેમણે ચેતન આનંદની ફિલ્મ આંધીયામાં બેક ગ્રાઉન્ડ સંગીત આપ્યું, તો ઉસ્તાદ અલી અકબર ખાન, પંડિત રવિશંકરની સાથે પણ વિવિધ પિકચરમાં સંગીત આપ્યું. કહેવાય છે કે મંચ પર કાર્યક્રમ કરતી વખતે તેઓ એકસાથે ૩ વાંસળીઓ સાથે રાખતા. સહુથી નીચા સૂર માટે તેઓ મોટા છિદ્રોવાળી વાંસળીનો ઉપયોગ કરતા. તેમની અનોખી વિશિષ્ટતા હતી. બાંસુરી સંગીત પર તેમની પ્રભુતા અનન્ય હતી. ખુદ ગાંધીજી પણ તેમનું વાંસળીવાદનથી મુગ્ધ હતા.ગાંધીજીએ તેમને પોતાના હસ્તાક્ષરમાં પ્રમાણપત્ર આપેલ: “બંસી બહુત મધુર બજાઈ!” સ્વરસામ્રાજ્ઞી સ્વ.લતા મંગેશકર તેમના માટે એવું કહેતા કે, “ પન્નાલાલ ઘોષ સાથે કામ કરવાનો એક અનોખો આનંદ હતો.”

શાસ્ત્રીય સંગીતમાં મહાન ઉસ્તાદોની નજરમાં પણ વાંસળીને આદરપાત્ર બનાવનાર એવા પ્રખ્યાત વાંસળી વાદક પન્નાલાલ ઘોષની પ્રભુતા અજોડ હતી. તેઓ કહેતા: “ઈશ્વરની જરા સરખી પણ જ્યોત જોવા મળશે તો જીવન સફળ બને અને એ જ મારું જીવન ધ્યેય છે.”

ભારતના સંગીતની દુનિયાની કમનસીબી કે બહુ નાની ઉમરે આવા મહાન વાંસળીવાદક પ્રભુને પ્યારા થઇ ગાય. બાંસુરીવાદન કરતા કરતા સ્વર સમાધિમાં લીન થતા એવા પ્રતિભાયુક્ત અનન્ય વ્યક્તિત્વ ધરાવતા ઘોષ બાબુનું અસ્તિત્વ ૨૦ અપ્રિલ ૧૯૬૦ ના વિલીન થયેલુ.પણ સૂર દેહે અમર થયેલ છે એવા પન્નાલાલ ઘોષ કહેતા: “પૂર્ણતા એટલે પ્રભુ પ્રાપ્તિ અનેતેથી એ પૂર્ણતા હું વાંસળીમાં પામવા ઈચ્છું છું.”

વાંસળીને સાત છિદ્રો દ્વારા સંગીતની પૂર્ણતા આપનાર મહાન વાંસળીવાદક શ્રી પન્નાલાલ ઘોષના વાંસળીના મધુર સૂરો ભારતવર્ષમાં અચળ,અવિરત ગુંજતા રહેશે.