કંકુએ પન્નાલાલ પટેલની એક પ્રસિદ્ધ નવલકથા છે. અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં સૌ પ્રથમ કંકુ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઈ આવી છે. શિકાગો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કંકુનો અભિનય કરનાર પલ્લવી મહેતાને સર્વોત્તમ અભિનેત્રી નો એવોર્ડ મળ્યો છે. પન્નાલાલ પટેલની જન્મભૂમિ ગામડું છે. તેઓ પોતે ખેડૂત પિતાનું સંતાન છે. તેથી જ ખેતરો, ડુંગરો અને વનરાજી સાથે તેમનો સંબંધ હતો. તત્કાલીન સમાજના લોકો, તેમના રીત રિવાજો, મેળાઓ, ઉત્સવો, તળપદી ભાષા એ સૌ તેમની કૃતિની આગવી વિશેષતા છે. કંકુ નવલકથામાં આનું સુંદર આલેખન થયેલું જોવા મળે છે. જનપદ અને તેમાં વસતા લોકોનું માનસ તેમના લોહીનો લઈ બનીને ધબકતા રહે છે. કંકુ એ પન્નાલાલ પટેલની જાનપદી નવલકથા છે. અહીં ગ્રામ ચેતના પૂર્ણપણે પ્રગટેલી જોવા મળે છે. એમણે ગામડાને કોઈક આદર્શના પ્રચાર સાધન તરીકે કે કેવળ ભાવના રંગી છબી રૂપે નહીં, પરંતુ ગામડાની વિશેષતા અને મર્યાદાઓને પીછાણીને વાસ્તવિક રૂપમાં સાચા પ્રેમી બનીને પસંદ કર્યું છે.
કંકુ એ કથાનાયિકા છે. ખુમો એ નવલકથાનો નાયક છે. આ બંને પાત્રોની પ્રણયકથા અહીં આલેખવામાં આવી છે. કંકુ અને ખુમાની જોડી અજબ પ્રકારની છે. આ બંને પાત્રો શરીરે ખડતલ અને બહાદુર છે. આખા ગામમાં સૌ કંકુ અને ખુમાના વખાણ કરે છે. જોકે કોઈ કોઈ તેમની ઈર્ષા પણ કરે છે. પન્નાલાલે કથાના પ્રારંભમાં ખુમો કંકુને પરણીને આવે છે તેની વાત કરી છે. ગ્રામ્ય પરિવેશથી પન્નાલાલ નવલકથાનો પ્રારંભ કરે છે. કિશોરીઓ અને યુવતીઓ સાથે અબાલ વૃદ્ધો ગામના નાકે ટોળે વળ્યું. અહીં વેલમાં બેસાડી ખુમો કંકુને પરણી લાવે છે. સૌ ગામલોકો એમને જોવા ગામના નાકે એકઠા થયા હતા. આ કન્યા ઘણી રૂપાળી છે. સ્વરૂપવાન છે એવું સૌ કોઈ કહેતા હતા. કંકુ અને ખુમાની સગાઈ ગલા કાકાએ કરાવી હતી. કંકુએ ઘરસંસાર માંડ્યો. ખુમો અને કંકુ એકબીજા પર અપાર વિશ્વાસ ધરાવતા હતા. તેવો બળદો લઈ ખેતરે જતા હતા અને કામ કરતા હતા અને સાથે આનંદ કિલ્લોલ કરતાં પાછા ફરતા હતા. ઘરના કે ખેતીના કામમાં એકબીજાને મદદ કરતા હતા આ રીતે એમનું સુખમય જીવન પસાર થાય છે.
ચોમાસુ આવતા સૌ વાવણીની તૈયારીઓ કરવા લાગે છે. કંકુ અને ખુમો પણ ખેતી કામમાં જોતરાઈ જાય છે. એક દિવસ જાણે આભ ફાટે છે તેઓ જોરદાર મુશળધાર વરસાદ વરસે છે. આ બંને પાત્રો ખેતરેથી ઘરે જવા નીકળે છે. તળાવની પાળે પાળે બળદો લઈને તેઓ જાય છે. તળાવની પાળ ફાટવા લાગે છે. કંકુ અને ખુમો ત્યાં જ ઉભા રહી જાય છે. બળદોને રવાના કરી ખુમો પાળની ફાટમાં પથ્થરો અને લાકડા નાખવા લાગે છે. ખુમાના સુચનથી કંકુ દોડતી દોડતી ગામમાં આવે છે અને આ વાતની જાણ કરે છે. સૌગામ લોકો દોડતા આવે છે અને પછી પાળ બાંધે છે. ખુમાના આ સાહસને કારણે ગામનો પાક અને આખું ગામ તણાતા બચી જાય છે. સૌ ઘરે જાય છે. પણ ખુમો હવે બીમારીમાં સપડાઇ જાય છે. ઘણો સમય વીતવા છતાં તે સાજો થતો નથી. કંકુ તેના માટે ઘણા ઉપાયો કરે છે પણ તે સૌ નિષ્ફળ જાય છે અને ખુમો મૃત્યુ પામે છે. પણ મળતા મરતા તે કંકુ ને કહેતો જાય છે કે, જો હું મરી જાવ તો કોઈ સારા સપુતનુ ઘર ખોળી લેજે.
હર યુવાનીમાં કંકુને વૈધવ્ય વેઠવાનો સમય આવે છે. ગલો ડામોર ગામનો આગેવાન છે તે સૌ લોકોને જણાવે છે કે સૌએ ભેગા મળીને જ્યાં સુધી કંકુનો દીકરો હીરિયો મોટો ન થાય ત્યાં સુધી તેના ખેતર વાવી આપવા સૌ તૈયાર થાય છે. અને આ રીતે સૌની સાથે કંકુ પણ ખેતીના કામમાં જોડાઈ જાય છે. ત્યાં એક દિવસ કંકુ વાણીયા મલકચંદ કાકાની દુકાને જાય છે. ખુમાનો જે ઉધાર હતો તે ઠીક ઠીક ભરી નાખે છે. દિવસે દિવસે હીરીયો મોટો થતો જાય છે. કંકુ કહે છે કે મલકચંદ કાકા આવતી સાલ તો મારે હળ ઊભું કરવું છે મને મદદ કરશોને? ત્યાં મલકચંદ કાકા સહમત થાય છે. મલકચંદ એ એક વિધુર શેઠ છે. ગામડાની પ્રજાને દોહી દોહીને એ જીવે છે. કંકુ આજે પણ ભરયુવાન હતી. તેની આ યુવાની પર મલકચંદ કાકા મોહી પડે છે. અને તેને બાનમાં લેવા વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે અને કંકુ તેમાં ફસાય છે.